આજે શૈશવ શરીર થી થોડોક થાક્યો છે, પણ મનથી તરબતર છે..!!
સવારે વેહલી આંખ ખુલી ગઈ અને અચાનક `ધૂનકી` ચડી..આજે તો સ્ક્રેમ્બલર (બાઈક) લઈને ગાંધીનગર જવું છે..!!
૯.૦૦ નાં સુમારે સેલ મારીને હેલ્મેટ, સેફટી જેકેટ ,વગેરે..વગેરે..બખ્તર-બાજુબંધ પેહરીને `સ્ક્રેમ્બલર` નામનો ૯૯ ઓકટેન નો `ચારો` ચરતો આપણો જાતવાન `ઇટાલિયન` ઘોડો પલાણ્યો..!!
મોજ આવી ગઈ..
ઓફ રોડીંગ બાઈક છે, પણ હવે આપણા અમદાવાદના રોડ જ ઓફ-રોડીંગ જેવા છે અને એમાં ઉપરથી સો બસ્સો મીટર જાય ત્યાં બમ્પ..!!
એની વે બાઈકીંગની મજા લઈને કારખાને બેઠો ..!
ચા આવી એટલે બાજુના પાડોશી કારખાનાવાળા લગભગ પાંત્રીસેક વર્ષના ઉદ્યોગકાર ને ફોન કર્યો અલ્યા ચા પીવા આવ ભાઈ..!!
શૈશવને એકલા એકલા ચા કે જમવાનું ગળે ના ઉતરે ..!!
એ નાનકડો ઉદ્યોગકાર આવ્યો..અને જોડે જોડે જીઆઇડીસીમાં બધાના કન્સલ્ટેશન કરતા એક વડીલ પણ આવ્યા..
શૈશવને તો વાત કરવા વા` હોય તો ય ચાલે, અને આ તો બબ્બે જણ મળ્યા ..
વાતો ચાલી..ભાઈ કેટલા વર્ષ થયા..? ઇન્ડસ્ટ્રીમાં આવ્યે ?
મગજ ચકરાવે ચડ્યું..
છવ્વીસ વર્ષ થયા..!!
વાતો ચાલી ગુજરા જમાનાની ગુજરાતની જીઆઇડીસીઓ, મહારાષ્ટ્રની એમઆઈડીસીઓ, અને દેશભરના ઇન્ડસ્ટ્રીઅલ પાર્કમાં ભટકતા ભટકતા..ક્યારેક તો નોઇડા અને નરોડાનો ફર્ક જ નોહતો લાગતો..એક જમાનો હતો ત્યારે દોઢ બે કલાક થાય નરોડા જીઆઇડીસી પોહાચતા કે નોઇડા પોહ્ચતા..ક્યારેક નોઇડા પોહચતા ત્રણ કલાક થાય..નરોડા ગાડીમાં અને નોઇડા હવાઈ જહાજમાં અને એમાં એર ઇન્ડિયા પકડવાનું એટલે ટર્મિનલની બાહર નીકળીએ એટલે સામે જ મેટ્રો ..!!
`ખતરનાક` ટુરીંગ ના દિવસો કાઢ્યા છે એ બધા..!!
ચા નો કપ હાથમાં હતો, નાનકડો ઉદ્યોગકાર મારા વખાણે ચડ્યો હતો ..
મને ગમતું હતું,
કેમ ના ગમે ..? ખુશામત તો ખુદા ને ગમે હું તો મને`ખ માટી નો..!!
છેલ્લે એ પાંત્રીસ વર્ષનો છોકરો ઉભા થતા થતા બોલ્યો ..ભાઈ ક્યારેક ટીફન ના લાવો ને..હું અહિયાં રહું છું ..મારે ઘેરથી આવી જશે..!!
એકદમ પ્રેમભર્યું નિમંત્રણ..!
મેં વાયદો નાખી દીધો..!
પછી કેબીનમાં હું અને પેલા વડીલ રહ્યા..વડીલ બોલ્યા શૈશવ તું બહુ જલ્દી બધા સાથે કનેક્ટ થઇ જાય છે..!!
એટલે થોડા સમય પેહલા ક્યાંક વાંચેલું વાક્ય મેં ઠપકારી દીધું ..
મેં કીધું કાકા *વ્યક્તિ કે પરિસ્થિતિનો સ્વીકાર કરી લ્યોને એકવાર પછી દુનિયામાં કોઈ માણસ જોડે કે કોઈપણ પરિસ્થિતિમાં પ્રોબ્લેમ રેહતો જ નથી..!*
કનેક્ટ થવું બહુ જ આસન થઇ જાય છે કાકા..!
એ કાકા બોલ્યા વાત સાચી છે તારી શૈશવ પણ બહુ અઘરું છે..પેહલી વાત તો એ આવે છે કે મોટેભાગે માણસ ને પોતાની જાત નો સ્વીકાર કરવામાં જ બહુ મોટો પ્રોબ્લેમ હોય છે,બીજા ને સ્વીકારવો એ તો બહુ દૂરની વાત થઇ..!
મેં સેહજ નિ:સાસો નાખ્યો અને વાત અટકાવી..કાકા ચા પૂરી કરી ને નીકળી ગયા..!
કાકા મારું દિમાગ ફેરવતા ગયા..!
પોતાની જાત નો સ્વીકાર..જેવો છું એવો હું છું ..હું આ જ છું.!
બહુ જ અઘરી વાત છે કૈક લોકો મરતા સુધી પોતાની જાત નો જ સ્વીકાર નથી કરી શકતા હોતા..!!
