શ્રીવલ્લી ..!
ગઈકાલે એક સાહસ કર્યું હતું “ચુપે બ્ન્ગારમાયને શ્રીવલ્લી”ને ગાવાનું ..!
ખરેખર સાહસ કરવા જેવું જ હતું, બે ત્રણ દિવસથી ગીત મગજમાં ભરાઈ ગયું હતું, પણ કમ્પોઝીશન સેહજ પણ મગજમાં સેટ ના થાય, તકલીફ ત્યાં થાય કે ક્યા સપ્તકમાં ચાલુ થાય છે અને ક્યા સપ્તક રમે છે ગીત એના જ સાંધા ના મળે..!
પેહલા જયારે સાંભળ્યું ત્યારે લાગ્યું કે લગભગ આખું ગીત તાર સપ્તકમાં ગવાયેલું છે એટલે યુટ્યુબ ઉપર સાંભળી અને ચાલુ કર્યું જોડે જોડે ગાંગરવાનું,
મનમાં ફાંકો પણ ખરો કે આપણી રેંજ તો જોર, ત્રણેય સપ્તકમાં ગાઈ શકીએ ..!
संपूर्ण कुम्भो न करोति शब्दं अर्धघटो घोषमुपैति नूनं।
विद्वान कुलीनो न करोति गर्वं गुणैर्विहीनो बहु जल्पयन्ति
હા ભાઈ છીએ .. બીજું શું !! પણ એ દિવસો જતા રહ્યા એની ખબર તરત જ પડી ગઈ, તાર સપ્તકમાં ગાવાનું ચાલુ કર્યું એ ભેગું રીયાઝ વિનાનું ગળું જવાબ આપી ગયું , ગળામાં બળતરા ચાલુ થઇ ગઈ, અને અત્યારે ગળામાં સેહજ કઈ થાય એટલે કેવી બીક લાગે..?
એટલે પ્રોજેક્ટને ત્યાં જ પડતો મુક્યો,
પણ બીજા દિવસે પણ સવારથી જેટલીવાર સોશિઅલ મીડિયા ખોલ્યું એટલીવાર શ્રીવ્લ્લી
જ દેખાય એટલે માંડ કરી મારી મારીને બેભાન કરેલો મગજનો કીડો પાછો સળવળ્યો , આળસ મરડી ને બેઠો થાયો ..!
પછી તો થયું કે ના કેમ થાય ? કીડો રાક્ષસ થઇ ગયો..! અને એમાં પાછી મદદ મળી એક યુટ્યુબ કલીપની કે જેમાં નોટેશન સાથે શીખવાડે છે અને એ પણ આખા ગીત ને છુટું કરી કરી ને ,એક-એક હરકત ,કણ મુરકી ,મીંડ બધાને છૂટી છૂટી કરી ને બતાવે, ધ્યાનપૂર્વક શાંતિથી સાંભળી ત્યારે સાંધો મળ્યો કે અડધું ગીત મધ્ય સપ્તકમાં છે ,પણ લીટીએ લીટીએ મધ્ય સપ્તકમાંથી મીંડ ખેંચી ને સીધા તાર સપ્તકમાં ઘુસવાનું છે પણ ઘુસી ને પાછા નથી આવવાનું ત્યાં રમી જમી ને નીચે આવવાનું છે..!!
હવે વારો હતો પેન-પેપરનો, પેન-પેપર લઈને પેહલી બે સ્થાયી અને એક અંતરો લગભગ ત્રીસેકવાર સાંભળ્યા ને ઉચ્ચારો સાંભળી સાંભળીને લખ્યું, નોટેશન મળતા હતા જ્યાં જ્યાં ત્યાં સાંકેતિક ભાષામાં ઉમેર્યા, અને પછી ચાલુ કર્યું જોડે જોડે તાણવાનું ..!!
બાપરે ગજ્જબ ઉપર નીચે છે, મને નવાઈ લાગતી હતી કે અત્યાર સુધીમાં કેમ જનતા જાત્તે ગાવા ઉતરી નથી પડી …!!! પણ જેવા તેવાના કામ જ નથી ,તાર સપ્તકમાં ફરવા નીકળતા અચ્છા અચ્છાના ગળા જવાબ આપી દે .. પણ આપણને તો મોજ આવી કોન્ફીડન્સ ડેવલપ કર્યો પચ્ચીસ વાર ગાયું અને પછી એકઝામ આપવા નાની દીકરી પાસે ગયો ..
“ડેડી એક મિનીટ રેકોર્ડીંગ કરું ,પછી સાંભળી ને કહું …”
“એ ડેડી તમારે અને સૂર ને કોઈ કનેક્શન ખરું ? સીડ નો અવાજ નાનો કરો અને ફરી પાછા ચાલુ કરો ,તમારો અવાજ તમે સાંભળો, આખે આખું બેસૂરું જાય છે..!!”
ફેઈલ ..ફુલ્લી ફેઈલ ..!!
