છેલ્લા અઠવાડિયાથી શેરબજાર રમખાટ દોડ્યું છે..
નક્કર તેજીનો વક્કર છે,
આ વખતે આગેવાની લીધી છે લાર્જ કેપ એ, નિફ્ટી ૧૨,૦૦૦ની નજીકમાં છે, અને સેન્સેક્સ ૪૦,૦૦૦ ની નજીક ,પણ નિષ્ણાતો હજી એનાથી આગળ પણ તેજી જોઈ રહ્યા છે..
આ વખતે સૌથી વધારે વળતર આપવામાં ઘણા વર્ષે ધીરુકાકાનો વારો આવ્યો છે, કૈક લોકો આજે ધીરુકાકા ને મન ભરીને આશીર્વાદ આપી રહ્યા છે..
હજી ગઈ સાલ એક `સર` ઉપર એક `સર`નું બોનસ આપ્યું અને પાછી આ વર્ષે તેજી ખવડાવી..
લગભગ એક્ષ બોનસ પછી આઠસોએ હતો રિલાયન્સ, અને આજે તેરસો ની ઉપર જઈ રહ્યો છે ,પાછો જાય છે પણ કેવો બાકી..??
જાણે છૂટ્યો તેજી ઘોડો કે બેડલું ચડાવ રે ગિરધારી..!!
ચાલીસ ટકાથી ઉપરનું વળતર રિલાયન્સ આપી રહ્યું છે સરબજારમાં આજ ની મીનીટે …!!
સીએનબીસી ઉપર એક નિષ્ણાંત એ સીધો ૧૫૦૦ ઉપરનો ભાવ મુક્યો છે રિલાયન્સનો..
જય હો જય હો…!
કૈક ના છોકરા છોકરી પરણી જશે અને કૈકની હોમ-લોનો ભરાઈ જશે..!
તમને થશે કે કોના છોકરા પરણશે અને કોની હોમલોન ભરાશે ..?
ભાઈ જેનામાં `ધીરજ` હતી અને લાલચ ને વશ થઇ ને સેહજ તેજી થઇ એમા માલ ફૂંકી ના માર્યો એમના છોકરા પરણે અને એમની હોમલોનો ભરાય..
ઉતાવળા અને અધીરાને ધીરુકાકા ના ફળે સાહેબ..ઝાલી રાખવાની તાકાત જોઈએ ,છાતી જોઈએ, જરાક અમથા રૂપિયા જોઇને જો જીવડો ઉંચો-નીચો-ઉંચો-નીચો..થાય તો પછી દરાખ ખાટી પડે હો ભઈ..!!!
રિલાયન્સને લગતા જેટલા રીપોર્ટસ આ મીનીટે વાંચીએ છીએ એ બધા જ ગજબ પોઝીટીવ છે,જેની આગળ રિલાયન્સ લાગ્યું છે એ બધી જાત ભેથી થઇ ને દોડી રહી છે,
આટલા વર્ષથી રિલાયન્સ ને ફોલો કરતો આવ્યો છું ,અન્ડરમાં ગયેલો રિલાયન્સ પણ જોયો છે , રિલાયન્સનો અને મારો જન્મ લગભગ જોડે થયો છે અને જન્મ્યો ત્યારથી રિલાયન્સ એ પરપોટો છે, પરપોટો છે, એવી વાતો સાંભળતો આવ્યો છું પણ લગભગ પાંચ દાયકા થવા આવ્યા અને ત્રીજી પેઢી આવી પણ પરપોટો ફૂટતો નથી..અને દિવસે ને દિવસે નક્કર થતો જાય છે..
હા બે ફાડિયા થયા ચોક્કસ થયા અને એક ફાડિયું ખરેખર પરપોટો નીકળ્યું પણ કલંક તો રાજા વિક્રમના કુળમાં ય હોય..
રોજના સો કિલોમીટર અને રોજ ની એક જીઆઇડીસી ભમવાનું તકદીરમાં લખેલું છે એમાં આજે નરોડા જીઆઇડીસી નો વારો છે..
ધીરુકાકાના પેહલા યુનિટની બાજુમાંથી પસાર થઇ રહ્યો છું, સાલું જાત ઉપર નફરત થઇ જાય છે ક્યારેક,નવરા બેઠા `પડારા` કરી ખાધા દુનિયા આખીના..સુખ,સંતોષ અને શાંતિ..!!
એ માણસે પણ એડન થી નરોડા આવી ને સુખ, સંતોષ અને શાંતિને ઝાલી લીધા હોત તો ..??
સાચું કહું ને તો દુનિયા આખી ભરપૂર શક્યતાઓ અને સંભાવનાઓથી ભરેલી પડી છે, પણ કોઈ ને પેઈન નથી લેવા અને જેને પેઈન લેવા છે એને વળતર કેટલું એ પેહલા જોવું છે..!!
કામ કરો કામ રૂપિયો બાય પ્રોડક્ટ છે પણ સાલ્લુ નથી થતું એવું …!!
હજી આ મીનીટે પણ રિલાયન્સ ધીરુભાઈની થીયરી ઉપર જ ચાલી રહ્યું છે..
એમની હયાતીમાં જે લાઈન ઓફ એક્શન નક્કી થઇ હતી એ જ લાઈન આજે છે..
એક આડવાત ,ગઈકાલે રાત્રે મારો ભાઈ કેનેડાથી અમને મળવા આવ્યો છે, લગભગ તેર વર્ષ પેહલા એ કેનેડા ગયો ત્યારે ઈમોશનલ થઇ ને હું પુષ્કળ રડતો હતો પણ મારી માં એ આટલા વર્ષમાં એક આંસુડું નથી પાડ્યું ,ઉપરથી મને એમ કહે કે શું ઢીલો થઇ ને વેવલાવેડા કરે છે `દીકરા તો દેશાવર ભલા` અને ઉપરથી મને મેહણું મારે તું શું અહિયાં પડી રહ્યો છે ..? ધંધા ખેલો આમ જન્મારા જાય ..?
આવી હોય છે અમારી કાઠીયાવાડી મોઢ વાણીયાની માં..
મારી માં ની જેમ જ કાઠીયાવાડમાંથી લગભગ દોઢ સદી પેહલા બે ચાર વચન લઈને એક મોઢ વાણીયાને એની માં એ દેશાવર ધકેલી દીધો હતો અને પાછો આવ્યો અને પછી એ મહાત્મા થઇ ગયો હતો..
મારી માં મને હમેશા એમ કહે કે બહુ રૂપિયા કમાવા હોય તો શીંગ-ચણા વેચો..
હિન્દુસ્તાનના સો કરોડ લોકોમાંથી પચાસ કરોડ લોકો પણ તારા એક રૂપિયાના ચણા ખરીદે તો તારા રોજ ના પચાસ કરોડ રૂપિયાના ચણા વેચાય ..!!
સમજાય એને જ આ લાઈન સમજાય …
ધીરુકાકા એ જિંદગી આખી “ચણા” વેચ્યા..
દેશની સૌથી મોટી જરૂરીયાત આઝાદી પછી હતી રોટી ,કપડા ઔર મકાન..
કપડા ઝાલ્યા અને એમાં પણ નવી ટેકનોલોજી લાવી અને ધમધમાટ પ્રોડક્શન કાઢ્યું અને બજારમાં બેહિસાબ `માલ` ફેંક્યો , પછી દેશને ભૂખ જાગી પેટ્રોલની .. નાખી રીફાઈનરી ..અને પછી આખા દેશની એકબીજા સાથે વાતો કરવાની અને પંચાત કરવાની ભયાનક “ચળ” ને એમણે ઓળખી લીધી અને એમાંથી આજે એમનો વસ્તાર રૂપિયા રળી રહ્યો છે..!!
આખા દેશના ખિસ્સામાંથી મોબાઈલ અને ઈન્ટરનેટના રીચાર્જના રૂપિયા ખેરવે છે..!!
હવે નવું શું ??
યક્ષ પ્રશ્ન રિલાયન્સની નવી પેઢીની સામે છે..!
રૂપિયો તો “નવી બુદ્ધિ” ને જઈ ને જ વરે..!!
