મને બહુ જ માનપૂર્વક વિનંતી કરવામાં આવે છે કે સર રાજકારણથી તમારી જાતને દુર રાખો..
છેલ્લા બે વર્ષથી મેં બ્લોગ લખવાનો ચાલુ કર્યો લાખ્ખોની સંખ્યામાં લોકોએ વાંચ્યો અને ફોરવર્ડ કર્યો અમુક બ્લોગ તો વાઈરલ થઈને મને જ પાછા આવ્યા અને ઘણીવાર એવું પણ બન્યુ કે નીચે મારા નામની જગ્યાએ કોઈ બીજા જ નામ હોય ..!
પણ સાચું કહું તો એનાથી મને કોઈ જ ફર્ક નથી પડતો, બ્લોગ એ મારા મનમાં ચાલતી વાતો છે મારા મનમાં ચાલતો દ્વંદ્વ છે અને મારા મન ના વિચારો કોઈ બીજા ને એમ લાગે કે આ તો મારા જ વિચારો છે તો ભલે યાર તારું નામ લખીને ફેરવ મને કોઈ જ વાંધો નથી..!
હવે વાત આવે રાજકારણ ની અને મારી જાતને રાજકારણથી દુર રાખવાની તો આજ ના જમાનામાં હવે ભારતવર્ષનો એક પણ વ્યક્તિ પોતાની જાતને રાજકારણથી અળગો રાખવાનો ગમે તેટલો પ્રયત્ન કરે તો પણ અલગ રહી શકે તેમ નથી..સવાર પડ્યે છાપું ખોલો અને રાજકારણ તમારે માથે પડે તે રાત્રે સુતા પેહલા ટીવી જોવો ત્યાં સુધી.
અત્યારે ચાલી રહેલા રાજકારણનો સીધો સબંધ ઈતિહાસ જોડે છે અને એમાં તોડવા મરોડવાની ઘણી કોશિશ પણ થઇ રહી છે, રહી રહીને ઘણા લોકોને પોતાની જાતને આઝાદીના જંગ જોડે જોડવાની અદમ્ય ઈચ્છા થાય છે ને પછી મચી પાડે અને બે ચાર ચોપડીઓ ઘસી કાઢે અને એનો રેફરન્સ બીજા ને અપાય..!
હું તો ચોપડીને ક્યારનો છોડી ચુક્યો છું, ક્યા તો પત્થર બોલે એને સાંભળવાનો, નહિ તો માણસ અને એનું વર્તન અને એનો જીનેટિક ચાર્ટ .. બીજી કોઈ વાત નહિ..!
ભારતીય ઉપમહાદ્વીપમાં કાશ્મીર થી કોલંબો અને દ્વારિકાથી કલકત્તા સુધી આ છેન્તાલીસ વર્ષના જીવનમાં એક ટુરીસ્ટ તરીકે ત્રણ ત્રણ વાર રખડી ચુક્યો છું અને હજી પણ રઝળપાટ ચાલુ જ છે,
મારા પપ્પાની રવિવારે પણ દવાખાનું ચાલુ રાખવાની “કુટેવ” ને લીધે પપ્પા અમને વર્ષમાં બે વાર આઠદસ દિવસ વેકેશન પર લઇ જતા અને ઘણીવાર વીસ દિવસના વેકેશન પણ મળ્યા છેઅને એ બે વેકેશનની પરંપરા મેં પણ જાળવી રાખી છે..! એટલે આજ સુધીમાં મીનીમમ ૯૨ વેકેશન તો મારે થઇ ચુક્યા છે..!
ધંધાકીય કારણસર જેટલા કિલોમીટર રખડ્યો એનો તો કોઈ જ અંદાજ લગાડી શકાય તેમ નથી..
આ ઉપમહાદ્વીપના એક એક પત્થરને મળ્યો છું વાત કરી છે અને ઓળખ્યો છે..! જૂનામાં જુનો કંડારેલો પત્થર કે બોલતો પત્થર ભીમબેટકા મધ્યપ્રદેશમાં છે અને ત્યાં ગુફાઓમાં રેહતા આદિમાનવની ગુફાઓ અને એમાં એમણે દોરેલા ભીતચિત્રો જેનો સમયગાળો આશરે ઈસા પૂર્વ ૭૦૦૦થી ૧૦૦૦૦ વર્ષની આંકવામાં આવે છે પણ મારી સમજણ પ્રમાણે ૨૫૦૦૦ વર્ષ જુના એ ભીતચિત્રો છે..ભાષા અને લીપી ડેવલોપ નોહતી થઇ અને પોતાની આગળ પેઢીને શીખવાડવા દોરાયેલા ભીતચિત્રો બનાવવામાં આવતા હતા..મારા પાડેલા ફોટોગ્રાફ્સ થોડા ખરાબ થઇ ચુક્યા છે એટલે ગુગલ માંથી લઈને મુકું છું..
