સંતૂર અને તબલા ..!!
છેલ્લા બે દિવસથી એક તસવીર સોશિઅલ મીડિયા ઉપર ખુબ ફરી રહી છે ,
સ્વર્ગીય પંડિત શિવકુમાર શર્માજીની ભડભડ બળતી ચિતાને ગ્લાનીની નજરે જોઈ રહેલા ઉસ્તાદ ઝાકીરહુસેનજી ની ..!!
ઉસ્તાદ ઝાકીરહુસેનજી એ મોઢા ઉપર માસ્ક પેહરેલો છે એટલે એમના ચેહરાના ભાવ કળી શકાતા નથી, પણ અમારા જેવા લોકોને એ તસવીર જોઈ ને અપાર પીડા થાય કે જેમણે લાગલગાટ ત્રીસ-ત્રીસ વર્ષોથી આ જોડીને સાંભળી હોય ..!!!
એક બહુ જૂની અને જાણીતી ઉક્તિ છે “તુલસી હાય ગરીબ કી કબુ ના ખાલી જાય મુએ ઢોર કે ચામ સે લોહા ભસ્મ હો જાય..!!”
પરંતુ બિલકુલ એનાથી ઊંધું વર્તન લોઢાનું અને મુઆ ઢોરના ચામનું હોય જ્યારે એ સંતૂર અને તબલાનું રૂપ ધરે..!!
આગળ વધતા પેહલા ઉપરોક્ત ઉક્તિ વિષે જે ના જાણતા હોય એના માટે ..
લોઢું જ્યારે છરો બનીને ખાટકીના હાથમાં જયારે હોય અને બિચારા ગરીબ બાંધેલા ઢોરના ગળા ઉપર ચાલે ત્યારે એ છરો ઢોરનો જીવ લઈને જાય ..
પરંતુ એ સમયે તે ગરીબ ઢોરના હ્રદયની જે હાય નીકળી હોય એ હાય કદાપિ ખાલી નથી જતી ..!
એ જ મરેલા ઢોરના ચામડામાંથી લુહારની ભઠ્ઠીમાં હવા ફૂંકવાની ધમણ બનાવવામાં આવે છે . ને એ ધમણમાંથી ફૂંકાતી હવાને પ્રતાપે છરો-લોઢું ઓગળીને ભસ્મ થઇ જાય ..!!
પણ જ્યારે એ જ લોઢું કોઈ તંત વાદ્યના તાર સ્વરૂપ પામે અને કોઈ મરેલા ઢોરનું ચામ તબલાની ને બાંયાની પડી બનીને અવતરે ત્યારે ?
હા ,
આ એ જ જોડી હતી ,
જે નંદવાઈ..!!
સંતૂરના એ લોઢાના તાર અને મુઆ ઢોરના ચામની બનેલી એ તબલાની પડી ,
પણ એની ઉપર જયારે આઘાત કરે બે સારસ્વતો ના કર કમલ ત્યારે દેવ ને દુર્લભ એવા સ્વર અને તાલના સર્જન થતા..!!!
પ્રથમ લોઢાના તારની બનેલી એ સંતૂરને મેળવવામાં આવે (ટયુન કરવામાં આવે )અને પછી ધીમે ધીમે પંડિતજી એક એક સ્વરની બઢત લઈને સમો બાંધે …
રાગ ઝીંઝોટી , પહાડી , રાગેશ્રી..આ હાહા હા .. અદ્દભૂત ..!
એક પછી એક રાગના સ્વર અત્યારે કાને અથડાઈ રહ્યા છે ..!!
આલાપ, જોડ પુરા થાય અને ઉસ્તાદ ઝાકીરહુસેનજી તબલાને થાપ આપે ને તાલની માત્રા અમારા જેવા એ જમાનામાં સંગીતના વિદ્યાર્થી હતા એ બધા માત્રાઓ ગણવાનું શરુ કરે એક બે ત્રણ… સાત આઠ , નવ અને સાડા નવ ફરી પાછો સમ ..!!
પછી ચાલુ થાય કાયદા ,પલટા, ચક્રધાર અને સાવ છેલ્લે બેઠકના અંતે એકસમય એવો આવે કે જ્યારે જે સ્વર સંતૂર બોલે એ જ સ્વર તબલા અને બાંયું બોલે ..!
અમારા જેવી જનતા જનાર્દન મોઢામાં આંગળા ઘાલી જાય કે આવું કેવી રીતે બને ??
