પદ્મવિભૂષણ સંગીત માર્તંડ પંડિત જસરાજજી ની વિદાય..!!
મહાદેવ ….!!
તારે વળી કઈ ખોટ પડી ..?
હજી સો માં દસ બાકી હતા..!!
અત્યારે આ મીનીટે સ્વર્ગીય પંડિત નંદન મેહતાજી ની શ્રદ્ધાંજલિ સભામાં પંડિત જસરાજજી એ પંડિત નંદન મેહતાજી માટે કહેલા શબ્દો યાદ આવી રહ્યા છે.. “જેમને આંખો જોયા કરતી હતી એમને હવે કાન સાંભળ્યા કરશે..!!”
મારી પચાસ વર્ષની થયેલી આ આંખે લાગલગાટ નહિ નહિ તો ય છેલ્લા પાંત્રીસ વર્ષથી પંડિતજી ને સગ્ગી આંખે અનેકવાર જોયા ને કાને સાંભળ્યા..!!
જયારે મને સંગીત નો ષડ્જ નોહતો આવડતો ત્યારે પણ રસપૂર્વક સાંભળતો ને જયારે રાગ રાગીણી થી પર થઈને સૂરની શુધ્ધતા શોધતો થઇ ગયો ત્યારે પણ પંડિતજી ને સાંભળ્યા..!!
કેટ કેટલીવાર પંડિતજી એ ઈશ્વરના સાક્ષાત્કાર કરાવ્યા..!!
આ પ્રસંગ પેહલા પણ લખી ચુક્યો છું પણ આજે ફરી એકવાર..!!!
બીજી જાન્યુઆરી હતી સપ્તક ની મેહફીલ જામી હતી સાલ યાદ નથી આવતી પણ નહિ નહિ તો પણ પંદર સત્તર વર્ષ ઓછામાં ઓછા..રાતના સાડા અગિયાર પોણા બાર નો સુમાર હતો અને પંડિત જસરાજજી મંચ ઉપર એમનું ગાયન પ્રસ્તુત કરવા બિરાજમાન થયા..!
શબ્દો વર્ડ ટુ વર્ડ યાદ નથી પણ પંડિતજી એ મંચ પર આસન ગ્રહણ કરી ને બે હાથ ઊંચા કર્યા અને બોલ્યા જય હો..!! આજ મૈ અભી સાણંદ બાપુ સાહેબ કી સમાધિ પે ગયા થા ઔર બાપુ સાહેબ ને આજ્ઞા દી હૈ કી મેરી ચીજ ગાઓ , તો કોઈ કરિશ્મા હો જાય તો ઉનકા હૈ મેરા નહિ..!
અને પંડિતજી ષડ્જ સાધી ને બંને નિષાદ ભેગા કર્યા..!! મારા જેવા શીખાઉ નવા નિશાળિયાના ભવાં ચડ્યા .. અલ્યા આ ભરશિયાળે મિંયા મલ્હાર ..?
પંડિતજી એમના ગુરુકૃપાએ રાગ વિસ્તારી ને જમાવતા ગયા ,અને ઇન્દ્રદેવથી રેહ્વાયું નહિ..!!!!
આંબાવાડીના એ કાશીરામ અગ્રવાલ હોલ ઉપર અચાનક ઇન્દ્ર ગરજ્યો..!!!
અને વરસ્યો..!!!
જાન્યુઆરી મહિનામાં રાતના દોઢ વાગ્યે અચાનક બબ્બે ઇંચ મોટા વરસાદના ટીપાં તબલા ના તાલે તાલ પુરાવે ..!!
મારા જીવનનો એ પેહલો ચમત્કાર.. આજે અત્યારે લખતાં પણ રૂંવાડા ઉભા થાય છે અને પંડિતજીનો મિયાં મલ્હાર કાને ગુંજે છે..!!
કોનો ચમત્કાર હતો એ .. પંડિતજી નો ? એમના ગુરુ નો ? ભારતીય શાસ્ત્રીય સંગીત નો ? નથી જોઈતા કોઈ જ જવાબ ,એક જવાબ છે ગુરુ ગોબિંદ દોનો ખડે કિસકો લાગુ પાય ..?
ત્યાં જગ્યા ઉપર જ ઉભા રહી ને દંડવત્ કર્યા મંચ ઉપર બિરાજેલા ગોવિંદ ને..!!!
ઇન્દ્ર નો સાક્ષાત્કાર હતો એ ..!!
આવા અનેક સાક્ષાત્કાર કરાવ્યા પંડિતજી એ..!!
સપ્તકના મંચ ઉપર બિરાજેલા એકધારા વર્ષો સુધી પંડિતજીના ગાયન ના રસાસ્વાદ લીધા, આજે એક પછી એક રચનાઓ નજર અને કાન પાસેથી પસાર થઇ રહી છે..!
ભગવાન આદિ શંકરાચાર્ય રચિત ….
गोविन्दम गोकुलानंदम गोपालम् गोपीवल्लभम्,
गोविन्दम गोकुलानंदम गोपालम् गोपीवल्लभम्,
गोवर्धनोधरम धीरम त्वम् वन्दे गोमतिप्रियम,
ઓમ નમો ભગવતે વાસુદેવાય….! રાગ ભીમપલાશમાં સંભળાવી ને..
કેટલી મોટી રચના ..!! પણ પંડિતજીના કંઠે સાંભળતા જઈએ અને સાક્ષાત નારાયણ ના દર્શન કરતા જઈએ..!!
ઠાકોરજીના શણગાર સમા સમાની રચનાઓ.
कस्तूरीतिलकं ललाटपटले वक्षःस्थले कौस्तुभं
नासाग्रे नवमौक्तिकं करतले वेणुं करे कङ्कणम् ।
सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावलिं
गोपस्त्री परिवेष्टितो विजयते गोपाल चूडामणिः ॥
રાગ મધુવંતીમાં અને વલ્લભાચાર્યજી રચિત મધુરાષ્ટકને રાગ જૌનપુરી
ગોવિંદ દામોદર માધવેતી ને રાગ નટ ભૈરવમાં ને અત્યંત પ્રસિદ્ધ થયેલી રચના માતા કાલિકા રાગ અડાણામાં
वंशी विभूषित करा नवनीर दाभात् पीताम्बरा दरुण बिंब फला धरोष्ठात्
ને રાગ તોડીમાં અને કૃષ્ણકાષ્ટકમ
भजे व्रजैकमण्डनं समस्तपापखण्डनं स्वभक्तचित्तरंजनं सदैव नन्दनन्दनम्।
જેવી ભગવાન આદિ શંકરાચાર્યજી ની રચના ને તાલ ખેમટો આપી પંડિતજી એ અમારા જેવા શ્રોતાગણ ને વર્ષો સુધી ભાવવિભોર કર્યા..!!
મારા ગુરુજી મને કેહતા કે ગાયક એ મોર સમાન હોય છે ,જેટલા સાજીંદા વધારે એટલા મોરના પીછા વધારે અને ગાયન નીખરે..!
સપ્તકના એ મંચ ઉપર પંડિતજી જયારે બિરાજમાન થાય ત્યારે એમનો શિષ્યગણ અને શાસ્ત્રીય સંગીતમાં જ્યાં સાજીંદામાં ગણી ને બે કે ત્રણ હોય ત્યાં પંડિતજી ક્યારેક ક્યારેક પાંચ સાત સાજીંદા ને એમના શિષ્યગણ ને લઈને ઉપસ્થિત થતા અને ત્યારે એમના ગાયન થકી જે આલ્હાદક દ્રશ્ય ખડું થતું ..
મને તો એમ જ લાગતું કે મયુરના રૂપ ધરેલા પંડિતજી ઉપર સાક્ષાત માં સરસ્વતી બિરાજ્યા છે ને અનંત આશીર્વાદ એમના ઉપર વરસાવી રહ્યા છે, પંડિતજી એ આશીર્વાદ ને એમના કંઠ થકી અમારી ઉપર વરસાવી રહ્યા છે..!!
અદ્ભુત અને અદ્વિતીય કેહવાય એવા લાહવા લુંટાવ્યા છે પંડિતજી એ અમદાવાદના શ્રોતાગણો ઉપર..!!
આ વર્ષે મારા પપ્પાની તબિયત જરાક પણ સારી નહિ ,રાત રાતના ઉજાગરા થાય એક એક મીનીટે મને બીક લાગે કે મારા હાથમાંથી પપ્પા છૂટી જશે , જરાક પણ એકલા મુકવાનું મન ના થાય , પણ ફરી એકવાર બીજી જાન્યુઆરી જ હતી ને પંડિતજીના આશીર્વાદ લેવાનું મન થયું હૈયે હામ ભેગી કરી ને પોહચી ગયો રાત્રે ને પંડિતજીને સાંભળ્યા .. બસ છેલ્લીવાર થઇ ગયું ,,!!
સપ્તક નો પાસ હાથમાં આવે એટલે પેહલું ચેક કરવાનું હોય કે જસરાજજી ક્યારે બેસવાના છે ?
મોટેભાગે પેહલા દિવસે અથવા બીજા દિવસે જ હોય ,કોઇપણ સંજોગોમાં જવા નું જ એવું રાખ્યું હતું..!
પણ હવે ..!!??
આજે એવી અનુભૂતિ થાય છે કે દૈવત્વ દૈવત્વમાં ભળી ગયું..!!
કોઈ સાધારણ આત્મા ચોક્કસ નોહતા તેઓ ,પરમાત્માનો અંશ પરમાત્મામાં વિલીન થયો..!!
ખુબ બોહળો શિષ્યગણ પોતાની પાછળ મૂકી અને પંડિત જસરાજજી ગયા છે ..!
આજે એમના જ શબ્દોમાં એમને અંજલિ આપવી રહી ..!
“જેમને આંખો જોયા કરતી હતી એમને હવે કાન સાંભળ્યા કરશે..!!”
બસ વાતો રહી કરવાની એમની આંખો હવે જોઈ નહી શકે..!!
બસ એ પેહલો આલાપ કાને ગુંજે છે..
મંગલમ ભગવાન વિષ્ણુ ..મંગલમ ગરુડ ધ્વજા .. મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરી ..!! અને આટલો આલાપ પૂરો થાય ત્યાં તો રાગ જામી ગયો હોય..!!
ઈશ્વર તારો ખુબ ખુબ આભાર કે તે આવી મહાન વિભૂતિ સ્વરો મારા કાને રેડ્યા..!
સમાવી લેજે તારા અંશ ને તારામાં..
મહાકાલ મહારાન..ખડ્ગ મુંડ ખપ્પર કર ધરણી ..માતા કાલિકા ..માતા કાલિકા..!!
શૈશવ વોરા