છેલ્લા બે ત્રણ દિવસમાં કોઈક ને ક્યારેક સેહજ ફુરસત મળી હોય તો સંધ્યા અને ઉષાના રંગો જોવા જેવા હોય છે..
કવિવર કલાપી યાદ આવી ગયા..
ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં..
એક્ચ્યુઅલી આજકાલ રવિરાય એકદમ મૃદુ ભાસે છે..અમદાવાદ ઉપર બાર મહિનામાં આઠ મહિનાની ૩૮થી ૪૨ ડીગ્રીની આગ ઓકતા સૂર્યનારાયણ બેચાર દિવસથી ખરેખર સૌમ્ય રૂપ ધારણ કરીને એમના સાતેય ઘોડે ચડીને નીકળે છે..
પૃથ્વી ઉપર જેમને સાક્ષાત જોઈ શકાય એવા દેવતા બે છે, એક સૂર્યનારાયણ અને બીજા ચન્દ્રનારાયણ,
ઓ ભાઈ..
કથા કરવા આવેલા બ્રાહ્મણ ત્રણ દેવ ગણાવે,પેહલા-બીજા, માતા-પિતા અને ત્રીજા એ પોતે,પણ હું સાક્ષાત ત્રીજા દેવતા અગ્નિ ને ગણું છું..!
ભાવનાત્મક રીતે માતા-પિતા પ્રથમ દેવતા બરાબર છે,પણ શશી અને સવિતાને જ સાક્ષાત દેવ ગણવા જોઈએ અને ત્રીજા દેવ પાવક..!!!
પોષ મહિનાની પરોઢે પ્હો ફાટે ત્યારે મસ્ત મસ્ત ૧૪-૧૫ ડીગ્રી ટેમ્પના ધીમી ધારે વા`તા વાયરે ઉષારાણી રુણક ઝુણક કરતા નીકળે, અને આપણી કલ્પનામાં પણ ના હોય એવા રંગો ઉષા વિખેરે છે..!!
એ આકાશી રંગો જોઈ ને એમ થઇ જાય કે કુદરતથી મોટો બીજો કોઈ જ કલાકાર નથી..!
એકદમ ચોખ્ખા નભે બિલકુલ અનકન્ટ્રોલડ ઉડતી સફેદ રૂ ની પૂણીઓ જેવી વાદળીઓ અને એમા જયારે અરુણકુમાર ભરાય ને બારણાની ફાટમાંથી મમ્મી ની જોડે વાટકી વ્યહવરે આવેલી પડોશણ આંટીની તેર વર્ષની છોકરીને જોતા ચૌદ વર્ષ ના છોકરાની નજર ની જેમ માર્તંડ ધરતી ઉપર શરમાતા શરમાતા કિરણો ફેંકે..!
સેહજ આઘીપાછી નજર કરીએ તો એકદમ નીલું ભૂરું આકાશ..આંખો ઝીણી કરો, મોટી કરો કે ડોળા ફાડી ફાડી ને જોવો..ના આકાશનું ઊંડાણ દેખાય,ના અંત દેખાય..ના આરંભ દેખાય..!! બસ ૧૬૦ ડીગ્રીની મુંડી ફેરવતા જ રહો…!!
અને હા કોઈક ઉંચી ટેકરી મળી ગઈ તો તો ૩૬૦ ડીગ્રી પૂરી..અને ટેકરી આવા વેધરમાં મળે પછી તો ભઈલો શાહરૂખ જ થઇ ને હાથ ફેલાવી દે અને એમાં પણ જોડે મારી ભાભલડી હોય..તો..તો..પછી ઉંચી ટેકરી ની ધારે ટાયટેનીક નો સીન થઈ જ જાય બાપુ..!!
ડુંગરા યાદ આવી ગયા..!!!
આવી જ સરસ હેમંત ઋતુ અને ધરતી નેપાળની..સિત્તેરનો દસકો..નગાધિરાજ હિમ ની ચાદર ઓઢીને ઉભા હતા,પપ્પા એ અમને બધી ટેણીમેણી ને ફુલ્લ વિન્ટર વેરમાં લપેટી એની ઉપર પાછા હોટેલના બ્લેન્કેટસમાં ધબેડીને સવારના સાડા ત્રણ વાગ્યે કાષ્ટમંડપમ (કાઠમંડું) થી ગાડી ભરીને સન રાઈઝ જોવા લઇ ગયા હતા,બે કલાકના ડ્રાઈવ અને શેરપાના ખભે ચડીને કરેલા અડધા કલાકના ટ્રેક પછી નગેશની એક ઉંચી પહાડી ઉપર અમને ઉભા કર્યા..