ફરી મંડાણો.. બાહર રોડ ઉપર કરફ્યું આવી ગયો હતો ,તાર સપ્તકમાં ગાવાનું એટલે વોલ્યુમ ઓટોમેટીક ઉપર જાય, તો પણ જવા દીધું,આજુબાજુમાંથી પથરો આવે બારી ઉપર તો બંધ કરવું ,એવું નક્કી કરીને ફરી એકવાર ચાન્સ લીધો..!
“કેમ પાછા આવ્યા ડેડી ?”
એકવાર જોઈ લે ને ..
“એક જ વાર હો મારે ભણવાનું છે સબમીશન છે ..!”
એક વારનું કહી ને દસ રી-ટેક કર્યા ..
“એક કામ કરો ડેડી બેકગ્રાઉન્ડમાં ઓરીજીનલ વાગવા દો અને તમે ગાઈ લો એટલે તમારી ભૂલો પણ ઢંકાઈ જશે અને મ્યુઝીક પણ મળી જશે એટલે તમને એમાંથી સૂર મળશે તો બહુ લોચાળિયું નહિ લાગે..!!”
બાપ ને દીકરી ના ઓળખે તો બીજું કોણ ઓળખે ?
ખબર હતી કે આજે એનો બાપો છાલ છોડવાનો નથી એટલે એણે જ રસ્તો કાઢી આપ્યો અને બેકગ્રાઉન્ડમાં ઓરીજીનલ ધીમા અવાજે ચાલુ રાખીને ને સ્થાયી ને એક અંતરો આપણે ગાઈ પાડ્યો..!!
મજ્જા આવી ગઈ ..!
ઘણા દિવસે ..!!
સીડ શ્રીરામ એ.. ગજ્જબ દિલ થી ગાયેલું ગીત છે,ભલે શબ્દો ભાષા કશું જ ના સમજાતું હોય, પણ સંગીતની આ જ મજા છે દિલથી ગવાયેલું ગીત હોય ને તો એને ભાષા દેશના બંધનો નડતા નથી, માખણમાં છરી ઉતરે એમ દિલમાં ઉતરી જાય ગીત..!!
સાત ને પાંચ બાર સ્વરોની દુનિયાની આ ખૂબી છે , ભાષા ગમ્મે તે હોય પણ પાછળ નો સૂર તો એ જ ષડ્જ, રિષભ ,ગંધાર .મધ્યમ, પંચમ,ધૈવત ,નિષાદ .. અને એમાં રેગધની કોમળ મધ્યમ તીવ્ર..આખો સંસાર પૂરો બાર સ્વરોમાં ..!!
જીવનની સુંદરમાં સુંદર ક્ષણો હોય કે ભારેમાં ભારે ક્ષણો .. આ સંગીતે કાઢી આપ્યા છે..!
સૂર જ્ઞાન એ ઈશ્વરનું બહુ મોટું વરદાન છે..!!!
બીજા ને આનંદ આપી શકો કે નહિ પણ તમે પોતે તો પોતાની જાત ને આનંદ ચોક્કસ આપી શકો..!!
હું જયારે સંગીત શીખતો ત્યારે મારા ગુરુ આશા ભોંસલેજી ના બહુ વખાણ કરે .. “કેવા મજાના ઝૂમતા ઝૂમતા ગાય છે, આવી રીતે ગવાય બેટા શૈશવ પેહલા પોતાની જાત ને સંગીત થી આનંદ આપશો ને તો બીજા ને આપો આપ આંનદ આવશે..!”
ગુરુ ચાવી હતી..!!
આખા જીવનની..!!
પેહલા પોતાની જાત ને આનંદિત કરવા અને પછી બીજાને..!!
હમણાં વોક લઈને આવ્યો, અમારા સેટેલાઈટના સો ફૂટના રોડ ઉપરના એક ફ્લેટમાંથી રોજ રાત્રે ફિક્સ સાડા નવ વાગ્યે કેરીઓકે ઉપર એક કાકા મુકેશના ગીતો ગાતા હોય છે ..! અડધો કલાક જેવું ગાય અને પછી બંધ ..!! ફ્લેટની તમામ લાઈટો બંધ હોય..!
હું ઘણીવાર નીચે ઉભો રહી ને સાંભળું ,સૂર તાલ બધું ગયું બાજુ પર પણ અવાજ ઉપરથી એટલી ખબર પડે કે કાકા દિલથી ગાય છે.. એમની મેહબુબા એમને ચોક્કસ ચાંદ જેવી લાગી રહી છે , આપણને લાગે કે ના લાગે..!!
પછી થોડીક તપાસ ઉર્ફે પંચાત કરતા ખબર પડી કે કાકા પંચ્યાસી વર્ષના છે એકલા જ રહે છે અને પોતાની મસ્તીમાં જીવે છે..!!
ઉપાંત્ય વિશારદની મારી ચોપડીના પૂંઠા ઉપર ગુરુજી એ લખેલું યાદ આવે છે..!
રાગ હરે સબ રોગ કો ,કાયર કો દે શૂર .!
સુખી કો સાધન બને, દુઃખી કો દુઃખ દૂર..!!!
શુભ રાત્રી
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)