પુણ્યકર્મ
અષાઢની અમાસ આજે ,
આવતીકાલથી અધિક શ્રાવણ ચાલુ થશે ,
પુણ્યકર્મને ગાંઠે બાંધી લેવાની હોડ જામશે..!!
પાપ અને પુણ્ય આ બંનેની વ્યાખ્યાઓ બહુ જ અસ્પષ્ટ છે અને એના કારણે લાલિયાવાળી ચાલી રહી છે ચારેયબાજુ..!
ગઈકાલે સવારે નેહરુનગરની કિટલીએ ચા પીવા ઉભો હતો, બીઆરટીએસમાં કૈક ગડબડ છે એટલે બસો ટ્રેકની બાહર ઉભી રેહતી હતી એટલે અમે પાછળની બાજુએ ઉભા..
લગભગ સાડા સાત-આઠનો સુમાર હતો, એક આખે આખું ભિક્ષુક પરિવાર નેહરુનગર ચાર રસ્તા ઉપર ભીખ માંગવા માટેની તૈયારી કરી રહ્યું હતું ..!!
સ્ત્રીઓ નાહી ધોઈને વાળ સુકવી રહી હતી, પુરુષો નાહી રહ્યા હતા અને બાળકોને ધમારીને છુટ્ટા મુક્યા હતા, બાળકો ભગવાનના ફોટાને સાફ કરી રહ્યા હતા ,સ્ત્રીઓએ વાળ સુકવી અને પોતાના નાના બાળકોને કેડમાં બાંધ્યા અને એની દૂધની બાટલીઓ તૈયાર કરી ,પુરુષોએ પેલી બધી વસ્તુઓ વેચવા માટેની તૈયાર કરી ..
લગભગ પોણો કલાકનો ખેલ મેં શાંતિથી નિહાળ્યો ,સરસ પ્રોફેશનાલિઝમ અપનાવાઈ ગયું છે ભિક્ષાવૃત્તિના આ ધંધામાં ..
મજાની વાત તો એ હતી કે તમામે તમામ પરિવારના સભ્યો એક સાથે “કામે જવા માટે છૂટ્યા…!!”
તમને અને મને પુણ્ય કમાવવાની તક આપવા..!!!!
એક નાનો ટેણીયો આવીએ ઉભો રહી ગયો સાહેબ નાસ્તો અને ચા કરાવો..!!
અદ્દભુત .. પુણ્ય કમાવાની તક, કમાઈ જ લ્યો..!
એ ટેણીયાને ચા પીવી હતી અને બિસ્કીટના પડીકા ખાવા હતા..!!
આખો દિવસ આખું પરિવાર કચરાપટ્ટી ખાઈને જીવી રહ્યું હોય એવું લાગ્યું..!
મારો પોઈન્ટ એ છે કે આપણને ખુદને “ખાધાની ખબર નથી” ત્યાં એ જ ખાવાનું તમે અને હું ભીખારીઓને કેવી રીતે આપી શકીએ ?
આવી જ રીતે રસ્તે રખડતા અને ગાંડા ભીખારીઓને રેસીક્યું કરી અને લઇ જતી એક સંસ્થામાં ભિખારીઓના બ્લડ ટેસ્ટ થયા, મારી દિકરીની સાથે ડોક્ટર થયેલા એમના મિત્રોએ એ બધા રીપોર્ટસ ચેક કર્યા, ઢગલાબંધ ભીખારીઓમાં ડાયાબીટીસ ,કોલેસ્ટ્રોલ અને ટીબી નીકળ્યા..!!
કોના “પુણ્યપ્રતાપે” ભીખારીઓને ડાયાબીટીસ અને કોલેસ્ટ્રોલ વધ્યા ?
એમની કિડની ઉડી ગઈ કે હાર્ટ બ્લોક થયા તો પુણ્યકર્મ કરેલા લોકોને પાપ માથે નહિ ચડે ?
સીજી રોડ ઉપર રોજ વેહલી સવારે એક વૃદ્ધ દંપત્તિ ગાડી ભરીને પાર્લેજીના બિસ્કીટ લઈને નીકળે છે અને કૂતરા-વાંદરાને ખવડાવે છે ..
એ ડોસા ડોસીને મર્યા પછી સ્વર્ગ નર્ક જે મળવાનું હશે તે મળશે પણ અહિયાં નીચે વધારે પડતી ખાંડ શરીરમાં જવાને કારણે કૂતરા અને વાંદરા હાઈપર થઇને ધમ્માલ મચાવે છે અને કુદરતી ચીજવસ્તુ ખાવા ટેવાયલા જીવોને કૃત્રિમ વસ્તુઓ ખવડાવી અને એમના આયુષ્ય કેમ ઓછા કરાય છે ?
પાપ કે પુણ્ય ?
આપણને ખુદને હજી ખબર નથી કે શું સારું કે શું ખોટું આપણે પેટમાં પધરાવીએ છીએ તે તો પછી બીજાને કેમ એ બધું ખવડાવાય..?
અમુક ભિખારણો એટલી બધી જાડી જોવા મળે છે નગરી અમદાવાદે કે મારા જેવાને ટેન્શન ટેન્શન ચડી જાય કે આના થાઇરોડના કોઈ કે ટેસ્ટ કર્યા હશે કે નહિ ?
દયાના સાગરો ઉમટશે બે ત્રણ મહિનમાં અને રીતસર ધાર્મિક સ્થળોએ પબ્લિક પુણ્યકર્મ કરવા તૂટી પડશે..!
