બે દિવસ પેહલા એક રેડિયાના આરજે એ સવાર સવારમાં કકળાટ માંડ્યો હતો.. એ ગાયો ક્યાય દેખાતી નથી,મારે કેરી ખાઈને ગોટલો અને છાલ ગાયને ખવડાવવી હતી,તો મને ક્યાય ગાય જ ના મળી ..
અને પછી તો ફોન લીધા લોકોના અને એવું મોટું ગાય માટે રુદન આદર્યું ટોપાએ, મારું તો મગજ ફરવા માંડ્યું, આ “ઘોડો” એ જ નંગ છે કે દર ચોમાસે રોડ ઉપર ગાયો આવી જાય ત્યારે કકળાટ માંડી દેતો હોય છે, અહિયાં આટલી ગાય રોડ પર બેઠી છે અને ત્યાં આટલી ગાયો બેઠી છે,પોદળાની ગંદકી,માખી,મચ્છર રોગચાળા વગેરે વગેરે,શું શું કરે અને ઉપરથી પાછો કમિશ્નરને ફોન લગાડે..
કેવા કેવા ખેલ કરે..!
સાલ્લો ભિખારી..!
તમને થશે કે “ભિખારી” કેમ કીધો..? પણ ભાઈ એમાં એવું છે કે હું એક વખત કોઈ કામથી મારા એક મિત્રના પત્નીની સાથે ગાડીમાં જતો હતો, શિયાળો હતો એટલે ગાડીના કાચ ખુલ્લા હતા અને સ્વસ્તિક ચાર રસ્તે ગાડી સિગ્નલ પર ઉભી અને ત્યાં એક “ભીખારો” આવ્યો અને ચાલુ પડી ગયો ભગવાન તમારી જોડી સલામત રાખે,તમને બાબો આલે અને કઈ કઈ મંડી પડ્યો.. મારા મિત્રની પત્ની પણ મારા જેવા આખાબોલા છે એમનું મગજ છટક્યું શૈશવ તું આને મારે છે કે હું મારું આ સુવ્વરને..ત્યાં સિગ્નલ ખુલ્યું એટલે મેં ગાડી મારી મૂકી..
સવાલ માત્ર એટલો જ છે કે “ભીખ” મળતી હોય એટલે ગમે તેની “જોડી” સલામત રાખવાની..? અને ગમે તેને ભેગા કરીને બાબો “લાવી” દેવાનો..?
અલ્યા નક્કી કરો કે ગાય જોઈએ છે કે નહિ ..?
કેરી ખાઈને ગાયને ગોટલો છોતરા ખવડાવવા હોય તો પછી એ જ ગાય પછી રસ્તામાં બેસે પોદળા કરે, માખી થાય મચ્છર થાય અને કોઈક દિવસ છટકે ગાયની ત્યારે તારી સાસુને ઢીક મારે તો રેડિયા પર આવીને રડવાનું નહિ કે મારી સાસુને ગાયે ઢીકુ માર્યું..!
અત્યારે ચારેબાજુ ગાય ગાય ચાલ્યું છે એટલે “ભિખારી” પણ જોડી સલામત રાખવા પોહચ્યો..! નહી તો બુમાબુમ..ગાયો અહિયાં અને તહિયા..!
ટીવી ની ચેનલો પર પણ ગાય આજકાલ બહુ ચાલી છે,૧૮૫૭ના બળવા જેવી હાલત લાગે અમુક અમુક ચેનલો જોવો તો..
ગાય ની ચરબીવાળી કારતૂસ..!
મારું સ્ટેન્ડ બહુ ક્લીયર છે પેહલા પણ લખી ચુક્યો છું ગાય રાખવી હોય તો વાછરડા પણ મોટા કરવા પડશે,અને મોટા કરવા માટે વાછરડાને પણ ધાવવા દેવા પડશે, વાછરડી જન્મે તો એને ધાવવા દેવાની અને વાછરડાને નહિ એટલે વાછરડાની રોગપ્રતિકારક શક્તિ મરી જાય અને કુદરતી મોટે વાછરડું ઉકલી જાય..આવા હલકા કારનામા પણ બંધ થવા જોઈએ..!
અને હા ઇન્જીશન આલી આલી ને દૂધ નહિ કાઢવાનુ..પ્રોપર ખાવાનું આપી અને જીવે ત્યાં સુધી સાચવવાની ચાકરી કરવાની, અને આવું કરવાની તાકાતના હોય તો ભલે જતી કસાઈવાડે..
કેટલાય બકાસુરોને બીફ બહુ ભાવે છે અને એમ બોલે છે કે અમારી થાળી પર “નજર” તમે ના નાખી શકો..? ઘોડીના અમેરિકામાં મધર્સ મિલ્કની ટેબ્લેટ વેચાય છે અને બોડી બિલ્ડીંગમાં બહુ વપરાય છે,અને ખાનારા એમ કહે છે કે પાણીમાં ઓગળીને પણ પીવાની બહુ મજા આવે છે એની “સ્વીટનેસ” કૈક અલગ જ હોય છે..!
