આજે દુઃખ દુઃખના પહાડ તૂટી પડ્યા અમારી ઉપર ..!
મધરાતે નગરી અમદાવાદની ચોકીદારી કરીને ઘર ભેગા થઇ રહ્યા હતા ત્યારે નાકાબંધીમાં ત્રણ જગ્યાએ પોલીસવાળાએ અમને ઉભા રાખ્યા, પણ અમને જોઇને તરત જ ત્રણેય જગ્યાએ બોલ્યા .. “જવા દો કાકાને”…
અરરર… “જવા દો કાકાને ..”
એ પણ એકેય જગ્યાએ ના મોઢું સુંઘ્યું કે ,ના ડીકી ખોલાવી , ના લાયસન્સ માંગ્યું કે ના ગાડીના કાગળિયાં …!
છાતી ફાડીને દર્દીલો અવાજ આવી ગયો બાહર ..
“કહુ જવાનીને પાછી વળી જા કે ઘડપણનું ઘર મારું આવી ગયું …!”
યાર દુઃખ તો થાય …કે તમને હવે પોલીસ પણ હવે શૈશવને આધેડ સમજતી થઇ ગઈ ..
એક જમાનો હતો કે મોઢું સુંઘ્યા વિના કે પછી આખી ગાડી ખોલીને ચેક કર્યા વિના તો શૈશવને છોડે જ નહિ પોલીસ..,
શકલથી જ ક્રિમીનલ લાગતા, અને આજે શકલથી શરીફ લાગ્યા..!!
કેવું લાગે નહિ ..??!!
તબેલે તાળું મારવાની અમદાવાદ પોલીસને ટેવ ,
જો કે ૧૫ ઓગસ્ટ ,૨૬ જાન્યુઆરી, રથજાત્રા (રથયાત્રા લખાય , મને ખબર છે પણ અમદાવાદી ભાષામાં રથજાત્રા જ બોલાય ) આવા બધા સમયે અમદાવાદ પોલીસ ચાકચોબંધ ,
આપણને ખરેખર માન એમના માટે..!
લગભગ સાડા અગિયારે સીટીઓ વાગવા માંડે અને આખી રાત નાકાબંધી ચાલ્યા કરે , વધારે પડતી વાયડી નોટ ઝડપાય તો છેક બીજા દિવસે બપોરે ઘેર મોકલે એટલે ચારેય બાજુ સંદેશા પોહચી જાય કે હમણાં બધું “ટાઈટ” છે..!
પણ સાચું કહું તો નાકાબંધી ગમી.. જરૂરી છે, પેહલા પણ જરૂરી હતી, અને આજે પણ જરૂરી છે ,
નિશાચર વસ્તીને કાબુમાં લેવાનો એક જ ઉપાય છે..!
હું કેહતો આવ્યો છું અને જાત અનુભવ પણ ખરો કે “દુનિયાના તમામ નશાથી ઉપર નો જેને નેક્સ્ટ લેવલ તરીકે આજ ની પેઢી ઓળખે છે એવો કોઈ નશો હોય તો એ છે રાતનો નશો ..!”
રાત જેને ચડે.. એ ભાઈ હોય કે બાઈ .. ઉતરે નહિ એમ ઝટ, અને ક્યારે બીજી રાત પડે એની રાહમાં જ દિવસ કાઢતા થઇ જાય..!
ચાલો આજે થોડાક જુના ચિઠ્ઠા …
હજી દસકા પેહલા આવી જ રીતે મધરાતે જીમના પેહલવાનોની ગેંગ લઈને અમે નગરચર્યાએ નીકળ્યા હતા..
એકાદ ખોખાની ગાડી, ને ગાડી આખી પેક..
પણ એમનો ડોહો આવ્યો એટલે આગળની સીટ ખાલી કરીને ડોહાને આપવામાં આવી..!! ક્યારેક માન આપી દે વાંદરા..
