એક બેંગ્લોરિયન મિત્ર , પંદરેક વર્ષ પહેલાની વાત …ત્યારે અમે બન્ને ગધ્ધા ચાલીસીમાં ..
ગધ્ધા પચીસી તો પેહલા હતી, હવે ચાલીસી સુધી વૈતરા ચાલે છે..
ત્યારે એની પાસે સુપર બાઇક..
એક ભાંગતી રાતે બેંગલોરના પબમાંથી એની હજાર સીસીથી ઉપરના બાઇક પર અમે નીકળ્યા ,બાઈકની ઘરઘરાટી સાંભળીને આજુબાજુ નાના નાના ટેણિયા બાઈકરો આવી ચડ્યા ,રેસિંગના આહવાન ચાલુ થઈ ગયા હતા બેંગલોરના રોડ્સ ઉપર ..
આગળ પાછળ અમે બંને હેલ્મેટ પહેરીને બેઠા હતા ,
આપણે હંમેશની જેમ ” સાદામાં” ,મિત્ર એ છાંટોપાણી કર્યા હતા એટલે બાઈક મેં ચલાવી લીધું , અજાણ્યા રોડ રસ્તા એટલે હણહણતો જાતવાન અમેરિકન ઘોડો હાથમાં હતો છતાં પણ શૈશવ શાંતિ રાખીને જઈ રહ્યો હતો ..
જાતવાન અમેરિકન ઘોડાને શાંતિથી પોતાની ગતમાં ચાલતો જોઈને આજુબાજુના નાના નાના સો ,બસો, પાંચસો “સીસા” ના ઘોડા રેસિંગના આહવાન આપે પણ આપણે આપણી ગત માં …એ જમાનો હતો જ્યારે કેમેરા ઠેર ઠેર લાગ્યા નહોતા..
લગભગ દોઢેક વાગી ગયો હતો , બીજો દિવસ બફરમાં રાખ્યો હતો, એટલે કોઈ કામ હતું નહીં એટલે રાત માથે લઈને ધબધબાટી બોલાવાય એવું હતું..
મેં ચાલુ બાઇકે કીધું અલ્યા આટલું જલદી હોટલે નથી જવું હેંડ બીજે ક્યાંક ..
બેંગ્લોરિયન મિત્ર કહે યાર હવે તો ચોવીસ કલાકવાળી કોફી શોપ સિવાય બીજે ક્યાંય મેળ ન પડે ..
મેં કીધું હેંડ ત્યારે ત્યાં .. તે આલ્કોહોલ નાખ્યો તો હવે હું કેફીન નાખું..
ડબલ શોટ અમેરિકાનો કોફીના ઓર્ડર કર્યા , મિત્રે કોફી શોપમાં મારા ફોટો લેવાના ચાલુ કર્યા અને એણે સ્ટેટ્સ અપડેટ કર્યું કોફીશોપનું ..
ત્યારે આપણે બહુ એવા એક્ટિવ નહી સોશિયલ મીડિયા ઉપર .. એવું માનતો કે બધું હગ્યું પાદયું ક્યાં લોકોને કેહવુ..!
મેં કીધું અલ્યા રહેવા દે ને ગામને ક્યાં કહેવાની જરૂર છે કે અત્યારે અડધી રાતે આપણે અહીંયા છીએ ..અને કોઈને શું પડી હોય કે આપણે શું કરીએ એ જોવાની ?
મૂળે ગુજરાતી અને બેંગલોર આવી વસેલો એ મિત્રે જવાબ આપ્યો .. બકા શૈશવ, આખા ગામને એકબીજાની પંચાતો ફૂટવાની મજા આવતી હોય છે , દરેકે દરેક જણ બીજાનું સ્ટેટ્સ જોતો જ હોય છે , લાઈક આપે કે ન આપે પણ જોવે તો ચોક્કસ ..અને આપણે ક્યાં બીજું કશું કેહવુ છે કે આપણે શું વાત કરી કે બીજી કોઈ ડિટેઇલ નાખવી છે , તારા જેવા એ તો ડિટેઇલ પણ નાખવી જોઈએ તો લખોટાઓમાં થોડી આવે..
મેં કીધું અલ્યા આલ્કોહોલ ઉપર કેફીન જરાક વધી ગયું કે શું ? હજી મારે જ ખૂટે જ છે એમાં ગામને ક્યાં આપવી ?