પછી નો વારો આવે ગુજરાતના જ લોથલ અને ધોળાવીરા .. સિંધુ ખીણ ઈસા પૂર્વ ૨૮૦૦ થી ૨૦૦૦નો એટલે આજથી ગણો તો ૫૦૦૦ વર્ષ જુનો..છેક ચોથા ધોરણમાં હતો ત્યારથી લોથલ જોયું છે અને ભાવનગર આવતા જતા કેટલીયવાર લોથલ ઉભા રહી ગયા..!
થોડો સ્પીડમાં આગળ આવું તો ઇસ પૂર્વ ૩૦૦ થી ૧૦૦ વર્ષનો સમયગાળો ગુપ્ત યુગનો..ગંધારની રાજધાની તક્ષશિલા તો જોવા નથી મળી પણ પાટલીપુત્ર અને નાલંદા જોઈ છે, અશોકનો સ્તમ્ભ અને શીલા લેખો ઠેર ઠેર, છેક જુનાગઢમાં પણ..
એ સમય પછી પછી આક્રમણ વધતા ગયા ખૈબર ઘાટની ભરાડી પરજા લડતી રહી અને કપાતી રહી અને સિકંદર છેક સુધી ચડી આવ્યો..
દખ્ખણમાં વિજયનગર સામ્રાજ્ય અને પછી કુતબુદ્દીન..ઘોરી ..લોધી ..ઉપમહાદ્વીપ આખે આખો દિલ્લી સલ્તનતની નીચે આવ્યો..મુઘલ અને એના મકબરા.. બાબર, જહાંગીર અને બહાદુરશાહ ઝફરના મકબરા નથી જોયા એ સિવાયના બધા જોયા હા બહાદુરશાહ ઝફરની રાહ જોતો એનો મકબરો જોયો દિલ્લીમાં ..રંગુનમાં એમની દફનવિધિ થઇ છે..પણ એમનો મકબરો એમણે જીવતે જીવ જ બનવાડાવી લીધેલો ખબર હતી કે પાછળ કોઈ નહિ બનાવે..!
અંગ્રેજ ૧૮૫૭ના બળવાના સુત્રધાર ગણીને છેલ્લા મુઘલ શેહનશાહને કેદ કરીને રંગુન લઇ અને ત્યાની જેલમાં એક અઝીમ શાયર (ન કિસી કી આંખ કા નૂર હું ના કિસી કે દિલ કા કરાર હું..) પડ્યો અને દફન થયો..!
છેલ્લે રાજીવ ગાંધી એ એમના રેલીક્સ દિલ્લી લાવવાનો પ્રયત્ન કર્યો હતો અને એમની અંતિમ ઈચ્છા પૂરી કરવાનો પ્રયત્ન કર્યો હતો.. જો કે પાકિસ્તાને પણ દાવો ઠોકયો છે અને બાંગલાદેશ એ પણ..! મુઘલો ના સૌથી મોટા અને ખર્ચાળ મકબરાની વાત કરીએ તો આવે તાજ અને મને કોઈ એમ કહે કે તાજમહેલ “તેજો મહેલ” હતો તો એ વાત તદ્દન ખોટી અને કોઈ એમ કહે કે કુત્તુબ મિનાર સંપૂર્ણ ઇસ્લામિક સ્થાપત્ય છે તો એ વાત પણ ખોટી કેમકે કુત્તુબમિનારના પાયાના પત્થરો જ ૨૩ જૈન દેરાસરોને તોડીને બનાવેલા છે, અને આ હકીકતનો દરેકે સ્વીકાર કરવો જ રહ્યો..!
ઉપમહાદ્વીપ જયારે કહું છું ત્યારે તેમાં અફઘાનિસ્તાન,પાકિસ્તાન, બંગાળ, નેપાળ, ભૂતાન,શ્રીલંકા,અને તિબેટ સુધ્ધા આવી જાય છે..!
સદીઓથી ભારતીય ઉપમહાદ્વીપ દુનિયાભરની પ્રજાને આકર્ષતો રહ્યો છે,અને એના પર કબજો જમાવવા માટે આક્રમણો થતા આવ્યા છે,આમ જોવા જાવ તો ઉપમહાદ્વીપની ત્રણ વેધર અને એ વેધરને લીધે અહિયાં ઉગતા ફળ,ફૂલ શાકભાજી અને ધાન એના સૌથી મોટા દુશ્મન રહ્યા છે..!
જેમ આજે ખાડીના દેશો ગૃહયુદ્ધથી પીડાય છે એમ એક જમાનામાં ભારતીય ઉપમહાદ્વીપ પણ ગૃહયુદ્ધ અને આક્રમણોથી પીડાતો,અને હજી પણ ગૃહયુદ્ધ સંપૂર્ણ રીતે સમાપ્ત થયા નથી..! ઉપમહાદ્વીપનું મોટુ આકર્ષણ અહીની સમઘાત આબોહવા છે અને એ આબોહવા જ ભારતીય ઉપમહાદ્વીપ સુધી આક્રમણખોરોને સદીઓથી અહી સુધી ખેંચી લાવી છે, અને આવા સુજલામ સુફલામ્ ઉપમહાદ્વીપ પર કબજો જમાવવા માટે અઢળક આક્રમણ થયા,
આજે ચાલી રહેલા ખાડીના દેશો ના આંતરિક સંઘર્ષનું કારણ ફક્ત અને ફક્ત ક્રુડ ઓઈલ છે અને જે દિવસે ખબર પડશે કે હવે ક્રુડ ઓઈલ અહિયાની ધરતીમાં નથી એના બીજા જ દિવસથી ત્યાં થતા બધા જ લડાઈ ઝઘડા ખતમ થઇ જશે..
આ બધામાં જોવાની ખૂબી એ છે કે આક્રમણ કરનારી પ્રજા પોતે, અંગ્રેજ સિવાયની લગભગ બધી જ પ્રજા પોતાના દેશ પાછા જવાને બદલે અહિયા જ રહી પડી એટલે ભારતની મૂળ નિવાસી પ્રજા કઈ..?
તો એના જવાબ માટે માટે છેક હું હોમો ઈરેક્ટસ(૨૫ લાખ વર્ષ પેહલા) સુધી જવા તૈયાર છું કલકત્તાના નેશનલ મ્યુઝીયમમાં દખ્ખણમાંથી મળેલી આજે પણ ઉત્ખનનમાં મળેલી હોમો ઈરેક્ટસની ખોપરી સચવાયેલી પડી છે..અને મને એ હોમો ઈરેક્ટસની ખોપરી મને રામના અને હનુમાનના અસતિત્વનો પુરાવો લાગે છે..!
વાત કરીએ ઉપમહાદ્વીપનું રાજકારણ ,
એકે એક દેશ જે ખરેખર દેશ છે જ નહિ પણ રાજ્ય જ છે એમ માની લઈએ તો બધા જ દેશના જેટલા રાજ્ય છે એ બધા ભેગા કરો તો લગભગ અમેરિકાના જેમ ૫૦ રાજ્ય છે એમ ટોટલ ૫૦ એક રાજ્ય થાય અને આ બધા રાજ્યો કોઈ ને કોઈ કારણસરથી એકબીજા જોડે ઝઘડ્યા કરે છે.. અને હજી પણ પોતાની એક સેપરેટ આઇડેન્ટિટી મેળવવા બધા પીડાઈ રહ્યા છે,કલેકટીવ આઇડેન્ટિટી નો કન્સેપ્ટ હજી પ્રજાના દિમાગમાં બેસતો નથી અને જેને બેસે એને નેતાઓ પાગલ ઠેરવે છે..
દરેક રાજ્યનું બીજા રાજ્ય સાથે પ્રોપર સિન્ક્રોનાઈઝેશન થવું જોઈએ એ હજી પણ થયું નથી..જો કે અંગ્રેજ પણ કરી શક્યા નોહતા,આપણે શારીરિક નિર્બળતા અને આર્થિક રીતે એટલા બધા તૂટી ગયા હતા કે હવે શું ? ક્યાં જવું છે ? આવા બધા સવાલો વિચારવાની જગ્યા જ નોહતી..આરબ અને તુર્કોની જોડે લઢી લઢીને થાકી ચુક્યો હતો ઉપમહાદ્વીપ..
આખે આખા ઉપમહાદ્વીપમાં લગભગ ભુખમરી જ હતી ૧૯૪૭ પછી અને પેહલા, બધાને એટલી જ ખબર હતી કે અંગ્રેજ આપણને લુંટી ગયા ઔદ્યોગિક ક્રાંતિ યુરોપમાં થઇ ગઈ અને યુરોપ અમેરિકા ખંડથી આગળ વધીને છેક ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સુધી પોહચી ગયું હતુ અને ત્યારે ઉપમહાદ્વીપ દરિદ્રતામાં પીડાતું રહ્યુ..