પ્હો ફાટી ચુક્યું હતું,જોડે આવેલો શેરપો સતત બોલતો જતો હતો “શા`બજી, વો દો પરબત કે બીચ મેં આંખ રખ્ખો..કભી ભી સૂરજ વહાં સે બહાર આયેગા આપ નજર વહીં ગાડે રખ્ખો, આજુબાજુ મત દેખો, પેહલી કિરણ કૈસી હોતી હૈ વો દેખો, બિલકુલ વો દો પહાડી કે બીચ મેં સે સૂરજ નિકલેગા..!! “
છતાં પણ આપણે કાચબાની જેમ વિન્ટરવેર પ્લસ ધાબળામાંથી મોઢું બહાર કાઢીને ચારેબાજુ ફેલાયેલા બરફની વચ્ચે એકદમ શાર્પ આંખમાં ઘુસી જતું અજવાળું ઓબ્ઝર્વ કરતા હતા, અને ત્યારે અચાનક શેરપો બોલ્યો બસ એક દો સેકન્ડ..!!
અચાનક બરફથી આચ્છાદિત બે પહાડીઓની વચ્ચેથી એક સોનાની જેમ ઝગમગતો સોનેરી કિરણ ફેંકતો હીરો બહાર આવ્યો..દિવાકરનું પેહલું કિરણ જીવનમાં પેહલી વાર જોયું,
પેહલું કિરણ પહાડી ઉપર પડ્યું કે તરત જ હિમ હેમ થઈ ગયો,સફેદ બરફની પહાડી સોનાની થઇ ને ચમકવા લાગી..વિધ ઇન ટેન સેકન્ડ્સ ઓન્લી..ફક્ત દસ ક્ષણોમાં આખો હિમાળો શ્વેતમાંથી સુવર્ણમાં પરિવર્તિત થઇ ગયો અને પછી ઉષારાણીએ પ્રભાકર ના સ્વાગતમાં મસ્ત મસ્ત રંગો વેર્યા.. નગાધિરાજની હિમાચ્છાદિત ટેકરીઓ ઉપર ઉષાના રંગો વેરાય અને ત્યાંથી એ રંગો નભમાં પાછા રીફ્લેક્ટ થાય, અને નાગાધિરાજને સ્પર્શ કરીને આવેલા રંગોને ઉંચે આકાશમાં ફરી એ ઉષારાણી ઝીલે..!
જાણે સૂર, તાલ અને નર્તનની જુગલબંધી ચાલતી હોય એમ હિમાલય અને આકાશની જુગલબંધી ચાલતી રહી,ભાસ્કરરાય તાનપુરાના ષડ્જ પંચમ વેરતા રહ્યા..ઉષારાણી એમનું નર્તન કરતા રહ્યા..અને નગેશ્વરના જામાતા શિવ મંદ મંદ હસતા રહ્યા…!!
જીવન નો એ અવિસ્મરણીય આલ્હાદક સૂર્યોદય અને ઉષાને માણી..!!
અદ્દભુત નજારો હતો..!
અને સંધ્યા..??
બિલકુલ નગાધિરાજની સામેના છેડે ૩૦૦૦ કિલોમીટર દૂર દખ્ખણમાં સતી ના ચરણે ઉભા રહીને..!!
કન્યાકુમારી..!
એશી નો દાયકો, અત્યારે છે એટલી ભીડ નહિ અને ભારતનો કિનારો વિધર્મીઓના અતિક્રમણ વિનાનો ચોખ્ખો ચોખ્ખો..
આજે ત્યાં વિવેકાનંદ રોકની બાજુના ખડક ઉપર તમિલ કવિની પ્રતિમા ઉભી કરવામાં આવી છે, અને વિવેકાનંદ રોક પર ઉભા રહીને હિન્દુસ્થાન તરફ જોતા ડાબે અને જમણે બંને કિનારે ઘણી બધી મસ્જીદો અને ચર્ચ ઉભા કરી મુકવામાં આવ્યા છે..ખેર સારી સારી વાતો કરો..!
કન્યાકુમારી એટલે વિવેકાનંદરોક
સતયુગમાં ત્યાં એક પગે ઉભા રહીને કૈલાસ તરફ નજર રાખીને સતીએ શિવને સાધવા તપશ્ચર્યા કરી હતી, કલિયુગમાં આ જ જગ્યાએથી વિવેકાનંદજીને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થયું, માટે એ જ ખડક જેનું નામ પાછળથી વિવેકાનંદ રોક રાખવામાં આવ્યું..
સતીનું પગલું આજે પણ છે,અને આ સતીનું પગલું અને માઉન્ટ કૈલાશ અને યમ નો નિવાસ જ્યાં છે એ દક્ષીણધ્રુવ બધું જ એક સીધી લીટીમાં છે..!!
લગભગ સાંજના સાડા પાંચ નો સુમાર..અમે હિન્દુસ્થાનના છેડે ઉભા હતા,નજર વિવેકાનંદ રોક તરફ..સામે કાળમીંઢ નજર પોહચે ત્યાં સુધી છેક ક્ષિતિજ સુધી ધીર ગંભીર હિન્દ મહાસાગર હિલોળા લ્યે,ડાબી તરફ નજર ફેરવો ત્યાં ડાર્ક ઓલીવ ગ્રીન કલરનો બંગાળનો સાગર ઘૂઘવે..જમણે નજર માંડો આછા ભૂરા રંગનો અરબ સાગરના મોજા ઉછળે..!
આથમણે સુરજદાદા નો તાપ-પ્રતાપ ઓછો થઇ ગયો હતો, અને એક ધગધગતો ફાયર બોલ સુદર્શન ચક્રની જેમ ગોળ ગોળ ફરતો દેખાય..!!
થોડાક આછા થયેલા સૂર્યનારાયણના કિરણો ઉગમણે, આથમણે અને દખણા`દે ત્રણે બાજુથી એકબીજાની ઉપર હાવી થવા ઘૂઘવતા ત્રણ મહાસાગરોના ઊછળતા મોજા ઉપર પડે અને પછી રીફ્લેક્ટ થતા કિરણો ચમકે..!
ભરી સાંજના પ્રચૂર અજવાળે મોજા ઉપર આગિયા ચમકતા દેખાય..!
લગભગ છ સવા છ નો સુમાર થાય, અને પોતાની ધરી ઉપર ફરતો આગનો ધગધગતો ગોળો એની સ્પીડ ઓછી કરીને આથમણે સેહજ અરબ સાગરને ચૂમે ત્યારે છેક સુરજનો એક મોટો શેરડો રત્નાકર ઉપર થઈને લંબાય અને આપણા સુધી પોહચે અને તરત જ મારા જેવો પોતાની જાતને બજરંગબલિ સમજી ને એ શેરડે સવાર થઈને સુરજ સુધી પોહચવા અરબ સાગરમાં ધુબાકો મારે અને શેરડો આઘોપાછો થઇ જાય..!!
કમ્મરભેર પાણીમાં ઉભા ઉભા ડૂબતો સુરજ અને એને વિદાય આપતી સંધ્યા ખીલે છેક અરબ સાગરના છેડે થી બંગાળની ખાડીમાં પ્રતિબિંબ ઝીલાય..!
રાગ યમન કલ્યાણનો સમય થઇ જાય અને બાજુના મંદિરના ગોપુરમ માંથી શરણાઈ અને દુંદુભી નાદ થાય અને મમ્મીની બુમ આવે ..
એ હવે આને બહાર કાઢો અંધારું થશે..!!
પપ્પાની બુમ પડે ..શૈશવ બાહર .. અને નીચી મૂંડીએ ચુપચાપ આપડે બાહર..!!
જીવનની મજાના એ દિવસો ..સાંજ અને સવાર..!!
સમય કાઢી અને હેમંતના સુર્યાસ્ત કે સૂર્યોદય જોઈ લેજો,
વોટ્સ એપ અને ફેસબુક તો ત્યાના ત્યાં જ રેહવાના છે..!
એન્જોય
શૈશવ વોરા