પબ્લિક પાસેથી અનરાધારે સુમધુર, સુંદર, સ્વસ્તિ વચનો સાંભળ્યા પછી જેટલી ની પોટલી ખુલી..!
દેશ આખામાં GST ના નામે હાહાકાર મચાવ્યા પછી હવે થોડીક “આવી” હોય એવું અત્યારે તો લાગે છે,
“અત્યારે તો” શબ્દ ખાસ વાપરવો જ રહ્યો કેમકે કાલે સવારે નોટીફીકેશન માં કૈક નવું ઘાલી દે તો ..?
પ્રધાનમંત્રી એમના ભવ્ય શબ્દકોષમાંથી “શલ્યવૃત્તિ” જેવા શબ્દો શોધી લાવે છે અને જાહેરમાં લોકોને ગાળો આપે છે,પણ “શલ્યવૃત્તિ” નો જન્મ શાસક ની “શાહમૃગવૃત્તિ” માંથી થયો છે,અને એની સાબિતી અત્યારે તમારા જ નાણામંત્રી આપી રહ્યા છે..
આજે જે રાહતો અપાઈ છે એ તમે પેહલા પણ કરી શકતા હતા,માન્યું કે તમે દેશભરમાં છાશવારે ચાલતી ચુંટણીમાં બીઝી રહો છો,પણ નાણામંત્રીશ્રી છેલ્લા દોઢ દોઢ વર્ષથી શું જખ મારતા હતા..?
હજી પણ GSTR2 છેક જુલાઈ મહિનાના ફાઈલ થઇ શક્યા નથી..!
આખું ક્વાર્ટર પૂરું થઇ ગયું છે હો..
સીસ્ટમની આ ઘોર નિષ્ફળતા નથી તો શું છે..?
હજી પણ RCM માટે તજજ્ઞો આઘાપાછા છે કોઈ ખોંખારીને બોલતું નથી કે આ RCM નામની ઘો પાયામાંથી ગઈ કે આંશિક રીતે..??
અત્યારે જે જાહેરાત થઇ એ પ્રમાણે RCM તમામ લેવલે જવું જ જોઈએ કેમકે RCMની વ્યાખ્યામાં કોઇપણ અનરજીસ્ટર્ડ વ્યક્તિ પાસેથી કોઈપણ માલ કે સર્વિસ લીધી એની ઉપર તમારે ટેક્ષ ભરી અને બીજા મહીને રીફંડ લેવાનો..
આજે થયેલી જાહેરાત પ્રમાણે તો RCM ટોટલી ગયું,પણ પાછળથી ઘો ઘાલે કે ટ્રાન્સપોર્ટ માટે RCM કરવું પડશે, એમ કરીને બીજી આઈટમો ઘાલે તો નવાઈ નહિ..!
બીજું નાના વેપારીઓ જે દોઢ કરોડ સુધીના ટર્નઓવર વેપારીઓ ને ત્રણ મહીને રીટર્ન કરી આપ્યા.. !
હવે એમાં ટેકનીકલી લોચો…
એક વેપારી જેનું નામ રાખીએ “નાનો” ..અને બીજો વેપારી જેનું નામ રાખીએ “મોટો”..
હવે “નાનો” ત્રણ મહીને રીટર્ન ફાઈલ કરશે અને એનું સેલ્સ રીટર્ન ત્રણ મહીને જશે, “નાના” નું સેલ્સ બીલ “મોટા” નું પરચેઝ બીલ છે..
“મોટો” દર મહીને રીટર્ન ફાઈલ કરશે, “મોટા”ના GSTR2માં “નાના” નું સેલ્સ બીલ દેખાવું જોઈએ તો જ “મોટા”ને “નાના” ની ક્રેડીટ મળે..
“નાનો” એનું સેલ્સ GSTR1 ત્રણ મહીને ફાઈલ કરે તો “મોટા”નું પરચેઝ GSTR2 ત્રણ મહિના માટે લટકી જાય..
એટલે હજી પણ ગૂંચવાડા ઉભા જ છે..GSTR1 અને 2 ના અને જ્યાં સુધી ક્લીયર નાં થાય ત્યાં સુધી GSTR ૩ નો મેળ ના બેસે..
અત્યારે તો એવું લાગે છે કે આંધળો ઓકે અને ચાર ને રોકે..!
કોમ્પોઝીટમાં લીમીટ કરોડ સુધી લઇ ગયા પણ આખી સ્કીમમાં કોમ્પોઝીટ વાળો ઈનપુટ ખોવે અને એમાય જો ઈનપુટ ૧૮ ટકા હોય તો કોમ્પોઝીટ વાળાના કપડા ઉતરી જાય..
૧૮ ટકા નફા વાળા ધંધા ક્યાં છે ?
પણ હવે તો કીધું છે એટલે શલ્યવૃત્તિ છોડવી જ છે..!!
બધું પોઝીટીવ પોઝીટીવ…
અત્યાર સુધી એક્સ્પોર્ટર્સ નાં રીફંડ ઘાલી રાખ્યા હવે પોઝીટીવ થઇને લખો તો ચાલો દેર આયે દુરસ્ત આયે દસમીથી રીફંડ ચાલુ થશે..
