રખડતા ઢોરો ,હરાયા ઢોર ..પેહલા તો હરાયું ઢોર કોને કેહવાય ?
જે ગાય, ભેંસ કે આખલાને તેના માલિક દ્વારા ત્યજી દેવાયા હોય એમનું “કામ પૂરું” થઇ ગયું હોય અને જે તે આખલા ,ગાય, ભેંસને એનો માલિક રાતના અંધારામાં ત્યજી દે તેને હરાયું ઢોર કેહવાય ..!
હવે સવાલ…
તમને દિવસ દરમ્યાન `હરાયા ઢોર` કેટલા જોવા મળે છે ?
મને તો અનહદ જોવા મળે છે ..
દરેક ફ્લેટમાં, સોસાયટીમાં આજકાલ વીસથી ત્રીસ ટકા `હરાયા ઢોર` જોવા મળે છે..!!
સમસ્યા વિકરાળ છે …
બીજી એક જૂની સમસ્યા યાદ કરાવું ..
બંગાળમાં બાળ લગ્નો થતા, એમાં ઘટના એવી ઘટતી કે જો કોઈ સ્ત્રીનો પતિ ભર જુવાનીમાં મૃત્યુ પામે તો તેને ઢોલ નગારા સાથે સ્ત્રીને રોતી કકળતી પતિની સાથે ચિતા ઉપર ચડાવી દેવામાં આવતી , સ્ત્રી ચીસો પાડતી રહે અને જીવતે જીવ સળગાવી દેવામાં આવતી..!!!
બસ બિલકુલ એમ જ જીવતે જીવ “હરાયા” કરી મુકવામાં આવે છે વડીલો ને ..!
ચારેબાજુ આજકાલ એકલા રેહતા, “હરાયા વડીલો” જોવા મળે છે ..!
મારી જૂની અને જાણીતી ટર્મ વાપરી લઉં “છત્તે છોકરે વાંઝીયા..”
સમસ્યા વિકરાળ થતી જાય છે ,એકલતા માણસને જીવતા મારે છે, અમદાવાદ આખામાં હાથ પગ અને મગજ ચાલ્યા ત્યાં સુધી ભટક્યા પણ હવે અડધા પડધા અંગે ભટકાવાનું આવે છે અને હાથ ઝાલનાર કોઈ નથી …!!
જિંદગી આખી ઢસરડા કર્યા પછી પણ ઢસડાવું પડી રહ્યું છે છતાંય કોઈને દેખાતું નથી..!!
એક કે બે છોકરા થવા દીધા અને અમેરિકન સીસ્ટમ અપનાવી , જુવાનીમાં હાથપગ ચાલ્યા ત્યાં સુધી જુવાનીના જોશમાં ચારેકોર રાસડા લીધા, હવે હરાયા ઢોરની જેમ ચારેબાજુ મોઢા મારતા ફરે છે, કોઈ થેક (એક હલકા પ્રકારનું ધાન ) નથી લેતું ..!
પેહલા એવું થતું કે અમેરિકા-કેનેડા-ઓસ્ટ્રેલિયાથી આવતા ફોન લેવામાં કંટાળો આવતો હતો હવે હરાયા `છુટ્ટા મૂકી દીધેલા` વડીલના ફોન લેતા પણ લોકોને કંટાળો આવે છે..!!
આજકાલ વિડીઓ કોલની સીસ્ટમ થઇ ગઈ છે કોવીડ પછીના આ સમયગાળામાં , ગઈકાલે સપ્તકમાં આગળ બેઠેલા એક છોકરાની એટલી બધી કોઈ વિડીઓ કોલ કરી કરીને મેથી મારતું હતું ,શું સબંધ હશે એ છોકરાનો અને સામે છેડે બેઠેલા કોલરનો પણ હતું કોઈ `હરાયું વડીલ` ..
દર દસ મીનીટે કોલ આવે , છેવટે પેલો છોકરો કાર્યક્રમ અડધે મૂકીને જતો રહ્યો ..!
આખા ભારતીય સમાજમાં ઉભરી આવેલી આ નવી સમસ્યા છે “હરાયા વડીલ”
બહુ દુઃખ થાય છે આવા વડીલોને જોઉં છું ત્યારે પણ કશું કરી નહિ શકવાની અસમર્થતા એનાથી વધારે પીડા આપે છે, એક કે પછી બે જ સંતાનો થવા દીધા છે એવી આખી પેઢી હવે ઘડપણમાં આવી છે અને જ્યાં સુધી જાત ચાલતી હોય છે ત્યાં સુધી તો ઠીક પણ પછી જે દશા થાય છે… બાપરે ..
સત્યઘટના કહું .. એક બાની ઉંમર લગભગ નેવું ઉપરની અને પલંગથી ઉઠીને બાથરૂમ સુધી પણ ના જઈ શકે, ઘરમાં કરનાર કોઈ નહિ, બે જ દીકરીઓ , અને બંને સાસરે , એક કેર ટેકર બાઈ રાખેલી ,પણ એ બાઈ રાત્રે જ આવે, દિવસ દરમ્યાન આખો દિવસ બા બિચારા એકલા ઘરમાં એક જ જગ્યાએ બેઠા રહે અને પોતાની જાત્તે જાતે ડાયપર બદલ્યા કરે અને બાજુમાં એક કોથળી રાખી હોય એમાં ભર્યા કરે ..