પણ એ જરાક મને કન્વીન્સીઇંગ્ લાગ્યું , એ પછી મેં નાની નાની અપડેટ નાખવાની ચાલુ કરી , મજા આવી, જુવે છે બધ્ધા , શરૂઆતમાં લાઈક કરે કે ના કરે પણ જુવે બધ્ધા ,
એક વાત એવી પણ હતી જીવનમાં કે ઘણા બધા એ લાફા મારી મારીને અમને ડફોળ સાબિત કરી દીધા હતા , પોતાના સંતાનો મોરલા અને અમે કાગડા એવી વાત હતી , વત્તા જે પહોંચી વળે એવા નહોતા એમને મારી ઉડાવવાનો અનેરો આનંદ આવે , ટૂંકમાં એક સમય એવો ખરો કે શૈશવ પોતાની જાત ને અંડર એસ્ટિમેટ કરતો.. અને એ પણ ભયાનક રીતે ..
આજે પણ અમુક લોકો હજી એ જ પાછલી જિંદગીમાં જીવે છે અને પોતાની ક્ષણિક સફળતા, પોતાના માપદંડ એ માપેલી અને એ સમયની મારી “નિષ્ફળતા” ને મારા સંતાનો સામે મોટે મોટેથી બોલી અને મને ઉતારી પાડવાની ગજ્જબ પણ મિથ્યા કોશિશ કરે , જો કે સદ્દનસીબે સંતાનો એમની ઉંમર કરતા વધારે મેચ્યોર છે, કારણ એક જ છે કે કોઈ પણ પ્રકારનું પુસ્તક હાથ ચડે એ વાંચી જ લેવાની એમને આદત છે એટલે આછકલાઇ ને ઝટ સમજે..
બીજી તરફ એવા લોકો પણ જીવનમાં મળ્યા હતા અને આજે પણ છે કે જેમણે બિનશરતી પ્રેમ કર્યો છે , ક્યારેક ઘેલા , વેવલા ના લેવલે જઈને..
સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ થયા પછી મજા ત્યાં આવી પ્રેમ કરનારાની સંખ્યા વધી એના કરતાં ખુલીને ઓળખાણ થઈ , પેલા જે ગાંડાવેડા કરતા , જે પોતાના અહંકારથી આત્મવિશ્વાસ કેળવી અને એમાં રાચતા એવા લોકો ધીમે ધીમે દૂર થતા ગયા..
પછી બ્લોગ લખવાનો ચાલુ કર્યો , એમાં પણ એવુ થયું વાંચે બધ્ધા અને એ પણ રસપૂર્વક .. ક્યારેક બહુ જ વિદ્વાન લોકો કે જેમના માટે મને બાળપણથી જ અહોભાવ એવા લોકો પીઠ થાબડે ત્યારે મજા આવે..
હવે ખબર કેમની પડે કે લોકો વાંચે છે ?
તો કહે રૂબરૂ મળીએ ત્યારે ભયંકર સ્પીડમાં કનેક્ટ થઈ જાય , જાણે જન્મોજનમની ઓળખાણ ..!!
હા ક્યારેક એવું પણ થયું કે લખ્યું કોઈકને ધારીને અને પાઘડી કોઈક બીજો પેહરી લ્યે..
બહુ મજા આવે આવા કેસમાં આપણને ખબર પડે કે મનમાં કેવા કેવા વિચારો અને પૂર્વગ્રહો લઈને બેઠા છે …
પછી કોઈ વિદ્વાને સલાહ આપી કે વ્યક્તિને ટાર્ગેટ ના કરો પરિસ્થિતિ ને ટાર્ગેટ કરો ,
ત્યારે મારો પ્રશ્ન એવો હતો કે વ્યક્તિને કારણે જ પરિસ્થતિ નું નિર્માણ થાય છે ને સાહેબજી ? જવાબ સુંદર મળ્યો હતો , પરિસ્થિતિ અને વ્યક્તિ બધું એક જ છે પણ પરિસ્થિતિને થાળે પાડવા કે ઉકેલવાનો રસ્તો મળે તો વ્યક્તિ નું જીવન આસન બને અને વ્યક્તિને ટાર્ગેટ કર્યા કરો તો પરિસ્થિતિ વણસી જવાના ચાન્સ વધારે રહે ..
એટલે એ પછી બને ત્યાં સુધી વ્યક્તિને ટાર્ગેટ કરવાનું ટાળું અને પરિસ્થિતિને ટાર્ગેટ કરું એટલે એક સાથે વધારે લોકો જોડાઈ જાય ..
પણ મૂળ મુદ્દો એ ખરો કે કેટલું એક્ટિવ રહેવું ?
એક્ટિવ રહેવામાં પણ પ્રોબ્લેમ નથી અને ઈન એક્ટિવ રહેવામાં પણ પ્રોબ્લેમ નથી , પ્રોબ્લેમ ત્યાં છે કે કોઈના લખાણ કે ફોટોગ્રાફ્સ જોઈને કે વાંચી વાંચીને પબ્લિકલી જજમેન્ટલ થઈ જાવ અને એમ માની લ્યો કે આ તો આવો જ છે કે આવી જ છે..
એવા પણ અનુભવ ખરા કે એવી એવી વ્યક્તિઓના એવા રંગ બદલાય કે એકવાર તો ગભરામણ કરવી નાખે તમને , સુંદર રુપાળી સાડીમાં ફોટા મૂકતી તમારી નજીક આવી અને સોળ ઇંચના બાય્સેપમાં નખ ભરાવીને ચુંટલો ખણે, ત્યારે એમ થઈ જાય બળ્યો આ પુરુષનો અવતાર … કોઈને કેહવાય પણ નહીં અને સેહવાય પણ નહીં ..
આદમ ટીઝિંગ જેવો કોઈ કોન્સેપ્ટ જ નહીં..
કેહવુ કોને ..??
સોશિયલ મીડિયાથી ધારી લેવું નહીં કે સત્તપુરુષ જ છે કે સન્નારી જ છે.. એનાથી ઊંધું પણ થાય ટૂંકડા ટૂંકડા કપડા લપેટીને ફોટા મૂકતા હોય પણ એટલી અદબથી મળે સર સર કહેતા જીભના સૂકાય .. અને બે ફૂટ દૂરથી વાત કરે ..!!
સોશિયલ મીડિયાની દુનિયાને હું આભાસી જગત કહું છું ,જ્યાં સચ્ચાઈને જેટલી છુપાવવી હોય એટલી છુપાવી શકો અને સચ્ચાઈમાં થોડું જૂઠ ઉમેરી અને ગડબડ બહુ આસાનીથી કરી શકો , પણ એમાં મજા નથી..
એક સાદી સીધી વાત છે કે જનસાધારણની ફોનબુકમાં મોટેભાગે છસો થી સાતસો કોન્ટેક્ટ હોય , એનો મતલબ એવો થાય કે એટલા લોકો સાથે તમારે ટુ વે કોમ્યુનિકેશન છે , અને બાકીના જગત સાથે કોમ્યુનિકેશન છે જ નહી અથવા તો વન વે કોમ્યુનિકેશન,
વન વે કોમ્યુનિકેશન એટલે અમિતાભ બચ્ચનને હું એમ માનું કે હું એમની દરેક વાત જાણું અને રગે રગથી ઓળખું પણ એ મને જરાય ના ઓળખે , છતાંય હું એમને સલાહો ઠોક્યા કરું ..
શું ફર્ક પડે ? એમની ટાઈમ લાઇન ઉપર જઈને કશું લખી આવું તો ? લગભગ નહીં..
હા મારા મનના ઓરતા પૂરા થાય જે ભડાસ નીકળે .. વધારાનું કશું જ નહીં ..!
ઘણા લોકો બાય ચોઇસ આ મીડિયાથી દૂર રહે છે ,ઠીક છે મરજી એમની પણ હવે સાલ ૨૦૨૫ અંત તરફ ધસી રહી છે ત્યારે એમ લાગે કે સોશિયલ મીડિયાથી દૂર રહીને પણ કોઈને કશું છુપાવવું હોય તો એ છુપાવી શકે એવી પરિસ્થિતિમાં રહ્યા નથી..
આપણો મોબાઈલ બધું જ સાંભળે છે જોવે છે અને જાણે છે …
મને તો ત્યાં સુધી લાગે છે કે આપણા કોન્ટેક્સ્ટ્સ માં જઈને જે તે માણસો કોણ છે એની પણ તપાસ કરી અને આપણી આખે આખી કુંડળી કાઢીને આ મોબાઇલ એ મૂકી રાખી છે..
જીવન એવું છાનું રહ્યું જ નથી એટલે સામેથી પત્તા ખોલી નાખવા ..
ત્યારે શું વળી ..
અરે હા એક છેલ્લી વાત .. એક વીરલો પરણ્યો , જુગતે જોડું, લગ્નના ફોટા આવ્યા સોશિયલ મીડિયા ઉપર , મજા આવી , ભવ્ય લગ્ન હતું , કપડા ઘરેણા ડિટેઇલ થી જોયા જાણ્યા ,
પછી ગયા હનીમૂન ઉપર મોરેશિયસમાં…
સાલું ત્યાંથી પણ ડીટેઇલ ફોટોગ્રાફ્સ આવે …
અહીંયા અડધું અમદાવાદ ઊંચું નીચું..
પણ મારા જેવાને ટેન્શન બીજું… આવા ફોટા પાડી કોણ આપતું હશે આ બંને ને ????????
બોલો બોલો…
ચાલો અહીં અટકું , આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*