હમણાં ફેસબુક ઉપર એક કલીપ જોઈ એમાં બહુ મોટા પંડિતજી અને ઉસ્તાદો નો શાસ્ત્રાર્થ ચાલતો હતો , અને એમાં મારા જેવા કોઈ એક `કાનસેન` એ સવાલ નાખ્યો કે પંડિતજી તમે લોકો એકના એક રાગ રાગીણીઓ જ કેમ ગાયા વગાડ્યા કરો છો ?
સળંગ કદાચ આ ત્રીસમુ વર્ષ થશે આ ૨૦૨૦ નું વર્ષ સપ્તક ના એન્યુઅલ ફન્કશનમાં જતા જતા , પેહલી જાન્યુઆરીથી શરુ થઇ અને તેર જાન્યુઆરી સુધી રોજ રાતના ઉજાગરા કર્યા ત્રીસ ત્રીસ વર્ષના , એક આખી પેઢી નજર ની સામેથી જતી રહી છે,
ક્યારેક ખાલીપો વર્તાય છે પંડિત ભીમસેનજી જોશી ના હિંડોળ નો અને પંડિત કિશન મહારાજ જી ની એ દહાડ નો અરે ગીન લો માત્રા હમારે સાથ ..!!
સિતારા દેવીના ઘૂંઘરું અને ઉસ્તાદ અલ્લારખ્ખા ખાન સાહેબના એ કાયદા..
વિદુષી શોભા ગુર્તુંજી નો એ અવાજ અને એમની ખમાજ ની ઠુમરી, પંડિત રવિશંકરજી ની એ સિતાર અને ઉસ્તાદ સુલતાન ખાન સાહેબજી ની સારંગી નો એ ગજ ફરે અને લોઢા તાર ચિત્કારી ઉઠે સિંધુરા ના સૂરમાં ..!!
ભૂતકાળમાં જતા રહીએ તો આજ ખાલી ખાલી લાગે છે ..
એ સમયે હું પણ આવો જ સવાલ મારા સંગીત ગુરુ શ્રીમતી સરોજબેન ગુંદાણી ને પૂછતો કે આ બધા એક ના એક રાગ કેમ ગાય વગાડે છે ?
એ સમય હતો જયારે હું વિશારદની મારી કંઠય સંગીતની તૈયારીઓ કરતો અને ત્યારે મને મારવા ને પુરિયા થી બચાવવામાં બહુ તકલીફ પડતી, અને અડાણા ને દરબારી કાનડાથી, એવી જ તકલીફ લલિત ને પંચમથી દૂર રાખવામાં પડતી ,અને એમાં પણ જો ભૂલથી પેહલા વસંત લીધો હોય પછી તો લલિત કેમેય હાથમાં નાં રહે..!!
વળી વળી ને પંચમ યાદ આવે..!!
ઘણી બધી વખત સપ્તકના તેર દિવસના કાર્યક્રમમાં એવું થતું કે કૌંસી કાનડા કે પછી મારું બિહાગ સતત રીપીટ થાય ,દર બીજા દિવસે કોઈ નું કોઈ આ બે માંથી એક રાગ ગાય કે વગાડે અને ત્યારે સ્ટુડન્ટ લાઈફ હતી એટલે આંખ ઈશારા થાય મિત્રો જોડે અને એકબીજાને કહી દઈએ હેંડો લ્યા બાહર `કુફી` પીવા..!
એક ના એક રાગ આવે ત્યારે એમ થાય કે આ શું છે ? અને એમાં પણ છેલ્લે બેસતા મોટા મોટા પંડીતો અને ઉસ્તાદો પણ સતત દર વર્ષે બિહાગ અને મારું બિહાગ લઇ લે ત્યારે મને બહુ ખટકતું ,
એક ભૈરવી માટે મને ખટકો નહિ ,એમાં પણ વિદુષી શોભા ગુર્તુજી જેવા ગાયક હોય તો ભૈરવીમાં પર જબરજસ્ત વેરાઈટી ઉમેરી અને રાગમાલા કરી ને મુકે ત્યારે રૂંવાડા ઉભા થઇ જાય..
પણ મારો સવાલ હંમેશા રેહતો કે રિપીટેશન કેમ ?
અને એની જોડે બીજો સવાલ એ પણ રેહતો કે આ બધા મોટા મોટા લોકો જો પાંચ દસ પંદર રાગ રાગીણીઓમાં સમેટો કરી લેતા હોય તો પછી અમને લોકો ને દર વર્ષના દસ રાગ એટલે સાહીઠ મોટા રાગ અને બીજા વીસેક નાના રાગ વત્તા વીસેક અપ્રચલિત રાગ એમ કરી ને સો સો રાગ રાગીણીઓ કેમ શીખવાડો છો ?
અહિયાં શીખવાડો શબ્દ ખોટો છે,
ખાલી પ્રાથમિક જ્ઞાન આપવામાં આવતું એવું આજે લાગે છે ,
પણ ત્યારે સવાલ તો રેહતો કે …કેમ ?