યુરોપને નવા શોધાયેલી જમીન અને ખંડોમાં એમના વિકાસની ભરપુર તકો દેખાઈ,યુરોપની વસ્તી ના અને ભવિષ્યની વધવાની વસ્તીની બધી જ ગણતરી મુક્યા પછી જે હિસાબ બેઠો એમાં યુરોપને એવું લાગ્યું કે લગભગ અડધી દુનિયાની જમીનો આપણી પાસે છે તો હવે એશિયાને ઝડપથી ખાલી કરો, આ બલાને હવે વધારે ગળે વળગાડીને આપણે આપણી ઝીંદગી ઝેર કરવાની જરૂર નથી..!
યુરોપ એ એશિયા ખાલી કર્યું, અને બધાને કહી દીધું તમારે જે કરવું હોય તે કરો લડો,ઝઘડો અને કપાઈ મરો..! અમે છુટ્ટા..!
થોડા પાછળ જઈએ ખૈબરઘાટ ઓળંગીને આવેલી પ્રજા જેનો ધરમ ઇસ્લામ હતો પેહલા તો લુંટના ઈરાદે આવી પછી લાગ્યું કે અહિયા રહી પડવા જેવું છે અને રેહવું હોય તો રાજ કરવું પડે અને રાજ કરવુ હોય તો વટલાવો..!
સામ દામ દંડ ભેદ..બધું વપરાયુ ઉપમહાદ્વીપમાં સદીઓ થી વસવાટ કરતી પ્રજા હારી થાકી અને અકળાઈ, વસ્તીનો ઘણો મોટોભાગ વટલાઈ ગયો..!
જીનેટિક ચાર્ટ આજે પણ ઉપમહાદ્વીપના વટલાયેલા લોકોને “અરબી” કે તુર્કી નથી કેહતો..! ઉપમહાદ્વીપના જીનેટીક્સ એક જ છે અને એ જીનેટીક્સ ડેવલપ થયા છે અહીની વેધર અને ફૂડને લીધે..!
જન્મ,મરણ અને રોગો બધું જ સરખું છે અરે ત્યાં સુધી કે ઈલાજ પણ એક જ છે પણ ધરમ જુદા એટલે કપડા ,રીતરિવાજ જુદા..! એક મરે એટલે સળગે અને બીજો દટાય..!
ઉપમહાદ્વીપમાં એક સમયે ખરેખર કોઈ ધર્મ હતો જ નહિ, સિંધુ અને બ્રહ્મપુત્રની ખીણથી આગળ વધીને ગંગાજમનાના મેદાનો અને બીજી નદીઓની નજીક જીવન પાંગરતા અને ઉત્ક્રાંતિ આગળ વધતી..
જેમ જેમ ઉત્ક્રાંતિ આગળ વધી તેમ તેમ જીવનને એક આકાર(શેઈપ,વધારે વધેલા આમતેમ ઉગેલા વાળને જેમ કાપીને સરખા..) આપવાનું ચાલુ થયું અને પરમ્પરાઓ અસ્તિત્વમાં આવી જીવન કેમ જીવવું એની શૈલી નક્કી થઇ..!
લગભગ જે કોઈ શોધો થઇ તે બધી જ કુદરતી ચીજ વસ્તુઓમાંથી થઇ અને બધી જ બાયોડીગ્રેડેબલ હતી.. કુદરતની જોડે એકાત્મકતા અને તાદ્મ્યતા જળવાઈ રહે અને બેલેન્સ બગડે નહિ એની કાળજી રાખવામાં આવી..!
લાખ્ખો વર્ષ થયા.. અને આ બધાની સાબિતી ઉપમહાદ્વીપના પથરા આપે છે, જેમ કે રામસેતુ..!
રામ નું અસ્તિત્વ અને કાલખંડ હું લગભગ ૨૫ લાખ વર્ષ જુનો માનું છું અને રામ એક વ્યક્તિ નોહતા ..રામ એક પરંપરા હતી, જેમ વશિષ્ટ મુની દ્વાપરમાં પણ હતા અને ત્રેતામાં પણ હતા, તેમ કદાચ આખો ત્રેતા અયોધ્યાથી રાજ થયું અને જે રાજા બન્યા તે રામ..!
ઇસ્લામિક શાસન સમયમાં વિસ્તારને આડે આ પત્થરો આવ્યા ઘણી બધી માન્યતાઓ અને પરંપરા સાથે જીવવા ટેવાયેલી પ્રજાને પોતાની તરફ વાળવામાં પથ્થરો હેરાન કરતા લાગ્યા અને માટે જ્યાં દેખાય એનો નાશ કરો..