જીમ કરીને વસ્તી નીકળેલી એટલે પ્રીવર્કઆઉટ બધાએ પીધેલા, અને પછી પોસ્ટ વર્કઆઉટ પ્રોટીન શેક પીધા ,એટલે પાણીનો સખ્ખત સોસ પડે..
ગલ્લે કરોડ-સવાકરોડની એસયુવી ઉભી રહી અને બે લીટરવાળી ચીલ્લ્ડ પાણીની પાંચ બાટલીઓ લેવાઈ , ધડાધડ ત્રણ બાટલી પાણી તો ઉભા ઉભા પીવાઈ ગઈ ..
પછી ગાડી નીકળી નગરચર્યાએ એના રૂટ ઉપર,
ગાડી માલિક પાછળ ભરાયો હતો , બીજો રૂડો રૂપાળો સાંઢ ડ્રાઈવર સીટ ઉપર ને બાજુમાં અમે ..!!
હવે થયું એવું કે પ્રહલાદનગરની પેહલી નાકાબંધીએ ગાડી રોકાઈ ..
પોલીસવાળા છોકરાઓને અમારા પેહલવાનો ઓળખી ગયા .. અરે યાર તમે તો ગઈકાલે જજીસ બંગલો હતા યાર ..
હવે પોલીસવાળા પણ ઓળખી ગયા અને બિચારા બોલ્યા ..એલા ઘરબાર નથી કે હું ? રોજ નીકળી પડો છો ..
એક વાંદરો બોલ્યો આજે આ વડીલને લઈને નીકળ્યા છીએ .. આ વડીલ કહે છે એ નિર્વ્યસની છે તો પેહલા જરાક એમને ચેક તો કરો..!!
સાલ્લ્લાએ મને સામેથી ધરી દીધો .. પેલો તરત જ બ્રેધ એન્લાઈઝર લઈને આવ્યો..!
એટલે મારી ખ`ઈ ગઈ મેં કીધું જો મારા મોઢામાં મુક્યું તો આ બધ્દ્ધાને જોવા પડશે હું નહિ છોડે હોં ..
તમાશો જોઈ રહેલો બીજો પોલીસવાળો આવ્યો .. હવે મુકોને આ બધું ,આ તો બધા રોજના છે, ઓલી કાલવાળી ફોરેનની સિગરેટુ ધ્યો હાલો ..!!
મારા બેટા બધાએ ભેગા થઈને સુટ્ટા માર્યા.. પછી સવારી આગળ વધી રસ્તામાં પાણીની બચેલી બોટલ પીવાઈ ગઈ..
હવે મને ધરી દીધો હતો એટલે મેં રૂસણું લીધું સાલાઓ મને ભરાવો છો હવે જુવો આગળ તમારો વારો ..
વાંદરી ગેંગ બોલી એક તો વડીલ કીધા તો પણ આવું ?
બીજો બોલ્યો .. બાપા જેટલું માન આપીએ છીએ તો પણ આવું ? ક્યારેક તો બાપાની જેમ રાખો અમને છોકરાઓને..
હવે મને શું કુબુદ્ધિ સુઝી અને હું બોલ્યો ..એટલે તમે નાના કીકલા છો કે તમારા ડાયપર ખોલીને પી પી કરાવું તમને ? બાપાની જેમ રાખવાનું એટલે શું કરવાનું ? તારો બાપો શું સાચવે છે તને ?
હવે ડ્રાઈવીંગ સીટ ઉપર બેઠેલો બોલ્યો.. બસ હવે આજે તો તમે પી પી કરવો તો જ પી પી કરું નહિ તો ગાડીમાં જ પી પી કરું …
મેં કીધું …કર ગાડીમાં , ક્યાં મારી ગાડી છે તો ટેન્શન..
જેની ગાડી હતી એ ટેન્શનમાં …એ ..બે ..ના ..આ ..આખી ગાડી ગંધાશે.. બે ..રેહવા દે ..વોશિંગના બાર હજાર થશે બાપા પત્તરઝીકી નાખશે ..!!