શું કરવું છે ?
આમનું આમ જ ચલાવવું છે ? શું ભિખારીઓ આ સમાજનો એક ભાગ નથી ?
સરકાર ઘણા બધા કરોડ લોકોને ઘેર બેઠા ખવડાવી રહી છે ,સસ્તા અનાજ આપી રહી છે તો પછી રસ્તે રખડતા અને પુણ્ય કમાવી આપતા આ લોકો કોણ છે ?
ભારત દેશના નાગરિક ???
ગંદકી કલંક છે તો ભિક્ષાવૃત્તિ અને ભિખારી એ કલંક નથી ?
ક્યાં સુધી ઠેર ઠેર ભીખારીઓને રેહવા દેવાના છે ?
શું કોઈ સિસ્ટમ બનાવી અને એમને ઠેકાણે પાડી શકાય તેમ નથી ?
અંધજન મંડળ ચાર રસ્તા ઉપર બ્રીજની નીચે જ “સગવડ” કરી આપવામાં આવી છે, ત્યાં જ પડ્યા રહો અને સવાર પડ્યે ભીખ માંગવા પોહચી જાવ ..!!
શું સગવડ આપી છે સરકારે કેહવું પડે ..
નીચે પાનકી દુકાન ઉપર ગોરી કા મકાન ..!
ઓઢવમાં બનાવેલા ભિક્ષુકગૃહમાં અત્યારે કોણ છે ?
૧૪૦ કરોડની વસ્તીમાં ભારત દેશે ભિખારી કેટલા ?
એક કરોડ ? બે કરોડ ?
મેનેજેબલ નથી ? એનજીઓનો સાથ લઈને શક્ય નથી ભારતને ભિખારી મુક્ત કરવું ?
ગંભીર સમસ્યા છે રોડ રસ્તા ઉપરના ભિખારીઓ પણ ક્યાંયથી કોઈ હહહળતું નથી કેમ કે એ વોટબેંક નથી..!
ભિખારી ગેંગને રૂપિયા ના આપો ખાવાનું આપો એવી બધી ઘણી વાતો વોટ્સ એપ યુનિવર્સીટીમાં ચાલે છે પણ હવે એનાથી આગળ જવાની જરૂર છે ..
શેહરોની બાહર શેલ્ટર હોમ બનાવી અને એમના ફિંગરપ્રિન્ટ અને આંખોના આઈરીશ લઈને દરેક ચાર રસ્તે તે શેલ્ટર હોમ ના એડ્રેસ મુકો અને યુવાનોને અપીલ કરો કે પેહલા ભિખારીનો વિડીઓ બનાવો ચાર રસ્તે ભીખ માંગતો અને પછી એને ઝાલીને નજીકના શેલ્ટર હોમમાં મૂકી આવો , જેનું ત્યાં રજીસ્ટ્રેશન થાય , ભારતનો નાગરિક બનવાય..!!
ભારત દેશની ઈકોનોમી કેટલી સક્ષમ છે એની પણ ખબર પડશે ..!!
હમણાં ગિફ્ટ સીટી ગયો હતો… આવી સુંદર જગ્યાએ ભિખારી માટેની પણ બે ચાર જગ્યા બનાવવી જોઈએ ..!!
પુણ્ય કેમનું કમાઈશું ? ભિખારી વિના ?
આઝાદીના અમૃતકાળમાં ઘણા બધા કલંકો મિટાવી દેવાના છે ભારત દેશના માથેથી અને એમાંનું એક બહુ જ મોટું કલંક છે ભિખારી અને ભિક્ષાવૃત્તિ..!
ના આપશો કશું જ પુણ્યકર્મના નામે ..!!
ડાયાબિટીક ભિખારણને તમે અને હું ઝેર આપી દઈએ છીએ પુણ્યકર્મના નામે , વાંદરા ,કૂતરા અને પક્ષીઓ પણ ઝેર આપી રહ્યા છીએ ..!
કુદરતને એનું કામ કરવાની છૂટ આપો પુણ્યકર્મ થયું જ ગણાશે..!
છતાંય દાન કર્યા વિનાના રહી ગયા છો તો પ્રોપર સંસ્થા શોધી અને એમને આપો , મોટા ભાગના વૃધ્ધાશ્રમમાં કપડાના ઢગલા પડ્યા છે ત્યાં સમયનો અભાવ છે , જુવાનીયા ઘરડા જોડે આવી અને વાતો કરે એટલું જ બસ છે ..!
કોને શું જોઈએ છે અને કેમ પેહલા એટલો વિચાર કરીને ચાર રસ્તે ઉભેલા ભિખારીને રૂપિયા આપો ..!
શિવરંજની ચાર રસ્તે લગભગ ત્રણ ચાર વર્ષના બાળકને જાણી જોઈને નાગું ફેરવવામાં આવે છે અને આખો ટ્રાફિક એ નાગા બાળકોને બચાવવા ધીમે થઇને જાય છે , ખાલીને ખાલી શિવરંજની ચાર રસ્તા ઉપર એ નાગા ભિખારી બાળકોને કારણે ધીમા ટ્રાફિકને જે પેટ્રોલ ડિઝલ વધારે વાપરવું પડે છે એટલા પેટ્રોલ ડિઝલમાં એમની સાત પેઢીના કપડા આવી જાય..!!
વિચારજો પુણ્યકર્મ કરતા પેહલા
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*