રામાયણ મહાભારત ચાલુ થઇ ત્યારથી ફરી એકવાર મગજ ચકરાવે ચડ્યું છે..
હું આપણા જુના જુના ગ્રંથો ક્યારેક હાથ ચડે અને વાંચું ત્યારે કોઈ જુદા એન્ગલથી જોવાની હંમેશા કોશિશ કરતો રહુ છું..!
રામાયણ મને ઘણીવાર ઉત્ક્રાંતિની કથા લાગે છે અને મહાભારત પ્યોર જીનેટિક એન્જીનીયરીંગ..!!
જો કે બંને મહાકાવ્યો ને બીજી પણ ઘણી રીતે મૂલવવા હોય તો મુલવી શકાય તેમ છે.!
રામાયણમાં હું પેહલા પણ કહી ચુક્યો છું કે હનુમાનજી કદાચ હોમો સેપીયંસ અથવા હોમો ઈરેક્ટસ કે પછી એન્ડરથલ હશે, નલ નીલ કોઈ ક બીજી પ્રજાતિ,પક્ષીરાજ ગરુડ કોઈ ક ચોથી પાંચમી પ્રજાતિ અને રાક્ષસરાજ રાવણ એ હોમો સેપીયંસ સેપીયંસથી આગળ વધી અને હોમો સેપીયંસ સેપીયંસ રક્ષ્યન્સ
પ્રજાતિ ડેવલપ થઇ હશે અને દેવો એ હોમો સેપીયંસ સેપીયંસ દેવ્ય્ન્સ
હશે..!
હવે ત્યાર નો સીન જોઈએ તો ધરતી ઉપર ફક્ત હોમો સેપીયંસ સેપીયંસ
જ અવેલેબલ છે ,
મોટેભાગે જેટલી મનુષ્યની જાતી પ્રજાતિ અવેલેબલ છે એમાં લગભગ બધા ની એનેટોમી એકદમ સરખી છે, લગભગ બ્લડ ગ્રુપથી લઈને ઘણું બધું કોમન છે એટલે આપણે અત્યારની પેઢીઓ એ એમ માની લીધું છે કે દુનિયામાં માણસ ની આગળ નો કે પાછળ નો જીવ પેદા થયો જ નહિ હોય..!
પણ એ વાત અશક્ય છે ..
હું ઘણીવાર એવું માનું છું કે રામ અને લક્ષ્મણ નામની બે હોમો સેપીયંસ સેપીયંસ પ્રજાતિના જીવો એ જોરદાર અક્કલ વાપરી અને વાનર પ્રજા ઉર્ફે હોમો ઇરેકટસ, હોમો સેપીયંસ, નીએન્ડરથલ બીજા જે કોઈ હોમો સેપીયંસ સેપીયંસ ઉર્ફે આજ નો મનુષ્ય એને મનુષ્યથી આગળ ઉત્ક્રાંતિ થઇ ને વધેલા હોમો સેપીયંસ સેપીયંસ રક્ષ્યન્સ
, જોડે લઢાવી ને મારી નાખ્યા..
રામ રાવણ ના યુદ્ધમાં હોમો સેપીયંસ સેપીયંસ ફક્ત બે જ હતા એક રામ ને બીજા લક્ષમણ..!!
બાકી બીજું બધું પરચુરણ હતું જે એ લોકો એ સાફ કરાવી નાખ્યું..!
ને અલ્ટીમેટલી ધરતી ઉપર હોમો સેપીયંસ સેપીયંસ નું રાજ સ્થપાઈ ગયું..!
એટલે ક્યાંક રામ રાજ્ય લાખ્ખો વર્ષ સુધી ચાલ્યું એવું લખાય છે એનો મતલબ એવો પણ થાય કે હોમો સેપીયંસ સેપીયંસ નું રાજ લાખ્ખો વર્ષ ચાલ્યું..!
અચ્છા એક બીજી વાત કરી લઉં આપણા શાસ્ત્રોમાં આઠ અમર પુરુષો છે , આમ તો સાત છે અને આઠમાં ઋષિ માર્કંડેય ને અમર ગણવામાં આવ્યા છે..
