ગઈકાલે રાત્રે એક ચેનલે લગભગ રાત્રીના ૧૦:૪૦ એ સુષ્માજીના નિધન ના સમાચાર વેહતા કરી મુક્યા હતા, પછી એ ચેનલના સ્ક્રીનશોટ વાઈરલ થઇ ગયા..
લગભગ બધા વોટ્સ ગ્રુપમાં વાઈરલ થયા હતા , એટલે અમે ગુગલ દેવતાને પૂછ્યું પણ એ મૌન હતા, અમારું મન પણ માનતું નોહતું કે સુષ્માજી આટલી જલ્દી જતા રેહશે..આ પેહલા પણ ઘણી બધી વખત ટ્રોલ કરનારી પ્રજા એમને યમસદન પોહચાડી ચુકી હતી,
પરિણામે પેહલા તો જે કોઈ ગ્રુપ માં સંદેશ હતા એમાં અમે જાત્તે મેદાનમાં આવી ને ખંડન કર્યા પણ પછી એઈમ્સમાં એક પછી એક મંત્રીગણ આવતા ગયા એવા સમાચાર આવતા થયા અને છેલ્લે કાર્ડિયાક એરેસ્ટ છે એવી વાત આવી ..
બસ પછી તો નક્કી થઈ ગયું કે યમરાજ એઈમ્સ દિલ્લી આંટો મારી ચુક્યા છે અને સુષ્માજીને યમસદન લઇ ગયા ..!
જીવનનું પરમ સત્ય એટલે મૃત્યુ ..
છતાંય એનો જીવનભર ઇનકાર કરતા, નકારતા, એનાથી ભાગતા ફરતા જીવી રહ્યા છીએ આપણે બધ્ધા..!!
છેલ્લા બે દિવસથી ૩૭૦ ઉપર બધું ચાલી રહ્યું હતું અને પ્રજા પણ ઘેલી ઘેલી થઇ હતી, ચારેબાજુ ઉન્માદ છવાયેલો રહ્યો પણ સુષ્માજીની અણધારી વિદાયએ લગભગ બધાને જમીન ઉપર લાવી મુક્યા અને પરમ સત્ય ને ઉજાગર કરી મુક્યું..!!
અણધાર્યા આવી પડેલા મૃત્યુ એ ભારત વર્ષની ખુબ જ ખાનાખરાબી કરી મૂકી છે એ પછી મોહનદાસ ગાંધી હોય કે લાલબહાદુર શાસ્ત્રી ..!
મજબૂતીથી ૩૭૦ કાઢી છે પણ એનો અમલ હવે નજાકતથી કરાવવો રહ્યો,
લાલચોકમાં ગાંઠિયાનું દુકાનો ખોલાવી છે ..
ભાઈ મારા લાલચોકમાં હજી ગઈકાલ સુધી મારા તમારા જેવાને આંટો મારતા પણ ફીણ નીકળે એવી હાલત હતી, અમે લાલચોકમાં આંટો મારી ચુક્યા છીએ અને ત્યારે જે વીતી છે એ ફરી ક્યારેક..પ્રેક્ટીકલી તાતા સુમોમાં સીટ નીચે બેસાડીને શ્રીનગરથી પેહલગામ શૈશવ ને લઇ જવાયો હતો અને ત્યાંથી શ્રીનગર એરપોર્ટ ..!
ઘણા બધા કશ્મીરી તમને અને મને ઇન્ડિયન કહીને બોલાવે છે..સમય આવ્યો છે હવે એમને ઇન્ડિયન બનવવાનો ..
કશ્મીર ની લાડી ને રાજકોટ નો વર એવા કેટલા બધા મેસેજીસ વાઈરલ થયા છે..
શું છે આ બધું ?
કેમ આવો આટલો બધો હુંકાર ?
મતો ને આધારિત લોકતંત્રને સ્વીકાર્યા પછી આવું તાલેબાની આચરણ કે વિચાર કેમ ?
આપણે આઠસો વર્ષ પેહલાના ક્રૂર ઇસ્લામિક શાસકો ના યુગમાં જીવીએ છીએ ?
જ્યાં વિજેતા હારેલાની પત્ની બેહનો ને ઉઠાવી અને લઇ જતા ..!!
કેવી રીતે આવી કલીપ ફેરવાય ?
કાશ્મીરમાં પ્લોટ લેવા છે ,
અલ્યા એ`ઈ સાણંદમાં કેટલા પ્લોટ તારા પડ્યા છે હે ? ધોલેરામાં ?
રાણી નો હજીરો જોયો છે ખરો ?
કેટલી ગંદી માનસિકતા બતાડી છે વોટ્સના મેસેજીસ ફેરવવામાં આપણે ..!
૩૭૦ ના જવાથી કાશ્મીરનો એ વર્ગ જે પોતાને ભારતથી અલગ જોઈ રહ્યો છે એને પ્રેમ થી ભારતમાં સમાવી લેવાનો સમય છે એને બદલે આપણે આવું વર્તન કેમ કર્યું ?
આપણે તો દૂધ નો છલોછલ ભરેલો કટોરો છીએ,
ઉકરડે જતી ખાટી છાશ નથી..!
સંજાણ બંદરે ઉતરેલાને સમાવી લીધા અને એમને ઉગવા દીધા ઉછરવા દીધા ..મળ્યું શું ?
તાતા થી લઈને ફિલ્ડમાર્શલ માણેકશા ..કયું ફિલ્ડ બાકી છે કે જ્યાં દૂધમાં ભળેલી એ સાકર ના પોહચી હોય..?
લોખંડી જાપ્તા હેઠળ રહેલા કશ્મીરમાં આજે ડોવાલ સાહેબ મલમ લગાડવા પોહચી ગયા છે, એકલા ડોવાલ સાહેબથી નહિ ચાલે એક એક રાજકીય પક્ષ એ કાશ્મીર ને મુખ્યધારા સાથે જોડવા માટે શ્રીનગર ઉતરી પડવું પડશે ..
ત્રણ ત્રણ પેઢીથી પીવડાવેલા વિષ ને સાચી રીતે સમજાવીને બહાર કાઢવાનો સમય છે હવે..
પાકિસ્તાની મૂળ ના તારક ફતાહ ને જો સાચા માનીએ તો ગઝવા એ હિન્દ ની મેલી મુરાદ વાળા ને હિન્દમાં ઘુસવાનો રસ્તો એકમાત્ર કાશ્મીર હતો ,૩૭૦ કાઢ્યા પછી એમના માટે એ રસ્તો બંધ થયો છે ,પણ હજી ત્યાં એક જબરજસ્ત મોટી વિશ્વાસની દિવાલ ઉભી કરવાની છે કે જેથી કોઈ હિન્દ ઉપર નજર સુધ્ધા ના નાખી શકે..
કશ્મીરને વેપાર ધંધાની જરૂર છે ,પ્લોટો લઇ ને પડી રહે એવા ઇન્વેસ્ટરની નહિ , પ્લોટો લઈને પડી રેહલા ને લીધે આખા દેશમાં જે નખ્ખોદ વળ્યું છે એ આજે દરેક નજરની સામે જ છે..!
બહુ જ નાજુક તબક્કામાંથી દેશ પસાર થઇ રહ્યો છે , ઘરના ભેદી લંકા પાડે એવી વાત છે..
જગતમાં આર્થિક મોરચે અમેરિકા અને ચીન એ જબરજસ્ત યુદ્ધ છેડ્યું છે પોતાની કરન્સીને હંમેશા છાતીએ ચાંપીને બેઠલા ચીન એ પોતાની કરન્સીનું અવમુલ્યન કરી મુક્યું છે એટલે ચીની પ્રોડક્ટ્સ વધારે સસ્તી થઇ જશે..અમેરીકાની બેન્ડ વાગશે ..
ભારત પાસે વિદેશી મુદ્રાનો ભંડાર હાઈએસ્ટ લેવલે છે ,પણ મંદી માથે ડાકલા વગાડી રહી છે , પાડોશી ભિખારી થઇ ચુક્યો છે અને અમેરિકાને વહાલા થવા અફઘાન ની સામે બાથ ભીડવા તૈયાર થઇ ગયો છે..
૩૭૦ નું આ પગલું એટલે પણ સમયસરનું કેહવાશે, મેજર જનરલ બક્ષીની વાત માનીએ તો જો અમેરિકા ખરેખર અફઘાન આતંકીઓ ને ત્યાંથી ખદેડે તો એ કશ્મીરમાં આવી ને ભરાય એવી પૂરી શક્યતા હતી..
સંક્રાંતિનો કાળ ચાલી રહ્યો છે , છત્તર ભંગ ના યોગ છે ..
મર્યાદાપૂર્ણ વર્તન જ શોભે ..
લખી રહ્યો છું ત્યારે એક સંપૂર્ણ મર્યાદાપૂર્ણ જીવન પંચમહાભૂતમાં વિલીન થઇ રહ્યું છે ..!!
શત શત નમન વિદુષી તમને..
આ દેશમાં જયારે જયારે વિદુષીઓ ના નામ લેવામાં આવશે ત્યારે અર્વાચીન યુગની એક મહાન વિદુષી હોવાનું સન્માન આપને ફાળે જાય છે..!
મહાદેવ શરણમાં લેજે..!
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*