*ઋણ સ્વીકાર ..*
????????
ગઈકાલની રાત્રી મારા જીવનની પેહલી રાત હતી કે જયારે સદેહે પપ્પા આ ધરતી ઉપર મારી સાથે નોહતા..!!
ભયાનક એકલતા મને ઘેરી વળી હતી,
*પપ્પા વિનાની જિંદગીની મેં ક્યારેય કલ્પના પણ નોહતી કરી અને એ હકીકત કાળ બની ને મારી સામે આવીને ઉભી રહી ગઈ હતી..*
*આપણા મનુષ્ય જીવનની કમબખ્તી રહી છે કે માંબાપ સંતાન વિનાનું જીવન ખુબ આંનદપૂર્વક ને સારી રીતે જીવ્યા હોય છે, પણ સંતાન એ ક્યારેય માતાપિતા વિના જીવ્યું જ નથી હોતું..*
અને એમાં પણ મારા જેવા જેમણે ક્યારેય હોસ્ટેલમાં પગ જ નથી મુક્યો કે નથી બાહરગામ રેહવા વસવા ગયા જ નાં હોય એવા માણસો માટે માતાપિતા વિના ના જીવનની કલ્પના પણ નથી થતી..
આપણે દુનિયાના ગમે કે ખૂણે ભટકતા હોઈએ પણ એક સધિયારો તો હોય જ કે મમ્મી પપ્પા ઘેર બેઠા છે, કોઈ જ ફિકર નહિ કરતો, જા ભટક ..!!
પણ ગઈકાલની રાત્રે તો શ્વાસમાં જતી હવા સુધ્ધા અચાનક મારે માટે પારકી થઇ ગઈ ..!!
બહાવરું મન પપ્પા ને જ શોધ્યા કરતુ હતું, જીદે ચડ્યો હતો હું પપ્પા કેમ જાય ..?
કદાચ સાડા ચાર વર્ષ પેહલા જ્યારે એમને પેહલો બ્રેઈન સ્ટ્રોક આવ્યો ત્યારની મેં જક પકડી હતી મહાકાલ જોડે,
બસ આવી જ જા તું પણ ..
અને ખડખડ કરતો હસતો મહાકાલ મને રમાડતો ,ક્યારેક દોરી ખેંચતો અને ક્યારેક ઢીલી મુકતો ..!!
હોસ્પિટલ અને ડોકટરો જોડે રીપોર્ટસ અને દવાઓ ,પથ્થર એટલા દેવ બસ એક જ જીદ પપ્પા તો જોઈએ જ ..!!
થોડુક સારું થાય એટલે હરખ ની હેલી ચડે, અને થોડુક બગડે તો બમણું જોશ ચડે અને ચાર ટેસ્ટ અને પાંચ દવાઓ વધારી મુકીએ ,એક સમય એવો આવ્યો કે ઘરના બહારના બધા ડોક્ટર્સ એ હથિયાર હેઠા મુક્યા પણ માને તો શૈશવ શેનો ?
અને રવિવારની સાંજ આવી.. છળ કરી ગયો મહાકાલ નાલાયક મારી જોડે..!!
બે દિવસ પેહલા હોસ્પિટલથી રજા લીધી ત્યારે થોડાક સુધારા સાથેના સારા કહી શકાય એવા રીપોર્ટસ ને ડોક્ટર્સ જોડે બાંહેધરી લીધી કોલેપ્સ નહિ થાય ને ? નહિ તો હું હોસ્પિટલ નથી છોડવાનો ..!!
ડોક્ટર્સ એ કીધું ના બિલકુલ નહિ , અને બીજા દિવસે ફીઝીયોથેરાપીસ્ટ પણ ખુશ હતા કે આજે તો દાદા એ સરસ રિસ્પોન્સ આપ્યો ..મારે હૈયે હરખ થયો જીત્યા નો..!!
પણ રવિવારે સવારે થોડીક તબિયત બગડી પાડોશી તજજ્ઞ ડોક્ટર એ ઘેર જ ધડાધડ હોસ્પિટલ ઉભી કરી અને આઈવી ફલ્યુઈડ અને ઇન્જેક્શન આપી અને બધું ઠીક કરી દીધું ..ફરી હરખાયો હું ..!
બપોરે સરસ મજાનું જમ્યા ,સાંજે બેન અમેરિકાથી આવી રહી હતી એટલે કેનેડાથી ચોવીસ કલાક પેહલા આવેલા ભાઈ ને મેં ડ્રાઈવર જોડે એરપોર્ટ ધકેલ્યો જા લેતો આવ બેનને..!!
સાંજ નો સાડા છ પોણા સાત નો સુમાર પપ્પા શાંતિથી સુતા હતા અચાનક મને એમની બ્રીધીંગ પેટર્ન બદલાયેલી લાગી મેં બુમ મારી મમ્મી .. સુતેલા પપ્પા ને બેઠા કર્યા ,મમ્મી અને મેં થોડાક ઠપકાર્યા પણ બ્રીધીંગ પેટર્ન વધારે બગડી ,
મારા મોઢામાંથી ચીસ પડી મમ્મી સેન્ટ્રલ બ્રીધીંગ છે .. મમ્મી બોલ્યા ઓક્સીમીટર .. મેં દોડી ને ઓક્સીમીટર લાવી ને પપ્પા ની આંગળી માં ભરાવ્યું ..એસપી ઓ ટુ ૯૪ અને પલ્સ ૮૮ ..મમ્મી એ પૂછ્યું કેટલું ? મેં કીધું નોર્મલ ..
અચાનક મમ્મી બોલ્યા હોઠ બ્લ્યુ થાય છે મેં ફરી ઓક્સીમીટર ને બીજી આંગળીમાં મુક્યું એ જ રીઝલ્ટ ,પણ એક જ સેકન્ડમાં ઓક્સીમીટર રીડીંગ આપતું બંધ થઇ ગયું..!!
મહાકાલ મને છેતરી ગયો હતો મીટર સાચું હતું ,સારું હતું ,પણ આયુષ્ય ખૂટ્યું હતું , મારી અને મમ્મી ની રાડ ફાટી ગઈ …
પપ્પા હતા થઇ ગયા..!!!
*માણસ અને ઈશ્વર નો ભેદ ખબર પડી ગઈ ..સતત બે કલાક ચોધાર રડ્યો આખા ગામ ને જવાબ આપનારો હું કે તારી માં ટપ કરતી મરી ગઈ એવો હું સતત જવાબ શોધતો રહ્યો , આવું કેમ થાય ..?*
આખા ગામ ને હું એવું કેહતો કે બધાય જો ભીષ્મપિતામહ ની જેમ પોણા બસ્સો વર્ષના થાય તો આ દુનિયા ડોહાઓથી ઉભરાઈ જાય, કેટલું જીવવા નું હોય ?
મારું મન એક્યાશી વર્ષના બાપ ને છોડવા તૈયાર નોહતું ,આંસુડા કલ્પાંત અને આક્રંદ માં ફેરવાઈ ગયા ,છેવટે મિત્રો એ મને પકડી ને ગાડીમાં નાખ્યો અને સિધ્ધો લઇ ગયા એની સામે મંદિરમાં ,
પણ નાલાયક બારણા બંધ કરીને બેસી ગયો હતો ..
રસ્તામાં પાછા વળતા ગાડીમાં મારી આંખ સેહજ મીંચાઈ ગઈ અને કોણ જાણે કેમ પણ પપ્પા નો આભાસ થયો અને એ જ કરડાકી ભર્યો એમનો અવાજ સંભળાયો ..
ડફોળ ,આ શું કરે છે ? જવાબદારી લેવાની બદલે ભાગે છે ? હવે નહિ બસ ..જાવ .. કામે વળગો..!!
આંખ ખુલી ગઈ અને સંસારિક વિધિઓ આટોપવામાં લાગ્યો..!!
જીવનભર કર્મ ને પ્રાધાન્ય આપનાર અનેક મૃત્યુ નો સામનો કરનાર મારા ડોક્ટર બાપ જાણે એમ કહી રહ્યા હતા કે ડોબા મારા મરવાથી તું હાલી ગયો ? કોનો બાપ જીવનભર બેઠો રહ્યો છે ?
ક્યારેક કોઈ અમારી સામે ડોળા કાઢે તો અમે ત્રણે ભાઈબેન મજાકમાં હંમેશા કેહતા કે એ ડોળાના કાઢીશ ,એ કામ અમારા પપ્પા નું છે ,
જયારે જયારે કોઈ પેશન્ટ નો અંતિમ સમય હોય કે મૃત્યુ ને કન્ફર્મ કરવાનું હોય ત્યારે એ જાય તો લગભગ સગાઓ ને કન્વીન્સ કરી ને ચક્ષુદાન લઈને જ આવતા..અને એટલે અમે કેહતા ડોળા કાઢવાનું કામ અમારા પપ્પા નું છે..!!
એ ઘડી હતી કે મારે એમની અંતિમ ઈચ્છા પૂરી કરવાની હતી ,કરી પણ ખરી પણ રાત બહુ….
આજે સવારે બેસણું હતું ,રહી રહી ને ભેગી કરેલી હિંમત છૂટી જતી અને એમાં પણ ખાસ જયારે કોઈ પેશન્ટ મારી સામે રડતું ત્યારે મારાથી નોહતું જીરવાતું , પણ બેસણામાં ભાન થયું કે એ મને એકલો મૂકી ને નથી ગયા અનેકો અનેક સબંધ અને એ પણ હૈયાના સબંધે બાંધતા ગયા છે ..એકલતા ભાંગતી ગઈ મારી..!!
આજે મને મારી જાત ઉપર ધિક્કાર છૂટતો મારી અડધા કરતા ઉપર ની ગઈ, પણ હું એવું કોઈ જ કામ ના કરી શક્યો કે જે મારા બાપે કર્યું..સેવા કરી એ પણ પારકાની..!!
મને ઘણા લોકો એમ કહી ગયા આ બે દિવસમાં ..કે.. ભાઈ તમે ઘણી સેવા કરી,
*પણ મને ફરી ફરી ને એક જ સવાલ થાય કે માંબાપ નું ધ્યાન રાખવું કે એમની જરૂરીયાત પૂરી કરવી અને એ પણ બીમારીમાં એને સેવા કેમ ની ગણવી ..?*
*મારા પોતાના હાથ કે પગ ની કોઈ તકલીફ થાય તો હું મારા હાથ પગનું ધ્યાન રાખું જ છું ને ??!! અને હું પણ છું તો એમનું જ અંગ ને, તો પછી જેમ હું મારા શરીરનું ધ્યાન રાખું છું એમ એમના શરીરનું ધ્યાન રાખ્યું અને છેવટે તો એ લોકો પણ મારા જ શરીરનો ભાગ છે ને ?*
હું હજી પણ કન્ફયુઝ છું એક માંબાપ નું ધ્યાન રાખવું એને સેવા કેમની ગણાય ..?
*સેવા પારકાની હોય ..પોતાનાનું કરો એ તો પાર્ટ ઓફ જોબ છે ,કુદરતી પ્રક્રિયા નો એક ભાગ છે ..*
મને હજી પણ લાગે છે કે માતાપિતાનું ધ્યાન રાખવું એ પુણ્ય કાર્ય નથી પાર્ટ ઓફ જોબ છે ..
કોઈ જ ફળ ની આશા વિના કરવું જ પડે અને કરવું જ જોઈએ …!!
*એકવાર રેત સરી ગઈ પછી કશું જ નથી રેહતું , ખાલી મુઠ્ઠી રહી જાય છે ..*
*ઈશ્વર અવસર આપતો હોય તો ચૂકશો નહિ..*
મને તો નાલાયક છેતરી ગયો , હલકટ..!!
અંતે ગુરુમાં સરોજબેન ગુંદાણી એ ત્રીસ પાંત્રીસ વર્ષ પેહલા શીખવાડેલું ગીત યાદ આવે છે , જો કે ત્યારે હું એમની રીતસર ઝઘડયો હતો કે મારે મરશીયા નથી શીખવા પણ ત્યારે એમણે કીધું હતું કે બેટા ક્યારેક જિંદગીમાં બહુ કામ લાગશે..
આજે એકદમ કામ લાગે છે..
રુદિયા માં રંજ તમે જરીકે ના રાખશો ને
સહુ ને અમારા રામ રામજી ..
ઉપરના ઉપરી અમારા કામથી રાજી રાજી
અમને એ વાત નો સંતોષ જી
તમે રે સંગાથે અમે આનંદના ગાન ગાયા ..
પ્રીત્યું અંતર ની પીછાણી જી ..
રુદિયા માં રંજ તમે જરીકે ના રાખશો ને
સહુ ને અમારા રામ રામજી ..
ઓમ નમો ભગવતે વાસુદેવાય
ફરી એકવાર આપ સર્વે એ રૂબરૂ ,ફોન અને સોશિઅલ મીડિયા દ્વારા આ દુઃખ ની ઘડીમાં આપેલા સાથ બદલ આભાર ..
આપના આ ઋણ નો અમો સર્વે સ્વીકાર કરીએ છીએ
????????????
શૈશવ હર્ષદરાય તલકશી કેશવજી લવજી વોરા