એક શ્લોક ફટકારી દઉં..
‘अश्वत्थामा बलिर्व्यासो हनुमांश्च विभीषणः।
कृपः परशुरामश्च सप्तैते चिरंजीविनः॥
सप्तैतान् संस्मरेन्नित्यं मार्कण्डेयमथाष्टमम्।
जीवेद्वर्षशतं सोपि सर्वव्याधिविवर्जित।।’
ગુજરાતી નથી કરો શ્લોકનું..પણ મારી દ્રષ્ટીએ હું એમ માનું છું કે આ આઠે આઠ અમર પુરુષો ના જીનેટીક્સ ક્યાંક પ્રિઝર્વ કર્યા છે અને જો આજે જેવું કોવીડ-૧૯ નું કોગળિયું ફાટી નીકળ્યું છે ને ટપોટપ હોમો સેપીયંસ સેપીયંસ ઢબી જાય છે એમ ક્યારેક બધું ઢબી જાય તો આ આઠમાંથી કોઈક ના જીનેટીક્સ વાપરી ને ફરી એકવાર દુનિયાની સર્જન થઇ શકે..!
હવે મહાભારત..
જીનેટિક એન્જીનીયરીંગ..
પેહલા શરુ કરીએ તો ગંગા અને શાંતનું ના દેવવ્રત ઉર્ફે ભીષ્મ..
પોણા બસ્સો વર્ષ જીવે એવો મનુષ્ય પેદા કરવાનો હતો અને એના માટે આગળ સાત ટ્રાયલ થયા અને લગભગ બધા ફેઈલ ગયા એટલે બધાને પાણીમાં ડુબાડી દીધા..અને આઠમો ટ્રાયલ સકસેસ , એટલે ભીષ્મ બચ્યા ..
પણ પછી ક્યાંક બબાલ થઇ હશે કે આટલું બધું જીવાડાય કેવી રીતે માણસ ને ? એટલે ફાઈનલી ભીષ્મ નો વંશ આગળ જ ના વધવા દીધો..
હવે કોઈને પોણા બસ્સો વર્ષ જીવવું હોય તો જીવાય ખરું..
સો ટકા જીવાય , પૂછો કૈસે..? તો માણસના દુશ્મન કોણ જરા,વ્યાધિ,અને ઉપાધી..!
હવે સારું સારું બેલેન્સ ડાયટ અને રેગ્યુલર કસરત કરો તો સો એ તો પોહચો, અચ્છા ભીષ્મ ને તો કુંવારા જ રાખ્યા હતા એટલે આમ જુવો તો કોઈ ઉપાધી હતી જ નહિ કેમકે માણસ જાત ને પેટ ના જણ્યા જેટલી ઉપાધી આપે છે ને એટલી બીજી કોઈ નથી આપી શકતો એટલે પેટના જણ્યા જ ના હોય તો ઉપાધી તો ઘણી ઓછી થઇ જાય..!
આંગળીથી નખ વેગળા એટલે વેગળા ..!!
તો પછી મારે કોણ ..?
શરીરમાં શરીરે પોતે જ પેદા કરેલી ઇન્ફેકશન , બેકટેરીયલ ગ્રોથ અને બહારથી આવતો વાઈરસ..
હમણા એક ડોક્ટર મિત્ર જોડે બેઠો હતો મેં કીધું આ કોવીડ-૧૯ માટે અને બીજા બધા માટે જેમ બેક્ટેરિયા ને મારવા એન્ટી બેકટેરીયલ છે એમ એન્ટી વાઈરલ મળી જાય તો ?
મને કહે બધાય બસ્સો વર્ષ જીવે , એન્ટી વાઈરલ , પછી પેલી એચઆઈવી ની દવા અને એન્ટી બાયોટીક્સ પછી જુવાન દેખાવા નાખો બોટોકસ એની માં ને ,
પાછા જ નહિ પડવા નું , ઠોકે જ રાખવાનું તો બસ્સો એ તો પોહચી જવાય..
હેંડો ત્યારે મચી પડો..
પણ કદાચ એ જમાનામાં કન્સીવ થાય એ પેહલા જ સ્ત્રી પુરુષ ને ઓસડીયા પીવડાવી પીવડાવી ને શરીર તૈયાર કરવામાં આવતા હશે ,
આજે પણ પેલા લગ્નના ત્રણ વર્ષ સુધી મજા
કરવા છોકરા નથી થવા દેતા અને પછી જાય ઇન્જેકશનો ખાવા , બે ત્રણ વર્ષ ઘોદા
ખાય બંને જણા ત્યારે પછી માંડ માંડ કન્સીવ થાય અને પ્રેગ્નેસી કન્ફર્મ થાય..
હું તો નવા પરણેલા ને વર્ષ થાય એ ભેગું ઝાટકું જ છું બહુ હુશ્યારીમાં ના રેહતો જો બાળક કુદરતી રીતે થતું હોય તો થઇ જ જવા દેજે , વધારે પડતી “મજા” લેવા ગયો ને તો લેવાના દેવા પડી જશે પછી..ચાર પાંચ પેટી રૂપિયામાં ઉતરી જઈશ અને માનસિક ત્રાસ જુદો..!!
બેક ટુ પોઈન્ટ એટલે એવું બને કે મહારાજ શાંતનું અને ગંગા ને ઓસડીયા આપ્યા હોય પણ સાત સાત વાર લોચા પડ્યા હોય અને પછી દેવવ્રત અવતર્યા હોય કે જે પોણા બસ્સો વર્ષ સુધી જીવ્યા..!!
એક એક પાત્ર માટે આવી મારી જોડે થીયરી છે રામાયણ અને મહાભારત ના..
બીજા બધા નું ફરી ક્યારેક પણ અત્યારે કોવીડ-૧૯ ઉર્ફે કોગળિયું ફાટી નીકળ્યું છે એના માટે એટલું કેહવા નું કે દુનિયામાં જેણે ચમત્કાર દેખાડ્યો છે એને નમસ્કાર છે..
જે ડોક્ટર હજી બે જ મહિના પેહલા કસાઈ
લાગતા હતા એ હવે દેવ લાગી રહ્યા છે અને એમના માટે થાળી વાડકા વગાડો છો ..
લુચ્ચ્ચાઓ ,સ્વાર્થીઓ , હલકટો..!!
એક ચેલેન્જ અત્યારે આયુર્વેદ અને બીજી બધી બ્રાન્ચો માટે છે , દવા આપો કોવીડ-૧૯ ની ,
જેમ ડેન્ગ્યું માટે પપૈયાના પાન નો રસ શોધી કાઢ્યો અને પ્લેટલેટ ને કન્ટ્રોલ કરી નાખ્યા એમ કોવીડ-૧૯ માટે તમારે હળદર ,સુંઠ , ગંઠોડા , મરી ,મધ ,અજમો વગેરે વગરે બીજું જે કઈ વાપરવું હોય એ વાપરો , ટ્રાયલ કરવા હોય એ કરો..
પણ કન્ફર્મ રીઝલ્ટ આપો ..
અમુક તમુક પ્રમાણમાં અમુક દિવસો આટલું
ખાશો તો પેથોલોજીમાં કોવીડ-૧૯ નો ટેસ્ટ નેગેટીવ આવશે જ..
ટ્રમ્પકાકા ની જેમ ફેંક ફેંક નહિ કરવાની..!
સો વાત ની એક જ વાત “બાપ બતાવ નહિ તો શ્રાદ્ધ કર..”
ઝટ કરજો હો બાપલીયા..!
ચાલો આજે હૈ અટકું આપણા આઠસો શબ્દોની બદલે સાડા નવસો થઇ ગયા બહુ હથોડા ના મરાય..!
શુભ રાત્રી
સાચવજો , ઘરમાં રેહજો ..
અને હા જે ને તે ગોળીઓ ખાધા ના કરશો એમ પોણા બસ્સોના નહિ થવાય..!
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)