સેરોગસી વિધેયકને કેબીનેટએ મંજુરી આપી ..
ઘણા વર્ષોથી સેરોગસીના નામે ચાલતી હરામખોરીનો અંત લાવવાનો એક ઈમાનદાર પ્રયત્ન થયો હોય એવું લાગી રહ્યું છે,
એક ડોક્ટર માતાપિતાનું સંતાન હોવાને લીધે સેરોગસીને બહુ જ નજીકથી ઘણા બધા વર્ષો પેહલાથી હું ઓળખું છું,
અને આ ફિલ્ડમાં ચાલતી નાલાયકી હરામખોરી ખુબ જ નજીકથી મેં મારા મમ્મી પપ્પાના મોઢે સાંભળેલી છે અને જોયેલી છે અને જાણેલી છે..!
મારા મમ્મી પપ્પા કદાચ એથીકલ પ્રેક્ટીસ કરતા ડોક્ટરની છેલ્લી પેઢી છે કે જે કન્સલ્ટેશન ફી ક્યારેય નથી લેતા, ફક્ત અને ફક્ત દવા આપે તો જ પૈસા લેવાના અને બ્લડ પ્રેશર લગભગ મફતમાં માપી આપવાનું..અને પેશન્ટને બને ત્યાં સુધી દવા નહિ આપવાની, જરૂર પુરતી જ દવા આપવાની અને કમીશન પેટે ક્યારેય એક રૂપિયો નહિ લેવાનો..
સેરોગસીની શરૂઆત તો ખુબ જ આશા સાથે થયેલી હતી, લગભગ બે દસકા પેહલા સેરોગસીની શરૂઆત થઇ..એક માતાનો ગર્ભ બીજી સ્ત્રીમાં ઈમ્પ્લાન્ટ કરવાનો અને વાંઝીયામેણું ભાંગવાની વાત હતી,
પણ જેમ જેમ છેલ્લા બે દસકામાં મેડીકલ પ્રોફેશન કમર્શિયલ થતો ગયો, અને એક ઇન્ડસ્ટ્રીઝ નું રૂપ લેતો ગયો તેમ તેમ સેરોગસીનું પણ ગજબ માર્કેટિંગ થયું અને માર્કેટિંગ પણ કેવું થયું..? એકદમ મોટા પાયે..!!!
આખી દુનિયામાંથી ગે કપલથી લઈને સિંગલ પેરેન્ટ બધા જ સેરોગસી ના રવાડે ચડી ગયા..અને બધા હિન્દુસ્તાનમાં ઉતરી પડ્યા અને પાંચ, સાત, દસ, પંદર લાખ રૂપિયામાં સેરોગસી કરાવી એક છોકરું લઈને પોતાના દેશ ભેગા..
ડોલરમાં કિમત થાય માટે આ આંકડો પાંચથી પંદર લાખનો આવે ..!
ડોલરિયો “ઘરાક” હોય તો પછી ડોકટરે પાછુ વાળીને જોવાનું નહિ..!!
સેરોગસી એવા પેશન્ટ માટે હતી કે જેમને ફાઈબ્રોડસ હોય કે પછી યુટરસની સ્ટ્રેન્થ ઓછી હોય અને પ્રેગનેન્સી કેરી ના કરી શક્તી હોય એવી સ્ત્રીઓ માટે સેરોગસી હતી, અને એવા પેશન્ટ માટે આ પ્રક્રિયા આશીર્વાદ રૂપ થઇને આવી હતી, પણ પછી ધીમે ધીમે હરામખોરી નો પ્રવેશ થયો..
પેહલા તો મેઈલ ચાઈલ્ડ નું ચક્કર ચાલ્યું, જો ફીમેઇલ ચાઈલ્ડ હોય તો ત્યારે જ પતાવી દેવાનું પછી હોબાળો થયો અને છેલ્લા દસકામાં બેટા બેટી એક સમાનની માનસિકતા આવી અને અનેક છોકરીઓ વધેરાતી બચી ગઈ..
પણ મને ખરેખર ઝાટકો ત્યારે લાગ્યો કે અભિનેતા જીતેન્દ્રનો છોકરો તુષાર કપૂર પરણ્યો નથી, પણ એણે સેરોગસીથી એક છોકરો પેદા કર્યો છે..લક્ષ્ય કપૂર એનું નામ..!
શાહરૂખ-ગૌરી અને આમીર-કિરણ એ તો સેરોગસીના જુના થઇ ગયેલા ઉદાહરણો છે..!
આ ફિલ્મી લોકોએ પોતાનો “શોખ” પૂરો કરવા માટે સેરોગસીથી છોકરા પેદા કર્યા..!
નવા સેરોગસી કાયદા પ્રમાણે હવે પરણ્યા વિના સેરોગસી નહિ થઇ શકે,સમલૈંગિક અને વિદેશી કપલ હવે હિન્દુસ્તાનમાં સેરોગસી નહિ કરાવી શકે..
