FB 2666 –
‘मन…
शरीर स्वस्थ है । शरीर ने जीना सीख लिया ।
विद्या परिपूर्ण है । प्रज्ञा ने जीना सीख लिया ।
विवेक समर्थ है । विवेक ने जीना सीख लिया ।
कर्म संयुक्त है । कर्म ने जीना सीख लिया ।
लेकिन जिसके लिए ये सब किया, वह मन, न अपने अधिकार छोडता है, न जीना सीखता है ।’
: )))
~ Ef S
ક્યારેક કોઈક એવી બે ચાર લીટીઓ વંચાઈ જાય જે મધરાતે જીવવા ના દે ,અને વિચારવા માટે મજબુર કરી મુકે..
આમ તો બસ્સો ત્રણસો પત્તા હોય તો શાંતિથી ફાડી ને ચાવી ખાઈએ, પણ એ જ બસ્સો ત્રણસો પત્તામાં ક્યારેક તમને બે ચાર લીટીઓ હેરાન પરેશાન કરે અને મારા જેવો પાછો એનો ફોટો પાડે અને દિવસભર વાંચ્યા કરે ..
બીટવીન ધ લાઈન્સ ..
ક્યારેક કવિ એ કે લેખકે ના વિચારેલા અર્થ પણ કાઢી લેવાતા હોય છે અને ક્યારેક અનર્થ પણ કાઢી લેવાય ..
ઉપરની આખી પોસ્ટ ઉપરની શ્રી અમિતાભ બચ્ચન દ્વારા મધરાતે મુકાઈ છે ફેસબુક ઉપર , વ્યક્તિ મટી અને આખી યુનિવર્સીટી થઇ ચુકી છે હવે અમિતાભ બચ્ચન..!!
માતાપિતા ના અનેકો અનેક વારસા હોય છે, મધ્યમવર્ગના લોકો આપણે ફક્ત ભૌતિક જગતના વારસા ને જ વારસો ગણતા હોઈએ છીએ ને ક્યારેક વધીને બે ચાર મુલ્યો કે નીતી ને વારસો માનીને પૂર્વજ ને ભૂલી ને અગ્રજ ની સેવામાં જોતરાઈ જતા હોઈએ છીએ ,પણ ક્યારેક ઝીણવટથો પૂર્વજના વારસાના કોડ ઉકેલવાની કોશિશ કરીએ તો એમ થાય કે આટલું બધું મુકતા ગયા છે..?!!!!
સાહિત્યિક વારસો ,અધ્યાત્મિક વારસો ,સેવાકીય વારસો ,કલા નો વારસો…બીજા અનેક પ્રકાર વારસા ના હોઈ શકે છે અને છે પણ ખરા..પણ ભૌતિક જગતથી દૂર થવું પડે પેહલી જ શરત..!!
એની વે ઊંઘ તો ઉડાડી જ મૂકી છે બચ્ચનદાદા એ આજે..!!
મન માટેની પોસ્ટ મૂકી ને.. હું તો આજે એમણે જે ચાર પાંચ લીટીઓ લખી છે ત્યાં જ અટકી ગયો છું..!!
એક પછી એક લીટી પકડું છું અને જે જે વિચારો આવે તે લખું છુ..
शरीर स्वस्थ है । शरीर ने जीना सीख लिया ।
શરીરનું સ્વસ્થ હોવું.. ચાલીસી સુધી તો શરીર નું અસ્વસ્થ હોવું એ શું એની લગભગ તમાં જ નથી હોતી, બધા શરીર લગભગ સ્વસ્થ જ હોય છે છતાંય શરીર પ્રત્યેની સભાનતા ઘણા લોકો ને નાની ઉંમરમાં આવી જતી હોય છે ,મને તો બહુ મોડી આવી હતી , બે ઓપરેશનો થયા પછી આવી , અને ત્યારે ઓપરેશન ટેબલ ઉપર પણ એનેસ્થેસિયા ની જે “મસ્ત” ઊંઘ આવે છે એની લાલસા હતી..!!
કેટલો બેદરકાર મારા પોતાના શરીર માટે..!!
પાછળથી ભાન થયું કે શરીર ને સ્વસ્થ રાખવું પડશે, જે મેળવવાનું છે જીવનમાં એનું “સાધન” શરીર જ છે ,ભલે નાશવંત ગણીએ પણ એના થકી જ આ સંસાર છે મોહ ,માયા બધું જ છે.. શરીર વિનાની પાકીને આવતી ઇન્સ્યુરન્સ ની પોલીસી કોઈ જ કામની નથી ..!!
