થોડાક દિવસ પેહલા એવા લોકો ને ફરીથી મળવાનું થયું અનાયાસે, કે જેમને મેં છેલ્લે સાલ ૧૯૮૬માં જોયા હતા ..
અચાનક જ આજે પાંત્રીસ વર્ષે આખ્ખો પરિવાર મારી સામે આવી ગયો ,
પરિવાર પણ કેવો મોટો ??,
ત્રણ ભાઈ અને ત્રણ બેહન અને એમનો સૌથી નાનો દીકરો મારા જેવડો એટલે આગળના બધાને તો હું ઓળખી જ ના શક્યો..!!
છ-છ ભાઈ બેહન નો આખો પરિવાર .. બાપરે ,
અડધો કલાક તો ખાલી કેમ છો ,કેમ છો કરવામાં ગયો ..!!
ત્રણ પેઢી એક સાથે સાક્ષાત મારી સામે ઉભી હતી..!!!
એ લોકો પાંત્રીસ વર્ષમાં આઠ જણ ના અઠ્યાવીસ થઇ ચુક્યા હતા..!! ત્રણ જમાઈ અને ત્રણ વહુઓ , આગલા ભાઈ બેન ને ત્રણ સંતાનો ની એવરેજ અને પાછળવાળા ને બબ્બે ..! એમ કરી ને ટોટલ આઠ નું થયું અઠ્યાવીસ ..!
વસ્તી વિસ્ફોટ નું પરિણામ ત્રણ પેઢી રૂપે મારી આંખ ની સામે જ હતું…
સમય ના માર અને ચમક બધું એક એક ચેહરા ઉપર હતા..!!
બધાને હું પ્રેમથી મળ્યો અને તને સાંભરે રે મને કેમ વિસરે રે કર્યું સારો એવો સમય એ બધાની સાથે વિતાવ્યો અને છુટા પડ્યા ,
પણ આપણા દિમાગની ચકરડી તો પાછળથી જ ફરે છે ને..!!
એક સમય હતો મારા બાળપણ નો કે જયારે હું એમાંના આઠ લોકોમાંથી બે ત્રણ લોકોથી સખ્ખત ઈમ્પ્રેસ હતો અને એ લોકો ની સાપેક્ષમાં હું મારી જાત ને ખુબ ગૌણ સમજતો હતો પણ એ દિવસે મારી એ ભ્રમણા ભાંગી ને ભુક્કો થઇ ગઈ..!
જે લોકોથી હું સખ્ખત ઈમ્પ્રેસ હતો એ લોકો આજે તદ્દન સામાન્ય કહી શકાય તેવી જિંદગી જીવી રહ્યા હતા ,
જો કે સામાન્ય જિંદગી જીવવી એ કઈ ખોટું નથી ,પણ હું જે રીતે એ લોકોથી ઈમ્પ્રેસ હતો એ રીતે મને એવું લાગતું હતું કે એ લોકો કૈક ગ્રેટ વસ્તુ જીવનમાં કરશે પણ એની બદલે બિલકુલ નોર્મલ લાઈફ જીવતા મને આટલા વર્ષે મળ્યા એટલે પછી વિચાર વંટોળ મનમાં ઉઠ્યો..
આજે પણ મને ક્યારેક એવું લાગે છે કે મારી કિશોર અવસ્થામાં હું ઘણા લોકોથી કૈક વધારે પડતો ઈમ્પ્રેસ હતો અને એમની સરખામણીમાં હું મારી જાત ને બહુ જ અન્ડર એસ્ટીમેટ કરતો ..
લગભગ હું અઠ્યાવીસ કે ત્રીસ નો થયો ત્યાં સુધી હું બહુ બધા લોકોથી બહુ જલ્દી ઈમ્પ્રેસ થઇ જતો અને એ બધામાંથી ઓવર કમ કરવા માટે કે ક્યાંક મારો સિક્કો જમાવી દેવા કોઈ કારણ વિનાની દલીલો અને ચર્ચાઓમાં પણ હું ઉતરી પડતો..
જીવનની બહુ બુરી અવસ્થાઓ છે આ ..
કોઇના થી ઈમ્પ્રેસ થવું ને પછી પોતાની જાત ને અન્ડર એસ્ટીમેટ કરવાની અને એનાથી પણ બુરી અવસ્થા પોતાનું પુંછડું પછાડવાનું..!!!
આજે પણ હું વિચાર કરું છું અને એનાલીસીસ કરું છું કે જે લોકોથી હું ઈમ્પ્રેસ હતો એ લોકોની કઈ બાબતથી હું ઈમ્પ્રેસ હતો તો કોઈ જ સ્પષ્ટ જવાબ મારું મન આપી શકતું નથી ,બસ કોઈ કારણ વિના હતો અને કોઈ જ કારણ વગર હું પોતાની જાત ને અન્ડર એસ્ટીમેટ કરતો હતો..
