ચાઈના અમેરિકા ટ્રેડ વોર ..
એક નવા યુદ્ધની શરૂઆત દુનિયામાં થઇ ગઈ છે અને એની અસરો ધીમે ધીમે દુનિયા ઉપર આવી રહી છે..
લેટેસ્ટમાં હ્યુવાઈ ને ગુગલે સપોર્ટ બંધ કરી દીધો ..!!
છેલ્લા કેટલાક સમયથી હ્યુવાઈને જગત આખું શંકાના દાયરામાં મૂકી ને ચાલી રહ્યું છે, દરેકને શંકા છે કે અમારા ડેટા હ્યુવાઈ ચોરી જાય છે અને એ ડેટા નો ઉપયોગ ચીનની સરકાર કરી રહી છે..!
કેનેડા એ તો હ્યુવાઈના માલિકની દીકરીને જેલભેગા પણ કરી દીધા અને ત્યાંથી જ ચીન અને પશ્ચિમ વચ્ચે ખુલ્લી રીતે ટ્રેડ વોર નો આરંભ થઇ ગયો..
ધ ઈકોનોમિસ્ટ લખે છે કે સેમીકંડકટર થી લઈને સબમરીન સુધીની લડાઈ ફાટી નીકળી છે, અને અમેરિકા હોય કે ચાઈના કોઈને એ ખબર નથી પડતી કે ક્યાં કોમર્સ પૂરું થાય છે અને ક્યાં ડીફેન્સ શરુ થઇ જાય છે..
હ્યુવાઈની વાત કરીએ તો ફાઈવ-જી માટેના મોટાભાગના `રમકડા` દુનિયા આખી માટે હ્યુવાઈ જ બનાવી રહી છે, ફોર-જી ની ધીમી સ્પીડ થી કંટાળેલી દુનિયા આજે ફાઈવ-જી ઉપર સ્વીચ ઓવર થવા તલપાપડ થઇ ને બેઠી છે..અને આવા સંજોગોમાં હ્યુવાઈ ને કઠેડામાં ઉભી કરી મૂકી છે અમેરિકા એ..!!
આજે આ ફાઈવ-જી ના `રમકડા` સ્પેસથી લઈને થીયેટર સુધી વપરાય છે..!
જો કે ચીની સરકાર બસ્સો ટકા પોતાનો સપોર્ટ હ્યુવાઈને આપી રહી છે પણ હવે અમેરિકા બરાબર જાગ્યું છે અને શોધવા લાગી ચુક્યું છે કે કેટલું નુકસાન થયું છે અને કેટલું હજી ભવિષ્યમાં થશે..!
કોઇપણ ટેકનોલોજી નું ક્લોનીગ ચીન દેશ બહુ ઝડપથી કરતો આવ્યો છે એવો આક્ષેપ બહુ જુનો છે પણ હવે અમેરિકાને આગળ જતા વધારે પડતી એમની ટેકનોલોજી સરળતાથી છોડી દેવી પાલવે એમ નથી એટલે અમેરિકાએ અત્યારે નકેલ કસી છે..
સેમી કંડકટરની વાત કરીએ તો ચીપ ડીઝાઈનીંગ સીલીકોન વેલીમાં અધધધધ..થાય છે અને એમાં મોટેભાગે આપણા `દેશી` છોકરા છોકરીઓ જ ઇન્વોલ્વ છે,આજે બેંગ્લોરમાં અઢળક ચીપ ડિઝાઈનર જન્મી ચુક્યા છે ,અને ઘણીબધી અમેરિકન કંપનીઓ આઉટ સોર્સિંગ ભારતથી કરાવી રહી છે.
પણ જયારે એ ચીપ નું ડીઝાઇનીગ પૂરું થઇ ને પ્રોડક્શન લેવાની વાત આવે ત્યારે દુનિયા આખી ચીન દેશ તરફ નજર માંડે છે..!
અમેરિકા ,જાપાન ,ચીન ,તાઈવાન અને જર્મની આ દેશો સિવાય સેમીકંડકટરના પ્રોડકશન બીજે ક્યાય `બલ્ક`માં થતા નથી ,પ્રોટો-ટાઈપ બનાવી અને છોડી દે એ અલગ વાત છે ,પણ ખરું પ્રોડક્શન જયારે મિલિયન્સમાં કાઢવાનું આવે ત્યારે તો ચીન ,જાપાન અને તાઈવાન ઉપર જ નજર માંડે દુનિયા અને એમાં પણ ચીન મોખરે..!
૨૦૦૫ના સેમીકોન ચાઈના ના એક્ઝીબીશનમાં અમે ચીન દેશ ગયા હતા .. જબરજસ્ત ડીપ્રેશન આવેલું અમને, અમારા સિવાય એકપણ ભારતીય આટલા મોટા એક્ઝીબીશનમાં નોહતો, એક એક બુથ ઉપર ફરી ફરીને ઇન્ફોર્મેશન ભેગી કરી અને બે દિવસમાં અમે એટલા તારણ પણ આવી ગયા કે હજી બીજા પચ્ચીસ વર્ષ સુધી સેમી કંડકટર ભારત દેશ બનાવી શકશે નહિ ..
આજે ૨૦૧૯માં પણ એકપણ સેમીકંડકટરનો જાયન્ટ પ્લાન્ટ ભારતભૂમિ ઉપર નથી ..!
પણ સૌથી વધારે ઇલેક્ટ્રોનીક્સ ભારત દેશ દુનિયાભરમાંથી ખરીદી રહ્યો છે..!
