ચડતો શિયાળો છે અને અચાનક બેસણાની મોસમ આવી ગઈ હોય એવું લાગે છે, ઉપરાછાપરી ત્રણ-ચાર દિવસ બેસણા આવે એટલે મગજ ફરી જાય કે યાર આ શું માંડ્યું છે ભગવાનીયા..?!!
પણ આ તો કુદરતનો ક્રમ છે આવે તે જાય, ક્યારેક આપણો પર વારો પાડી દેશે કુદરત,અમરપટા તો બાંધી આપ્યા નથી ઉપરવાળાએ કોઈને..!
ગઈકાલે સાંજે એક બેસણું પતાવ્યું, ઘરડું મરણ હતું એટલે વરસી વિવાહ જેમ પરિવાર વાળવાનો હતો ,ઘરમાં ચોથી પેઢી રમતી હોય અને નેવું ઉપરનું મરણ હોય એટલે સ્વજન ગયાનું દુ:ખ હોય પરિવારજનો ને, પણ પ્રમાણમાં ઓછું હોય, એટલે આવા બેસણામાં જતા આપણા મનમાં પણ ભાર ઓછો હોય અને બેસણાની બહાર નીકળીએ એટલે તો પછી હતા એના એ થઇ જઈએ..!
બેસણામાંથી અમે મિત્રો બહાર નીકળ્યા અને બધાય એક સ્વરે બોલ્યા હેંડો લ્યા ચા-પાણી કરીએ..!
અમે ગલ્લે કમ કીટલીએ પોહ્ચ્યા અને ચા લીધી, જે સિગારેટના વ્યાસની હતા એ મિત્ર એ સિગારેટ સળગાવી અને અમે બધાએ ગામપંચાત ચાલુ કરી.. ત્યાં અચાનક સિગારેટ પીતા પીતા પેલો મિત્ર બોલ્યો એ “ડોક્ટરયા” આ જો તો મને ગળા આગળ શું થયું છે બે દિવસથી…???
મેં એનો કાંઠલો ઝાલ્યો અને મારી નજીક ખેંચ્યો, મારામાં રહેલો “અડધો ઘડો” છલકાયો, મેં એક “ડોકટર” ની અદાથી એને તપાસવાનો ચાલુ કર્યો..એ મિત્રને ગળામાં ડાબે અને જમણે બંને બાજુ લગભગ આમળાની સાઈઝ જેટલી ગાંઠો બહાર આવી હતી..મેં બધી રીતે ત્યાં કીટલીએ ઉભા ઉભા જ એને તપાસી જોયો.. અને મને અધૂરા ઘડાને “ના” આવવાના બધા જ વિચારો આવી ગયા..!
રેગ્યુલર વીસ પચ્ચીસ વર્ષનું કોલેજના જમાનાથી એનું સ્મોકિંગ અને ગળામાં આવડી ગાંઠો..એના એક હાથમાં ચાની પ્યાલી અને બીજા હાથમાં સળગતી સિગારેટ…હું એને તપાસું..!!!
બાપરે બાપ એક સેકન્ડ માટે તો પગ નીચેથી જમીન ખસી ગઈ મારે તો..!
અને હ્રદયમાંથી ઊંડી ચીસ નીકળી ગઈ હે ભગવાન આને મેલીગ્ન્સી(કેન્સર) નાં આપતો બાપા..! કેમ ?
તો યાર પિસ્તાલીસ વર્ષની ઉંમરથી લઈને પંચાવન વર્ષ જીવનનો આ એક દસકો એવો હોય છે જીવનમાં કે એમાં કોઈને પણ મરવાનું બિલકુલ એલાઉડ નથી..એ સ્ત્રી હોય કે પુરુષ..!કેમકે કચવારો હજી કાચો હોય અને માંબાપ ઘડપણને ધારણ કરીને મૃત્યુના દ્વારે ઉભા હોય.! બચતો એટલી થઇ ના હોય, બાળકો અડધે પોહ્ચ્યા હોય એટલે કોલેજની ફી અને બીજા બધા ખર્ચા બાકી હોય,માંબાપ રીટાયર્ડ થઈને બિલકુલ આપણા ડીપેન્ડ થઇ ચુક્યા હોય,એટલે દરેક દરેક માણસે જીવનનો આ દસકો તો યેન કેન પ્રકારેણ ખેંચવો જ રહ્યો.. અને આ દસકામાં એક્ઝીટ તો હન્ડ્રેડ પર્સન્ટ નોટ એલાઉડ..!
