કકળાટ મચ્યો છે ગીરનાર રોપવે અને સી-પ્લેન ના ભાડા ને લઇ ને..!!
કેવા કેવા મેસેજ ફરે છે બજારમાં, નાનાજી મને ગીરનાર રોપવે માં બેસાડશો ને ? અને નાના-નાની દુખી થઇ જાય છે કે આટલા બધા રૂપિયામાં અમે ક્યાંથી ખર્ચી શકીએ ? અમે તો પેન્શન ઉપર જીવનારા..!
એમાં આગળ આવે કે અમને સી-પ્લેનમાં બેસાડશો ને દાદા-દાદી ? અને દાદા-દાદી દુઃખી થઇ ને કહે અમને તો ના પોસાય..!!
નાના-નાની અને દાદા-દાદી માટે સી પ્લેન અને રોપ વે ના ભાડા ઘટાડો…!!
અલ્યા એ ઈ … શું માંડ્યું છે આ બધું હે ?
પેહલા સસ્તું ,સારું ,નમતું અને ઉધાર જોઈએ આ અમદાવાદીઓ ને એમ કરી ને અમને અમદાવાદવાળા ને બદનામ કરી મુક્યા અને હવે આખું ગુજરાત દાદા-દાદી અને નાના-નાની ને નામે રોવા બેઠું છે ?
બહુ કરી ભાઈ આ તો ..?
બજાર જેવું કઈ છે કે નહિ ?
એકલા લાગણીઓ ના જ વેપલા એવું ?
સ્ટાર પ્લસની સીરીયલ છે કે શું ?
કાલ સવારે અમારા પોતરા-પોતરી અમને કેહશે કે દાદા-દાદી , નાના-નાની અમને પેલા ઈલન મસ્ક ના રોકેટમાં બેસી ને મંગળ ઉપર લઇ જશો ને ? એટલે મારે અને મારા શ્રીમતીજી એ શું કરવાનું ?
સેન્ટી
સેન્ટી
મેસેજ બનાવી ને ફેરવવાના..!!
ગરીબ માણસ શૈશવ બિચારો મંગળ સુધી પણ પોતાના પોતરા પોતરી ને ફરવા નથી લઇ જઈ શકતો..!!
ગજ્જબ વાત છે આ તો..!!
કાંકરિયા ના વોટર શો મફતના ભાવે દેખાડ્યા કે સાયન્સ સીટી ને મફતના ભાવમાં દેખાડ્યા પછી હવે શું પરિસ્થતિ છે ?
છે એકેય વસ્તુ મેન્ટેઇન ?
જાય સહિયારી સાસુ વખારે.. !!
રૂપિયા ઓછા હોય એટલે સાસુ થાય સરકારી ,અને સરકારી સાસુ એટલે સહિયારી સાસુ..
બાપડી વખારે જ પડે..!!!
ટુરીઝમ માટે ની એકેય વસ્તુ બારેય મહિના ચાલે એની ગેરેંટી ખરી ?
અત્યારે આ કોરોના કાળના દિવસો જ જોઈ લ્યો શું હાલત છે મોટી મોટી પાંચ સિતારાઓ થી લઈને નાની લારીઓની ?
પગારો આપ્યા અને ટુરિસ્ટ નામે મળે નહિ ?
અમારા જેવા કેટલાય ઓફ સીઝન ડિસ્કાઉન્ટ લઇ લઇ ને મફતના ભાવમાં રાજસ્થાનના લગભગ એકે એક પેલેસમાં છેલ્લા ત્રીસ વર્ષમાં મોજ કરી આવ્યા ,
હવે અત્યારે એમને પગારના વાંધા થયા ત્યારે આ અમદાવાદી ભાયડો જાય ?
કુતરા કરડયા છે મને ? તે છેક રાજસ્થાન કોરોના લેવા જાઉં ?
ઘર માં સારા..!!
જો કે હમણા હમણાં ઘણી પબ્લિક ગાંડી થઇ છે ,તો પણ પેહલા જેવું તો નહિ જ..!!
બોલો હવે સસ્તાવાળા ની શું હાલત ?
બહુ ગંદુ છે આ બધું ..!!
ગુજરાતની અંદર ટુરીઝમ નું મોત આવા બધા કારણે જ થયું , સસ્તું ,સસ્તું અને ક્યાં તો ખબર જ નથી કે કેટલા રૂપિયા લેવાય ..!!