અંકલ સામ અત્યારે અચાનક જ જાગ્યા છે કે અમારી બધી માહિતીઓ કદાચ લીક થઇ ગઈ છે એમ કરીને ,
જયારે બીજી તરફ ચીન દેશ છેક ચંદ્ર સુધી પોહચી ગયો છે..
ચીન દેશ નું યાન ચન્દ્રના એવા ભાગ ઉપર ફરી રહ્યું છે કે જે ભાગ આજ સુધી ક્યારેય પૃથ્વીની સામે આવ્યો નથી , સમાનવ અવકાશયાન પણ અવકાશમાં ચીન દેશ મોકલી ચુક્યું છે..આ બધી બાબતો અંકલ સામ ને સીધી ચેલેન્જ આપી રહી છે અને પોતાની પ્રભુસત્તા ઉપર જરાક પણ આંચ આવે એ તો જગત જમાદારથી કેવી રીતે સહન થાય..?!!
થોડાક સમય પેહલા ચીન દેશમાં બની રહેલા એક વિશાળ વિમાનવાહક જહાજના ફોટા લીક થયા હતા ,હવે એ લીક થયા હતા કે લીક કરવામાં આવ્યા હતા એ તો રામ જાણે પણ સેટેલાઈટ દ્વારા લેવામાં આવેલા એ ફોટોગ્રાફ્સ એટલું તો જરૂર ચાડી ખાતા હતા કે જે જહાજ નિર્માણાધીન છે એ જહાજ કદાચ વિશ્વનું સૌથી મોટું વિમાનવાહક જહાજ ભવિષ્યમાં હશે..!!
આપણે આજ સુધી રશિયાના ભંગારવાડે જવાને થોડીક જ વાર હોય એવા જહાજ ખરીદી ને આપણું ગાડું ગબડાવતા આવ્યા છીએ..!
વિચારવાનું ત્યાં આવે કે લગભગ એકાદ કિલોમીટર જેટલું મોટું જહાજ ચીન દેશ બનાવી રહ્યું છે.. એ કોના માટે ?
બીજી તરફ ઓઆરઓબી (વન રોડ વન બેલ્ટ) કરીને દુનિયાભરમાં ચીન પોતાની કનેક્ટીવીટી બનાવી રહ્યું છે, યુરોપથી લઈને છેક હિન્દ મહાસાગર સુધી ચીન ઓઆરઓબી દ્વારા પોતાનો એક્સેસ ઉભો કરી રહ્યું છે,
જે ચાલ અંગ્રેજ આપણી જોડે રમી ગયા એ ચાલ ચીન દુનિયા જોડે રમી રહ્યું છે, પેહલા રોડ રસ્તા બનાવો,પછી વેપાર ગોઠવો જોડે જોડે પોતાનું લશ્કરી સામર્થ્ય વધારતા જાવ અને સમય આવ્યે ચડી બેસો ..!!
પછી સદીઓ સુધી પોતે રાજ કરો અને બીજા ને તારાજ કરો ..!!
અંગ્રેજની આ નીતિ ઉપર ચીન ચાલી રહ્યું છે એવું અત્યારે તો અંકલ સામને લાગી રહ્યું છે એટલે પોતાના જ ટાંટિયા પોતાના ગળામાં ભરાતા જોઈ ને અંકલ સામ સફાળા જાગ્યા છે..
હવે કોઈ એમ ના કેહતા કે એ બ્રિટન હતું અને આ અમેરિકા છે ..
દોસ્ત અમેરિકન ઝંડાના રંગો યુનિયન જેકના જ છે, ભલે ડીઝાઈન જુદી હોય ..!
આટલું તો આપણે પણ યાદ રાખવું જ રહ્યું..!
કદાચ રીન્યુએબલ એનર્જી માટે અમેરિકા બહુ વર્ષોથી મથી રહ્યું છે, અને ક્યાંક એમાં સફળતા મળી રહી હોય એમ લાગે છે અને જો એવું કૈક હોય તો ફોસિલ ફ્યુઅલની ગુલામીમાંથી દુનિયા ને મુક્તિ મળે પણ અમેરિકા જેનું નામ દરેક વસ્તુ એમ મફતમાં છોડી ના દે અને એમાં ચીન દેશ ક્યાંક કૈક કોપી મારી લ્યે તો ..?
એટલે આ ટ્રેડ વોર એ પાણી પેહલાની પાળ હોય એવું શક્ય છે, અઢારમી સદીના અંત અને ઓગણીસમી સદી આજ સુધીના મોટાભાગના સંશોધનો પશ્ચિમ જ કરતુ આવ્યું છે અને દરેક સંશોધન ની મલાઈ પશ્ચિમે ખાઈ ને પછી દૂધ દુનિયાની સામે ફેંક્યું છે પણ ચીન દેશએ મલાઈમાં મોઢું મારી દીધું છે અને બોઘેણું બગાડી મુક્યું છે ..
બોટમ લાઈન આપું તો ..
નવી રીન્યુએબલ એનર્જી સેક્ટર નામની ગાય દોહીને બોઘેણું ભરાય તો પછી એમાં બીજો કોઈ મોં નાં મારી જવો જોઈએ..!
એની આ `બબાલ` છે અને આ બબાલ નું નામ `ટ્રેડ વોર`
જય હો ..
શું ?
આપણને તો કાલે કોણ આવશે ?
અરે રે ..
નહિ સુધરીએ ..!!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા