પૂણી અને પદીયો,
નગરી અમદાવાદની એક અધૂરી પ્રેમ કહાની..!!
એક `અઘરું` શેહર અમદાવાદ ..
કે જેની પાસે બીજું કશું હોય કે ના હોય પણ આખે આખી બજાર “નવરી” છે, જ્યાં દરેક ને ધંધો કરવો છે, રૂપિયા કમાવા છે, પણ પેહલા `પેલાએ` શું કારસ્તાન કર્યા અને એ રૂપિયા ક્યાંથી કમાયો એ જાણવામાં રસ વધારે છે..!!
દાવ ગોઠવવો છે, દાવ લેવો પણ છે,પરંતુ દાવ આપવો બિલકુલ ગમતો નથી ,
ફિલ્ડીંગ ભરવાની તૈયારી જરાક પણ નથી, અમદાવાદી માણસ નાનપણથી જ શીખી જાય કે બેટ આપણું છે તો આપણે બે દાવ લેવાના બાકીના બધાને એક દાવ મળે ..!!
પેહલા નોકરને તો ચૂસી લેવાનો ને પછી બાજુમાં બેસાડીને ચા પીવડાવી દેવાની, એ પણ અડધી..! નોકરને એવો ટ્રેઈન કરવાનો કે એના ઘેર જઈને એ શેઠના ઘરની વાતો જ કરે,પોતના બૈરી છોકરા છે એ પણ નોકર ભૂલીને કામ કર્યા કરે ..!!
આ શેહર અમદાવાદની હોશયારી છે કે જ્યાં દરેક કામવાળી પોતાને શેઠાણી સમજે અને શેઠાણી પોતાની જાતને કામવાળી સમજી રહી છે..!!
ચાલો આજે કાન ખોસીએ જરાક પોળ ના “ `પદીયા` એન્ડ કંપનીની” વાતોમાં..!!
પોળનો પદીયો બે પાંદડે થયો પછી નારણપુરા રેહવા જઈને પ્રદ્યુમન થયો,
નારણપુરાથી છેક ત્રીસ કિલોમીટરે બાવલું ગામમાં (થલતેજ-શીલજથી આગળ) જઈને ફાર્મ હાઉસ બનાવે, શીલજથી આગળ વધ્યા પછી પ્રદ્યુમનભાઈ `શે`ઠ થઇ ગયા ..
પણ પ્રદ્યુમન ઉર્ફે પદીયો , એનો જીવ તો પેલા એને `પદીયો` કહીને બોલવનારા પોળના જુના મિત્રોમાં જ ભરાયેલો હોય ..!!
એક રાત્રે સાહીઠની આજુબાજુ પોહચેલી જૂની પોળની ટોળકી “ `પદીયા` એન્ડ કંપની” પ્રદ્યુમનભાઈ શેઠના ફાર્મહાઉસ ઉપર ભેગી થઇ ..!!
એક કાકો બોલ્યો “અલા પદીયા કેવા ચા જોડે ગાંઠીયા ખાતા`તા નહિ ..? હેંડ ફરી પોળે જઈએ ..!!”
બીજો …“તને`ય શું ઘોડીના હજી ચા ને ગાંઠીયા જ હુજે છે,હેંડો `લા કૈક બીજું ગોઠવો, થોડો આગળ વધ હવે ..”
ત્રીજો … “શકોરા આગળ વધે..? આ પદીયાને દાવ મળ્યો એવો આપણને ના મળ્યો..”
બિલકુલ પદીયો ઉર્ફે પ્રદ્યુમનની નજર સામે જ પદીયાની ખોદણી ચાલુ થાય ..!
“અલ્યા મેલોને હવે જુના ચિઠ્ઠા ખોલવાના, પેલી પૂર્ણિમા નહિ ?? એ અને એનો ધણી ગોળલીમડે મર્સિડીઝમાં આયા`તા, સાલા કંજૂસે ત્રીસ રૂપિયાના ખમણ લઈને છાપા ઉપર મે`લીને ખાધા અને એના ડ્રાઈવરને ચખાડ્યા સુધ્ધા નહિ બોલ ..! ખરી ભરાઈ નહિ પૂણી ..!???”
