જીએસટીમાં પારોઠ ના પગલા ભર્યા કૈક 178 આઈટમો પરથી જીએસટી ઘટાડ્યો..!
કેમ “ટ્રાયલ” અને “એરર” થી સરકાર ચાલે છે..? કોઈ નક્કી ગણિત ઉપર તંત્ર ના ચાલી શકે ? તેર તેર વર્ષના ગુજરાતના મુખ્યમંત્રી હોવાનો અનુભવ કેમ કામ નથી કરી રહ્યો..? કે પછી જેટલી સાહેબ “સુપર” પીએમ થઇ ચુક્યા છે ?
સાલુ આપડે તો ગુજરાતીઓ તો કહીએ કે પંચાલ કે મિસ્ત્રીનું નાનું છોકરું પણ ખીલી ના માથે હથોડી ઠોકે તો ખીલી સીધી જ દીવાલ કે લાકડામાં જાય,જરાક પણ ખીલી વળે નહિ ,ના વાંકીચુકી જાય કે નાં ખીલીનું માથું તૂટે..!
આપણે ગુજરાતી તો અનુભવ ને જીનેટીક્સમાં ઉતારી નાખનારી પ્રજા..તો પછી આવડો મોટો તેર તેર વર્ષનો અનુભવ ક્યાંય કામ કરતો હોય એમ દેખાતું જ નથી..!
ખરેખર આશ્ચર્ય થાય છે,અને જોડે જોડે ચિંતા પણ થાય છે કે થયું છે શું ? છેવટે તો આપણું માણસ છે..!!
હજી છેક માર્ચ મહિના સુધી જીએસટીઆર ૩બી અમારે ભરવાના છે..
આજે તો જીએસટીઆર -૨ ના એક એક બીલને “એક્સેપ્ટ” કરતા થાકી જવાય છે,અને જેને રીટેઈલ કાઉન્ટર હોય અને પરચેઝના બીલો નો રાફડો ફાટ્યો હોય એને તો બે માણસ ખાલી બીલો એક્સેપ્ટ કરવા માટે રાખવા પડે એવું થયું છે..!
આ બધી “જધામણ” જોઇને એક વિચાર આવે કે યાર તમારી પાસે સેન્ટ્રલ એક્સાઈઝ ની તૈયાર અને સેટ સીસ્ટમ હતી તો પછી એને જ પેહલા જીએસટી બનાવી અને ધીમે ધીમે “મોડીફાઈ” કરતા ગયા હોત તો શું તકલીફ થાત ? આ તો જે જીએસટીઆર-૩ જીવનમાં ક્યારેય તમારે ભરવાનું નથી, સીસ્ટમ એની મેળે આપોઆપ ગણીને તમને આપશે એવું વચન આપ્યું હતું એ જીએસટીઆર-૩બી ઓગસ્ટ મહિનાથી ભરીએ છીએ..અને માર્ચ સુધી ભરવાનું છે એ નક્કી..!
ટીથીંગ પ્રોબ્લેમ હોય એ બરાબર,પણ હવે તો એવું લાગે છે કે રીટાયર્ડ થઈએ ત્યાં સુધી ટીથીંગ પ્રોબ્લેમ રેહશે..!
રોજના ત્રણ કરોડ બીલ હેન્ડલ કરવાની વાર્તા હતી,પણ ભાભા ઢોર ચારતા થઇ ગયા, ઈ-વે બીલ ના આવે ત્યાં સુધી દરેક સ્ટેટએ પોતાના ફોર્મ ચાલુ રાખ્યા છે, આમાં ક્યાં વન-નેશન વન-ટેક્ષ થયા ? બોર્ડરલેસ કન્ટ્રીની પણ ખાલી કલ્પના જ થઇ ને ..!
હવે કોઈ કેહશે ધીરજ ધરો બધું થશે..રાણી નો હજીરો થશે..!!??
કોઈ કારણ વિના “સરળીકરણ” ના નામે વેપારીઓને ધંધે લગાડી દીધા છે કોઈક વાર તો એમ થાય કે આના કરતા પાંચ વીઘા ઘઉં પાવા સારા..!
મોટા મોટા લેખકો અને તંત્રીઓ પદ્મશ્રીની લાલચે એવા લાંબા લાંબા ભક્તિભાવ વાળા આર્ટીકલ્સ લખે છે ત્યારે આપણને એમ થાય કે આ ભાઈને બેસાડો એક દિવસ જીએસટીના સર્વર ઉપર અને એ પણ બીએસએનએલ ના બ્રોડબેન્ડ ઉપર એટલે પરોપદેશે પંડિતાઈ કરતા બંધ થાય..!
ખરેખર લાગે છે કે ૨૦૧૯માં જેટલી સાહેબ નાવડું ડુબાડે છૂટકો કરશે..!
ગુજરાત તો તેર વર્ષની શરમે શરમે પણ નેવું ઉપર સીટો આપી દેશે એટલે પત્યું અને એમાં એકાદવાર ચૂંટણી પેહલા એકાદો ઈમોશનલ મુદ્દો હાથે ચડ્યો તો પછી બે આંકડા પાર પણ થઇ જાય, પણ કોંગ્રેસ પણ આ ફેરી ગજબ જોર મારી રહી છે.. એક છાપું લખે છે સામ પિત્રોડાને મુખ્યમંત્રીના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવાના છે..!
મારું બેટું આખો સીન બદલાઈ જાય તો તો..!!
