શ્રી શ્રી ની અત્યારની સિચ્યુએશન જોઇને એક ચીજ યાદ આવી ગઈ ..
મૈ ક્યોં ગઈ જમુના પાની સખી મૈ ક્યો ગઈ જમુના પાની
પ્રગટ ભઈ બલિહારી શ્યામ સૌંગ લાગી પ્રીતન છાની ..!!
મૈ ક્યોં ગઈ જમુના પાની.. અત્યારે શ્રી શ્રી આવુ જ કૈક વિચારતા હશે અને બીજી લાઈન પણ એકદમ સુસંગત છે ..!!
“શ્યામ” સંગની લાગેલી છાની પ્રીત જગજાહેર થઇ ગઈ..!
“શ્યામ” પણ ખરો છે બાકી, આખે આખી નારાયણી સેનાને કામે લગાડી દીધી એમની “સખી” માટે .. એ ચાલો ચાલો જલ્દી જલ્દી પુલ બનાવી નાખો જમુનાજીના ઘાટે..!
અને સેના ને તો છૂટકો જ નથી..! સ્વયમ નારાયણ નો હુકમ છૂટે અને એ પણ એમની એક પ્રિય “સખી” માટે..!!
જય હો ગિરધારી બલિહારી બલિહારી વારિ વારી શ્યામ સુંદર યમને મહારાણી..
કેટલા કાળોતરા જમનાજીમાં છે ? જમનાજીમાં અત્યારે જળ વહે છે કે વિષ ?
કંઠ રૂંધાશેને નાડીઓ તુટશે …એવે સમય મુખે તુલસી દેજો ..દેજો યમુના પાન
ખરેખર જો “એવે” સમયે યમુના પાન મુકો ને તો જે બેચાર મિનીટની બાકી બચેલી જીંદગી હોય ને એ પણ પૂરી થઇ જાય અને પછી મોક્ષ તો મળે કે નહિ એ તો શામળો જાણે ..!!
પણ યમુના પાન થી પીડા વધી જાય એ નક્કી ..!
દિલ્લીથી નોઇડા જતી વખતે વચ્ચે જમનાજીનો પુલ આવે ત્યાં માથુ સહજ રીતે અહોભાવથી ઝુકી જાય અને નમન થઇ જાય પણ પછી ?
નાક પર રૂમાલ આવે મોઢું બગડી જાય અને હૈયામાં બળતરા થાય આ હાલત કોણે કરી ?
સુરજ દેવતાની દીકરીની ,જેના ભાઈ યમ,શનિ અને કુબેર અને જેના ભરથાર સ્વયં નારાયણ છે એની ?
આ મહારાણી જમના છે ? કૃષ્ણના પટરાણી ?
એક ગટરનું નાળું બની ચુકી છે યમુના નદી જે એના કાંઠે વસતા લોકોની ગંદકીને ઘસડીને રત્નાકરમાં નાખે છે ..!
ઘીન્ન આવે પોતાની જાત ઉપર અને માણસ હોવા ઉપર જે નદીની આટલા ભાવપૂર્વક આપણા બાપદાદાઓ એ પૂજી એને ગટરનું નાળું બનાવી નાખ્યુ ..!!
પ્રગતિ તો દુનિયા આખીએ કરી છે પણ હરામખોરી સાથે પ્રગતિ ખાલી ભારત દેશે જ કરી છે ..!
ચોર,લુટારો,ઠગ,પીંઢારા ,ઘરફોડીયો ,બહારવટિયો ,ડાકુ,રાજકારણી,ફકીર ,સાધુ … એક જ પ્રવૃતિને આટલી બધી વિશાળ પરિભાષામાં અને પરીપેક્ષમાં આપણે જ મૂકી શકીએ..
આપણા કર્મોની મહાનતા અને ભાષાની દરિયાદિલી ..!!
દરેક એ દરેક શબ્દોની વ્યાખ્યા અને કાર્યક્ષેત્ર જુદું જુદું..!
પણ ભોગવ્યું છેવટે કોણે ? તો જેની જીંદગી સૌથી લાંબી એણે, પછી એ સુખ હોય કે દુઃખ ..!
અને આ સૃષ્ટિમાં સૌથી વધારે આવરદા લઈને બે જ દેવતા જન્મ્યા છે સુરજ અને ચન્દ્ર ,અને આ બે જણાએ કર્મનો સિધ્ધાંત પકડી રાખ્યો છે ,સમયસર પોતાનું કામ કર્યા કરવાનું અને સાક્ષી ભાવે બધું જોયા કરવાનું ક્યાય વચ્ચે પડીને કોઈને ડીસ્ટર્બ નહિ કરવાના..!
એમાં પણ માણસ જાતને બિલકુલ જ નહિ વતાવવાની ..! મુઈ જે કરતી હોય એ કરવા દો..એના પાપે એ મરશે પણ એ પેહલા કેટલાને મારશે ?
અજર અમર માં વસુંધરા,નગાધિરાજ ,આઠે પ્રહર ઘૂઘવતો રત્નાકર…,કોનો વારો પેહલો ?
