લાગે છે કે હવે વરસાદ આવશે.. પૂછો કેમ ..?
અરે ભાઈ અમદાવાદમાં બધે સાડીઓના સેલ ના પાટીયા વાગી ગયા..
તમે કેહશો શું સબંધ બંને ને ..?
ભાઈ આમ તો કઈ નહિ, પણ તો ય સાડીના સેલના પાટિયા વાગે પછી જ વરસાદ લગભગ ચાલુ થતો હોય છે એવું આપણું બે ત્રણ દસકા નું ઓબ્ઝર્વેશન ખરું..
બાહર ઝરમર ઝરમર વરસતો હોય અને અંદર સાડીના સેલમાં હૈયે હૈયા દળાય એવી ભીડમાં માતાઓ અને બેહનો તૂટી પડી હોય ,અને એમાં મારા જેવા એકાદ બે કચકચિયા અને રસિયા પણ ખરા એવા “એ” ઘુસ્યા હોય..
મને તો જબરજસ્ત છીંકો આવે છે સાડીના સેલમાં ..નવા કપડાની પૂમ ની એલર્જી પણ તોય પત્નીજી સેહજ બોલે કે આવવું છે તો પછી ઝાલી જ લેવાનું હેંડો ત્યારે..
આમ તો મોટે ભાગે અમને ખાલી ઇન્ફોર્મ જ કરવામાં આવે કે અમે સાસુ વહુ જઈએ છીએ સેલમાં અને બે ત્રણ કલાક થશે..
એટલે હું અને પપ્પા સમજી જઈએ કે આ બે ભેગી થઇ ને એકાદું બંડલ લઈને જાય છે અને બીજું પણ પૂરું કરશે..જતા જતા એમ પણ કેહતા જાય કે કઈ ખાસ લેવું નથી, હમણાં જ ઘણા કપડા લીધા છે એટલે હવે કઈ બીજા લેવાના નથી પણ આ તો સેલ છે તો ખાલી સેહજ નજર મારતા આવીએ .. વેરાયટી વધારે જોવા મળે સેલમાં એટલે જઈએ છીએ ,જુઓ “ખાલી” દસ હજાર જ લઈને જઈએ છીએ..
જાણે એ સાસુ વહુ ને અને અમને બાપ દીકરાને અમદાવાદમાં કોઈ ઓળખતું જ ના હોય..
સેલમાંથી પાછા આવે એટલે બુમ પડે, ગાડીમાંથી આ બધું ઉતારવોને ..એટલે સમજવાનું કે એક ભેગું બીજું કે ત્રીજું બંડલ પણ ગયું..
આપણે પૂછીએ કે રૂપિયા તો હતા નહી ને..?
અરે ત્યાં પપ્પાના પેશન્ટ પેલા ફલાણા કાકા મળી ગયા એમણે મમ્મીને કીધું ભાભી જે લેવું હોય તે લઇ લો તમે..હું દાકતર સાહેબ જોડે હિસાબ કરી લઈશ..
અને પેલો એમના ભાગીદારનો છોકરો પણ મળ્યો, એ તારી જોડે ભણતો હતો ને એ પણ મળ્યો..મને કઈ લેવા જ ના દે ..ના ભાભી આ આપણા માટે નથી તમે આ બાજુ આવો ..એમ કરી કરી ને મને બધું પકડાવી દીધું…
કેવા “ભોળા” સાસુ વહુ.. સાડીના સેલમાં પણ ઉધારી કરીને આવે..!!
જો કે પપ્પા તો એ બંને જેવું પગથીયું ઉતરે એ ભેગા બોલે કે આ જ્યાં ગઈ છે એ પેશન્ટ છે, અને કોણ જાણે કેટલા પુરા કરીને આવશે..
બોલો તમારા ઘરની પણ આવી જ કહાની છે ને ..??
ભાઈ કાગડા ક્યાંય ધોળા નથી હોતા..!!!
સાડીનું સેલ અને સ્ત્રીઓ ..!!
સાહેબ અચ્છા અચ્છા ભણેલા ગણેલા બૈરા ભુરાંટા થાય ..તમે કોઈ કાળે રોકી જ ના શકો..!!
મારા કોલેજના એક મિત્રના પપ્પાની એક ખુબ મોટી ચેઈન સાડીઓની દુકાનની અને કરોડોનો ધંધો..
અમે કોલેજમાં ભણતા ત્યારે એને કેહતા અલ્યા તારી દુકાનની બાહર અમને ખાલી ચણીયા અને બ્લાઉઝ પીસનું કાઉન્ટર ખોલી આપ ને તોય આમરે તો ભયો ભયો..અને ખરેખર એના સાડીઓના શો રૂમ ની આજુબાજુ ચાર મેચિંગ ની દુકાનો થઇ ગઈ છે ને એકે એક ધૂમ કમાય છે ..
અમે મોટા શરમના પુંછડા રહી ગયા `તા , `તે કારખાના કરવા ગયા..
જો કે જુના જમાનામાં આપણને સાડીઓ માં રસ ખરો..બાંધણી ,પટોળા ,સેલા ,લેહરીયા,પ્યોર સિલ્ક ,જોર્જટ ,જરદોસી ,આરી ,જરી ..એવું બધું થોડું થોડું ખબર પડે એટલે પેહલા મમ્મી જોડે જતો અને પછી પત્નીજી જોડે..
હું થોડોક વધારે ચૂઝી ,એટલે પછી પત્નીજી એ કંટાળી ને એમના સાસુમા ને પકડ્યા અને અમારા ભાગે છોકરા સાચવવાના આવતા..
હવે આજકાલ બધા ડીઝાઈનર ના વાવર ચાલ્યા છે, એક જમાનામાં અમે બનારસ ગયા હતા અને ત્યાના સાડી બજારમાં અમે ગયા હતા, ત્યારે ત્યાં એક પછી એક બનારસી સેલા બતાડવા વેપારી લોકો એક પછી એક આવે, અને દરેક વેપારી એમ બોલે પૂરે વર્લ્ડ મેં એક હી પીસ એસા બના હૈ.. અને એક વેપારી જાય ને બીજો આવે ત્રીજો અને ચોથે તો પેલી વર્લ્ડ નો એકમાત્ર પીસ રીપીટ થઇ જાય…!!
ગઈ નવરાત્રી એ અમારા ઘરની સામે આવેલા મોલમાં બે ચાર મોંઘા માઇલી ડીઝાઈનર શોપ છે ..ત્યાં દીકરીઓ ને લઈને હું ઘુસ્યો હતો..એક મસ્ત બ્લાઉઝ મને ગમ્યું ,દીકરી ને પણ ગમ્યું ..
કિંમત લગાડેલી હતી ફક્ત ૨૬૦૦૦ રૂપિયા.. બે ઘડી મારો શ્વાસ થંભી ગયો..પણ એ બ્યુટીક ની માલકણ પંજાબી બેન ..જે મારી દીકરીને બાટલામાં ઉતારે.. બેટા આપકી ચોઈસ હી કુછ ઐસી હૈ ના સબ રોયલ ચીઝ પે હી આપકી નઝર રુકતી હૈ ..ચલ મૈ કુચ કર દુંગી ૧૦પરસન્ટ ચલ છોડ ફીફ્તીન પર્સન્ટ કર દેતું હું ..યુ નો બેટા તું યે પેહનકે નિકલેગી ના તો મુઝે ભી બહોત અચ્છા લગેગા ..હર કોઈ પે એસી ડીઝાઈનર ચીઝે જજતી નહિ હૈ બેટા, પર્સનાલીટી હોની ચાહિયે બેટા જો આપકે પાસ મેં હૈ..
મારી બેટી પંજાબણ ..મને અને મારી દીકરી ને ગોળ ગોળ કરી નાખ્યા પણ હું ય તે મુઓ વાણીયો…
મેં કીધું મેડમ જી આપ કી સારી બાતે સોલાહ આને સચ હૈ, લેકિન અભી ઇસને કોલેજ મેં પાંવ રખ્ખા હૈ શાદી નહિ કરની હૈ મૈને ઈસકી ..
પણ જક મુકે તો પંજાબણ નહિ..અરે ભાઈ સા`બ ક્યા બોલ દિયા આપને..ઇસકી શાદી પે તો કમ સે કમ સાત લાખ કા લેહ્ગા લેના પડેગા ..ઇતની ખુબસુરત હૈ જો બિટિયા હમારી..
મારું બેટું મારા તો શ્વાસ ચડી ગયા..સાત લાખ ના લેહ્ગા લેના પડેગા..?? હાય હાય..
ત્યારે માંડ માંડ એના બ્યુટીક ની બહાર નીકળ્યા ,અને આઠ મહિના થયા તો ય હજી ગયા અઠવાડિયે એના બ્યુટીક ની બહારથી પસાર થયા તો પેલું ૨૬૦૦૦ વાળું નંગ હજી એની દુકાનમાં લટકે છે.. મારો બેટો એકેય અમદાવાદી લઇ નથી ગયો…!!
હવે જોઈએ સેલમાં કેટલા ટકામાં લઇ જાય છે ..!!
સિત્તેરમાં ટકામાં લઇ જાય તો કૈક વિચારીશું બાકી તો ભલે પડ્યું એની દુકાનમાં સોરી બ્યુટીકમાં..!!
આવું છે આ સેલ નું અને ડીઝાઈનર વેર નું ..
જો કે પત્નીજી એ અમારા જ્ઞાનમાં વધારો કર્યો કે એ બ્લાઉઝ છે ને ડેમો પીસ છે અને એ બ્યુટીક વાળી ને ત્યાં મોટી મોટી ગાડીઓ જ ઉભી રહે છે અને વેલે પાર્કિંગની ફેસેલીટી આપે છે એ ..
૨૬૦૦૦ તો છોડ લાખ લાખના બ્લાઉઝ એ વેચે છે..સમજ્યો ,અમે તો દુનિયાની કમ્પેરીઝનમાં કોઈ ખર્ચા જ નથી કરતા..અને હા અમે છે ને ખરેખર જોવા અને જાણવા જ જઈએ છીએ કે નવું શું આવ્યું છે..
કઈ બોલવા જેવું જ નથી ..
આમ જોવો તો વાત સાચી છે,ઘણો બધો મોટો વર્ગ સાડીઓના સેલમાં જોવા માટે પણ જતો હોય છે, ભલે લેવી ના હોય પણ પચાસ હજાર કે લાખ ની સાડી એકવાર જોઈ તો લ્યે જ છે, અને એનું કારણ એક જ છે કે આપણે બધા એક બીજાનું જોઈ અને એક બીજામાં જીવી લેવા ટેવાયેલા છીએ..
ફલાણાભાભીએ એમની દીકરીની લગ્નમાં ઓરીજીનલ પાંચ લાખનું પાટણનું પટોળું પેહર્યું હતું અને એ પાટણનું પટોળું જોઇને પણ આપણા મધ્યમ વર્ગના ઘરની સ્ત્રીઓ હરખાઈ લેતી હોય છે..
ઘાંચી નો બળદ ઘૂમ્યે જાય છે એક કારખાનેથી બીજે..
મારા જેવા બધા બળદયા નો દિવસ સારો રહે ..
બાકી સાડી પુરાણ નો અંત નથી ..
શૈશવ વોરા