ચિઠ્ઠા નહિ ખોલવાના એમ કરીને સૌથી મોટો ચિઠ્ઠો ખુલે ,એમના દરેકના જીવનનો અફસોસ પૂણી ઉર્ફે પૂર્ણિમા પોળની હિરોઈન હેમામાલીની..!!
તરત જ સામો બીજા મિત્રનો છણકો આવે..“ભરાઈ પૂણી એમ ..??? તારી જોડે પઈણી હોત તો હજી પોળની ચોકડીમાં બેહીને વાસણ ઘસતી હોત ..મર્સિડીઝ ભેગી તો થઇ પૂણી…, કેવી લાગતી`તી અલ્યા.. ?”
“એ …આયો જાત ઉપર ,હજી કેવી લાગતી`તી એવું પૂછે છે ? અલ્યા આપડા જેવડી જ છે, બાંસઠની તો થઇ હોય પૂણી , કેમ પદીયા.. ?”
“હવે તું પદીયાને ક્યાં વચ્ચે ઘાલે છે એને પૂણી યાદ આવશે ને તો બે પેગ મારવા પડશે..!”
“હેં લ્યા પદીયા જુનું તો બધું ખબર છે પણ નવું પણ કઈ ફરી થયું તું લ્યા ?”
પદીયા તરફ બાકીનું બધું ડોસા મંડળ જોવે પણ પદીયો મૌન , સ્થિર..
બીજો બોલે ..”અલ્યા બંધ જ ક્યાં થયું છે ? વર્ષ બે વર્ષ થાયને પૂણી ફોન કરે કેમ છે કરીને, તું એક જ મારો બાળપણનો ફ્રેન્ડ છે, કરીને કલાક ખાટીમીઠી કરે એટલે પદીયાને વાતોના ગલગલીયા થયા કરે..થોડો એના ધણીને તોડાવે , વાંકું બોલે એના ધણીનું પછી અચાનક ફોન મે`લી દે..”
“ના હોય..??!!! શું વાત કરે છે ..? તો તો પદીયા તારે તો પાંચે આંગળી ઘીમાં છે બાકી..!!”
“ના ના અલ્યા રે`વા દે..વંનત્યાક ઘીમાં ..? એકલું માથું જ કઢાઈમાં છે …!! કેમ પદીયા.. ? આટલા વર્ષમાં પ્રસંગ સિવાય પૂણી મળવા પણ આવતી નથી અને આવે તો એના લપસિંનદર જોડે લઈને જ આવે ,એની છો`ડી તો પદીયાને “મામા” કહીને જ બોલાવે છે…!!”
સાહીઠ વર્ષની ઉપ્પરની આખી ટોળકી બેફામ હાસ્ય વેરે ..!!
પછી પદીયાથી સહન થાય એટલે બોલે.. “હવે બંધ કરો છો કે પછી માંબેનની આપું તમને બધાને..!!?”
પછી ડાયરો શાંત થાય..ટોપિક બદલાય .. “અલ્યા કયો ઇસ્યુ ભરવાનો ..?”
“ઇસ્સ્યું તો બધા ભરવા જ પડે ને આટલા ડિમેટ ખાતા ખોલ્યા છે તો ..”
“પણ આ પુતિનયા એ તો પથારી ફેરવી નાખી નહિ ?” ( જાણે રશિયન પ્રમુખ પુતિન પણ એની જોડે ક્રિકેટ રમતા હોય ..)
“પદીયા તારે પોર્ટફોલિયો કેટલો નીચે આયો ?”
પદીયો મૌન ..ભેદી રીતે ..
“અલ્યા પદીયો કોઈ દા`ડો બોલ્યો છે ? એના નળિયા તો પેલો ઇન્કમટેક્ષવાળો નહિ ગણી શક્યો તો તું ક્યાં ગણવા જાય છે ? મેંઢો છે એક નંબરનો ..મેંઢો..”
“પણ પદીયા હવે બીજે ક્યાં રૂપિયા રોકાય ?”
“અલ્યા એ ઈ ..સાહીઠ ઉપરનો થયો તું તો.., હવે તારે કાચા કેળા પણ ના લેવાય .., પાકે ને એ પેહલા તને દૂધેશ્વર નાખવા જવો પડે તો એ કેળા ફેંકવાના વારા આવે , તે જ્યાં ને ત્યાં આખા ગામને પૂછી પૂછીને જે રૂપિયા રોક્યા છે ને એ બધું અ`વેરવાનું ચાલુ કર શંખ , આમ ને આમ પદીયાનું કૂટવામાં તું લટકી ગયો ને તો તારા રૂપિયા ગામ ખ`ઈ જશે ને તારા જમાઈને ચાર આના પણ હાથ નહિ લાગે..!!”
“વાત તો હા`ચી કરી હો તે .. મારું આ કોરોનામાં તો કેટલા ઓછા થઇ ગયા બધા ..!”
“એ`ઈ જમરૂખ બીજી વાત કર ને લ્યા , તનેય મરવાના હુજે છે ,અત્યારે માંડ ભેગા થયા છે ત્યાં..!”
“પૂણીની વાત કરી તો અટકાઈ દીધો મને, તો હવે તું જ કર બીજી વાત તારી પેલી મિનાક્ષીની વાત કર ..”
“એં..હ .. આ જો બીજી વાત કરવાનું કહીએ એટલે સીધી પોળની છોડીઓની જ વાતો ઉપર આવે છે,હજી આ સુધરતો નહિ અલ્યા પદીયા, આ ટણપો મર્યોને તો આખી પોળની બધીઓને બોલાવીને આને માથે પેલું અબીલ ગુલાલ છાંટવાનું કેહવું પડશે નહી તો લાકડામાંથી હળગતો હળગતો ઉભો થઈને બાહર આવશે..!!”
“અલ્યા પેલો `નટુ નાટક` મળ્યો તો પદીયા..”
“એ છટક જીવે છે.. ?”
“મુંબઈ હતો, તે હવે પાછો આયો છે ,એનું બૈરું ગુજરી ગયું `તે એની છોડી અહિયાં લઇ આયી, અડધો ગાંડો તો પેહ્લેથી જ હતો હવે પૂરો થઇ ગયો છે..”
“કેમ ?”
“અ`લા મને તો ઓળખે જ નહી, એવું જોયા કરે જાણે જીવનમાં મળ્યા જ નથી..!”
“ `તે તને તો ના જ ઓળખે ને, એના બધા લફરાં તે જ આખા ગામમાં ફેરવ્યા હતા ને..!”
“જો પદીયા આને હમજાવ, એણે લફરાં કર્યા તે મેં કીધા ને ગામને ? તારું અને પૂણીનું કોઈ દિવસ ઉડાડ્યું મેં આજ લગી ?”
હરીફરીને પૂણી ઉપર વાત આવે ..ફરી ડાયરો ખખડે ..!!
આવું છે મારું અમદાવાદ , જ્યાં સાહીઠ ઉપરના ડોસાઓ પણ ભેગા થાય ત્યારે એમની પૂણી અને મિનાક્ષીને યાદ કરી ને “જીવી” લે છે..!!
અમદાવાદી ડોસાઓ પાસે બે જ વાત હોય એક રૂપિયા ને બીજી એમની પૂણી અને મિનાક્ષી..!!
પુતિનને પુતીનીયો કહી દે ..!!
અહિયાં કુથલી લઈને સાંજનો સમીર નહિ ચોવીસે કલાકનો સમીર ગલીએ ગલીએ ઘૂમે છે..!!
આ અમદાવાદ છે, મારું અમદાવાદ..!!!
જીવતું ,ધબકતું , જાગતું અને જરૂર પડે દેશ આખાને જગાડતું ..!!
શું અલ્યા તમને કોઈને તમારી પૂણી કે મિનાક્ષી યાદ આઈ કે નહિ હેં ?
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*