ત્યાં ચા ની કીટલી અને ગલ્લે ઉભા ઉભા મેં એને તો કહી દીધું કે “લાયાપોમા” લાગે છે તને,પણ આ બધી દા`ડાની દસ-દસ સિગારેટો બંધ કર અને અત્યારે જ ડોક્ટર પાસે જા..! એ મિત્રના નજીકના સગા જ ડોક્ટર છે એટલે એને રવાના કરી અને તરત જ ડોક્ટર સાહેબને ફોન જોડ્યો અને મારું “ઓબ્ઝર્વરવેશન” એમને કહી દીધું..કેમકે આપણને “ડાયગ્નોસિસ” કરવા ઉપર સખત પ્રતિબંધ મુકાયેલો છે અને આપણે એનું ચુસ્ત રીતે પાલન કરીએ છીએ..! માટે ઓબ્ઝર્વરવેશન આપ્યું..!
ગાડીમાં બેઠા બેઠા સત્તર વિચારો આવ્યા..મિત્ર એ ખાલી મિત્ર જ નથી, પરિવારનો ભાગ છે, ખુબ નાનપણથી એકબીજાના ઘરે આવતા જતા હોઈએ એટલે પારિવારિક તાણાવાણા પણ સારા એવા ગૂંથાઈ ગયા હોય એટલે એવા નજીકના કોઈ વ્યક્તિને આવું કઈ થવાની સંભાવના પણ આપણને પગથી માથા સુધી હલાવી દે..!
ઘેર પોહચ્યા પછી પણ આખી સાંજ અને લગભગ અડધી રાત સુધી એ મિત્ર અને એના પરિવારના વિચારો આવ્યા કર્યા..સાલા એ સિગારેટ વીસ પચ્ચીસ વર્ષ એણે પીધી, અને એને કેન્સર નીકળ્યું તો વગર વાંકે એના બૈરી છોકરા અને માબાપ દંડાઈ જશે, મારી તો ઊંઘ હરામ કરી નાખી વ્યસનીએ..! મેં મારી જાતને બહુ જ પોઝીટીવ રાખવાની કોશિશ કરી ના યાર નહિ આવે એને મેલીગન્ન્સી તું શાંતિથી ઊંઘી જા સવારે સહુ સારા વાના થશે..પણ લાગણી વધારે હોય ત્યાં અવળા વિચાર પણ વધારે આવે..અને હું બહુ સ્ટ્રોંગલી માનું છું કે કુદરત બહુ જ “બેદર્દ” છે, એ કોઈપણ વસ્તુ ત્યારે જ તમારી પાસેથી છીનવી લે છે જ્યારે એની તમારે સખત જરૂર હોય છે.. જેમ મહાભારતના યુદ્ધમાં કર્ણના રથનું પૈડું બરાબર ખરા સમયે ફસાવી દીધું હતું અને કર્ણને મોતના મોઢામાં ધકેલી દીધો એમ જ..!
બસ આ વિચારે લગભગ પોણી રાત મેં પડખા ઘસ્યા..!
હું મારા દોસ્તોને થાય એટલીવાર સમજાવું છું કે યારો સિગારેટ,મસાલા,ગુટકા અને દારુ છોડો પણ સાલા સમજતા જ નથી ,અને એના માટે એ લોકોને હું મારા પપ્પા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની એક વાત કહું છું..
એકવાર હું એમની ઓફિસે ગયો હતો અને એ બિલકુલ નવરા હતા કોઈ વાત કરવાવાળું મળે એની રાહ જોઇને બેઠા હતા..પપ્પાના સી.એ. એટલે સ્વાભાવીક રીતે એમના જેટલા કે એમનાથી મોટા જ હોય, એમની ઉંમર ત્યારે લગભગ પંચ્યાશી વર્ષ ખરી.. મેં એમની ઓફીસમાં આસન જમાવી અને પૂછ્યું કેમ છો કાકા..?
અને એમણે મને એવો સવાલ પૂછ્યો કે જેનો જવાબ મને આજદિન સુધી નથી મળ્યો..
મને કહે જો શૈશવ બેટા તું પૂછે છે કેમ છો, તો હું કહું છું ઉંમરના પ્રમાણમાં સારું છે પણ મને એક વાતની ખબર નથી પડતી
મેં કીધું શું કાકા ?
એમણે મને પૂછ્યું બેટા અત્યારે મારી ઉંમરના મારા અડધાથી વધારે મિત્રો મરી પરવાર્યા છે એટલે મારે દુઃખી થવું કે પછી એ બધા મરી ગયા છે અને હું જીવું છું એટલે મારે ખુશ થવું ?
મેં એમને ખુશ કરવા કહી દીધું ખુશ થવાનું હોય ને કાકા તમે જીવો છો અને આટલા હેલ્ધી છો એ જ મોટી વાત છે..
એમણે મને ઉદાસ ચેહરે જવાબ આપ્યો ના બેટા સરખી ઉંમરના લોકો આજુબાજુથી જતા રહે ને પછી વાત કરવા ઠેકાણા પણ નથી રેહતા..! પણ હશે તારા જેવા બે ઘડી આવે તો ગમે એ જીવતા હોવા નો આનંદ લઇ લઈએ..!
કેટલું સનાતન અને પરમ સત્ય..!
સાલું હું તો કલ્પના પણ નથી કરી શકતો કે મારી આજુબાજુના મારા મિત્રો મરી પરવાર્યા હોય અને હું એકલો જીવતો બેઠો રહું..! બસ આ વાત હું મિત્રો ને પણ કહું છું યાર તમે નાલાયકો વેહલા મરશો અને મારે એકલા રહીને શું કરવાનું ?
જયારે જ્યારે મારા કોઈ મિત્રને કોઈ જીવલેણ બીમારી આવતી દેખાય છે ત્યારે ત્યારે મને ખુબ જ અકળામણ થઇ જાય છે કે યાર આ લોકો કેમ સમજતા નથી..?
કેમ વ્યસનના આટલા બધા ગુલામ થઇ જાય છે..? આ કઈ પેહલો પ્રસંગ નથી જીવનનો કે કોઈ મિત્રને આવી કોઈ તકલીફ આવી હોય..
પણ ખરેખર આ બધા નાલાયકો ને એમના વ્યાસન ને લીધે આવતા રોગોને લીધે મને મારો નિર્વ્યસની હોવાનો આનંદ છીનવાઈ જાય છે..એને તો આપ મુઆ ફિર ડૂબ ગઈ દુનિયા પણ મારે અહિયાં જ રેહવાનું ને.. મને સતત ભય લાગે છે કે આ નાલાયક મરી જશે અને હું એકલો અહિયાં રહી જઈશ..!
આજે બપોરે એ મિત્રનો ફોન આવ્યો કે બધા ટેસ્ટ નોર્મલ છે ગોઈટર આવ્યો હોય એવું લાગે છે..
મને ખરેખર “હાશ” થયું કે સાલો, હલકટ,નાલાયક..મરશે તો નહિ ચાર ગોળીઓ ખાશે એટલે પૂરું..!
મેં એને ફોનમાં કીધું હવે આ તારી સિગારેટો બંધ કરજે..
પણ ભીખારો બે ચાર દિવસ બંધ રાખશે,પછી થોડા સમયમાં હતો ત્યાનો ત્યાં આવી જશે..!
શું કરવાનું કેવી રીતે અટકાવવા આ બધાને ? હાથ પર ડામ પણ દીધા છે તો ય સમજતા નથી..!
હશે ત્યારે હરિ તારું નામ અને શરણું..!
શુભ રાત્રી
શૈશવ વોરા