અને આવી બધી વાતમાં કોંગ્રેસની માસ્ટરી ખરી,વિદ્વાનોને પકડીને સોનાના પાંજરે પૂરી દેવાના મનમોહનસિંહની જેમ,અને ગાંધી પરિવાર મત માંગવા ફર્યા કરે આખા દેશમાં…જયારે અહિયાં તો દાઢીની દાઢી અને સાવરણીની સાવરણી જે ગણો એ બધું એક જ છે..! પ્રધાનમંત્રી ગણો કે મત ખેંચવાનું મશીન બધું એક જ..!
ભાજપિયા ય પણ લોંઠકા તો ખરા સાહેબને દોડાય દોડાય કરે છે અને પોતે મસ્તીથી રાજ કરે..!
એક બીજી વાત
આટલી મહત્વની ચૂંટણી ગુજરાતને માથે ગાજી રહી છે પણ ગુજરાતી પત્રકારત્વ સાવ નાપાણીયું ભાસે છે..
ભક્તિ કરતા ભ્રષ્ટ કેહશો તો કરશું “દામોદર” ની સેવા રે..!
થોડી શબ્દ સુધારણા કરીએ તો કરશું “દામોદર સુત” ની સેવા રે શબ્દ યોગ્ય રેહશે..!
ખોટું છે..!
ટીકા અને ટિપ્પણથી દુર જનારો શાસક સ્વછંદ અને આપખુદ થાય છે,અને એનો અંત ભયાનક હોય છે..
સંગીતમાં હમેશા એવું કેહવાય કે તમારો એક દુશ્મન હોવો જરૂરી છે જે તમારી ખૂબી કરતા ખોડખાંપણ ઉપર વધારે ધ્યાન આપે અને તમને તમારી પોતાની જાતને સુધારવાની તક આપતો રહે..
ચોક્કસ નરેન્દ્ર મોદી માટે પત્રકાર “દુશ્મનો”ની કમી નથી પણ સામે “ભક્તો”ની સંખ્યા અનેક ગણી વધારે છે..અને કદાચ એ ભક્તગણ ખોટાને સાચા કરવા માટે ઝઝૂમી રહ્યો છે..
છેલ્લા તેર વર્ષમાં ગુજરાતમાં ગણ્યાગાંઠ્યા દુશ્મન પત્રકાર બચ્યા છે લગભગ ભક્ત જ રહ્યા છે..અને એમાં કોઈક પાછા તટસ્થતાનો અંચળો ઓઢીને ભક્તિ કરી લે છે..!
સત્ય ધૂમિલ થાય છે…
હિન્દુત્વની લેબોરેટરી કેહવાતા ગુજરાતને આજે વર્ગવિગ્રહને આરે ઉભું છે,અને નોટબંધી અને જીએસટીના નામે સૌથી વધારે કનડગત હિંદુ બહુમતીએ જ ભોગવી..!
આ સત્યને એકપણ ગુજરાતી પત્રકાર ઉજાગર કરવા તૈયાર નથી..
શું ફક્ત જજિયા વેરો લેવાથી જ જુલ્મી શાસક સાબિત થવાય..? સરદાર મનમોહનસિંગ જયારે બયાન આપતા હતા કે આ દેશના કુદરતી સંસાધનો ઉપર સૌથી પેહલો હક્ક લઘુમતીઓનો છે ત્યારે પગથી માથા સુધી ઝાળ લાગી જતી..
“સબ કા સાથ સબ કા વિકાસ” ની વાત ગમતી, પણ સાથ લેવાની બદલે સબ ને પીડા આપી અને ખાળે ડૂચા માર્યા અને દરવાજા ખુલ્લા મુક્યા..!
બહુ ઓછો સમય છે, ગુજરાતમાં હાર થઇ તો દિલ્લી ૨૦૧૯માં પડ્યું એ નક્કી છે..!
અટલ બિહારી બાજપાઈને છેલ્લે “અત્તા નાહી ..” આટલું બોલતા સાંભળ્યા હતા આજે એક જમાનાના મહાન વક્તાનો ચેહરો પણ એમને સર્વોચ્ચ એવોર્ડ આપવા ગયા ત્યારે બતાડી શકાતો નથી..!
એમની સાથે શું થયું હશે ? કેમ થયું હશે ? આ બધા સવાલોના જવાબ નહિ મળે પણ ૨૦૧૯ની હાર અટલ બિહારીની અવસ્થામાં કૈક હિન્દુત્વ અને અખંડ હિન્દુસ્તાનના સપના જોનારાને ધકેલી દેશે..!પાંચ પાંચ દાયકાથી સ્યુડો સેકયુલરિઝમની સામે લડતી એક પેઢી ને મૃત્યુના મોઢામાં ધકેલી દેશે..!
અપેક્ષાઓના પાર નથી અને સમય ઓછો છે,તરંગો પર સવાર થઇ જીવતા મંત્રીઓ…!!
એક રીક્વેસ્ટ બંને પક્ષોને..
યોગ્ય અને લાયક ઉમેદવારને ટીકીટો આપજો..અમને “નોટા” ના બટન દબાવવા મજબુરના કરશો..
જે ગુજરાત નરેન્દ્ર મોદી આપી શકે છે, એ જ ગુજરાત એટલું પણ “વાઝીયું” નથી થઇ ગયું કે પરેશ રાવલ અને રાજેશ ખન્ના જેવા આયાતી ઉમેદવારો ને ગુજરાતે “દત્તક” લઈને માથે ચડાવવા પડે..!
શોધશો તો ગુજરાતમાંથી જ ચોક્કસ ૩૬૪ લોકો મળી રેહશે..!
શુભ રાત્રી
શૈશવ વોરા