સાદો દાખલો ભરપુર ડાયાબીટીસ જોડે જીવતા લોકો ની સામે થાળ ભરી ને મીઠાઈ પડી હોય જીભ લબકારા મારે પણ ઝેર સમાન થઇ જાય , હમણાં જીમનો એક મારા જેવડો જણ ૪૨ કિલોમીટર દોડી ને આવ્યો અને દર રવિવારે એક કિલો શીરો ખાવાનો એટલે ખાવાનો..!! ગળ્યું કશું જ છોડવાનું નહિ..
એના શરીરે જીવતા શીખી લીધું કેહવાય..!!!
દુનિયા ની નેવું ટકા પ્રજાના શરીર જીવતા છેવટ સુધી શીખતા જ નથી ફક્ત અને ફક્ત પ્રયત્ન કરતા હોય છે..
શીખવું પડશે ..શરીર ને શીખવું જ પડશે જીવતા તો જ સ્વસ્થ રેહવાશે..!! અને જીવવા માટે શરીર થોડીક શરતો પળાવે છે અને પેહલી શરત છે નિયમિતતા..લાવવી જ રહી નહિ તો બધું બેકાર જશે..!!
विद्या परिपूर्ण है । प्रज्ञा ने जीना सीख लिया ।
વિદ્યા ની પરિપૂર્ણતા.. બાપરે નહિ થાય આજીવન વિદ્યાર્થીભાવ કેળવતા કેળવતા દમ નીકળ્યો છે કેટ કેટલા “અપમાનો સહન” કર્યા છે ત્યારે વિદ્યાર્થી ભાવ જીવે છે અંદર અને એમાં પરિપૂર્ણતા ?
પૂર્ણતા જ નથી આવતી તો પરિપૂર્ણતા તો ક્યાંથી ?
મને તો પૂર્ણતા એ ખાલીપો લાગે અને પરિપૂર્ણતા તો સન્નાટો.. હા ક્યારેક કશું પૂર્ણ કરીએ તો હળવાશ લાગે પણ બે ચાર ક્ષણની અને પ્રજ્ઞા ઉર્ફે બુદ્ધિ .. ચિત્ત ,મન ,બુદ્ધિ અને સૌથી મોટો આ બધા જોડે જોડાયેલો અહંકાર ,નક્કી જ ના થાય કે અહંકાર છે કે આત્મવિશ્વાસ,
મેં તો એક સાદો નિયમ તારવ્યો કે હું જે બોલી રહ્યો છું કે કહી રહ્યો છું એમાં સામે વાળો કન્વીન્સ થાય તો મારો આત્મવિશ્વાસ ,અને જો સામેવાળો દુભાય તો મારો અહંકાર ..!
તો તો બંને ટર્મ “સાપેક્ષ ટર્મ” થઇ ગઈ આ તો ,એવું કોઈ કેહશે પણ આપણે જીવીએ છીએ પણ સાપેક્ષ ને, આપણા સુખ દુઃખ બધું સાપેક્ષ જ છે ને ..!!
નિર્લેપ ,નિ:સ્પૃહી રહી ને જીવતા તો ક્યારેય શીખવાડવામાં આવતું જ નથી આપણને..!!
ચાલો એક સમય આત્મવિશ્વાસ અને અહંકારને બંને ને બાજુ ઉપર મૂકી દઈએ અને પ્રજ્ઞાજીવનની વાત કરીએ તો પણ તમસ જ તમસ ચારેબાજુ..જ્ઞાન ની જ્યોતિ થોડોક પથ ઉજાગર કરે પછી પાછા ઠેર ના ઠેર ..!!
પ્રજ્ઞા ને જીવતા શીખવાનું બાકી છે..!!
विवेक समर्थ है । विवेक ने जीना सीख लिया ।
વિવેક સમર્થ છે .. ના નથી , કેવી રીતે હોય ? વિવેક ને સામર્થ્ય મેળવવા માટે નમ્રતા કેળવવી પડે અને નમ્રતા માટે તો સન્માનની ભાવના , દરેક માટે સન્માન ની ભાવના કેળવતા કેળવતા તો દમ નીકળી જાય ,અંદર તો ઠાંસી ઠાંસી ને ભડાસ ભરી છે , તોડી નાખું તબલા ને ફોડી નાખું પેટી એના સિવાય ની તો વાત નથી થતી ત્યાં બીજા માટે સન્માન ની ભાવના ક્યાંથી આવે ?
ક્યાંથી શરુ કરવી ? ઘરમાંથી બીજે ક્યાં હોય ? પેહલા માતાપિતા અને પછી જેમ જેમ જીવનમાં આવતા ગયા હોય એ બધા જ પ્રત્યે સન્માનની ભાવના કેળવવી રહી એક બહુ જ એક્ટીવ માણસના જીવનમાં મેક્સીમમ હજાર માણસ હોય કે જેમની સાથે એ લાઈવ સમ્પર્કમાં રેહતો હોય બાકી સમાન્યત: આ આંકડો બસ્સો અઢીસો સુધી માંડ જાય..!!
શક્ય છે ? બસ્સો અઢીસો વ્યક્તિ માટે પણ સન્માનની ભાવના રાખવાની અને વ્યક્ત કરવાનું ?
થાય ,ચોક્કસ થાય પણ પેહલા એમનામાંથી કોઈ એક ગુણ શોધવો પડે અને એ ગુણ માટે આદર કેળવવો રહ્યો પછી આવે માન અને સન્માન ત્યારે વિવેક ને સામર્થ્ય મળે બાકી તો હેં જી ? શું કહો છો આપ ? હા હા કેમ નહિ ? આપ કહો ને ન થાય ?
આવા બધા ઉદ્ગારો પાછળ ના તકલાદી વિવેક ક્યારેય સામર્થ્ય નથી પામતા ..
આ પણ અઘરું પડે, વિવેક ને જીવતા શીખવાડવું મારા જેવા માટે ..!!
कर्म संयुक्त है । कर्म ने जीना सीख लिया ।
કર્મ સંયુક્ત છે ..? બાપરે કર્મ પોતે જ કેટલી મોટી ટર્મ , મોટેભાગે ચાર કર્મ ગણાય એક જાતે કરીએ તે , બે આપણે બોલી ને ત્રણ કોઈ ની પાસે કરાવીએ તે ચાર વિચારો દ્વારા..!
પછી તો બીજા અનેકો અનેક પ્રકાર નીકળે દુનિયા આખી ને કર્મ ને પોતાની રીતે પરિભાષિત કરવું છે અને હું કરી રહ્યો છું તે સાચું એવું ઠેરવવું છું પણ અહિયાં સંયુક્ત કર્મ એટલે ટીમ વર્ક એવું કૈક વિચારી ને ચાલીએ તો ચાલે અને સાદી ભાષામાં બીજા ને સાથે લઈને ચાલતા શીખી જઈએ એ કર્મ ને સંયુકત કર્મ ગણીએ તો આપણા પોતાના કર્મ એ જીવતા શીખી લીધું એવું કેહવાય..!
પણ આવું થતું નથી ટીમ વર્ક જ્યાં આવે ત્યાં સફળતા અને નિષ્ફળતા આવે એટલે ત્યાં પછી યશ અને અપયશ આવે છતાંય સારો લીડર હોય એ સફળતા અને યશ વેહચે અને નિષ્ફળતા અને અપયશ ને સ્વીકારે તો એનું સંયુક્ત કર્મ જીવતા શીખી ગયું એવું કૈક હું માનું છું..!
હવે છેલ્લે વાત મન ની लेकिन जिसके लिए ये सब किया, वह मन, न अपने अधिकार छोडता है, न जीना सीखता है ।’
અધિકાર છોડવો ..ત્યાગ જોઈએ , ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરનું એક વાક્ય ક્યાંક વાંચ્યું હતું ત્યાગ પોતાને રિક્ત કરવા માટે નથી પૂર્ણતા મેળવવા માટે છે..
રિક્ત થઈને પૂર્ણતા ને પામવી ,અધિકાર ને છોડી દેવો ભલભલા ઋષિમુનીઓથી નથી થયું, ભૌતિક જાગત ને છોડ્યું તો પોતાની વાત અને વાણીમાં અધિકાર ના છુટ્યા ..
અધિકાર છોડી અને જીવવાનું શીખવા કદાચ બીજો જન્મ પણ ઓછો પડે ..!!
પણ સો વાત ની એક વાત જેનું મન જીવતા શીખી ગયું એ જીવતે જીવ મોક્ષ પામ્યો એટલું હું તો જાણું ..!!
ચારપાંચ લીટી ઉપરથી એટલું સમજાય છે કે આપ બચ્ચનદાદા ઘણા આગળ નીકળી ગયા છો , ઈશ્વર આપને આયુષ્ય અર્પે અને અમે આપને સદી ના નટ સમ્રાટમાંથી નટઋષિ થતા જોઈએ..!
ચાર લીટી વાંચી ને મારા મન ઉઠેલા ઝંઝાવાત ને લખ્યા છે…
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)