સંતૂર અને તબલા વચ્ચે આટલું બધું સીન્ક્રોનાઈઝેશન કેવી રીતે શક્ય બને ?
પણ બનતું ..એટલે તો માસ્ટર નહિ પણ મેસ્ટ્રો કેહવાય છે..!
તંત વાદ્ય ઉપર જ્યારે આઘાત કરીને સ્વરનું સર્જન કરવામાં આવે ત્યારે જે તે સ્વર ઉપર ઠેહરાવ કરવો એ ખૂબ અઘરી બાબત છે, અને એના માટે તમામ ઇન્દ્રિયો ઉપર કમાંડ લેવો પડે અને સંપૂર્ણ એકગ્રતા સાધવી પડે, જે પામવા માટે ઘણું યોગ ,આધ્યાત્મ કરવા પડે ત્યારે મન અને શરીર કેળવાય..!
મને હમેશાં પંડિત શિવકુમાર શર્માજીમાં કોઈ મહાન ઋષિમુની હોય એવો આભાસ થયો છે..!!
આટલી બધી એકગ્રતા ..??!!!!!
એક એક સ્વર ઉપર નો અદ્દભુત ઠેહરાવ ..!!!
ફિલ્મોમાં તો નગાધિરાજનો કોઇપણ સીન આવે કે પાછળ સંતૂર પહાડી રાગમાં રણઝણી જ હોય..! હિમાલયની સાથે સંતૂર ને જોડી આપી પંડિતજી એ..!!
એક મિત્ર પાસેથી સાંભળેલો પ્રસંગ યાદ આવે છે ..!
એ મિત્રએ કોઈક “ગુરુ” પાસે સંતૂર શીખવાનું નક્કી કર્યું , એ સમયે કલકત્તાથી મહીને બે નાહીને ઓર્ડર આપો એટલે સંતૂર તૈયાર થઇને હાવરા એક્સપ્રેસમાં અમદાવાદ સંતૂર આવે..!
ભાઈએ હોંશે હોંશે ખાસ્સો ખર્ચો અને મેહનત કરીને સંતૂરને અમદાવાદ ભેગી કરી ..!
“ગુરુજી” પાસે લઈને ગયા ..તંત વાદ્ય હોય એટલે સૌથી પેહલા ટયુનીંગ કરવું પડે અને એમાં થયું એવું કે પથારી કરતા જ સવાર પડી ગઈ, એક કલાક તો “ગુરુજી” ને સંતૂર મેળવતા લાગ્યો અને એમાં પણ ચાર પાંચ તાર તોડી મુક્યા ..!!
નથી કામ ,જેનું અને તેનું સંતૂર જેવા વાદ્યને વગડવાનું કે શીખવાડવાનું..!!!
મને બરાબર યાદ છે કે એક કોન્સર્ટમાં પંડિતજી એ સ્ટેજ ઉપરની એક કે બે હેલોજન લાઈટો ચાલુ રાખવી અને બાકી બધી લાઈટો બંધ કરાવી હતી ..!
કારણ ? તો એવું કે હેલોજન લાઈટ ગરમી પુષ્કળ છોડે અને એ હેલોજનની ગરમીમાં સંતૂરના તાર ઉતરી જાય અને બેસૂરી થઇ જાય સંતૂર ..!!
એ સમયે મેં મારી બાજુમાં બેઠલા જાણકારને એવું કીધું હતું .. હેં ખરેખર ? મને તો જરાય બેસૂરું નથી લાગતું ..!
ફટાક કરતી મને સંભળાવી એમણે .. જા બાહર જઈને કોફી પી ..!! ( કેહવાનો મતલબ એવો હતો કે તારું કામ નહિ આ સાંભળવાનું ,પેહલા કાન તૈયાર કરો નહિ તો બાહર કોફીના કાઉન્ટર ઉપર જઈને મજા કરો ,આ સાંભળવાનું માંડી વાળો )
વર્ષો વીત્યા ..કાન સાંભળી સાંભળી ને તૈયાર થઇ ગયા અને હવે રીતસર કાન અમુક સમયે તરસી જાય છે સાચા સ્વરોને સાંભળવા..!!
સંગીતજ્ઞોની જૂની પેઢી એક પછી એક વિદાય લઇ રહી છે ..!
જેમને આંખો જોતી એમની વાતો કાન હવે સાંભળશે ..!!
બેલડી નંદવાઈ ..!!
દિવંગત પંડિત શિવકુમાર શર્માજીને પ્રભુ એમના શરણમાં લ્યે ..!
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)