પેલો બોલે …હવે તો ગાડીમાં જ પી પી , બાકી વડીલ કરાવે તો.. મૈ તો નન્હા સા મુન્ના સા પ્યારા સા બચ્ચા હું …
એટલામાં ગોતા ચોકડી પસાર થઇ ગઈ.. મેં કીધું ઉભી રાખ અને લાઈનબંધ ઉભા રહીને ખેતરાંમાં કામ પતાવો મને પણ લાગી છે….
પેલું પ્રાણી ખેંચ પક્કડ મુઝે જોર આતા હૈ ગાડી સાવ ચાલીસથી નીચે ચાલે.. વડીલ હા પાડે તો જ ગાડી ઉભી રહે …!
છેક વૈષ્ણવદેવીએ ફરી નાકાબંધી આવી અને નસીબ સારું કે બધ્ધાને પકડીને નીચે ઉતાર્યા ગાડીમાંથી ..
મોઢામાં ભૂંગળા મુકાયા અને પછી જ છોડ્યા ..
મોટું કોમ્બિંગ હતું દસ-બાર ગાડીઓ પોલીસની અને ચારેય બાજુ પોલીસની લાઈટોના શેરડા વાગે ..
મેં કીધું આવો આવો ચાલો બધાને પી કરાવું અહિયાં જ ,આવો બેટાઓ આવો ..
ચુપચાપ ખેતરાંમાં ગેંગ લાઈનમાં ઉભી રહી ગઈ બ્લેડર ખાલી કરવા ..
એકેય પોલીસવાળો ઓળખીતો હતો નહિ એટલે મોઢામાં ભૂંગળા, પછી સેહજ પણ નાટક દેખાય તો બીજા દિવસે સવાર તો ચોક્કસ પડે ઘેર જતા..
નબીરા હતા ,છે અને રેહવાના ..
આખ્ખી ગેંગ જોરદાર કમાય છે અત્યારે , ઉંમર હતી એમની તોફાન કરવાની પણ કન્ટ્રોલમાં રહ્યા , દરેક પાસે કોઈને કોઈ શોખ હતો, લાઈફ એટલી બોરિંગ નોહતી એટલે સિગારેટ અને ઉદયપુર આબુ કે ગોવામાં જ દારૂ પીતી ગેંગ..!
માબાપ એમના હોશિયાર,ચેનલાઈઝ કરી એમની એનર્જીને, સારા ખોટાની સમજ આપી દેવાઈ હતી, મને પણ એમની જોડે શિંગડા કાપીને વાછરડા બનવું ગમતું કેમ કે આજકાલના જુવાનીયા જે નવી નવી ટેકનોલોજીની વાતો કરે છે એ અમારા બુઢીયા નથી કરતા..!!
હજી અમારા આધેડોને ચેટ જીપીટીની થેક નથી લેતી ત્યાં પેલા છોકરડાં ચાવી ગયા એને..!!
નબીરાનું લેબલ ક્યારેક કઠતું અને ક્યારેક ગમતું પણ ખરું ..
હા, મમ્મી-પપ્પા ડોક્ટર એટલે મૃત્યુ શું છે એની પુરેપુરી સમજણ એટલે ક્યારેય કોઈનો જીવ જોખમમાં નથી મુક્યો, ક્યારેય પોતાનો જીવ પણ જોખમમાં નથી મુક્યો ..
રાતે રખડી ખાવું ચોક્કસ ગમે,આજે પણ ..
રાત શુરુ હોતી હૈ આધી રાત કો…!!
બેલા મેહકા રે મેહકા આધી રાત કો ..!!!
અધિક પત્યો, શ્રાવણ ને ભાદરવો …
હે આવી નોરતાની રાતલડી મા`ડી ગરબે રમે રે ..!!!
રાત ..રાત ..રાત ..!
જય હો
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*