સીએનબીસી ઇન્ટરનેશનલ ઉપર ભારત માટે નો એક રીપોર્ટ જોતો હતો..
૨૦૧૪ પછી ભારતનું એક્સપોર્ટ તળિયે છે..ભારત ફાસ્ટેસ્ટ ગ્રોથમાંથી ફાસ્ટ ગ્રોથ પર આવી ગયું અને તો પણ ચીન કરતા ગ્રોથ રેટ વધારે છે..
એ..હા…!!!
અલી બો`ન મારી તું મને ચોખ્ખું કહી દે કે મારે હરખાવાનું કે દુઃખી થવાનું..?
ભારતની ફ્લીપકાર્ટ અને બીજી ઈ કોમર્સ કંપનીઓ સારો ગ્રોથ કરી રહી છે, પણ જોબ ક્રિયેશન નથી થયું ..
ફરી પાછું એનું એ..સારું છે કે ખરાબ ..? ખબર નહિ..
ભારતનો મિડલ ક્લાસ મોટો થયો છે, પણ હોંગકોંગ અને બીજા મોટા સીટીના પ્રમાણમાં ખાલી એક ટકો છે..
બે યાર..સુ મુસીબત છે..?!!
સીએનબીસીવાળા બેન એક પછી એક બોલ નાખ્યા કરે અને આપણને ખબરના પડે કે રમવું કેમ નું ..?
આ બધા રીપોર્ટસની એક જ તકલીફ હોય છે ,મારા તમારા જેવો ડોફરાઈ જાય..
પણ છેલ્લે બેન બોલી ગયા કે રૂપિયો આજ સુધીની એશિયા ની વર્સ્ટ કરન્સી રહી છે પરફોર્મન્સ વાઈઝ, હજી પણ રૂપિયો તુટશે અને ક્રુડ ઓઈલ ની વધતી કિંમત ભારતના ભાઠા બેસાડી દેશે..
ભારત દુનિયાનું ત્રીજું સૌથી મોટું ક્રુડ ઓઈલનું ઈમ્પોર્ટર છે ..અમેરિકા ,ચીન અને પછી આપણે..
સપના મેરા તૂટ ગયા..તું ન રહા કુછ ના રહા ..
વો આ ગયા ..વો આયેગા ..વો આયા ..વો આ ગયા..
રાણી નો હજ્જીરો ..કોઈ આવ્યો નથી અને કોઈ આવવાનો નથી..
જે હતી એના કરતા વધારે નોટો બજારમાં નાખી તો પણ રોકડાની તંગી..
પાંચ હજાર ઉપાડો તો બેંકો પચાસનું બંડલ પકડાવે છે..
બે હજારની પેટ્રોલ પમ્પવાળાને પૂછીએ તો કહે સાહેબ બહુ ઓછી આવે છે ..
મારું બેટું ગયું ક્યાં બધું ..?
રાજકારણીને પૂછો તો કહે જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ વધારે નોટું ગાયબ થશે..
મિડલક્લાસ જેના પંડ રળે ને પેટ ખાય, જરાક વધે તો એલઆઈસી કે પીપીએફ ભરાય એ બધા ને સોનેરી સોણલા ..
મારા એક રાષ્ટ્રવાદી મિત્રે ૨૦૧૪માં ૨૦૧૮ના પ્લાન બનાવી રાખ્યા હતા, ૨૦૧૮માં ડોલર ૪૦ આવી જશે અને બંદા હેઈ મજાની યુરોપ ની ટ્રીપ કરશે..
પણ અર ર ર ..બિચારા ને આજે યુરોપ તો છોડો જામ્બુઘોડા કે દસાડા ય દુર લાગે છે..
ક્રુડ ઓઈલના ભાવ વધારે જબરજસ્ત રીતે સપના કૈક લોકોના રોળી નાખ્યા છે..
મોટા મોટા આંકડાની માયાજાળો અને વધતા ખર્ચા..
એક રીપોર્ટ પત્યો અને બીજી બાઝાબાજી ચાલુ થઇ..લો કમિશને સટ્ટો ,લોટરી અને જુગારને ઓફિશિઅલ કરવાની ભલામણ કરી..કેમ..?
તો કહે ગમે તે કરીએ પણ ક્રિકેટ ઉપર અને બીજી બધી રમતો ઉપર થતી સટ્ટાબાજીને રોકી નથી શકાતી તો પછી હવે કાયદેસર કરી નાખો..અને એની ઉપર ટેક્ષ નાખો એટલે બધું સરળ થાય અને સરકારને આવક ઉભી થાય..
એટલે કોઈકે દલીલ કરી ફૂટણખાના ને પણ ઓફિશિઅલ કરી દો..
કેટલું નીચે જવું છે ..??
સમાજે નક્કી કરવાનું છે અને સરકારને કેહવાનું હોય..
થાઈલેન્ડના સમાજે નક્કી કર્યું કે અમને ફૂટણખાનાથી કોઈ પ્રોબ્લેમ નથી અને મકાઉ અને વેગાસની પ્રજાએ કીધું કે અમને જુગાર થી પણ પ્રોબ્લેમ નથી તે ત્યાં બધું ય ચાલે છે..