અત્યારે ગુજરાતના ખેડા જીલ્લાના ઘણા બધા ગામોમાં અને અમદાવાદના પૂર્વ વિસ્તારના નગરોમાં રીતસર જીપ લઈને ચાર પાંચ સ્ત્રીઓ અને બે ત્રણ પુરુષો ઉતરી આવે છે, અને સેરોગસી માટે નીચલા વર્ગની સ્ત્રીઓને લલચાવે છે,
પેહલા હોર્મોન નું એક ઇન્જેક્શન લેવાનું અને પેહલા ઇન્જેક્શનના જ દસ હજાર આપવાના અને પછી પેથોલોજી ટેસ્ટ થાય, ઓકે લાગે તો બીજું ઇન્જેક્શન અને દસ હજાર રૂપિયા અને ફરી એકવાર પેથોલોજી પછી ત્રીજા ઇન્જેક્શન નો વારો આવે અને ત્રીજા દસ હજાર..
ખાલી ત્રણ (હોર્મોન) ઇન્જેક્શનના થાય ત્રીસ હજાર, અને પછી જો એ સ્ત્રી ફીટ હોય તો દોઢ થી બે લાખ રૂપિયા પ્રેગનેન્સી કેરી કરવાના,અને સારું સારું ખાવાનું અને દર મહીને મેડીકલ ટેસ્ટ ..ઓવર ઓલ એક સેરોગસી ના લગભગ અઢી લાખ રૂપિયા મળે છે..અને ચાર પાંચ પ્રેગનેન્સી કેરી કરે તો દસ બાર લાખ રૂપિયા આરામથી મળે અને ક્યારેક વિદેશી દંપતી હોય તો સામેથી બીજા લાખે એક રૂપિયા વધારાના મળી જાય..
અને ડોક્ટર એક સેરોગસી ના લગભગ આખી પ્રોસેસના દસ લાખથી પંદર લાખ તોડી લે..!! જેવું ઘરાક..!
મારી બાજુની ફેક્ટરીનો એક કારીગર એની વહુને ઓછામાં ઓછી આઠ થી દસ વાર ઇન્જેક્શન(હોર્મોન) ખાવા લઇ ગયો હતો..!
મેં મારા કારીગરોને કીધું પણ ખરું કે ઝાલી લાવો સાલાને પણ ભાંડો ફૂટી જતા એ એની બૈરી ને લઈને ગાયબ થઇ ગયો..!
જબરદસ્ત મોટા પાયે આ સેરોગસીનું દુષણ ફૂલ્યું ફાલ્યું છે અને વટવૃક્ષ થઇ ગયું છે..!
સેરોગસીની શરૂઆત હું મહાભારતથી થયેલી જોઉં છું ભારતવર્ષની પેહલી સેરોગેટ મધર કૃષ્ણના મોટાભાઈ બલરામની માતા રોહિણી હતા.. કંસના પ્રકોપથી બચવા દેવકી એ બલરામ નો ગર્ભ રોહિણીમાં ઈમ્પ્લાન્ટ કરી નાખ્યો હતો અને રોહિણી એ ફીટસ એના યુટરસમાં લઇ અને નંદગામ જઈને નવ મહિના સાચવ્યો અને બલરામ ને જન્મ આપ્યો..!
મહાભારતકાળમાં ગર્ભશાસ્ત્રમાં બહુ જ પ્રયોગો થયા છે..પાંડવો કૃત્રિમ વીર્યદાન અને કૌરવો ક્લોનીગ અને કૃષ્ણનો જન્મ પણ એક બહુ જ મોટો પ્રયોગ હતો એ ફરી ક્યારેક ..
સેરોગસી ની ફેવર માટે દલીલ એવી કરવામાં આવે છે કે કાળી મજુરી કરતી સ્ત્રીને થોડાક વધારે રૂપિયા મળતા હોય અને કોઈના ઘેર પારણું બંધાતું હોય તો શું ખોટું છે..?
આટલી સીધી અને સાદી વાત હતી ત્યાં સુધી વાંધો નથી,પણ સેરોગસીનું માર્કેટિંગ થયું અને રીતસરનો વેપલો ચાલુ થયો કુખનો, કેટલી બધી સ્ત્રીઓને મજબુર કરવામાં આવી સેરોગસી માટે પણ એ વાત ક્યારેય બહાર ના આવી..
એકપણ સેરોગેટ મધર આજ સુધી બહાર આવી અને પોતાની ઓળખાણ છતી કરી ગઈ નથી..!
ખાલી સેરોગસી ઉપર ના કાયદા બનાવવાથી બહુ લાંબો ફરક નથી પડતો, મેડીકલ પ્રોફેશનમાં ચાલી રહેલી “માલ પ્રેક્ટીસ” અને “કમીશન પ્રેક્ટીસ” પર લગામ ક્યારે અને કેવી રીતે લાગે છે એ હવે જોવાનુ છે..!
અને આપણા “લાડકા” અભિનેતાઓ ને કૈક સામાજિક પનીશમેન્ટ આપી અને દાખલો બેસાડવાની ફરજ પાડવામાં આવે એવી પણ સામાજિક સંસ્થાનો પાસેથી અપેક્ષા સહ ..
શુભ રાત્રી
શૈશવ વોરા