એક સાદું ઉદાહરણ .. જુનાગઢના નવાબ આઝાદી વખતે ચોરવાડમાં એક પેલેસ મૂકી ને પાકિસ્તાન ભાગી ગયા , હવે આ પેલેસ સરકાર ને હાથ લાગ્યો અને વર્ષો સુધી એ પેલેસ ગુજરાત ટુરીઝમ એ ગંદી રીતે “સાચવ્યો”…!!
નખ્ખોદ વળી ગયું છે અત્યારે બાહર પાટિયા માર્યા છે કે અંદર જવું નહિ , નહિ તો ઉકલી જવાના પૂરે પુરા ચાન્સ છે ..!!
જેટલા પેલેસ રાજસ્થાનમાં છે એનાથી અડધા તો ગુજરાતમાં પણ ખરા , પણ કેટલા ની હોટેલો બની અને જાળવણી થઇ ..?
સસ્તા ની લાહ્યમાં અને જાળવણીના અભાવે બધું જ લગભગ પડી ને પાદર થયું ..!!
રણ રાજસ્થાન જોડે પણ ખરું અને કચ્છ નું પણ .. શું વેચાયું ?
જેસલમેર ક્યાં અને કચ્છ ક્યાં ?
ખબર હતી ,
ચાંપલો બોલશે રણોત્સવ તો કેવો મસ્ત થાય છે ..!!
ક્યારે શરુ થયો ? અને મફતના ભાવે થાય છે ? દાદા-દાદી અને નાના-નાની ત્યાં જવા માટે પોક મુકે તો શું ?
ભૂંગો , ભૂંગો જ રહે ટુરીઝમ ના આવે ..!
ડોલર ને પાઉન્ડ આવે ત્યારે ટુરીઝમ ડેવલપ થયું કેહવાય..!!
સસ્તાની લાહ્યમાં ગુજરાતીઓ એ ગુજરાતનું ટુરીઝમ ડેવલપ નથી થવા દીધું , બહાર જઈ જઈ ડોલર , બાથ ,દીરહામ ,યુરો ,પાઉન્ડ ખર્ચી આવે પણ ગુજરાતમાં ખર્ચવાના આવે તો લે હાય હાય આટલા બધા હોય..?
માલદીવમાં સી-પ્લેન ના કેટલા કુકા
ખંખેરે એક રાઈડના ? ત્યાં કેમ હોશે હોશે આપે અલ્યા ? નીચો નમી ને હરખાતો હરખાતો ને રૂપિયા આપે અને સોશિઅલ મીડિયા ઉપર ફોટા નાખે..!!
માલદીવ્સમાં સ્કુબા ડાઈવીંગ કરે ત્યારે ?
અને ગુજરાતમાં કરવા નું આવે તો ?
લે હાય હાય આટલું મોંઘુ હોય ?
દાદા..? નાના ..?
પચાસ વર્ષ જુનું સી-પ્લેન છે એવા સમચારો ચારે બાજુ ગજવ્યા ..
લાજી મરવાના દિવસો કેહવાય કે પચાસ વર્ષ પેહલા દુનિયામાં સી-પ્લેન ઉડતા હતા અને આપણે હજી હવે ..માલદીવ જેવો દેશ સીપ્લેન ઉડાડે છે અને ભારત છેક હવે..!!
જરાય સસ્તું નથી માલદીવ્સ ..!! કેટલા પાછળ છીએ એનો અંદાજ લગાડવો જ નથી ..
મગફળીઓ જ ફેંકવી છે ચારે બાજુ અને પછી બોલવું કે વાંદરા જ ખાવા આવે છે , માણસો કેમ નથી આવતા ?
અલ્યા “ઇફ યુ થ્રો પીનટ્સ” તો પછી “મન્કીઝ” જ આવે ..!
કાજુ બાદમ ફેંકો તો માણસ આવે , માણસ આવે ને તો વિકાસ થાય બુદ્ધિ વપરાય..!!!
ખોટી વાત છે ભાવ ઘટાડવાની …!!
પેહલે કોળીયે માંખ નાખવા જેવી વાત છે ,
બે પૈસા કામશે તો બીજી ચાર કંપની આવશે સી-પ્લેન ઉડાડવા અને રોપવે નાખવા , હજી તો સિંગાપોર જેવું ઝૂ કે પછી ડીઝની પાર્ક , કે પછી સારો રામોજી જેવો સ્ટુડિયો , ઘણું ઘણું લાવવાનું બાકી છે ..!
હવે પર્સનલ બ્લોગ છે એટલે મારી વાત કરું પંદર સત્તર વર્ષ પેહલા મારી મોટી દીકરી છ સાત વર્ષ ની હતી , અમે બધા રાત્રે મમ્મી પપ્પા ના રૂમમાં કુટુંબ સભા ભરી ને ભેઠા હતા ત્યાં અચાનક મારી દીકરી બોલી .. દાદાજી તમારી પાસે કેટલા રૂપિયા છે ?
છ-સાત વર્ષના બાળકના મોઢે આવો સવાલ સાંભળી ને હું ,મારા પત્નીજી મારો ભાઈ, ભાભી ,મમ્મી ,પાપા બધા જ અવાક ,અને રૂમમાં સન્નાટો ..!!
મારી મમ્મી એ બાજી સંભાળી .. બેટા તું કહે કે દાદાજી પાસે કેટલા રૂપિયા હોવા જોઈએ ?
એટલે મારી છ વર્ષ ની દીકરી એ બેધડક કીધું.. એકાદ કરોડ ..!!
અમારા બધાની આંખો કપાળ ઉપર ચડી ગઈ કે હજી એક થી દસ અને સો સુધી માંડ પોહચાડી છે ત્યાં આ માયા કરોડ સુધી કેમની એકદમ જતી રહી ..?
મમ્મી એ પૂછ્યું ચલ એકાદ કરોડ હોય દાદાજી પાસે તો તારે શું કરવું છે એટલા રૂપિયાનું ?
દીકરી એ સ્પષ્ટ જવાબ આપ્યો .. તો પછી દાદાજી અમને બધા ને લઈને તમારે યુરોપ ની ફેમીલી ટ્રીપ કરવી જોઈએ ..
અમે બધાએ તાળો મેળવી લીધો કે સ્કુલમાં ક્યાંક કોઈ ના દાદા એ યુરોપ ની ફેમીલી ટ્રીપ કરી છે..!!
મમ્મીએ વાત આગળ ચલાવી .. હવે બેટા અમારી પાસે કરોડ રૂપિયા તો નથી તો હવે શું કરશું ? દીકરી નો જવાબ સાંભળવા જેવો હતો .. તો બા દાદા તમે ડોકટર થઇ ને આખી જિંદગી કર્યું શું ?
છ-સાત વર્ષના બાળક ને ત્યારે રૂપિયા કમાવા સેવા અને ડોક્ટર નો ધર્મ શીખવાડવામાં આવ્યો અને એનું પરિણામ કે ફળ મને આજે એવું મળ્યું કે એ જ દીકરી આજે એમબીબીએસમાં છે અને કોવીડ ડ્યુટીમાં હું એને જતી રોકું છુ તો જવાબ આવે છે… ડેડી તમને પેશન્ટના મોઢા ઉપર ની સાજા થયા ની ખુશી શું કેહવાય એની સમજણ ના પડે મારે જવું જ પડે ..!!
ઓવર ઓલ બાળક માંગે એ બધું આપવું જરૂરી નથી હોતું ,સમજણ પણ આપી શકાય છે , અને દરેક સારી વસ્તુ સસ્તી હોવી ને દરેક ને એફર્ડ થાય એ જરૂરી નથી..!!
મારી છોકરી એ એના દાદા બા પાસે યુરોપ ની ટ્રીપ માંગી ત્યારે હું કકળાટ કરું કે આટલું મોંઘુ યુરોપ અને હવે મારા પોતરા પોતરી મંગળ ઉપર જવા ઈચ્છે તો એ પણ ખોટું ..!
આર્થિક અસમાનતા છે એ છે જ , દરેક ને દરેક વસ્તુ આપી શકાતી નથી એ પછી જમણેરી ,ડાબેરી કે સમાજવાદી કોઇપણ સરકાર હોય એની સમજણ સાથે મન નું સમાધાન આપણે જાત્તે જ શોધવું અને સમજવું રહ્યું..!!
મોંઘુ લાગે તો જીવનમાં એક કે બે વાર જઈએ , કંઈ દર પૂનમે સસ્તું કરાવી ને દર્શને ના જવાય , સસ્તું કરવા ની લાહ્યમાં ભારતીય રેલવેની શું હાલત કરી મૂકી છે એ જુવો ..? એ ફરી ક્યારેક ..!!
કકળાટભરી કોમેન્ટો કરવી નહિ ,ડિલીટ કરવામાં આવશે ,
સરકાર મારી અને તમારી જ છે એટલું યાદ રાખજો ..!
જય ગિરનારી
શુભ રાત્રી
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)