એક જમાનામાં આપણે બધા જ ખેલ કરી ચુક્યા છીએ..
ધર્મરાજા પણ જુગાર રમવા બેઠા હતા અને પોતાની બાયડીને મૂકી દીધી હતી બેટિંગમાં..
અમદાવાદની એક ક્લબમાં ભીમઅગિયારસ પછી “ટેબલો” પડવાના ચાલુ થઇ થઇ જાય અને એક આઠમની રાતે ધર્મરાજાની જેમ એક મોટા શેઠ એમની બબ્બે ફેક્ટરી એક રાતમાં મૂકી અને બહાર આવ્યા હતા..
નામ નથી લખતો પણ અમદાવાદના જુગારિયાઓ ને ઓળખતા વાર નહિ લાગે અને બાકીનાને જરૂર નથી..
જેને જુગાર રમવો છે એ તો ગલીમાંથી નીકળતી ગાય પોદળો કરશે કે નહિ કરે એની ઉપર પણ રમી લેશે, એટલે એમ કાઈ જુગારને ઓફિશિઅલ ના કરી નખાય..
શેરબજાર એક છે એ બહુ છે, પછી ક્રિકેટ થી લઈને બીજી રમતો ઉપર પણ અત્યારે છાનું ચાલે છે પછી છતરાયું ચાલશે..અને જેવું છતરાયું થયું કે જે નથી રમતા એ બધા ય મેદાનમાં આવી જશે..
લો કમીશન ભાન ભૂલ્યું છે..બદી ને કડક હાથે દાબી દેવાની હોય એની બદલે ઓફિશિઅલ કરવાની વાત કરે છે..
તો પછી ગાંજો અને ચરસ પણ ઓફિશિઅલ કરી નાખો..
ચીન દેશ પાછલા સોળસો વર્ષમાંથી બારસો વર્ષ નશામાં ગરકાવ રહ્યો હતો..
હેઈ મજાના સુટ્ટા મારીને આખો દેશ ઘોરે…આપણે તો ચરોતરની ધરતીમાં જ ઉગશે , ઈમ્પોર્ટ કરવાની જરૂર નહિ પડે ..
અને હા જેને રાજ કરવું હોય તે કરે..આખા દેશની પ્રજા નશેડી થઇ ગઈ હોય એટલે કોઈ ને કોઈ ની ચિંતા જ નહિ.. કાશ્મીર મારું .. તો કહે દિલ્લી એ જોડે લેતો જા..અને પેહલા કસુંબા પાણી કરતો જા..
અને કસુંબા પાણી થાય એટલે કાશ્મીર છોડ અઝરબૈજાન પણ આપતો જાય..
અજીબોગરીબ ચર્ચાઓ ચાલી રહી છે દેશમાં..
કેટલો સટ્ટો કરવો અને પ્રજાને કરવા દેવો, કેટલો નશો કરવો અને પ્રજાને કરાવવો સમાજના બેચાર હોશિયાર લોકો નક્કી કરતા હોય છે ..
પાંચ વર્ષ પેહલા ભ્રષ્ટાચાર વિરોધી નશો ચરમસીમા ઉપર હતો ,એની પેહલા રામમંદિરનો આજે રાષ્ટ્વાદનો નશો ચરમસીમા ઉપર છે..
કાયદાની એક કલમ બદલાય અને તમે ગુન્હેગાર થઇ જાવ એવી વાત છે, આજે રાષ્ટ્રવાદીઓ જોરમાં છે કાલે સામ્યવાદીઓ જોરમાં હશે..
આજે સામ્યવાદી કઠેડામાં છે કાલે રાષ્ટ્રવાદી હશે..
ક્યાં સુધી આવા સમાજમાં જીવવાનું કે હું ક્યાંક ને ક્યાંક મારી જાતને ચોર ફિલ કરતો રહું અને ડરતો રહું ?
કેટલા કાયદા થી મારે બચી ને રેહવાનું કે સંતાઈને રેહવાનું ?
સટ્ટો શેરબજાર નો અને બીજા બજારોનો ઓફિશિઅલ અને જુગાર અનઓફિશિઅલ..
જુહાપુરા અને જમાલપુરમાં ચાર બૈરા ઓફિશિઅલ અને મણીનગર,સેટેલાઈટના નસીબમાં એક જ ??
ઘોર અન્યાય છે, અમારે કેમ મણીનગર કે સેટેલાઈટવાળા ને શું હક્ક નથી કોમ્પીટીશન કરાવીને સારી સર્વિસ મેળવવાનો ?
કેવી દલીલો લાગી ..?
ધડ માથા વિનાની ને ..
બહુ ટીવીના ટોક શો જોવે ને એટલે આવું જ થાય શૈશવ ,
ડોફરાઈ જવાય..
ઇન્ડિયન આઇડોલ ચાલુ થયું છે મારો ગોળી આ બધા ટોક શોને અને જોવો એ બધું ..
છોકરા કેવા મજાના સુરીલા છે..
ચાલો સહુ નો રવિવાર મજાનો રહે
શૈશવ વોરા