રેનસમ વાઇરસે હાહાકાર મચાવી દીધો..
છેલ્લા બે દિવસમાં આખા દેશને ચારેબાજુથી રેન્સમ વાઈરસનું નોલેજ આવી ગયું..!
ગુજરાત સરકાર તો પ્રેક્ટીકલી “ડોફારાઈ” ગઈ, સાંધા જ નોહતા મળતા કે શું ચાલી રહ્યું છે..જી-સ્વાન સોમવાર સવારની રાહ જોતું થઇ ગયું હતું,અને આજનું છાપુ ખોલ્યુ તો લાગ્યું કે હવે જો આગળ વધ્યો આ વાઈરસ તો પછી હરી હરી..!
કેટલી બધી સીસ્ટમ નવી નવી ડેવલપ કરી આ કોપ્યુટરના ભરોસે આખી દુનિયા એ.. દરેકે દરેક ઈલેક્ટ્રોનિક ઇકવીપમેન્ટમાં નાનું તો નાનું ડ્રાઈવર,સોફ્ટવેર લાગે અને અત્યારે દુનિયા આખી લગભગ “ગુલામ” થઇ ગઈ છે ઇલેક્ટ્રોનીક્સની ત્યારે સોફ્ટવેર નો હુમલો બહુ ખતરનાક નીવડે..!
આપણી બેંકો તો જાણે બચી ગઈ છે અને આપણે ત્યાં હોસ્પિટલ હજી કાગળિયાના ભરોસે જ છે, બીજી ઘણી બધી ચીજો કાગળિયે જ ચાલે છે..! એટલે બહુ ડરવાની જરૂર નથી આપણે..
પરમદિવસે બ્રિટનની NHS ઉપર હુમલો થયો ત્યારે તો “બધું” એને લાઈટલી લેતુ હતું, પણ પછી જેમ જેમ આગળ વધ્યુ એમ એમ ખબર પડી કે આ તો મોટી રમત મંડાણી છે..!
ફેસબુક પર ક્યાંક વાંચ્યુ સોફ્ટવેરવાળા કમાય છે પુષ્કળ, પણ સ્ટાફને રૂપિયા (પગાર) એવા નથી આપતા.. જેટલું દો`વે છે એટલું ઘાંસ નથી નાખતા..!
આખી સમસ્યા સમજાઈ જાય જો આ એક લાઈન પકડીએ તો..!
કમાવી આપતા છોકરાને સાચવતા નથી અને પછી જન્મે હેકર્સ ..!
રૂપિયા કમાવાના સીધા રસ્તા બંધ થતા દેખાય કે શોષણ થતું દેખાય ત્યારે જ “બગાવત” થાય..!
હેકર્સ અને વાઈરસ બનાવનારા ચમ્બલના ડાકુ કરતા સો ટકા વધારે બુદ્ધિવાળા હોય ત્યારે જ આખી દુનિયા ને માથે લઇ શકે.. હકીકતે તો આ હેકર્સ કે વાયરસ બનવાનારી પ્રજા મહાબુદ્ધિશાળી પ્રજા હોવાની..!
પણ હજી ક્યાંક રહી રહીને એમ થાય કે હેં ખરેખર ફક્ત ચાર હેકર્સ એ ભેગા થઇને દુનિયા માથે લીધી હશે..? અને એ ચાર સિવાય દુનિયામાં એમના કારસ્તાનમાં કોઈ બીજું જોડે નહિ હોય ?
બીટકોઈનમાં “ખંડણી” મગાઈ રહી છે અને બીટકોઇન ટ્રેસેબલ નથી..!
કેવા કેવા ખેલ થાય છે દુનિયામાં..? અને આપણે હજી શૌચાલય બનાવીએ છીએ..!
મારો એક કટ્ટર રાષ્ટ્રવાદી મિત્ર મને કાયમ પૂછે શું ભારતમાં જન્મેલો એકપણ પુરુષ પોર્નસ્ટાર નથી..? હું જયારે જયારે પોર્નોગ્રાફી જોવું ત્યારે મને “બહુ દુઃખ” થાય છે કે એકપણ ભારતીય કેમ આમા “પરફોર્મ” નથી કરતો..?
