માં દલડે દ્યો ધબકાર આશાપુરા મઢવાળી..
એવું કેહવાય છે કે ક્યાંય રસ્તોના દેખાતો હોય ત્યારે માતાના મઢે જવું, કચ્છની ધણીઆંણી તથાસ્તુ કરે..કરે..અને કરે..જ…!
કચ્છ કે વાગડ સાહેબનું સાંભળે કે ના સાંભળે આશાપુરા માં એ આ`સ પૂરી કરી અને “લાજ” રહી ગઈ..!
દેશના વિચારશીલ વર્ગને વિચાર કરતા બંધ કરી દે, અને ખરેખર જે મુદ્દાઓ ઉપર ચૂંટણી લડાવી જોઈએ એ બધા મુદ્દા બાજુ પર રહી ગયા અને તદ્દન ફાલતું મુદ્દા ઉપર ચૂંટણી લડાઈ..
એક સરસ મેસેજ આવ્યો છે..
“ આઝાદીના ૭૦ વર્ષ બાદ પણ ચુંટણીના મુદ્દા હતા..
સોપારી -પાકિસ્તાન -મંદિર-ખીલજી -હિંદુ-મુઘલ-મશરુમ-સીડી-જાતિ-નીચ
.
જયારે હોવા જોઇતા હતા…
.
શિક્ષણ-આરોગ્ય-રોજગાર-વિજ્ઞાન-ટેકનોલોજી-ખેતી-નાગરિક સુવિધા-સુરક્ષા…
.
રાજકીય પક્ષો જીતી ગયા, આપણે હારી ગયા..”
જરાય ખોટી વાત નથી,
જો ખરેખર બંને મુખ્ય રાજકીય પક્ષોની ઈચ્છા હોત તો આવા ફાલતું મુદ્દાને સાઈડ લાઈન કરી શકાયા હોત અને સાચા મુદ્દા ઉપર ચૂંટણી લડી શકાઈ હોત પણ “ધોતી કે ભીતર સભી નંગે” વાળી માનસિકતા ધરાવતી દરેક રાજકીય નેતાગીરી ને ભૂલથી પણ રસ નથી કે પ્રજા સાચા અને સારા મુદ્દા ઉપાડે અને ક્યાંક કૈક સારું અને સાચું ઈલેક્શન લડાય..!
આજ ની ભાજપની જીત પણ નરેન્દ્ર મોદીની ઘોર નિષ્ફળતા જ ગણાશે, પોલીટીકલ સાયન્સના વિદ્યાર્થી રહેલા નરેન્દ્ર મોદી ભાજપની સંભવિત ખુબ મોટી હારને ઓળખી ગયેલા સિપાસાલાર લાવલશ્કર સહીત લગભગ એક મહીનો ગુજરાત પડી રહ્યા..!
દરેક ટીવી ચેનલો ૨૦૧૨ની સાથે સરખામણી કરી રહી છે,૨૦૧૪ સાથે સરખામણી કરીએ તો મીનીમમ ૧૫૦ સીટો આવવી જોઈએ પણ ભાજપના વાકપટુ પ્રવક્તાઓ એમના દોઢસોના ટાર્ગેટને ઊંચું નિશાન કરીને કેહવામાં સફળ રહ્યા..!
ગુજરાતની ઠાવકી પ્રજાએ બંને તરફના છાપેલા કાટલાં જેવા “હોશિયાર” નેતાઓને વીણી વીણીને ઠાર માર્યા છે,અને જે બચી ગયા છે એ માંડ હાશ બચ્યા એમ કરીને સુમડીમાં બેઠા છે..આ ચૂંટણીએ ઘણા બધા નેતાઓની કેરિયર પૂરી કરી નાખી છે આજે હારેલાને ૨૦૨૨માં કોઈ ઓળખતું પણ નહિ હોય..!
૯૯ સીટ અને એમા એકદમ ઓછા માર્જીનથી જીતેલી સીટો કેટલી ?અને જીતેલી સીટ ઉપર નોટાના મત કેટલા ?
એનાલીસીસ થશે ત્યારે ખબર પડશે, કોઈ એમ પૂછે છે કે નવો ચેહરો આવશે ? ના ..
હવે એવી હિંમત લગભગ નથી રહી,જે થશે એ ૯૯ ની વચ્ચે જ રહીને કરવું પડશે હવે જો કોઈ બહારથી લાવી અને મુખ્યમંત્રી બનવવામાં આવે તો છ મહિનામાં વિધાનસભામાં એ ચેહરાને લાવવો પડે અને અત્યારના સંજોગોમાં તો એ બહુ મોટું રિસ્ક થઇ જાય..
આજે મોટા શેહરો અને એમાં પણ સુરત અને અમદાવાદે લાજ રાખી છે,અને ગામડા ગામમાં લગભગ લંકા લુંટાઈ ગઈ છે, કોંગ્રેસ એશી ઉપર પોહચી એ બહુ મોટી લાલ બત્તી છે..!
પણ જોવું હોય તો..
આજે એકેએક વ્યક્તિ ગુજરાતનો એમ કહે છે કે જે થયું એ સારું થયું છે ભાજપને કન્ટ્રોલની જરૂર હતી ..
એવું તે શું કર્યું ભાજપે કે એને કન્ટ્રોલ કરવાની સાડા છ કરોડની જનતા વિચારતી થઇ ગઈ.. ?
આજે નવી બનેલી વિધાનસભા એકદમ “ફ્રેજાઈલ” (તકલાદી) થઈ ગઈ છે,જે શંકરસિંહ વાઘેલા એ કોંગ્રેસમાં ખેલ કર્યો હતો રાજ્યસભાની ચૂંટણીમાં એવો જ કોઈક નાનકડો ખેલ કે ખજુરાહો જેવો મોટો ખેલ થઇ ગયો તો સરકાર ઉથલી જશે..!
કેહવું થોડું વેહલું છે પણ નવ નિર્વાચિત ધારાસભ્યો ને “ભાવ” ચોક્કસ મળશે..!
ઈશ્વરની કૃપા હશે તો જ ૨૦૧૯ સુધી ભાજપ કે કોંગ્રેસની ગુજરાત વિધાનસભાની ભાજપ અને કોંગ્રેસની સીટોની ટેલી આજે છે એ જ રેહશે..બાકી તો ચોક્કસ બંને તરફથી “તોડફોડ” થશે..એશી અને નવ્વાણું એ એકદમ સ્થિર સરકાર તો ના જ કેહવાય .. !!!
૨૦૧૯નું બ્યુગલ વાગી ચુક્યું છે..
ખરેખર તો શંખનાદ થવો જોઈતો હતો, પણ દિલ્લી ની ગાદી ઉપર કાવિજ થઈને ભાજપ બ્યુગલ ફૂંકતો થઇ ગયો, અને સંઘ ઈચ્છા કે અનિચ્છા એ એમાં જોડાઈ રહ્યો છે..
સંઘ તો હવે રાષ્ટ્ર અને દેશની વ્યાખ્યા બદલવા માંડ્યો છે, પુછવાની ઈચ્છા થાય છે કે સંઘનું એકમ ભાજપ છે કે ભાજપ નું એકમ સંઘ છે ?
કોઈક સંઘમાં એમ પણ બોલે છે કે અખંડ ભારત એ સંઘનું સપનું નથી..
હે તો એમ. કે. ગાંધી ને કેમ ગોળી…??????
હું તો ભારત માતાની જય બોલું છું ત્યારે મને તો ભારતમાતા ની ભુજાઓ બ્રહ્મપુત્ર અને સિંધુની દેખાય છે, મારું ભારત તો ગંધાર થી રંગુન અને લ્હાસા થી લંકા સુધી નું છે..અમદાવાદની જામા મસ્જીદ હોય કે કુત્તુબ મીનાર..હિન્દુસ્તાનભરમાં ફેલાયેલા દરેક જુનાં મોન્યુમેન્ટ ને હું જોઉં છું ત્યારે એની અંદરના એક એક પત્થર મને ચિલ્લાઈ ચિલ્લાઈને કહે છે કે હું એક દેરાસર હતો,,હું એક મંદિર હતો..!!
આજે એક ચેનલે ભારતના નકશા ઉપર ભાજપના રાજ્યો દર્શાવવા માટે ભગવા ની બદલે પીળો રંગ વાપર્યો છે..!!
અર્થ શું સમજવો ?
રામ લલ્લા ને હજી ઝુંપડીમાં જ રેહવાનું છે ?
વિકાસ જોઈએ છે પણ…મંદિર વહી બનાયેંગે.. ભૂલ જાવ..!
ભાજપને ભગવો છોડીને પીળો રંગ ધારણ કરવો હોય તો મેં ક્યાંક એવું સાંભળ્યું હતું કે શ્રી ગુરજી એ ક્યારેક કીધું હતું કે ૨૦૨૫ પછી ભારત એટલો “વિકસિત” થઇ ગયો હશે કે સંઘ ની જરૂરીયાત નહિ રહે..!!
જો પીળો રંગ ભાજપ નો નવો રંગ હોય તો કદાચ આ વાત સત્ય સાબિત થશે.. આજે ૨૦૧૭માં સંઘ બહુ જ મામુલી કેહવાય એવી આક્રમકતા દેખાડી રહ્યો હતો..!
મહાભારતમાં લખ્યું છે કે વિજય ની રાત્રીએ ઊંઘાય નહિ, મંથનની રાત્રી હોય છે વિજયશ્રીની રાત્રી..!
દોઢ વર્ષ બાકી છે ખાલી,જેટલી નામનો ભાર જેટલો વધારે વેંઢારવો પડશે એટલી જ ૨૦૧૯માં રેલીઓ અને રોડ શો વધારે કરવા પડશે..!
કેરલમાં થતા ધર્માંતરણ , લવજેહાદના લગ્નો અને એનઆઇએની તપાસની વાર્તાઓ ૨૦૧૯ જીતવા માટે ઈનફ નથી..!
સો વાતની એક વાત હિન્દુત્વથી જેટલા દુર જવાશે એટલા જાતિવાદની નજીક પોહચશુ..રામ લલ્લા હવે વધારે વર્ષ ઝુપડીમાં રહ્યા તો “ખામ” અને “હજ” જીતશે..
આજે ૯૯ માંથી એશી બાદ કરો એટલે સમજાઈ જશે કે હવે વર્ગવિગ્રહ થી આપણે કેટલા દુર છીએ..!
હું તો અહિયાં અટકું છું, કોઈક મારી રાહ જોઈ રહ્યું છે, હું તો ચાલ્યો મારા મહાદેવને મળવા, આજે સોમવતી અમાસ છે મારો મહાદેવ રાહ જોતો બેઠો છે મારી..!!
જય સોમનાથ
શુભ રાત્રી
શૈશવ વોરા