અચાનક નવેમ્બરે ઠંડી વેરવાની ચાલુ કરી છે ,મસ્ત ફુલ ગુલાબી ઠંડી ચાલુ થઈ ગઈ છે , મનમાં ચટપટી થઈ ગઈ છે કે ક્યારે સપ્તક ચાલુ થાય અને કાન ચોખ્ખા કરી આવું .. બલિહારી યુ ટ્યુબની કે રાત પડ્યે જેમને સાંભળવું હોય તેમને “બોલાવી” લેવાય અને સાંભળી પણ લેવાય , પરંતુ લાઇવની જે મજા છે એ રેકોર્ડેડમાં ક્યારેય ના આવે..!
ભારત રત્ન પંડિત ભીમસેન જોશી , ભારત રત્ન પંડિત રવિશંકર થી લઈને આજે વિદુષી કૌશિકી ચક્રવર્તી ના દિકરા સુધીના સ્વરો આ શૈશવ નામના કાનસેન ને માણવા મળ્યા છે..
જગતમાં આવા બડભાગી બહુ ઓછા ..!!
સાલ 91/ 92 માં સંગીત સાથે ઓળખાણ થઈ પછી આટલું લાંબું ચાલશે એવી ગણતરી કે સમજણ પણ નહીં , પણ ચાલી ગયું , સાંભળવા ને બદલે કદાચ ગાવા ગયા હોત તો આ સફર ક્યારની પૂરી થઈ હોત, ગાવાનું માંડી વાળ્યું , સાંભળવા માટે કાન કસવાના ચાલુ કર્યા તો આજ દિન સુધી ટકી ગયા ,
એ સમય એવો હતો ગૂગલ વિના ,ઇન્ટરનેટ વિનાનો ,મોબાઇલ ફોન વિનાનો..તકલીફ ઘણી પડતી , સ્વરો કાને પડે , રાગ કયો છે એ ખબર પડે પણ ખરી અને ના પણ પડે , જો રાગ ખબર પડે તો રાગનું બંધારણ શું એ ખબર ના હોય , છેવટે નક્કી એવું કર્યું કે હાથરસની બહુ જાણીતી હિન્દીમાં લખાયેલી સંગીત વિશારદની બુક સાથે લઈને જ જવું,
સ્વરોને ઓળખી અને રાગ ઓળખાય તો ઠીક, નહીં તો પેહલા સ્વરોથી રાગ નક્કી કરી અને પછી બુકનો રેફરન્સ લઈ બુકમાં વાંચી લેવું અને રાગ કઈ રીતે વિસ્તાર થાય , શું છે એ રાગની વિશેષતા એ બધુ જાણી લેવું..
ફાયદો મોટો થયો , ટેકનીકાલિટી વધતી ગઈ, કાનસેન તો થયા પણ સાથે સાથે શાસ્ત્રને પણ સમજતા થયા, પાછળ જવાની મજા આવી, છેક સામવેદ સુધી પહોંચ્યા, વેદોની ઋચાઓ કેવી રીતે ગવાય એની સમજણ આવી એટલે ઓવરઓલ સંગીતમાં ડૂબ્યા તો જીવતરમાં પણ ડૂબવાની મજા આવી , પેલું કહેવાય છે ને એક સાધે સબ સાધત, સબ સાધે કછુ નહીં સાધે…
ઘણો આનંદ આપ્યો જીવનમાં સંગીત એ,
પણ હવે જે નવો ટ્રેન્ડ ચાલ્યો છે …કેરીઓકે …નો ….ઓ મારા બાપ… લોકો જે મંડ્યા છે… સંગીતનો ” સ” દૂર દૂરથી જોયો પણ ના હોય , અને એ પણ કેરીઓકે લઈને મચી પડે..એમાં પણ અમારી ઉંમરના આધેડ અને ડોહલા ડોશીઓ..!! ચાર પાંચ કપલ ભેગા થાય અને પછી જે રેગિંગ કરે એકબીજા ઉપર.. એમાં પણ એક વાત અજબ ગજબની ..મોટીવેશનલ સ્પીકરોની અસરમાં આવેલા પોઝિટિવિટીના પાણી પીને અત્યંત પોઝીટીવ થયેલા જીવડા એકબીજાને તો પણ એપ્રિસિયેટ કર્યા જ ,કર્યા જ, કર્યા જ, કરે……… અને એમાં તમને આમંત્રણ પાઠવે..!! ભૂલ ભયંકર કીધી …!!!
શૈશવભાઈ તમારે તો આવું જ પડે , તમે કંઈક ગાવ , આપણને એમ થાય હે ભગવાન …સંગીત શીખવાની આ પણ સજા હોઈ શકે ખરી ??? આના કરતા તો ઔરંગઝેબ એ જ્યારે સંગીતના જનાજાને દાટવા માટે ચાર મડદા મોકલ્યા હતા , પહેલા સંગીત દાટો અને એની ઉપર બીજા ચાર મડદા દાટો , ત્યારે એ જનાજામાં ભેગા જ દટાઈ મર્યા હોત તો વાંધો ન હતો..!!!
પત્નીજી બાળપણથી ભરતનાટયમ શીખતા, ભણતર અને સમયના અભાવે વચ્ચે ઘણો લાંબો સમય એમને એ પ્રવૃતિ છૂટી ગઈ, હવે અમારા બાળકો મોટા થઈ એમના રસ્તે ચાલતા થઈ ગયા , સમય મળ્યો તો છેલ્લા ચારેક વર્ષથી ફરી નૃત્ય શીખવાનું શરૂ કર્યું , દૈવયોગે એમનું ગયા વર્ષે આરંગનેત્રમ પણ થઈ ગયું અને હવે એમની કલાસાધના એ આગળ વધારી રહ્યા છે ..
જ્યારથી એમનું આરંગનેત્રમ થયું છે ત્યારથી લગ્ન પ્રસંગમાં આમંત્રણ આપવા આવતા દર બે માંથી એક વ્યક્તિ એવી વાત કરે કે તમારો ડાન્સ ગોઠવીએ અને શૈશવભાઈ ગાઈ લેશે …!!
હજી આપણે એ માનવા અને સમજવા તૈયાર જ નથી કે કલા સાધના પોતાને આનંદિત કરવા પણ થઈ શકે છે , કલા નુ પ્રદર્શન દરેક વખતે જરૂરી નથી , તાનસેન પણ કાનસેન શોધતા હોય છે , બધા તાનસેન હશે તો સાંભળશે કોણ ..????
એક સમય એવો હતો કે જ્યારે મોટા મોટા ઘરોમાં “બેઠકો” થતી, બેઠકમાં નામી કલાકારો, શીખતા કલાકારોને મોટા મોટા શેઠિયા એમના ઘરે બોલાવે ,સાંભળે સાથે મિત્રોને પણ આમંત્રિત કરતા, બેઠકનું આયોજન એકદમ સુચારુ રૂપે થતું , ખૂબ સુંદર રીતે એ કાર્યક્રમ થતો , સાંભળનારને પણ જેમાં મજા આવતી અને ગાનાર વગાડનારને પણ મજા આવતી,
હવે અત્યારે જે ચાલ્યું છે એમાં એવું છે કે ગાઈ પણ મારે લેવાનું , ને સાંભળી પણ તમારે લેવાનું , બધું ફરજિયાત ..આ એક ખોટો પોતાનો અહંકાર, ઈગો પંપાળવાની વાત છે, હું પણ કરી શકું છું, એ જગતને દેખાડવાની વાત ..!!
કોઈ મતલબ વિનાની વાત છે..!! આ તો બાથરૂમ સિંગરો દ્વારા કેરીઓકે સિંગર બની અને ચમત્કારની આશામાં થતો બળાત્કાર છે ..!!
કેરીઓકે ની લાહ્યમાં એક બીજું નુકસાન બહુ મોટું થઈ રહ્યું છે , ક્રિએટિવિટી જતી રહે છે ,માણસ આત્મશ્લાઘામાં રાચતો થઈ પડે છે , મનથી કિશોરકુમાર કે રફી થઈ જાય અને પોઝિટિવિટીના પાણી એમને વધારે ઉપર ચડાવે ..
ઘડી બે ઘડીની મજા એવું સમજીએ તો કેરીઓકે ગાયન ઠીક છે, પણ આ તો ઠેર ઠેર ને જ્યાં અને ત્યાં .. માઇક ઝાલીને ડોશી કે ડોસો મચી જ પડે , તમે ઈશ્વરને પ્રાર્થના કરતા થઈ જાવ.. હવે ક્યારે આ બંધ થાય ? જો કે વાંક એમાં એમના “ઊભા” કરેલા ઓડિયન્સ ના પણ ખરો , એકેય માટીડો એમ ન ફાટે કે અટકો હવે મા’ડી , બહુ થયું …!! લતાજીને ઉપર કષ્ટ પડી રહ્યું છે અને તમારા ભરથાર હવે વધારે સમય તમને ગલે લગાડવા જશે તો રાત હંસી નહીં હાંસીપાત્ર થઈ જશે .. !!
શોખ હોવો એ અત્યંત જરૂરી છે , ન હોય તો જીવન મોનોટોનસ થઈ જાય , પણ શોખને એક પછી એક આગળના લેવલે લઈ જઈને વધારતા રહેવાથી મજા ફક્ત મજા ના રહેતા પ્રફુલ્લિતા તરફ દોરી જાય , અને પ્રફુલ્લિત મન પોઝિટિવિટી કે નેગેટિવિટી બંને ને બાજુ ઉપર મૂકી અને ક્રિયેટીવીટી તરફ વળે છે ..
હું માનું છું કે ત્રણ પ્રકારના લોકો હોય છે પોઝીટીવ, નેગેટિવ અને ક્રિએટિવ … ક્રિએટિવ બનવું .. પોઝીટીવ નેગેટિવ રહેવાનો સવાલ જ નહી ઉભો થાય ..!!!!
સર્જન એ સુખનો પર્યાય છે ..આનંદનો પર્યાય છે..!!!
કેરીઓકે વિના પણ ગાઈ વગાડી શકાય , સંગીત ઉપર કોઈની ઇજારાશાહી ક્યારેય નથી ચાલી , ગળામાં ઇશ્વરે સૂર નથી આપ્યા તો ગાયન ને બાજુ ઉપર મૂકીને અનેકો અનેક વાદ્ય ઉપલબ્ધ છે , હાથ અજમાવો …ક્રિયેટીવીટી વધશે અને વિષયમાં આગળ વધવાની મજા આવશે ..
એક લાલચને બાજુ ઉપર મૂકો .. બધા ઉપર છવાઈ જવાની … પછી જુવો..!!!! કોઈ ફિલ્મ નો સ્ટાર દિગંબર અવસ્થામાં ફોટો શૂટ કરાવે તો વાહ વાહ થાય અને આપણે કરાવીએ તો..??? નાગો છે …સીધી ” નાગો ” પદવી મળી જ જાય…!!!
ક્યાંક મિત્રોની મેહફીલ જામી હતી પરિવાર સાથે , પંચાત રસનો પૂરો આનંદ લેવાઈ રહ્યો હતો , યજમાનના ઘેર બીજા પણ કોઈ આવ્યા હતા , મારી નાની દીકરી કઈ રીલ્સ જોતી બેઠી હતી , અચાનક એક બહુ ફેમસ એવા ગુજરાતી સિંગરની રીલ આવી .. મેં બૂમ પાડી એ બંધ કર આ બેસૂરા ને … હવે જે બીજા મેહમાન આવ્યા હતા એમાંના એક બેનના ભવાં અધ્ધર ચડી ગયા મને કહે એક્ઝ્ક્યુસ મી.. તમે શું બોલો છો એની તમને ખબર છે ખરી …? એટલે આપણે કીધું બિલકુલ ખબર છે .. દીકરીને કીધું ફરી વગાડ અને જ્યાં જ્યાં અડધો અડધો સૂર ઊતરેલા હતા એ જગ્યા ઊભા ઊભા જ પકડાવી દીધા .. બેન પણ “ગાયક” હતા એની ખબર પછી થી પડી …!!!!
બેન કબૂલ ના કરે કે અડધો અડધો સૂર નીચે ગાય છે તે “મહાન” ગુજરાતી ગાયક ..!
મને શું ફર્ક પડ્યો એમાં?????? તમે “ભક્તિ” કરો છો તો કરો ,પણ મારા કાન ને કઠે તો હું ના સાંભળું ..
રહી વાત સમય પસાર કરી અને સાથે રહીને આનંદ કરવાની તો સંગીત પધ્ધતિ સર શીખો ,મારા એક કઝિન એ પાંસઠ વર્ષે વાંસળીથી સંગીત આરાધના શરૂ કરી અને આજે ચાર વર્ષ થયા હજી પણ શીખે છે ,
શીખવાની વૃતિ રાખવાના ફાયદા ઘણા , સૌથી મોટો ફાયદો એ કે અંદરનો બાળક જીવતો થાય…
કેરીઓકે ની કમબખ્તી છે કે એમાં ઈકો વધારી અને અવાજ બાહર આવે , બાથરૂમમાં પણ આવી જ ઘટના બને છે જગ્યા નાની હોય એને કારણે ઈકો ઉર્ફે પડઘો વધારે પણ અને આપણને આપણો અવાજ સુંદર લાગે જે ખરેખર નથી હોતો..
બાથરૂમમાં ગાવાથી ફક્ત ઘરના જ દુઃખી અને હેરાન થાય કેરીઓકે માં જગત આખું …!!
છેલ્લે …
મારું સંગીત એ મારા અને મારા ભગવાન માટે છે , મારી કોઈને આનંદ આપવાની કેપેસિટી નથી , માટે હું માઇક પકડતો નથી બને ત્યાં સુધી..
મને અત્યંત આનંદ આવે જ્યારે શ્રાવણના સોમવારે મારા મહાદેવની આરતી થાય ત્યારે મોટ્ટેથી તાણી તાણીને આરતી ગાવામાં .. જનસાધારણની સાથે … ત્રિકમને વહાલા તુલસી શિવજીને બિલી પત્ર ૐ હર હર મહાદેવ.. મને આનંદ આવે વૈશાખે સૂર્યનારાયણ બાહર આવવામાં હોય, હજી પોહ ફાટયું હોય એ વેળાએ મંગળા દર્શન માટે કમળચોકમાં ઊભા ઊભા ભૈરવીથી મારા લાલને જગાડવામાં ,
શ્યામ સુંદર મદન મોહન જાગો મેરે લાલા,.. એની સાથે જુઠ્ઠું બોલવામાં .. પ્રાત ભાનુ પ્રગટ ભયે ગ્વાલ બાલ.મિલન આયે… તુમરી દરસ દ્વાર ઠાડો મોહન મુરલીવાલા..
સાધો સંગીતને ઢૂંકડો દેખાશે “એ”… મૂકો પૂળો કેરીઓકે ને…!!!
હે દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે… એણે મને માયા લગાડી રે…
પગ થિરકવા લાગશે અને હૈયા ભરાઈ જશે. ..
જે દિવસે આ સાંભળીને આંખ ભરાય ને ત્યારે સમજજો કે બસ આવી પૂગ્યો “એ” મારો દ્વારિકાવાળો …!!!!
સંગીતથી વધારે ટૂંકો રસ્તો એને પામવાનો એકેય નહીં..!!!
જય હો રાધે રાધે ક્રિષ્ન મુરારી ગિરિધારી..
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*