બોલો કયો બકાસુર તૈયાર છે ? એની માં ને આપીએ હોર્મોન ના ઈન્જેકશન અને દૂધ ચાલુ કરાવી દઈએ..!
બે ધારી તલવાર લઈને દુનિયા નીકળે છે,મને ભાવે અને મને ગમે ત્યાં સુધી બધુ સાચુ અને સારુ, અને મને ના ગમે ત્યારે બધુ ખોટું..
નૈતિકતાના માપદંડો જ નથી રહ્યા સમાજમાં અને કેહવાતા મોટા થઇ ગયેલા લોકો “લીલા” કરે અને પાછળ નાના નાના લોકોના “છિનાળા”..!
ગાય જોડે બીજું પશુધન જો નહિ બચે તો ખાવા ધાન પણ નહિ બચે..
આ હકીકતને સાવ નજરઅંદાજ કરીને આખુ ભારત શેહરીકરણના રવાડે ચડી ગયું છે..! કૃત્રિમ ખાતરો અને પેસ્ટીસાઇડ એટલા બધા જમીન રેડાઈ રહ્યા છે કે એને બેલેન્સ કરવા આજે બજારમાં છાણીયા ખાતર નથી મળતા, છાણીયા ખાતરની આજે અછત ઉભી થઇ છે, ગામડે ઉકરડા ઉભા કરીને બાર બાર મહિના ખાતર ભેગા કરાતા આજે એ સીસ્ટમ જતી જાય છે, જમીનની પી.એચ. માપવાના વારા આવી ગયા છે,પ્રદુષણ એટલું વધ્યું છે કે હવા પણ એસીડીક થતી જાય છે એટલે વરસાદમાં જે એમાઈન કમ્પાઉન્ડ કુદરતી રીતે ભળી અને જમીન પર પડતા અને કુદરતી ખાતરનું કામ કરતા એ બધું જ ઓછું થતું જાય છે..!
પશુધન એની વાછૂટમાં એમાઈન, સલ્ફાઈડ અને મીથેન હવામાં ભેળવે છે પ્લસ છાણમાંથી પણ આ બધું બેક્ટેરિયા છુટું પાડે અને હવામાં ભેળવે,અને એ બધું કુદરતી રીતે સૂર્ય પ્રકાશની હાજરીમાં હવામાં રહેલા ભેજ સાથે રીએક્શન કરી અને જમીન પર આવે છે અને વનરાજીને વિસ્તારે છે..!
હું પેહલા પણ લખું ચુક્યો છું કે પ્રાણી અને માણસના સહજીવનનો યુગ સમાપ્તિના આરે છે..
એક જમાનામાં મારા જ ઘરમાં ગાય,ભેંસ,ઘોડા..રેહતા અને બહાર બકરી ઘેટા ઉંદર,બિલાડા,કુતરા..
પક્ષીઓ તો ચકલો કાબર બુલબુલ વગેરે વગેરે અનેક અને આજે..? એકવાર પપ્પાને કીધું કે એક જર્મન શેફર્ડ લાવવો છે પાપાએ તરત જવાબ આપ્યો મારા ઘરમાં તમે બે ભાઈઓ છો ને એ બસ છે હો..!
હવે મને કોઈ પૂછે તો હું શું કહું..? મને ગળે પટ્ટો બાંધી દે ચાલશે..!
માણસ સચવતા નથી ત્યાં જાનવરની ક્યાં વાત કરવી..!
હકીકતે શેહરો હવે પ્રાણીઓ માટે નથી રહ્યા અને ગામડામાં પોસાતા નથી..!
આ બધાનું કારણ તો એક જ લાલચ અને કમ્ફર્ટ લેવલ માણસ વધારતો જ ગયો અને વધારતો જ ગયો..!
એક મિત્રના ઘેર ગયો ભૂલથી બોલાઈ ગયુ તારા ડ્રોઈંગરૂમમાં એસી નથી..? અઠવાડિયામાં આવી ગયું..!
કોઈ બોલ્યું નથી અને મેં સગવડ ઉભી કરી નથી..
અમેરિકાવાળા આવીને કહી ગયા કે ઇન્ડિયા ઇઝ બીગ ઝૂ.. તમારે ત્યાં તો ગાય, કુતરા,ઘેટા,બકરા,હાથી,ઊંટ,ઘોડા,ગધેડા બધું રોડ પર મળે અને આપણે સફાયો ચાલુ કર્યો..!
ખરેખર યાદ હોય તો યાદ કરો અને લખજો કોમેન્ટમાં કે તમે બાળક હતા ત્યારે તમારી આજુબાજુ કેટલા પશુ પક્ષી હતા અને આજે કેટલા..?
ઘોડા અને ગધેડા પણ નામશેષ થવાની તૈયારી છે સરકાર કેટલું કેટલું કરશે..?
ગામના ગોચરની જમીન કોણ ચરી ગયું ?
વિકાસ થઇ ગયો ?
કોનો થયો ?
હવે શું ?
મધર્સ મિલ્ક ટેબ્લેટ…!
અધમતાની પરાકાષ્ટા..!
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા