શું તમે જીવનમાં એવી કોઈ વ્યક્તિને ઓળખો છો કે જે વાહન ચલાવતી વખતે આખા રસ્તે રિક્ષાવાળા, રાહદારી, સાયકલ ચલાવતા ,બાઈક ચલાવતા કે પછી ફેરીયા ..જે કોઈ મળે, ગમે તે ..
જે હાથમાં આવે એને ગાળો આપ્યા જ કરે , અને એમ નહિ કે એકાદ બે વાર ગાળો બોલીને અટકી જાય ,સતત બોલ્યા કરે કે આણે મારો રોડ રોક્યો ,આમ કર્યું , તેમ કર્યું , આ રોંગ સાઈડમાંથી આવી રહ્યો છે, એને વાહન ચલાવતા જ આવડતું નથી, ભાન જ નથી પડતું કે રોડ સેન્સ , સિવિક સેન્સ કોને કેહવાય ..!!
બોલો કેટલા લોકો યાદ આવ્યા આવા ?
બસ આજનો ટોપિક આ જ છે, આવા લોકોની લાઇફમાં સહેજ ડોકિયુ કરો અને પછી જુઓ શું દેખાય?
ક્યાં તો બેહિસાબ સફળતા , ક્યાં તો બેહિસાબ નિષ્ફળતા, ક્યાં તો અઢળક પૈસો અને ક્યાં તો અઢળક ગરીબી..
વાત કરું બેહિસાબ સફળ માણસની કેમ કે ગરીબની વાત તો બધાને ખબર જ છે..
મારો એક મિત્ર એમ કહે કે ગરીબનો ભગવાન પણ નથી તો હું શું કરી લેવાનો ? ભગવાન ગરીબનો હોત તો એ ગરીબ ન રહ્યો હોત..
વધારે પડતી કેપિટલિસ્ટ વાત થઈ પણ વિચારવા જેવી ખરી ..
વાત બેહિસાબ સફળ માણસની અને એના હિસાબ સરભરની ..
ખાસ્સા ચાર પાંચ વર્ષ પહેલાની વાત છે , એક જબરજસ્ત માલેતુજાર મિત્ર એમની પોણા બે કરોડની ગાડીમાં મને બેસાડીને નીકળ્યા , ગાડી એ જાતે ચલાવે અને હું સાઇડની સીટમાં ..
“સાહેબે” એસ.જી. હાઇવેથી માણેકબાગ સોસાયટીના એમના ઘર સુધીમાં ઓછામાં ઓછા પંદર વીસ જણને નોન સેન્સ , સિવિક સેન્સ વિનાના અને બીજી વેજ – નોનવેજ અનહદ ગાળો ભાંડી હશે ..
બાઇકવાળાને માટે એમણે એક જોરદારનું ઉદાહરણ આપ્યું ..
અમે પ્રહલાદનગર સિગ્નલ ઉપર ઊભા હતા , પાર્ટી બોલી
” જો શૈશવ હમણાં સિગ્નલ ખુલશે ને એટલે પેલી બહુ વર્ષે આપણે સોસાયટીની ગટરનું ઢાંકણું ખોલીએ ત્યારે પેલા ઢગલો એક વંદા (કોંક્રોચ)કેવા ચારેબાજુ ફેલાઈ જાય ..! બિલકુલ એમ જ આ બધા કોંક્રોચ રસ્તા ઉપર ફેલાઈ જશે , અને એ બધાની વચ્ચે મારે રસ્તો કાઢવાનો ..”
થયું પણ એવું જ,
છતાં પણ મને બાઈકવાળા માટે સહાનુભૂતિ ..
સાલુ ટિફિનના ડબલા લઇને માણસ સવારનો ઘેરથી ધોમધખતા તાપમાં નીકળ્યો હોય અને સાંજ પડ્યે એને ઘેર જવાની ઉતાવળ ના હોય તો જ નવાઈ કેહવાય ..!!!
મને જરાક એ પણ યાદ આવી ગયું કે એક જમાનામાં આપણે જીવનના કેટલા વર્ષ આવી રીતે ટિફિનના ડબલા લઇને બાઇક ઉપર નીકળ્યા છીએ …!!
ઉપરવાળાએ જરાક આપણી ઉપર કૃપાદ્રષ્ટિ કરી અને ભાઈ તારી ઉપર બે નહીં ચાર હાથ પણ કર્યા તો આટલું બધું હવામાં ઊડવાનું ?
છેક જીભ સુધી આવી ગયું પણ પછી હું ગમ ખાઈ ગયો ..
સફળતા માથે ચડી હતી ..
હું તો ચોક્ક્સ માનું કે નાનો માણસ જ્યારે કોઈ કારણ વિના આંખમાં ખટકવા લાગે ને ત્યારે સમજવું કે પતન નજીક છે ,અને નાના માણસને કોઈ કારણ વિના મોટા માણસો ખટકે ત્યારે સમજવું કે એની મોટા થવાની શકયતાઓ ઉપર પૂર્ણવિરામ મુકાઈ ગયું ..
એ વ્યક્તિ ઘણી બધીવાર બાઇકવાળાના પીછો કરે ગાડીમાં અને છેક આગળ સિગ્નલ સુધી જાય , બાઇકવાળાને ખખડાવે .. જેમ ફાવે તેમ બોલે ,બે ચાર વખત મારા દેખતા પણ આવું થયેલું ,ત્યારે મારો જીવ કોચવાય કે શું કરવા આવા લોહી ઉકાળા કરતો હશે આ ..?
શું સાબિત કરવા માંગતો હશે આ માણસ ?