હવે એ કલીપમાં આવા સવાલ નો જવાબ પંડિતજી એ આપ્યો કે અમે પણ તમારી જેમ સંગીતના વિદ્યાર્થી જ છીએ હજી અને અમારા ગુરુઓ એ કીધું હતું કે એક રાગની સાધના કરો અને આજે અમને એમ થાય છે કે હજી એ એક રાગ ને પણ સાધી શક્યા નથી તો બીજા રાગ રાગીણીઓ ની ક્યાં વાત કરવી ..?
જવાબ સાંભળી ને અચરજ થયું અને સંતોષના વળ્યો ,વાદવિવાદ ના થાય માટે નામો નથી લખતો પણ પૂર્વજોની આટલી મોટી ધરોહર વારસો છે ત્યારે કાનસેન તરીકેની અપેક્ષા ખરી એક એક પંડિતજી ઉસ્તાદજી પાસેથી કે કોઇપણ કાર્યક્રમ અથવા તો યુટ્યુબ જેવા માધ્યમથી સાત સૂરના દરિયામાં દેખાતા રાગ રાગીણીઓના ટાપુઓ ઉપર ભમીએ..!!
એક એક રાગ રાગીણી સાત સૂર ના દરિયામાં રહેલા ટાપુ સમાન છે, અને અમારા જેવા શ્રોતા વિહરવા આવતા હોય છે ,મોટેભાગે એક ની એક જગ્યાએ વિહાર થાય તો પછી અબખે પડી જતું હોય છે..!!!
જો કે યુટ્યુબ ઉપર ઘણી બધી જૂની જૂની ક્લિપ્સ પબ્લિક હવે અવેલેબલ કરાવી રહી છે એટલે વાર તેહ્વારે `વિહાર` થઇ જાય છે પણ સવાલ ત્યાંનો ત્યાં જ રહે છે,પાંચ દસ રાગ રાગિણી જ..!!
ક્યારેક એવો મત પણ આવતો હોય છે કે સાચો શ્રોતા રાગ રાગીણી નહિ પણ સૂર ને શોધવા આવતો હોય છે ,
થાય છે , એવું પણ થતું હોય છે , ઘણીવાર કોઈક એક ગાયક કે વાદક એટલા જબરજસ્ત સૂર લગાડે કે પછી ત્યારે રાગ ગૌણ થઇ જતો હોય છે અને એકલા સૂર ને જ એમની સાધના ના તપોબળે પરાકાષ્ટા એ લઇ જતા હોય છે..
ભારતીય શાસ્ત્રીય સંગીતની અનેકો અનેક ખૂબીઓ છે , એની સાથે સાહિત્ય પણ અભિન્ન રીતે જોડાયેલું છે ,નવે નવ રસના પાન પણ કરવા અને કરાવવા હોય તો થાય છે..!
જોનપુરી નું કર લે સિંગાર ચતુર અલબેલી.. આગાખાન ના મેહલમાં કસ્તુરબાઈ ના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા હતા ત્યારે એમ કે એ કીધું હતું મહાદેવભાઈ સમય થઇ ગયો છે કર લે સિંગાર ચતુર અલબેલી નો..!!
એક અનોખી દુનિયા છે જન્મથી લઈને મૃત્યુ સુધીની આ સૂર રાગરાગીણીઓ ની..
ડૂબો સો તૈરો ને તૈરો સો ડૂબો..!
દર વર્ષે સપ્તકમાં એકાદો પીક એવો હોય છે કે જ્યારે લગભગ સાક્ષાત્કાર થવા સુધી પોહચી જવાય છે ..
છતાં પણ વેરાઈટી ને માણવા ટેવાયેલો જીવડો જુના જુના રાગ રાગીણી પાછળ ઘેલો તો ખરો..!!
ભલે ને ભીમપલાસ કે પછી ઢગલો એક સારંગમાંથી એકાદો સારંગ કેમ ના હોય , ભૂપાલી કે દુર્ગા પણ ચાલે ,પહાડી અને ઝીઝોટી ઘણા થયા ક્યારેક ધાની કે દેસકાર ની પણ મજા છે , રામકલી કે તોડી અરે કાફી કે પટદીપ કે પછી એકલો બહાર ,
અરે શિવરંજની કે કાનડા ,તિલંગ કે હમીર ..મંદિરની ડોશીઓ નો ફેવરીટ કેદારો પણ ચાલે , અતિપ્રાચીન વેદોના જમાનાના શ્રી કે ભૈરવ પણ ચાલે ..!!
હાય રામ ..!!
એક એક નામ યાદ આવે છે અને સરગમો કાનમાં ગુંજારવ કરતી જાય છે..!!
મહાદેવ ..!!
અજન્મા તારો આ નાદ બ્રહ્મ નો સંસાર..!!
ષડ્જ શિવ હૈ ..રિષભ ગીરીજા ..ગણપતિ ગંધાર હૈ ..
રિદ્ધિ મધ્યમ , સિદ્ધિ પંચમ ,ત્રિશુલ ધૈવતાકાર હૈ ..
નિષાદ નંદી શિવચરણ મેં સાત સૂર સંસાર હૈ ..!!
આપનો રવિવાર શુભ રહે
લાલચી માણસ..લુંટી જ લેવું છે તમારા ..!!
શૈશવ વોરા ને ..!!
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*