વિચારજો તમે પણ કે કોણ એવું હતું કે જેનાથી તમે સખ્ખત ઈમ્પ્રેસ હતા અને આજે એમનું કોઈ જ મોટું ક્યાંય યોગદાન નથી ,તમારા કે બીજા કોઈના જીવનમાં..
મળશે ,ચાર પાંચ નામ મળશે.
કદાચ એ ઉંમર નો તકાજો હતો કોઈનાથી ઈમ્પ્રેસ થવું એ..
પણ હા થોડીક વ્યક્તિઓ એવી પણ જીવનમાં આવી હતી કે જે તરત સમજી જતી કે શૈશવ એનાથી ઈમ્પ્રેસ થયો છે અને પછી એ વ્યક્તિ મારી સાથે દોસ્તી કરી લેતી અને પછી એમના જીવનની કિતાબ મારી સામે ખોલી ને મૂકી દેતી ..
મારા જીવનની કદાચ સારામાં સારી ક્ષણો આજે પણ મને એ જ લાગે છે કે જ્યારે હું જેનાથી ઈમ્પ્રેસ રહ્યો હોઉં જીવનમાં અને એ વ્યક્તિની જીવન કથા એના સ્વમુખે મને સાંભળવા મળે..!!
છેલ્લા ઘણા સમયથી પુસ્તકોનો સાથ છૂટી ગયો છે અને આંખો વાટે જિંદગીઓ વાંચી લઉં છું , ચોક્કસ કલિકાલ સર્વજ્ઞ નું સામુદ્રિક અને પાંચમો વેદ બહુ કામ લાગે છે , છતાંય જયારે વ્યક્તિ સ્વમુખે જીવની કેહ્વાનું આરંભે એના જેવી મજા એકેય નહિ..!!
પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવા માટેનું પેહલું હથિયાર એ ઈમ્પ્રેસ કરવા કે પ્રભાવ પાડવો છે , ઘણા બધા રસ્તા પણ છે પ્રભાવ પાડવા ના અને પ્રભાવ ને વેરવાના
પણ જયારે ભ્રમણા ભાંગે છે ત્યારે પછી કશું જ નથી બચતું ,એટલે આજે જયારે હું કોઈ જિંદગી વાંચી લઉં અને ત્યારે એમ લાગે કે સામેવાળો ઈમ્પ્રેસ છે એ જ મીનીટે દોસ્તી કેળવી લઉં છું અને શક્ય એટલા પન્ના ખોલી અને આપું છું મારા જીવનના લે વાંચી લે દોસ્ત..!!
જિંદગી વાંચવા નો આનંદ છે ને એટલો જ વંચાવા નો પણ છે હો ..પણ પરાણે નહી ..!
જો તમે પરાણે જિંદગી વંચાવતા હો તો ચોક્કસ માની લેજો કે તમે ઘરડા થઇ ચુક્યા છો..!!
એ આઠ લોકોમાંથી જ એક જિંદગી થોડાક ઓછા પન્નામાં સમેટાઈ ગઈ હતી ,એમની એક દીકરી ખુબ નાની ઉંમરે વૈધવ્ય પામી હતી , એ બેન મારાથી ત્રણ વર્ષ મોટી અને હું એનાથી જરાક પણ ઈમ્પ્રેસ નોહ્તો ,પણ કદાચ સૌથી વધારે જીવનનો સંઘર્ષ એ બેન એ જ કર્યો હતો , પોતાના દીકરા ને લંડન ભણાવી રહી હતી ને દીકરી ને દેશમાં એન્જીનીયરીંગ કરાવ્યું અને હવે આગળ અમેરિકા ભણવા મોકલવાની હતી..
મેં કીધું બેન તે કેવી રીતે કર્યું આ બધું ?
શૈશવ માથે પડે તો બધું આવડી જાય, તારા બનેવી ગયા પછી મેં બીએ કર્યું બીએડ કર્યું અને પછી સ્કુલની નોકરી ,ભાઈઓ અને દિયર નો ટેકો ,મમ્મી અને સાસુએ છોકરા મોટા કરી આપ્યા અને હું આગળ વધતી ગઈ..હજી રીટાયર્ડ થવાને વાર છે એટલી વારમાં છોકરી ને પણ અમેરિકા ભણાવી લઈશ અને છોકરો ટેકો કરતો થઇ જશે..!!
ચાર જ લીટી , પણ એ બેનના મોઢાની મક્કમતા અને આંખોમાં નો વિશ્વાસ મને હલાવી ગયો હતો ..!!
હૈયે હામ હતી એને કે હું કરી લઈશ..!!
પ્રભાવ નહિ પણ અહોભાવમાં ચોક્કસ હું આવી ગયો હતો ..
દિલથી દુવા નીકળી હતી એના માટે ..ભગવન એના આદર્યા એક વાર તો અધૂરા રહ્યા હવે ફરી નહિ રાખતો..!!
હવે પ્રભાવમાં ચોક્કસ નથી આવતો , પણ અહોભાવ તો જરૂર પ્રગટે છે ..
કેમ ? એ ખબર નથી ..
કદાચ સમય નો તકાજો છે ..
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*