છેલ્લા ત્રણ ચાર દિવસથી સતત ગોરંભાયેલુ આકાશ કોઈ કારણ વિના મન પર ભાર પેદા કરી રહ્યું છે,દિવસ દરમ્યાન તડકો ઓછો દેખાય છે પણ ગરમી અને બફારો તોડી નાખે એવો થાય છે,એસી ચાલુ રાખીએ તો ક્યારેક ઠંડક વધી જાય છે અને શરદીને લીધે સાયનસ ભરાઈ જાય છે..
ઓફિશિઅલી શરદ ઋતુ આવી ગઈ છે,પણ ઋતુ હજી બદલાતા મિજાજમાં છે ગયા અઠવાડિયે સવાર તો ઠંડકનો એહસાસ કરાવતી થઇ ગઈ હતી,પણ છેલ્લા બે ત્રણ દિવસથી બપોરે ભાદરવો તપતો હોય એવું લાગે છે..અને રાત્રે ઠંડક લાગે છે..! એટલે નથી મિયાં મલ્હાર સાંભળવો ગમતો કે નથી બહાર..!
ઘણા દિવસે આજે જોગિયા ઉપર ચોઈસ ઉતારી,મને જોગિયાનો તાર સપ્તકનો ચમકતો રિષભ ક્યાંક એક અજીબની ઠંકડ આપતો જાય છે,આમ તો વિરહનો રાગ છે ઘણી બધી વિરહની ચીજો ગવાઈ છે જોગિયામાં,પણ આપડી ફેવરીટ ચીજ “પિયા કે મિલને કી આસ..” રહી છે..
વનરાવન છોડીને રાજરમત રમવા મથુરા ગયેલાની વિરહની વેદના રાધા રાણી જોગિયામાં બહુ સરસ રીતે પ્રકટ કરે છે ..”કોઈ બતાવો રી મોર મુકુટધારી..”
મારા કાનમાં અત્યારે સ્વરો ગુંજે છે પણ શબ્દથી વ્યક્ત કરવાને અસમર્થ છું, કેવી કમબખ્તી છે જીવનની આંખને જે ગમે એ જીભે ના અડાડાય, અને કાન ને જે ગમે તે લખીને ના વર્ણવાય..!
જોગિયાનું બંધારણ:- આરોહમાં ગંધાર અને નિષાદ વર્જિત અને અવરોહમાં ગંધાર વર્જિત અને રિષભ અને ધૈવત કોમળ જ્યારે બાકીના સ્વરો શુદ્ધ લાગે,રાગની જાતિ ઓડવ-ષાડવ છે અને થાટ ભૈરવ..વાદી સ્વર ષડજ અને સંવાદી મધ્યમ
જોગિયા રાગનો ગાવાનો સમય મોડી રાતનો અથવા બ્રહ્મમુર્હતનો છે પણ વિરહની અને ભક્તિની ચીજો રાતના દસ વાગ્યા પછી વિદ્વાનો લઇ લેતા હોય છે અને ગુણીજનો સ્વીકારી પણ લે છે..!
ભૈરવ થાટના રાગમાં રિષભ અને ધૈવત કોમળ લાગે છે અને આ બે સ્વરોને જુદી જુદી રીતે લગાડવાથી બહુ સુંદર વાતાવરણ ઉભું કરી શકાય છે,રાગની પ્રકૃતિ ગંભીર છે, ભૈરવમાં રિષભ અને ધૈવતના આંદોલન અને આ બે સ્વરો ઉપર લેવાતી ગમક શાંત પાણીમાં ઉભા થતા અને વિલુપ્ત થતા વમળની યાદ અપાવે છે,જ્યારે જોગિયામાં આ બંને સ્વરો રિષભ અને ધૈવત ગમક કે આંદોલિત સ્વરૂપના નહિ લેતા એકદમ સીધા લાગે,પણ મધ્ય સપ્તકના કોમળ ધૈવત અને તાર સપ્તકના રિષભની સંગતિ એક અલગ જ સ્વરૂપ રાગને પ્રદાન કરે છે..
જોગિયાના રિષભની અને ધૈવતની જોડે ક્યારેક નિષાદનો કણ સ્વર લગાડી અને મીંડ અને ધૈવત પરથી નિષાદ ઉપર આવતા મધ્યમની મીંડ પ્રયોગ રાગની મધુરતામાં વધારો કરે છે..
રાગનું ચલણ મોટેભાગે મધ્ય સપ્તક અને તાર સપ્તકમાં છે,અને તાર રિષભને ચમકતો રાખવાથી જોગિયા એકદમ નિખરી જાય છે..
બારેય સ્વરોમાં કોમળ ધૈવત અને કોમળ રિષભ કરુણરસ ના પ્રતિનિધિ છે.. અને આ બે સ્વરોના મેક્સીમમ ઉપયોગ ને લીધે જોગિયા વૈરાગ અને ભક્તિ પ્રધાન રાગ થઇ જાય છે..!
જોગિયાની અમુક ચીજો મૃત્યુ સમયે પણ ગવાતી હોય છે,જો કે બહુ જાણીતી ચીજ કર લે સિંગાર ચતુર અલબેલી જે કસ્તુરબાની વિદાય વખતે બાપુએ કીધું હતું કે મહાદેવભાઈ સમય આવી ગયો છે કરલે સિંગારનો..અને આ ચીજ જૌનપુરીમાં છે..!
લીંક મુકું છું પંડિત ભીમસેન જોશીજી ની ગયેલી ચીજ પિયા કે મિલને કી આસ..દિન દિન .. જોગનવા ..
શુભ રાત્રી
શૈશવ વોરા