રોજે રોજ ક્રુડ ઓઈલ અને બીજા કઈ કેટલા ખનીજો કાઢી અને રત્નગર્ભાના ગર્ભપાત કરીએ છીએ..!!
નગાધિરાજને તો ટોટલ મુંડી નાખ્યા જાણે એમની માં મરી ગઈ હોય અને સરવણીમાં બેઠા હોય એમ ..!
નામના જંગલો બચ્યા છે આ મહાદેવના સસરાજી પાસે હવે અને એને પેલે પાર કુબેર ભંડારી તો એમની અલકાપુરી શોધ્યા જ કરે છે કે ગઈ ક્યાં મારી નગરી ?
સામ્યવાદી ચીનાઓ એ એમાંથી શાંઘાઈ નગરી બનાવી નાખી કે શું અલકાપુરી ને ?
ભારતવર્ષના સૌથી મોટા વડીલ લાખએક વર્ષના વયોવૃદ્ધ અરવલ્લી દાદા છાતીમાં મહામૂલું રતન દબાવીને બેઠા હતા..માણસને ખબર પડી ગઈ અને સત્યનાશ એમના ટેકરા ખોદી ખોદીને ખાડા કર્યા અને ઘેર ઘેર માર્બલ નાખી તાજમહેલ કર્યા..!
અરવલ્લી દાદાને હવે બીજા લાખ વર્ષ નહિ જીવવા દઈએ..! માર્યે જ છૂટકો ..!
NGTએ યમુનાને મેલી કરવા બદલ અને ફરી ચોખ્ખી કરવા માટે પાંચ કોટિ નો દંડ કર્યો..
ધર્મ સત્તા રાજ્ય વ્યવસ્થા પર હાવી થઇ ગઈ ..
નમ્ર અવાજે શ્રી શ્રી બોલ્યા મેં કોઈ જ ગુન્હો નથી કર્યો તો હું દંડ શા માટે ભરું ?
શ્યામ શ્યામ ..રાધે શ્યામ હો ગઈ, કે પછી ગુસ્સામાં લાલ થઇ ગઈ ? કે પછી રાધે પ્યારી શામ હો ગઈ.. ચલો જમાનજીકે ઘાટ..! રંગલો જમાવવા ?
“સખી”ને મદદ કરવામાં શ્યામ “સખા” ભેખડે ભરાણા ..એમના મિત્ર આવવાના હતા રંગલો જોવા એમણેના પણ પાડી દીધી આવું બધું થાય તો હું નહિ આવું ..
લે લેતો જા શ્યામ ..આ “સખી” હવે શ્યામના ભેરુઓ માં શ્યામને નીચો પાડી રહી છે..!
કોઈ તો મનાવો મારી “સખી”ને .. સખી બોલી ના ના તારા કરતા હું એકલી સારી અને સાચી..તારી જમુનાને હું પેહલા નોહતી એનાથી વધારે ચોખ્ખી ચણાક કરી દઈશ પણ દંડ ની વાત કરીશ તો ..ના ..બોલું ..ના ..બોલું ..ના ..
શ્યામ કહે ..કબુલ કબુલ સખી પણ જીદ છોડ અને પાંચ કરોડ ભરી દે મારી જગહસાઈ થાય ..!
ના..ના..”દંડ” કેમ ?
હું તો ઈલેક્શનના સમયથી જ તારા “પ્રેમ”માં દંડાયેલી છું..! પેલી ગંગાકિનારાની દાઢીવાળી “સખી” ને દસ હજાર કરોડનું સામ્રાજ્ય અને પાંચ કરોડ પરમેનેન્ટ “ભક્તો”
તો પછી મને પણ એટલા ભક્તો અને ખણખણીયા તો જોઈએ..જા ના બોલું ના બોલું ના ..ઘુંઘટ કે પટ ના ખોલું ના બોલું ના બોલું ના . એની દાઢી મારા કરતા વધારે લાંબી છે એટલે તું એને વધારે પ્રેમ કરે છે .. જા ..ના બોલું ના ..બોલું ના
મારી સાથે “વેર” છે તારે ,એટલે આપવાની બદલે પાંચ કોટિ લેવા બેઠો છે ..
જા વાત ના કરીશ મારી જોડે..
એ સખી ..માની જા પાછળથી હું કાઈ રસ્તો કરીશ આમ ના કર જો આપણે તો રંગલો જમાવવાનો..”સખી” વ્હાલી .. હું આવીશ સખી અને આપણે બધા ..હાલ જોઉં ..
એ હાલ હાલ ..વહી જાય રાત માથે પડશે રે પરભાત ..
હોરે છબીલા તારા ..હોરે રંગીલા ..તારા ..
રંગભેરૂ જુવે તારી વાટ …
રંગલો જામ્યો કાળીગરી ને ઘાટ
પાંત્રીસ લાખ માણસ ભેગું કરવાના છે ..તાયફો મોટો છે એટલે “સખી” માટે એટલે “સખા” ને આવ્યે જ છૂટકો ..
બાકી આપડો રંગલો તો જામી ગયો છે ટીવીની ચેનલો પર ..રોજે રોજ
સખી રીસાણી છે અને સખા મનાવે ..જોઈએ રંગલો કેવો આગળ કેવો રંગ લાવે છે
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા