શકુનિ
ઘણા વખતથી મગજમાં શકુનિ ફરી રહ્યો છે..!
પોતાની આખી કેરિયરની પત્તરફાડીને પોતના બેહનભાણીયા માટે જન્મારો આખો હસ્તિનાપુરમાં પડ્યો રહ્યો એ માણસ..!
મને ઘણી વાર વિચાર આવે કે મામા હોય તો કેવા ?
તો કહે શકુનિ જેવા..!
મારી બેહનને મારી આંખ સામે દગાફટકાથી ઉપાડી લાવ્યા, અને પછી એક આંધળા જોડે પરણાવી, વળી પછી પાછું યોગ્યતાનું ભૂત ઉપાડ્યું અને ભાણીયાઓને રાજગાદીથી દૂર રાખ્યા .. તો પછી હું શેના માટે સારી વાત મારા ભાણીયાઓને શીખવાડું ?
વાત તો જાણે સાચી ..
ચારેય બાજુ બદમાશી ચાલી રહી હોય ત્યાં શકુનિએ ક્યાં સજ્જનતા રાખવાની જરૂર હતી ?
ઘરડે ઘડપણે માળા પકડવાની ઉંમરે શાન્તનું મહારાજ લપટાઈ ગયા અને પાછા `એવા` બાપા માટે જુવાનજોધ છોકરો પ્રતિજ્ઞા લ્યે કે હું કુંવારો રહીશ..!
અને એ જ કુંવારો પછી એના ભાઈ અને ભાઈઓના છોકરાઓને માટે રાજકુમારીઓ `ઉપાડી` લાવે અને પરણવા મજબૂર કરે ..
સાલું કેવું કેવું ચાલતું નહિ એ જમાનામાં ?
આમ વિચારવા બેસીએ અત્યારના રેફરન્સમાં તો મગજ છટકે ..
કોઈ ના સાહીઠ વર્ષના બાપા પ્રેમમાં પડે અને પછી એમનું ઠેકાણું પાડવા ,છોકરા મેહનત કરે ..
થાય આવું ?
ખાલી બે ધોલ જ મારવાનું બાકી રાખે છોકરા અત્યારના જમાનામાં ,કદાચ છાને ખૂણે મારી પણ દે ..! ડોહા હખણે-હખણા મરો ..!!!
પાછા શાન્તનું મહારાજ સ્વર્ગે જાય અને અપ્સરાઓ ભોગવી અને પાછા મૃત્યુલોકમાં આવે ..
લે બહુ કરી આ તો ..
હું તો માનું કે અત્યારે કોઈ સ્વર્ગે જીવતે જીવત જઈને પાછું આવે એટલે એ સ્વર્ગ એટલે આજના જમાનાનાનું બાકુ કે આમ્સટરડેમ , “અપ્સરાઓ” મળી જાય..!
બોલો જ`વાય આપણે ? છુટાછેડા થઇ જાય ..!!
પાસપોર્ટમાં સિક્કો જોવે તો પણ ..!
મને તો એવું લાગે ક્યારેક કે અમથો કળિયુગ, કળિયુગ કરીને બદનામ કર્યો છે, બાકી એ યુગોમાં પણ એટલા જ પાપ થતા..
અરે હા પાછું ત્યારે એમ કહે કે પાપ અને પુણ્ય મૃત્યુલોકમાં જ થાય દેવલોક પાપ-પુણ્યથી ન્યુટ્રલ ..!! ખરું હોં..!
હમણાં એક મિત્ર ના મિત્ર , અને એમના દાદા ગુજરી ગયા ,
હું મારા મિત્ર જોડે કિટલીએ બેઠો હતો ,પેલા બીજી પેઢીના મિત્ર મુંડન કરાવીને ત્યાં આવ્યા ..
એમના જરાક લખ્ખણ હું જાણું,
એમને ઘેર ગરુડપુરાણ બેસાડ્યું હશે એટલે મને પૂછે હેં શૈશવભાઈ ખરેખર આવું બધું હોય ? તો મારા દાદા અત્યારે ક્યાં હશે ?
મેં મજાક કરતા કીધું “જો ભાઈ કોઈના બાપા કે દાદા ગયા પછી કોઈની ચિઠ્ઠી આવી નથી ,એટલે બધું “ગેસવર્ક” ઉપર ચાલે , બાકી તારા લખ્ખણ જોતા એમ લાગે કે બધું જીનેટીકલી જ લોચાલાપસી છે ,એટલે દાદા નક્કી અપ્સરાઓ જોડે હશે અને દાદી રાહ જોઇને બેઠી હશે કે ક્યારે આવે અને ક્યારે પોંખુ લંપટને..!! ડોશીઓ માટે “અપ્સરો” જેવી વ્યવસ્થાની જાણ આજ સુધી નથી થઇ એકેય ધર્મમાં… ”
જો કે આદિકાળ એક વાત નક્કી છે કે લંપટ પુરુષો પોતાની આજીવિકા બહુ ઝડપથી શોધી કાઢે છે અને સંસારને ભોગવી પણ સારી રીતે જાણતા હોય છે, ઘણીવાર દબાતે સ્વરે લોકો બોલતા હોય છે કે આ મોટા માણસોની બધી “એવી બધી” વાતો ..
પણ ભય ,ભૂખ ,નિંદ્રા ,અને મૈથુન આ ચાર સંજ્ઞા લઈને જન્મેલું પ્રાણી પોતાની જરૂરિયાતોને જેટલી વેહલી સંતોષી અને કાબૂ મેળવી લ્યે એટલો પછી રૂપિયાની પાછળ વેહલો દોડતો થાય..એટલે રૂપિયા વધારે અને વેહલા પામે , એવું તો ખરું..!
જો શકુનિના એન્ગલથી વિચારીએ તો..!
શકુનિને બિચારાને આંધળો બનેવી અને છત્તી આંખે આંધળી બેહન અને એમનો વસ્તાર બધુય સાચવવાનું આવ્યું હતું , બીજા બધા હતા સાચવનારા ઘણા , પણ કોણ દગો નોહતું કરી ગયું સત્ય અને યોગ્યતાના નામે એના બેહન અને ભાણિયા સાથે..?
આખા મહાભારતમાં શકુનિને પીક ઉપર દ્યુતસભામાં ચીતરવામાં આવે છે ,
દ્યુતસભાનો નાયક શકુનિ છે….એની જન્મારાની છાતીમાં ભરી રાખેલી ભડાસ કદાચ એણે દ્યુતસભામાં કાઢી ..!
ટોટલ ગવર્નીંગ સીટ ઉપર આવી ગયો હતો જો શકુનિના એન્ગલથી વિચારીએ તો..!..અને ભાણીયાઓને પણ ફુલ્લ કન્ટ્રોલમાં એણે લઇ લીધા હતા..!!
જેટલા અપલખ્ખણ શીખવાડી શકાય ભાણીયાઓને એટલા બધા જ એણે શીખવાડી દીધા હતા ,અને એનો ભરપૂર પ્રયોગ ત્યાં દ્યુતસભામાં થયો..!
હવે આ શકુનિ કેમ મારા મગજમાં ફર્યો એનું કારણ કહી દઉં ..
થયું એવું હતું કે બહુ વર્ષો પેહલા, લગભગ પંદર સત્તર વર્ષ પેહલા..એક મિત્ર ગેમિંગ પાર્લર ચલાવતો અને ત્યાં અમદાવાદના `છેલબટાઉ નંગો` આવે,અને એમાં એક સત્તર અઢાર વર્ષના નંગને એના મામા બેંગકોક લઈને ગયા,
લગભગ સ્વર્ગે લઇ ગયા એમ સમજોને , અને એ નંગ ત્યાંથી આવી અને બીજા છોકરાઓની સામે ફટ્ટા મારે ..
એટલે આપણો પંચાતિયો જીવ સળવળ્યો કે અલ્યા આટલી નાની ઉંમર અને સગ્ગો મામો કેમ નો લઇ જાય ?
એક આપણો પાળેલો બોલી ગયો .. શૈશવભાઈ એનો મોટો ભાઈ છે ને એ સમલૈંગિક બની ગયો છે, અને યુરોપ ભાગી ગયો છે, એના બાપાને ટેન્શન થઇ ગયું આના માટે પણ, એટલે આને તો પેહલેથી “ધંધે” લગાડી દીધો બાપાએ અને મામાએ ભેગા થઈને ..
મેં કીધું આ તો શકુનિમામા જેવું થયું લ્યા..!
સગા મામાએ અપલખ્ખણે ચડાયો..!
પેલો કહે ના ના એમના ઘરમાં આ ને લખ્ખણ જ ગણવામાં છે ..!!!
હવે એ `શકુનિમામા`નો `ભાણિયો` અઢી-ત્રણ કરોડની ગાડીમાં હમણા ગયે અઠવાડિયે શ્યામલ ચાર રસ્તે સિગ્નલ ઉપર મળી ગયો હતો , ખાલી હાથ થયો હતો ..
ત્યારનો શકુનિ અને દુર્યોધન બંને મગજમાં ભરાઈ ગયા હતા ,
તે આજે કાઢી મુક્યા..!!
શું કે`વુ હેં ? આપણે પછી કેમનું ?
છતના ચાળા અને અછતના ઉછાળા..!
શકુનિ બનવા માટે કે મેળવવા માટે રાજપાટ હોવા પણ જરૂરી છે અહીં તો ચારેય બાજુ જેઠાલાલ ને સુંદરલાલ જ છે ..!!
જેઠો બે હજારની અને સુંદરમામો પાંચસો-પાંચસોની નોટોની જ મારામારી કરતો હોય ત્યાં ભાણીયાને ભાગે શું આવે ?
દુર્યોધન બનાવવો હોય તો પણ કેમનો બને ?
નિશાળ-ટ્યુશન-એક્ટીવીટી અને પછી મોબાઈલ આ ચારમાંથી ભાણિયો નવરો પડે તો શકુનિ જ્ઞાન આપે ને ..!!
યુગ બદલાયો છે..
કકળાટના કરશો કોમેન્ટરૂપી ..ના ગમે તો સ્ક્રોલ કરજો ..
મારે તો મારા મગજમાંથી બંને ને કાઢવા હતા એટલે બ્લોગ લખી માર્યો છે..!
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*