આખો રૂમ જે ગંધાય …પણ શું કરે બિચારા ..? બિલકુલ ત્યજી દેવાયા હતા .. પછી કોઈક મારા જેવા કોઈ અળખામણા લાગીએ તો લાગીએ પણ એના દિકરી જમાઈઓને બોલાવી અને ખખડાવ્યા ત્યારે વારા કાઢ્યા છ-છ મહિનાના ..!!
એક આ છ- છ મહિનાના વારા પણ બહુ ખરાબ ચીજ છે , મારા જેવાને તો પલંગ બદલાય તો પણ ઊંઘ નથી આવતી તો પછી છ-છ મહીને ઘર બદલાય અને એ પણ જતી જિંદગીએ તો વડીલોની શું હાલત થતી હશે ..?
એક દાદા મને કહે અરે ભગ્વાનીયાને રોજ કહું છું કે ઘડ્પાન કોણે મોલ્ક્યું આ ..
સાથે કોઈ રેહનાર નાં હોય એવા ઘરડાં માતાપિતાને અત્યારે ભારત દેશમાં અસંખ્ય તકલીફો પડી રહી છે, નાના નાના બેંકના કામ હોય કે કોઈ ઓનલાઈન પેમેન્ટ હોય ત્યાંથી લઈને બાથરૂમમાં પડી જવાની બીક ,
એટલા બધા ઓશિયાળા થઇ જાય છે આ ઘરડા કે ખરેખર જો કોઈને સમય આપીને એમની વાતો સાંભળો તો ઉભા ઉભા રડી પડાય ..!
એક સિત્તેર ઉપરનું કપલ છે રોજ રાત્રે બંને જણા પાણીની બે બાટલી ,ટોર્ચ , મોબાઈલ,એક લાકડી આટલું સાથે લઈને ઊંઘે છે બંને જણાનો પોત પોતાનો આખ્ખો સેટ રાખે છે બધ્ધી વસ્તુનો ..
મેં કીધું કાકા પાણી ટોર્ચ અને મોબાઈલ તો સમજ્યા પણ તમે બંને લાકડી કેમ રાખો છો અને એ પણ બે ?
તો કાકા કહે કોઈ આવે તો મારવા થાયને..
હું હસી પડ્યો અરે કાકા તમારી લાકડીએ તમને મારશે ..
કાકીએ ફટાક કરતુ કીધું જવાદે ને ભાઈ આ આખી રાત કોઈક આવશે આવશે, ચોર આવશે એની બીકે ઊંઘતા નોહતા એટલે મેં જ કીધું તો હેંડો ત્યારે આપણે બંને એક એક લાકડીઓ રાખીએ ,કોઈ આવશે તો દેવાવાળી કરી દઈશું ,આટલું સમજાયા પછી માંડ લાકડી લઈને ઊંઘે છે અને તો પણ જરાક આવાજ થાય તો આખા ઘરમાં ટોર્ચ અને લાકડી લઈને ફરે છે ..સાવ `ફફડુદાસ` થઇ ગયા છે તારા કાકા તો ..!!
આ ઘડપણ છે, ઊંઘ આવે નહિ અને પથારીમાં પડ્યા પડ્યા અવળા વિચારો આવે ..!!
હમણાં એવું સાંભળ્યું કે ડીમેન્શીયાના પેશન્ટને પરદેશમાં અલગ રાખીને રમકડા આપવામાં આવે છે નાના નાના ટેડીબેરથી રમાડવામાં આવે છે અને રીઝલ્ટ સારા મળે છે જલ્દી સાજા થાય છે ..!!
એક જમાનો હતો કે આવા કોઈ રોગના નામ સુધ્ધા નોહતા સંભળાતા, ઘરમાં જ બાળકોની એટલી કિલકારી હોય કે બીજું કશું આડુંઅવળું ઘરડાને સુઝે જ નહિ ,
પણ હવે બધું બદલાયું છે ઘરડે ઘડપણે ટેડીબેરથી રમવાના દિવસો આવશે ..!!
હું તો બધાને કહું જ છું કે “જે ઘરમાંથી બાળપણ જતું રહે છે તે ઘરમાં ઘડપણ બહુ જલદી આવી જાય છે ..!”
પોતાના બાળકો ના હોય, મોટા થઇ ગયા હોય તો આજુબાજુના પાડોશીના બાળક-બાળકોને ઘેર લાવી રમાડજો, પણ બાળક જોડે સમય પસાર કરજો જીવનમાં .. કોઈ જ રોગ નજીક નહિ આવે .. જિંદગી બેલેન્સ રેહશે..!!
પપ્પાના છેલ્લા વર્ષોમાં અમારા પાડોશીની નાનકડી બે વર્ષની દિકરી દાદાની ગાડી આવે દવાખાનેથી એટલે તરત ન રોજ ઘેર આવી જતી ,અને રોજ દાદાજી જોડે જમવા બેસે..
અમારા પાડોશીની નાનકડી દીકરી અને દાદાજીની જે જુગલબંધી જામે .. અહા..હાહા ..!
બાળપણને ઘડપણથી અને ઘડપણને બાળપણથી છુટું પડવાનું મહાપાતકના વોહરી લેશો..! ના બનવા દેજો કોઈને હરાયા ઢોર ..મનેખ નો અવતાર આપ્યો છે ..
ભૂલ કરી હોય તો સુધારી લેજો ..
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*