અહિયાં જયારે હું `સ્વીકાર` કરવાની વાત કરું છે એ સંપૂર્ણપણે શુદ્ધ મનથી કોઇપણ પ્રકારના આગ્રહ, પૂર્વગ્રહ,વિગ્રહ કે કોમ્પ્રોમાઈસ કર્યા સિવાય થતા સ્વીકારની વાત કરું છું..!
પોતાની જાતને સ્વીકારી લઈએ પણ એમ કહી ને સ્વીકારીએ કે નસીબમાં આવું જ લખ્યું છે અને હવે બીજો કોઈ ઓપ્શન બચ્યો નથી એટલે હવે સ્વીકારી લ્યો ભાઈ ..!!
તો..ના,
આ સ્વીકાર જરાય નથી ..!!
*થાય એટલી તમામ રીતે હાથ પગ મારી અને પછી ઈશ્વરના શરણે જઈ ને કુદરત અને ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી અને પછી પોતાની જાતનો સ્વીકાર કરીએ એ સ્વીકાર એ ખરો સ્વીકાર છે..!!*
અઘરું પડે છે ,પણ પ્રયત્ન ચોક્કસ કરી શકાય છે..અને પોતાની જાતના સ્વીકારની પ્રક્રિયાની સાથે સાથે પેરેલલી બીજી ,ત્રીજી કે ચોથી વ્યક્તિનો સ્વીકાર પણ કરી શકાય છે..!
નાનપણથી આજ સુધી જેટલા નવા નવા લોકો મળ્યા એ બધ્ધે બધા કોઈને કોઈ મોલ્ડમાં ફિક્સ જ મળ્યા એકદમ ખુલ્લા મનથી અને કોરી પાટી તો આજ સુધી કોઈ મળી નથી..!!
દરેક પોતાનો એક મોલ્ડ બનાવી અને જીવે છે, અને જેમ જેમ ઉંમર થતી જાય છે તેમ તેમ પોતાની જાતને સ્વીકારતો જાય છે પણ પછી સાથે સાથે બીજાનો અસ્વીકાર પણ કરતો જાય છે..!
ખુલ્લા દિલે ચાર પાંચ લીટી કે શબ્દોની આપ લે માંડ થાય છે પછી તરત જ એટીટ્યુડ વચ્ચે આવે છે, અને વાત ને ટૂંકાવી દેવાતી હોય છે..યાદ કરો કે કેટલા લોકો જોડે છેલ્લે સાથે બેસીને એક કલાક વાત કરી છે..? કેટલા લોકો છોડો કેટલી વ્યક્તિ જોડે વાત કરી છે..?
નથી થતી..
છ સાત જણા ભેગા થાય તો વારાફરથી એક કલાક વાત થાય, કે બે કલાક.. બાકી તો પાંચ સાત મિનીટમાં પૂરું..!!
પણ જો તમને કોઈ એવું યાદ આવે કે જેની સાથે તમે કલાક બેસીને વાત કરી છે, તો કોણ છે એ ? એટલું વિચારો ચોક્કસ એ એજ વ્યક્તિ છે કે જેનો *`એ વ્યક્તિ જેવી છે, એવી છે`* એ રીતે તમે એનો બહુ જ સહજતાથી સ્વીકાર કરેલો હશે..
મારા મમ્મી પાપાના પેશન્ટ અને અમારા ફેમીલી ફ્રેન્ડ એવા નીતા આંટીની સાલ ૨૦૧૭ની એક પોસ્ટ હતી કે “જ્યાં સુધાર ના હોય ત્યાં જ સ્વીકાર જ કરી શકાય”
કોઈ ને સ્વીકારી લેવાની વાત ની આ એક બીજી બાજુ છે.. એગ્રી વાત સાથે, સહમત ,પણ મેહનત કરવી પડે કોઈને સુધારવા માટે..અને કોઈને સુધારવામાં આપણે બહુ જ ગુમાવાનું આવે છે, મોટેભાગે `અહંકારી`નું લેબલ લાગે છે, આપણી જાત ઉપર, એટલે છેલ્લા થોડાક સમયથી આ સુધારાની પ્રક્રિયાથી હું મારી જાત ને અલગ કરી ને બેઠો છું..!
કોઇપણ વાતચીતમાં મોટેભાગે હું સાચો કે મારો મત સાચો એવી વાત ઉપર આવી ને જ બધું અટકતું હોય છે..એટલે સાચી અને સરળ વાત તો એ જ છે કે હસતા મોઢે સ્વીકારો અને આવકારો બસ..
દુનિયા જીતાઈ જશે..!
આપણી આજુબાજુની દુનિયા આપણે ઈચ્છીએ તેવી ક્યારેય નથી થવાની , થોડાક સુધારા વધારા કરી શકીએ તેમાં ,
બાકી તો સ્વીકાર કર્યે જ છૂટકો તો પછી આનંદ કેમ ના લઈએ..!!
રવિવારની બપોર છે..
સાંજના પ્લાન્સ ગોઠવો..સ્વીકારી લ્યો કે આખું અઠવાડિયું લગ્નોમાં ભલે ભચડ્યું હોય તો પણ આજે તો ઘેર જમવાનું નહિ જ બને ,એટલે સીધું એમ જ પૂછો કે ક્યાં જમવા જવું છે ..?
એટલે સાંજ સુધરી જશે તમારી ..
એન્જોય
શૈશવ વોરા