સરસ્વતી ના આશીર્વાદ લઈને લક્ષ્મીજીને વધાવીએ તો બંને માતાઓ ઘરમાં ખુશી ખુશી રહે..
કાલથી સપ્ટેમ્બર નો નવો વાયદો ખુલશે અને જુન ક્વાર્ટરના આંકડા પણ આવશે..
થોડું બજાર ઉપર દબાણ દેખાશે અને ડોલર બરાબર ના ડૂબકા ખાઈ રહ્યો છે, બોંતેરની ગણતરીઓ મુકાઈને ખેલ ખેલાવાના ચાલુ થઇ ગયા છે..
ઈમ્પોર્ટર ની બેન્ડ વાગે એવી હાલત છે ૧૨૦ દિવસની એલસી લઈને ધંધા ખેલનારાને મોઢા છુપાવવાના વારા છે..!!
બેક ટુ શેરબજાર .. ટ્રમ્પકાકા ઢીલા પડ્યા છે એટલે દુનિયાભરના બજારો તેજી ખાઈ રહ્યા છે ખાલી ક્રુડ લોહી પી જાય તેમ લાગી રહ્યું છે, પણ ડોલર જો મોંઘો થાય તો એફઆઈઆઈ વધારે ડોલર બજારમાં નાખે એટલે ઓવર ઓલ વક્કર તો તેજી નો જ રહે એવું લાગે છે..!!
સરકાર ચોક્કસ ડોલરને સાચવી ના શકી..એ વાત નક્કી ..
આ જ તેજી ડોલરને ૬૪ ઉપર રાખી ને ખવડાવી હોત તો ઉંધા ફરીને જહાંપના તુસ્સી ગ્રેટ હો બોલવું પડતે..
અમારા જેવા જે “સદીઓથી” માલ ઝાલીને બેઠા છે એ બધા ગધાડા ની જેમ દિવસમાં પાંચ વાર મની કન્ટ્રોલ ખોલી ને રોજ હરખાય અને રોજ દુ:ખી થાય..!
ગધેડો શિયાળે પતલો થાય કેમ તો કહે આટલું બધું ઘાસ કેમનો ખાઇશ એ ટેન્શન
અને ઉનાળે જાડો થાય કેમકે ઘાસ બધું સુકાઈ જાય અને ગધેડો હરખાય કે બધું ઘાસ હું ખાઈ ગયો..!
હકીકતે તો પેટ હોય એટલું જ ખવાય..!!
આ તેજીમાં પિત્તળ ભેગું કર્યું હોય તો વેચી ખવાય બાકી સોનું હોય તો ભલે પડ્યું ..
જીવનની છેલ્લી તેજી નથી ..
માલ ગાંઠે બાંધેલો હશે તો મનીકન્ટ્રોલ ખોલી ને કૈક જોવાશે બાકી તો શું …?
દરાખ ખાટી છે..!!
બાકી તો સમાચારમાં તો ડે ટ્રેડરીયા ફુલ્લ ફોર્મમાં છે..સાંજે ચાર પછી જ ઉજ્વણા ચાલુ થઇ જાય છે..
ઘણા ડે ટ્રેડરીયા જેને પોટલીના વાંધા હતા એ બધાની હવે બ્રાંડ પણ બદલાઈ ગઈ છે, આઠસોની બદલે બાવીસ્સોની બાટલી ખોલતા થઇ ગયા છે..!
સમય સમય બલવાન …!!
માલ હોય તો ખેલી લેવાનું મન થાય એવી હાલત છે..ભારે લલચામણી સ્થિતિ છે..
પણ મારા જેવા ડફોળિયાં ને બીક લાગે છે, કે માલ રમતો મુક્યો ને ફરી હાથમાં નાં આવ્યો તો ??
આજે એક મિત્ર ટીસીએસ ના નામના છાજીયા લેતો હતો લાલચ માં બે મહિના પેહલા વેહલા કાપી કાઢ્યા હતા .. હવે હાથમાં આવતા નથી ..
સાચવી ને ખેલજો..!!!!
શુભ રાત્રી
શૈશવ વોરા