પણ આ ત્રણ મહિના રૂપિયા ઘાલી કેમ રાખ્યા ? એક્સપોર્ટર ને કેટલું નુકશાન પડ્યું અને સરકારને શું ફાયદો ?
BOP અને BOT નાં આંકડા અને રેશિયો હમણા જ આવ્યો હતો ભયાનક હતા, ફોરેન રીઝર્વ છ સાત મહિનામાં ખતમ થાય એવી હાલત છે,
એક્સપોર્ટર ના રીફંડ રૂપિયાના નાં હોય ડોલરમાં હોય…
દિવાળી બિલકુલ માથે ગાજી રહી છે, ત્રણ મહિનાથી જે GSTR3 ક્યારેય ભરવાનું નથી એ અત્યારે દરેક વેપારી ભરી રહ્યો છે, ઇન્કમટેક્ષના રીટર્નની મુદતો ૩૧મી કરી છે પણ એડવાન્સ ટેક્ષ તો ભરાઈ ગયા..
GSTની પરિકલ્પના સરળ અને એક જ ટેક્ષ એવી હતી, પણ વાસ્તવિકતા કૈક જુદી નીકળી, ભૂતકાળની દરેક સરકારની જેમ આ સરકાર પણ હવે સામાન્ય ટેક્ષપેયર ને ચોર સમજી રહી છે..!
કદાચ આ દેશનો દરેક માણસ ખરેખર ચોર જ છે..આજે તો હું પણ માનું છું કે મારી સાથે તમે બધા ચોર છો અને વિસ્ટન ચર્ચિલ સાચા હતા..!
આજે સવારે એક વોટ્સ એપ ગ્રુપમાં એક સામાયિકના તંત્રીશ્રી નો એક મેસેજ આવ્યો હતો ,લગભગ ભક્તિ ભાવથી ભરેલો મેસેજ હતો વેપારીઓ ખુબ બધી સલાહ આપવામાં આવી હતી,મન તો એવું થયું હતું કે ફોન કરી અને ખખડાવું કે બાપગોતરમાં વેપલો ફૂટ્યો છે તે સલાહ આપવા નીકળી પડ્યા છો ..
પણ સલાહમાં એક લાઈન એવી હતી કે હું અટકી ગયો કેમકે એમાં એવું કહ્યું હતું કે
કમાવાની સાથે બચત કરવી પર્સનલ એકસીડન્ટ પોલીસી મેડીક્લેમ અને પેન્શન પ્લાન લેવો…
ઉપરના પોઈન્ટ નો મતલબ છે કે તમારા સારખોટે કોઈપણ સરકાર હોય એ તમારી પડખે ઉભી નથી રેહવાની…!
સાંભળો છો કુંતીપુત્ર અર્જુન…???? તમારા સારથી મધુસુદન હતા અમારા નસીબે તો શલ્ય જ ભટકાયા છે..!
નાનો કે મોટો વેપારી કે હિન્દુસ્તાની ચોર કેમ છે ??? હવે સમજાયું ..?
મારી માં હોસ્પિટલના ખાટલે હતી, અને એનાં શરીરમાં ચાર લાખનું પેસમેકર નાખ્યું ત્યારે એ જીવી,અને ત્યારે તમારી સરકાર પ્રેમથી ઊંઘતી હતી અને મારા ઘરમાં મારી ઘરવાળીએ સંતાડેલા રૂપિયા કામ લાગ્યા.!
દોસ્તો મારા તમારા જેવા હિન્દુસ્તાનીને ટેક્ષ ભરવો છે, સગવડ જોઈએ છે પણ છેલ્લા ૧૪૦૦ વર્ષથી સરકાર આપડી નોહતી હવે કદાચ માનવું રહ્યું કે સરકાર આપડી છે ટેક્ષ ભરવો રહ્યો પણ સામે અપેક્ષાઓના પોટલાં છે…
ગાંધીનગરથી મોકલ્યા ત્યારે તો તમારામાં મહામાનવના દર્શન થતા હતા,પણ કાળીગરીના ઝેરીલા પાણીએ તમને માણસ પણ કદાચ નથી રાખ્યા..
માણસના હૈયે માણસ માત્ર માટે દયા હોય અને હ્રદયમાં પ્રેમ
પણ તમે તો દરેક મંચ પરથી અમને ધમકાવો છો નહિ છોડું કોઈને નહિ છોડું..!
રોબર્ટ વાઢેરા ને કઈ નથી થયું તો ધણીથી સંતાડીને બે પાંચ લાખ બચાવનારી ગૃહિણીને શું કામ ડરાવો છો..?
આગળ લખતો નથી શલ્યવૃત્તિનો ત્યાગ…
પણ સાચું કેહજો મદ્ર નરેશ ના સાળા અને નકુલ સહદેવના સગા મામા શલ્ય જોડે ધોખો નોહ્તો થયો ?
શુભ રાત્રી
શૈશવ વોરા