બહુ વિચાર્યું કે આને પાઠ કેમ નો ભણાવવો , અતિશય રૂપિયા અને સફળતા મળી હોય એટલે ગરીબનું કીધું ભિખારી માને ખરો ?
કોઈ દિવસ ના માને ,એટલે લાગ શોધવાનો હતો , સીધે સીધું કહીએ તો તો બે મારે સાંભળવી પડે એટલે લાગ ના મળે તો લાગ ગોઠવવાનો હતો ..
દાઢમાં રાખેલો , અને એક દિવસ લાગ મળી ગયો ..
અષાઢી બીજ (વદ) ની ગઈ અને હિંડોળાના દર્શન ચાલુ થયા ,
હું જીમ જતા પેહલા હિંડોળાના દર્શન કરીને નીકળું ,પેલી પાર્ટી પણ ત્યાં આવે , આમ પાછી ભગત , પાંચ પચ્ચીસ લાખ ખર્ચી જાણે હવેલીમાં ..
હવે થયું એવું કે દર્શન કરી અને અમે બન્ને હવેલીની બાહર ઊભા હતા અને એ પાર્ટી મારી ખેંચતી હતી , મારા બાયસેપ્સ રમાડે અને જીમ નહીં જવાના ફાયદા ગણાવતી હતી ..
એવામાં દૂર મારી નજર પડી એક્ટિવા ઉપર એક વૃધ્ધ કપલ આવે , કાકા ઘણું વ્યવસ્થિત એક્ટિવા ચલાવે, પણ ઉંમર ને કારણે સેહજ ડગે , મને લાગ મળી ગયો ..
મેં કીધું જુવો પેલા કાકા કેવું નોનસેન્સ ચલાવે છે , જરાક અતિશયોક્તિ કરી મેં, સાપોલિયાની જેમ ચલાવે છે , ખરેખર આ ડોહાલાઓના એક્ટિવા જપ્ત કરવા જોઈએ , ઘરના પણ કેવા નોન સેન્સ હશે કે આમને આવા બે પૈડા આપે છે …
પાર્ટી ના મોઢા ઉપર પેલી અચાનક ડુંગર ઉપર આકાશમાં કાળી વાદળી ચડી આવે અને એકદમ અંધારું ઘોર થઈ જાય એવી કાલિમા છવાઈ ગઈ ..
કશું બોલે જ નહીં .. એક્ટિવા નજીક આવ્યું અને અમારી પાસે ઊભું રહ્યું .. પાર્ટી બગડી…
” પપ્પા તમને પાનસો વાર ના પાડી છે કે આ એક્ટિવા નહીં વાપરવાનું, તમે કીધું લક્કી છે ,એટલે રાખ્યું છે ,પણ તમે આવી રીતે નીકળો અને પડ્યા તો ? તમને કે મમ્મી ને વાગ્યું તો ? ”
બાપા હસતા હસતા ઠંડા કલેજે બોલ્યા .. પાંચમની છઠ નથી થતીને તો ચોથ પણ નહીં થાય ..
મારી સામે જોઈને બોલ્યા કેમ છે અમારા બેન ? દવાખાને જાય છે ને હજી ? વોરા સાહેબે ક્યાં સુધી આ બે પૈડાં ચલાવ્યા ?
મેં કીધું એકદમ મજામાં છે અને દવાખાને જાય છે …
આટલું હું બોલ્યો ત્યાં કાકા બોલ્યા આને રૂપિયો અને સફળતા બધુંય માથે ચડ્યું છે , એની મોંઘી ગાડીને કોઈ ભૂલથી અડી જાય તો ગામ ગજવે છે , આટલું ધ્યાન તારા બૈરી છોકરાના રાખ અને હા ,સાંભળી લ્યે મારી આંખોનું હમણાં જ ચેકીંગ કર્યું છે ડોક્ટર એ મને વેહિકલ ચલાવવાની હા પાડી છે , તારી ભાષામાં રગશીયે ગાડે તો એમ ,પણ હું મારી ગાડી અને આ એક્ટિવા ચલાવવાનો જ, ડોક્ટર ના પાડશે તો એ જ દિવસે નહીં ચલાવું ..
શૈશવ .. વોરા સાહેબ કહેતા કે આંબાને કેરી આવેને તો નીચે નમે , ભગવાને તને મોટી મોટી ગાડીઓ આપી છે ને તો જરાક સમતા કેળવ, ધીરજ રાખ અને તારા ધંધાના બૈરી છોકરાના ગુસ્સા આ રસ્તે ચાલતા ઉપર ના કાઢ , તારા પૂનમપાળા નક્કામા છે જ્યાં સુધી તું જગતના દરેક જીવને સરખા ગણી અને સ્વીકારીશ નહીં ત્યાં સુધી ..
બેટા લઈ જા ક્યારેક તારા એક્ટિવા ઉપર આને પાછો …
જોરદાર એના પિતાશ્રીએ દાવ લઈ લીધો..
ફુંગરાતો ફુંગરાતો જે શ્રી કૃષ્ણ કરીને ભાગ્યો એની પોણા બે કરોડની ગાડી તરફ …
હૈયે જે ટાઢક વળી છે … અહાહા.. મારા કાળિયા ઠાકર.. તારી હવેલીની બાહર જ અને એના જ બાપાએ પરેડ લઈ નાખી ..
આવું છે જીવનમાં , છે એને બીજા નથી ખમાતા , ભરી મહેફીલમાં એકલો અને નથી એને ટોળામાંથી છૂટવું હોય..
શુભ રાત્રિ
શૈશવ વોરા