પણ જેને કાળ ગળી ગયો હોય અને પોતાના પેટમાં છુપાયેલા રાખ્યા હોય એ બચી ગયા..દા.ત . હ્ડપ્પા..! અને હોમો ઇરેકટસનું હાડપિંજર..!
આટલી બધી કથા કરવાનું કારણ એક જ છે કે આઝાદીના ૭૦ વર્ષે હજી આખે આખો ઉપમહાદ્વીપ નક્કી કરી નથી શકતો કે એણે જીવવું કઈ રીતે લાખો વર્ષથી આ જ ધરતી ઉપર રહીને આપણા બાપદાદાઓ એ બનાવેલી અને સ્વીકારેલી પરંપરાઓ સાથે જીવવું કે અરબસ્તાનની અને તુર્કોની વેધર અને ફ્રુટ ફળો સાથે જોડાયેલા લોકોએ ઉભી કરેલી પરંપરા અપનાવી અને જીવવુ ..!
અને હવે ઉપરથી ઈન્ટરનેટ અને નવી ટેકનોલોજીની દુનિયા એ આપણા ફળ ફૂલ અને ફૂડ બધાને ક્યારે બદલી નાખ્યા એની ખબરના પડી, આજ ના જમાનામાં ઈન્ટરનેટ અને ગ્લોબલ સીટીઝનશીપના જમાનામાં દુનિયા ખુબ નાની થઇ અને ખાનપાનના આદાન-પ્રદાન થયા સમોસા બ્રિટનનું સૌથી વધારે ખવાતું ફોરેન ફૂડ છે..!
હા શરીરમાં રહલો જીનેટિક ચાર્ટ તો કોઈ કાળે બદલી શકવાના નથી એમાં આરબ, તુર્કી કે યુરોપિયન જીનેટીક્સ નથી આવવાના ..!
પરંપરાઓને ધરમનું નામ આપ્યું અને ધરમના નામે યુધ્ધો કર્યા..અને રાજનીતિ..?
પોતાના સ્વાર્થ સાધવા માટે ક્યારેક ગાયોને તો ક્યારેક બીજા પ્રાણીનો સહારો લઈને લડ્યા..
નવી પરંપરા સ્વીકારતા કે જૂની છોડવામાં (જેમકે મૃત્યુ પછી દફનવિધિ કે અગ્નિસંસ્કાર) એવું પૂછવાનો હક્ક પણ આપણી પાસે ના રાખ્યો કે આ શા માટે ? અને શું મારા માટે સારું અને મારી કુદરત માટે સારું ..? અને ધાક ધમકી કે આંધળા અનુકરણમાં કોઈકને પાવર ઓફ એટર્ની આપી દીધો..!
સેક્યુલર કેહવાતા આ દેશમાં તમારો અને મારો પાવર ઓફ એટર્ની બધાને જોઈએ છે, અને એટલી હદ સુધી કે ખાલી આપણો નહિ આપણી આવનારી સાત પેઢીનો પણ પાવર ઓફ એટર્ની એમને આપણે જ આપીએ એવી આશા રખાય છે..!
રાજકારણથી મારી જાતને દુર ચોક્કસ રાખીશ પણ એના વિશે લખતા તો મારી જાતને નહિ રોકી શકું..
સોરી..
જુના તમામ ધરમ ને બદલવાનો સમય છે, અને જે ધરમ નહિ બદલાય તે આપોઆપ સમાપ્ત થઇ જશે કેમકે ધરમ એ પરંપરાઓ પર ટકેલો છે..
કોઇપણ સમુદાય નો પાવર ઓફ એટર્ની મારી પાસે છે એવુ સમજવા વાળા માટે યુપીના પરિણામો એક લપડાક છે, અને હવે તો આપણે “રાજ્જ્જા” હું ચાહે આમ કરું હું ચાહે તેમ કરું એવું માનવાવાળા બહુ જલ્દી કાળની ગર્તામાં ગુમનામી નો અધિકાર મેળવે છે ..!
ઉપમહાદ્વીપની મોટાભાગની સમસ્યાના મૂળ ક્યાંક બીજે જ છે..!
એક દેશની સમસ્યાના મૂળ બીજા દેશમાં પડ્યા છે એટલે આખા ઉપમહાદ્વીપનું એક લશ્કર, એક કરન્સી અને ઈતિહાસનો (સાચા) સ્વીકાર એ જ લગભગ બધી સમસ્યાનું સમાધાન છે.!
શુભ રાત્રી
શૈશવ વોરા