મેં કીધું ભાઈ શાંતિ શાંતિ..આત્માના ઊંડાણને ઓળખો પ્રભુ,દેવ,શરીર તો નાશવંત છે એમાં બહુ ઊંડા ના ઉતરવું..!
પણ આવો “ભયાનક” સવાલ મને પણ થાય છે, કે શું ભારતમાં “એકપણ” આવો “હેકર” નથી કે જે દુનિયાને “હલાવી” નાખે..?
આપણી સરકારી સાઈટો પાકિસ્તાની હેકર્સ હેક કરી જાય તો આપણે શું કરીએ છીએ..? ડોટ પીકે ઉપરથી ગીતો ડાઉનલોડ ..?
કેમ એક દિવસ સવારથી પાકીસ્તાનમાં એક પણ કોમ્પ્યુટર ચાલુના થાય એવું ના બને..?
ખબર નહિ પણ અવળી દિશામાં મગજ ચલાવી અને દુનિયા આખીને નુકસાન કરવાનું અને પોતાનું ઘર ભરી લેવાનું એવું આપણને હજી પણ નથી આવડતુ, ઘરમાં ને ઘરમાં બાઝી મરીએ છીએ, આવા રેનસમ જેવા કૈક કોઈ મોટા પરાક્રમ થાય તો લાગે કે ભારત આઈટીમાં “બંને બાજુ” આગળ છે કાળી અને ધોળી..!
વાલ્દમીર પુતીને બયાન જારી કરી દીધું કે ભાઈ અમારે ત્યાંથી કોઈ નથી આ રેનસમ કાંડમાં.!
ટ્રમ્પકાકા તો કઈ બોલે જ નહિ કેમકે અમેરિકાનો તો કોઈ દિવસ ક્યાંય વાંક હોય જ નહી.!
તો કોણ ?ઉત્તર કોરિયાના નામે થોડાક અમેરિકાવાળાઓ એ છાજીયા લેવાના ચાલુ કરી દીધા છે..!
કેવી વાત થઇ આ તો..? મુંબઈમાં રમખાણ થાય અને પાકિસ્તાનનો હાથ..! હતો માન્યું પણ આટલો મોટો હુમલો થયો મુંબઈ પર પણ લોકલ હેન્ડલર વિના કેવી રીતે શક્ય બને..? કસાબ જેવા અભણ ગામડિયાને મુંબઈમાં છૂટો મુકો તો કેટલે જઈ શકે..? પણ આપણે તો રડવા કૂટવામાં અને પાકિસ્તાનને ભાંડવામાં લોકલ હેન્ડલરવાળી થીયરીનો છેદ જ ઉડાડી દીધો..!
બસ એમ જ ઉત્તર કોરિયાના નામે નાખી દયો એટલે પૂરુ..!
અમેરિકન “નિર્દોષ” સાબિત થઇ જાય..!
અલ્યા બીટકોઈન જેવી છદ્મ કરન્સી જેની દુનિયામાં કોઈપણ દેશ ની ફેડરલ બેંક ગેરેંટી નથી લેતું એને ચાલવા કેમ દો છો..?
અને ભાવ કેવો પાછો બીટકોઈનનો..?ઝાડા છૂટી જાય બીટકોઈનના રૂપિયા કરીએ તો..! અચ્છો અચ્છો દેશી કરોડપતિ બીટકોઈનમાં “ભિખારી” થઇ જાય..!
એક લાખ લોકો ટ્રેડ કરે છે બીટકોઈનમાં, અને એક જણા પાસે દસ બીટકોઈન હોય તો આંકડો ક્યાં જઈને અટકે..?
કાયદેસરનું ગેરકાયદેસર એકચાલે છે બીટકોઈનનું..!
