જીવનમાં એવા કેટલા લોકો ને ઓળખો કે જે કોઇપણ વાત ટોપિક કે સબ્જેક્ટ ઉપર એમ કહી દે .. અહં ..!! એમ..!!??
ના હવે , આમ નહિ , આમ કરાય..!
દરેક વાત ને ક્યાંક પૂર્ણવિરામ ઉર્ફે ફૂલસ્ટોપ પોતાનાથી જ આપે અને પોતાનો કક્કો ખરો કરે..
બેકગ્રાઉન્ડ ચેક કરો..બિલકુલ સામાન્ય કક્ષાનું ભણ્યો હશે ,બિલકુલ સામાન્ય પ્રકારનું જીવન જીવતો હશે અને એના જીવનમાં પ્રેક્ટીકલી કશું જ ના મળે અને તો પણ પુંછડું પછાડે ..
જીવનના એક તબક્કે એકલું ને એકલું મોટીવેશનલ વાંચતો હોય અને સાંભળતો હોય અને એના આધારે જ પાછો સમાજની દરેક સમસ્યા સોલ્વ કરવા ફરતો હોય .. પણ પોતાના ઘરના ઠેકાણા ના હોય..
એમ ? ના હોય ? પણ ના , આમ જ કરાય ,અને આવું જ હોય..!!
આપણાથી આવી પ્રજા બહુ સહન ના થાય..
છેલ્લે આપણી છટકે એટલે કહી દેવું પડે એ..ઈ.. પીન્ટકલે ..સટકલે.. વટલે.. કટલે…!!
એકદમ ગંદી રીતે સટકાવી ને વટકાવો પડે ..
જિંદગીમાં આવા માણસોને દૂર રાખવા પડે છે, કેમકે એમની પાસે પોતાના અનુભવો ને શેર કરવા જેવું કશું હોતું જ નથી , ક્યાંક મહી પડી ને કોઈ કામ કર્યા હોય તો અનુભવ મળે ને ..
પાળે ઉભા રહી ને તળાવ અને દેડકા જોયા હોય ને વાત કરે દરિયાની..!!
કોઈક ચોક્કસ પ્રકાર નો અનુભવ લેવા માટે જબરજસ્ત હિંમત જોઈએ , આઉટ ઓફ બોક્સ જવું પડે, અને એ પેહલા પોતે જે બોક્સમાં ભરાયો હોય ને એ બોક્સના ખૂણે ખૂણા પણ જોઈ લેવા જાણી લેવા પડે..
મોટેભાગે આઉટ ઓફ બોક્સ જવાની ઢીલી ઈચ્છા વાળી પ્રજા પણ પોતે જે બોક્સમાં ભરાઈ છે એ બોક્સને પણ પૂરું જોઈ જાણી નથી શક્તી ..
જિંદગીમાં અનુભવો લેવા બહુ અઘરા છે ,એક ચોક્કસ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે અને દરેક અનુભવ સારા જ હોય એવું નથી હોતું એટલે બહુધા લોકો અનુભવ લેવા જ નથી જતા ,ને કોઈકના અનુભવો ને વાંચી સાંભળી ને દે માર જ્યાં જગ્યા દેખાય ત્યાં ઠોકે..!!
પાછું આવા પીન્ટકલાઓ ને છવાઈ જવાની ઘણી હોંશ …
મને બધા બોલાવે ,પાંચમાં પૂછે ,અને લાગ ગોઠવાય તો પૂજે પણ ખરા..!! આવી બધી ભયંકર ભયંકર તમન્નાઓ દિલમાં લઈને જીવતો હોય પીન્ટકલો ..
ત્રાસ ક્યારે થાય ખબર છે ?
તમને જયારે તમારા ઘરમાં એકદમ નેક્સ્ટ લેવલના રીલેશનમાં સાઢું, સાળો, બનેવી , ભાઈ કે બેહન અને જો અક્કરમી નો પડિયો કાણો હોય તો જીવનસાથી આવો પીન્ટકલો કે આવી પીન્ટકલી મળી જાય એટલે પત્યું ..
એક એક કામ પીન્ટકલા ની રજાચિઠ્ઠી લઇ લઇ ને કરવા પડે..!!
પીન્ટકલા ને સટકલે એમ પણ ના કેહવાય, નહિ તો એની છટકે તો બીજા ચાર પ્રોબ્લેમ ઉભા કરે એટલે જિંદગી આખી થાબડભાણા જ કર્યા કરવા પડે બીજો કોઈ જ રસ્તો નહિ..!
કેટલા પીન્ટકલા યાદ આવ્યા ?
હવે ઘર ને છોડો , અને ઓફીસમાં નજર ફેરવો ..
કેટલા પીન્ટકલા ?
એની માં ને આ તો દુનિયા પીન્ટકલા ઓ થી ભરી પડી છે ..
પરસેવો થાય છે કે ઘભરામણ ?
થાય, થાય અને તો જ આ મોટીવેશનલો ની દુકાન ચાલે..બાવાઓ ની દુકાન ચાલે , પાછા થોડાક સ્માર્ટ પીન્ટકલા બે ચાર જુદી જુદી ટાઈપના બાવા અને મોટીવેશનલ ને સાંભળી સાંભળી ને એમાંથી “નવું” શોધવાની કોશિશ કરે..
આ આઉટ ઓફ બોક્સ જવાની મારી પર્સનલ વાત શેર કરું ..
પર્સનલ બ્લોગ છે તો પછી એ તો રેહવાનું બકા..!!
વચ્ચે થોડાક સમય પેહલા એક વધારે પડતા આગ્રહથી આમન્ત્રણ હતું અમારા સમાજનું ગેટ ટુ ગેધર છે તમે મોટીવેશનલ સ્પીચ આપવા આવો ને આવો..!
આઉટ ઓફ બોક્સ જવાનો અવસર..હતો ..
પણ મેં કીધું અલ્યા મારી જીભ તો કુહાડે કાપે એવી છે સીધી હેંડતી જ નથી , આ ટીવી ઉપર જાઉં તો પણ છવ્વીસ મિનીટ જોખી જોખીને બોલવું પડે છે અને મેં વળી ક્યા ઉપદેશો ઠોક્યા કે હું મોટીવેશનલ સ્પીચ આપવા આવું ?
આપણાથી એવા પાપ ના થાય હો..
અને ભાઈ મારા કેમેરા સામે બોલવું જુદી વાત છે અને આખો હોલ ભરેલો હોય અને પાંચસો સાતસો લોકો તમારી સામે જોઈ ને બેઠા હોય અને એ પણ કોઈક અપેક્ષાથી, ત્યારે બહુ જાળવી જવું પડે, ના મેળ પડે હો..ગમે તે કહો મને પણ ના મેળ પડે સો વાત ની એક વાત..
મસ્ત હિમાલયનું ઠંડું પાણી રેડી અને પૂરું કર્યું ..
આદર્યા એ ધંધા પુરા નથી થતા ત્યાં નવા ક્યાં ચીતરવા..?
પણ આવું કેહવા પાછળ અંદરથી એક ઘોર નિષ્ફળતા મળી હતી એ ખટકતી હતી..!!
હવે કેમેરાની વાત ..
બે ત્રણ વર્ષ પેહલા એક મિત્રના કારખાને એમના કોઈક સગાને થોડાક ઉદ્યોગકારો ના વ્યુ લેવા હતા તે મને એમના કારખાને બોલાવ્યો હતો અને ત્યારે જીવનમાં પેહલી વાર કેમેરો ફેઈસ કર્યો હતો ..
ફક્ત અને ફક્ત અનુભવ લેવા અને ક્યુરીયોસીટી હતી કે કેમેરો જોઈને પરસેવા કેટલા છુટે પણ સાલું થયું ઊંધું ..આપણને તો મોજ પડી ગઈ પછી થોડીક ચારેક કલાક ની ટ્રેનીગ લીધી અને પછી તો મંડાણા શૈશવભાઈ..
પછી થોડોક ચસ્કો વધ્યો ,મગજમાં ફાંકા તો દુનિયાભરના ને આપણને એટલે એક થયું કે લાવ એન્કરીંગ કરીએ..
ધડાધડ આઉટ ઓફ બોક્સ .. કેવો જાઉં છું એ જો..જો ..
હવે શૈશવ નામના પીન્ટકલા એમ હતું કે આપણે તો “આપણા” સબ્જેક્ટમાં જઈને એન્કરીગ કરીએ એટલે શાસ્ત્રીય સંગીતના એક ખુબ મોટા વિદ્વાનને પકડ્યા અને એમનો ઈન્ટરવ્યું લેવાની કોશિશ કરી..સ્ટુડિયો તૈયાર કરાવ્યો અને કૈક નાટક કર્યા..
પણ જે પટકાયો છું .. સાલું એમ થાય કે ક્યારે આ ૨૬ મિનીટ પૂરી થાય અને હું છુટું..રેકોર્ડેડ હતો એટલે ઓન એર જ ના થવા દીધો ઈન્ટરવ્યું..!!
બાલ બાલ બચ્યો..
પછાડી પછાડીને એ વિદ્વાને માર્યો.. જેટલું ભેગું કર્યું હતું જીવનમાં એ બધું છવ્વીસ મિનીટમાં ઠાલવી દેવું હતું મારે અને એમાં હું જોર ભરાયો..!!
પણ અનુભવ તરીકે જોરદાર હતો ..એ ઈન્ટરવ્યું
અને ફાંકો નીકળી ગયો કે અમે કોણ ?
હવે જવાબ આવે મિંયા ફૂસકી ,સિપાઈ બચ્ચા ,પીન્ટકલા..!!
મગજ ના દરવાજા ખુલ્લા રાખવાની મજા છે, પણ આવવા અને જવા બંને માટે.. અને આ પ્રોસેસમાં કીડનીના મેમ્બરન ની જેમ સતત ફિલ્ટરેશન પ્રોસેસને પણ ચાલુ જ રાખવી પડે છે..
એક કીડની આશરે ૨૦૦ લીટર ફ્લ્યુડ ફિલ્ટર કરે છે દિવસ દરમ્યાન એટલે બે ભેગી થઇ ને ચારસો લીટર થાય..
બિલકુલ એમ જ રોજના ચારસો વિચાર .. બહુ વધારે થઇ ગયા નહિ .. ચાલીસ વિચાર ,ના ના ચાર રાખો ને ..અરે એક રાખો ..ફિલ્ટર કરેલો ..!
એક વિચારને પણ પકડી ને સરખું મનન અને ચિંતન કરીએ તો પણ પીન્ટકલા થવામાંથી બચી જવાય છે એવું મને લાગે છે..
તમારું તમે જાણો હો ..
વાગે કરે લોહીનું ટીપું હા ..
કશું ઝાલીને હીંચકા નહિ ખાવાના કે શૈશવ ભાઈએ આવું લખ્યું હતું..!!
આપણે તો અડી અડી ને છુટ્ટા ..
સહી બોલા ના પીન્ટકલે ..?
લવ યુ યારો
રવિવારની મસ્ત ઠંડી ઠંડી સાંજ ..
નીકળો ત્યારે મારા ભાભી ને લઈને અને વાંઢાઓ ટીંડર ઉપર ..
શૈશવ વોરા