કેટલાય ગેરકાનૂની ધંધા બીટકોઈનથી ચાલી રહ્યા છે દુનિયા આખીના રાજનેતાઓને ખબર છે પણ લગભગ બધા આંખઆડા કાન કરે છે, રેનસમ વાળાઓ એ લાખેક ડોલર ભેગા કરી લીધા છે, આમ તો બહુ ના કેહવાય જે રીતે એમના નામની જે રીતે “રાડ” પડી હતી એ પ્રમાણે તો ..આના કરતા તો બાહુબલી વધારે કમાઈ ગયું…!
બે લાખ કમ્પ્યુટરને રેનાસમ એ “ઉકલાવી” દીધા એવું મીડિયા અને સોશિઅલ મીડિયા લખે છે, સોફ્ટવેર અને હાર્ડવેરના ધંધાવાળાને અચાનક તેજી ચડી છે, બધું ખડે પગે છે અને જ્યાં પ્રોબ્લેમ આવે છે ત્યાં ફોરમેટ મારી મારીને આગળ જવાની વાત આવે..
અમેરિકામાંથી આવું કઈ થયુ છે એવું તો કોઈ વિચારશે નહિ અને બોલશે પણ નહિ, જગત કાજીના છોકરા રૂડા અને રૂપાળા જ હોય, કદાચ જીવનભર “રાઝ” બહાર નહિ આવે કે રેનસમ વાઈરસ આવ્યો ક્યાંથી..?
આશા રાખીએ કે સોફ્ટવેરનું જનક સીલીકોન વેલી આનો રસ્તો જલ્દી કાઢી લેશે,આમ જોવા જાવ તો જે પોષતું તે મારતું ક્રમ…
સારું યાદ આવ્યું..
ચાલો કકળાટ છોડીને કલાપીને માણી લઇએ
તુજ પાંખ ચળકે પર્ણનાં ઝુંડો મહીં ચક્રો રચી, બ્રહ્માંડને પોષી રહી તે દ્રષ્ટિ અહીં એ છે નકી;
તુજ ઉદરપોષણમાં તને તુજ રૂપ ઉપયોગી થતું, તુજ નેત્ર આગળ દીવડો કૈં શ્રમ વિના દેખાડતું.
વળી કોઈ કન્યા પાતળી તુજ તેજ ઉપર મોહતી, જે ભાલને ચોડી તને ત્યાં હર્ષથી ચળકાવતી;
વળી કોઈ વિસ્મય સ્મિતભરી તુજ તેજ માત્ર નિહાળતી, ના સ્પર્શતી એ બીકથી તુજ રજ રખે જાતી ખરી.
અદ્રશ્ય ના ઘનથી બને ના ધૂમસે મેલું થતું, તુજ તેજ તે મુજ ઉપવને હું નિત્ય જોવા જાઉં છું;
મમ પ્યારીનાં ફૂલડાં અને મુજ વૃક્ષ જ્યારે ઉંઘતાં, તું જાગતો રાત્રિ બધી ત્યારે રમે છે બાગમાં.
તું જાગજે તું ખેલજે ને પત્ર પત્રે મ્હાલજે, ચળકાટ તારો એજ પણ તુજ ખૂનની તલવાર છે !
તું કેમ એ માની શકે ? આધાર ત્હારો એ જ છે, એ જાળ તું જાણે નહીં, હું જાણું ને રોઉં અરે !
રે પક્ષી કોની દ્રષ્ટિએ તું એ જ ચળકાટે પડે, સંતાઈ જાતાં ન્હાસતાં એ કાર્ય વૈરીનું કરે;
દ્યુતિ જે તને જીવાડતી, દ્યુતિ તે તને સંહારતી, જે પોષતું તે મારતું એવો દિસે ક્રમ કુદરતી.
આ પ્રેમ સંસારી તણો તુજ તેજ જેવો છે નકી; એ અમૃતે શું ઝેરનાં બિન્દુ ભર્યાં વિધિએ નથી?
અમ એજ જીવિત, એ જ મૃત્યુ એ જ અશ્રુ ને અમી, જે પોષતું તે મારતું શું એ નથી ક્રમ કુદરતી?
આપની સંધ્યા શુભ રહે
શૈશવ વોરા