થોડાક હિંદુ ધર્મના બની બેઠેલા ઠેકેદારોએ આજે એક વોટ્સ એપ બહુ ફેરવ્યો, તમારા બાળકોને સાન્તા ક્લોઝથી દુર રાખો અને એમના ઓશીકા નીચે મોજુ ના મુકો અને એમાં ભેટના મુકો ..
આવું કરવાથી તમારું બાળક ક્રિશ્ચિયાનીટી તરફ વળી જશે ,હિંદુ ધર્મ ને બચાવો બાળકનું મનએ કોરી સ્લેટ જેવું હોય છે,વગેરે વગેરે .!!
ખરું હો ભાઈ મારી લીટી નાની છે તો તમારી લીટી હું ભૂસી નાખું, કોઈ પોઝીટીવ વાત જ નહિ, હિંદુ ધર્મને એટલી હદ સુધી કેમ લઇ ગયા કે હવે એને બચાવવા માટે આવી અપીલો કરવી પડે છે ..!
હકીકત એ છે કે આપણે આપણા તેહવારોમાં એટલા બધા કોમ્પલીકેશન ઉભા કરી નાખ્યા કે એમાંથી “મજા” નામનું તત્વ જ જતું રહ્યું છે ..
જે છોકરો ક્રિસમસની પાર્ટીમાં જોરદાર નાચે છે ,એ જ છોકરો નવરાત્રીમાં પણ એટલો જ મન મૂકીને નાચે છે ,પણ હવે જો એમાં કોઈ રીતરિવાજ ઘાલો એટલે એ નવરાત્રીમાં નાચતો અટકી જશે ,
જેમ કે તે ઉપવાસ કર્યો છે તો જ તારાથી ગરબા ગવાય,કે પછી છોકરાઓ એ આમ ના કરાય અને છોકરીઓ એ તેમ ના કરાય,
તાજો જ વિવાદ જો સ્ત્રીઓ મેન્સ્સીસમાં (ટાઈમમાં) હોય તો મંદિરમાં ના જવાય, સુવાવડીને ખાટલે અડ્યા હોય તો ગરબા ના ગવાય, મારી મમ્મી ડોકટર છે એટલે જેટલી વાર કોઈની ડીલીવરી આવી હોય કે કોઈ પેશન્ટ જોવે એટલી વાર એને ગરબા ના ગવાય કે નહાવા જવાનું ..?
આપણી કમબખ્તી એ છે કે ખોટા ખોટા રીવાજો ઘાલી દઈએ અને પછી રડીએ, સામાન્ય પ્રજાને તો તેહવાર એટલે મોજમજા અને આનદ..! બસ બીજું કંઈ ના ખપે,
એક બીજો પ્રોબ્લેમ આવે મોટો વેલેન્ટાઇન ડે નો, બોલો હવે આપણે ત્યાં પ્રેમ કરવા માટે વસંતપંચમી નો તેહવાર અને દિવસ નક્કી છે અને એ પણ વેલેન્ટાઇન ડેની આજુબાજુમાં જ આવે છે ,પણ કવિ શ્રેષ્ઠ કાલિદાસના વારસદારો તમારાથી પ્રેમ થાય જ કેમ ?
મારા એક મિત્રની મમ્મીએ આવો સવાલ કર્યો હતો..મારા છોકરાની પ્રેમ કરવાની હિમ્મત કેવી રીતે થઇ ,જોવાની ખૂબી એ છે કે એ માસી પાકા કૃષ્ણ ભક્ત હતા અને એમના ઘરવાળા આખો દિવસ રાધે રાધે કરતા હતા..
હવે જેના મુખમાં ચોવીસ કલાક રાધા કૃષ્ણ હોય એના છોકરાને એ જ સવાલ પૂછે કે તારી પ્રેમ કરવાની હિમત કેવી રીતે થઇ..?
અને મારા બીજા એક મિત્રએ એની બદલે જવાબ આપ્યો હતો માસી પ્રેમ કરવા માટે દિલ જોઈએ દિલ, હિમત નહિ અને પછી વાંક નીકળ્યો પશ્ચિમી સંસ્કૃતિનો, હવે કૃષ્ણથી લઈને વિશ્વામિત્ર મેનકા કેટલા ઉદાહરણો છે આપણી પાસે ,પણ આપણે તો પ્રેમ ઉપર પ્રતિબંધ ..વસંતપંચમી જો ઉજવવાની અને પ્રેમ કરવાનું ચાલુ રાખ્યું હોત તો આ વેલેન્ટાઇન ના ઘુસ્યો હોત..
બીજી વાત કાંકરિયાના કાર્નિવલની ..જોરદાર પબ્લિક ઉમટે છે .. શું બધા ક્રિશ્ચન છે ?કેમ આવે છે આટલી જનતા ?
હવે મોદી સાહેબને કાંકરિયા કાર્નિવલ દિમાગમાં આવ્યો ત્યારે જ રથયાત્રાને જો થોડી મોર્ડનાઈઝ કરી અને પુલની આ બાજુ લઇ આવ્યા હોત તો પછી જો મોજ જ મોજ આવે..
બોસ આ વર્ષે એક દિવસ હું નવરાત્રીમાં ભદ્રકાળીના મંદિરે ગયો અને ત્યારે પેલી મેયરની વિજય પદ્મ ગરબા કોમ્પીટીશન હતી ,મિયાંભાઈના ધાડેધાડા ગરબા જોવા ઉમટ્યા હતા, સ્ત્રી પુરુષો બધા જ અને સેહજ આમંત્રણની રાહ હતી બધા ગરબામાં જોડાવા પણ તૈયાર હતા એવું લાગતું હતું ..
હવે બીજા તેહવારની વાત કરું, ઉતરાયણ કોનો તેહવાર ? હિંદુ નો કે મુસલમાનનો? બોલો કયું ધાબુ ખાલી હોય છે અમદાવાદનું ..?કયો મુસલમાન કે ક્રિશ્ચન છે કે જે ઉતરાણને દિવસે ધાબે ના ચડતો હોય ..?
મુદ્દો એક જ છે તેહવારો જોડે ખોટા ખોટા કોમ્પ્લીકેશન ના જોડો કે જેથી તેહવારની મજા જ મારી જાય અને બીજા ધર્મના લોકો એનાથી દુર હટી જાય..અને આપણા લોકો બીજાના તેહવાર તરફ વળી જાય ..!
આજે ઈદે મિલાદ હતી આખા અમદાવાદમાં ઠેર ઠેર સવારથી જુલુસો ફર્યા અને મુસ્લિમ સ્ત્રી પુરુષો બધા ખટારા ભરી ભરીને શેહરભરમાં ઘૂમ્યા..!
હવે આ જ જુલુસ ઈરાકમાં કે સિરિયામાં હોત તો કટ્ટર ઇસ્લામવાદી મુસ્લિમ સ્ત્રીઓને ઘેર પૂરી રાખી હોત અને પોતે ચિચિયારા અને હાકોટા પડકારા કરતા ફરી અને ઘેર પાછા આવતે..
જો આજ રીતે ભારતીય મુસ્લિમ સ્ત્રીને આપણે ભારતવર્ષમાં મુસ્લિમ ધર્મગુરુઓના જડતા ભર્યા રીત રીવાજો માંથી બહાર લાવી શકીએ અને કમાતી અને સ્વતંત્ર કરી શકીએ તો બહુ બધું કોમી સૌહાર્દ કેળવાઈ જાય અને કટ્ટરતા કોસો દુર ભાગે,
આપણા તેહવારોમાં ઉપવાસ એકટાણાની બહુ મોટી બબાલ છે અને બીજું વેજ અને નોન વેજ અને છેલ્લે વધ્યો દારુ ..
કાંદા અને લસણ અને બટાકા પર આવી ને આપણા તેહવાર અને ધર્મો અટકી જાય,અને તેહવારના દિવસમાં તો ખાસ નહિ ..
હવે જેટલી સ્પ્રિંગ દબાવો એટલી વધારે ઉછળે,અને ઉછળવાનો મોકો આપે ક્રિસમસ, પીવે પછી દે ધનાધન
પીવા દો સાલાને ,શિવરાત્રીએ ભાંગ જોડે દારુ ,સોમરસ કીધો છે એને કરો તમતમારે એનું પાન કોઈ પ્રોબ્લેમ જ નહી ,પછી જો ક્રિસમસની સામું નહિ જોવે .. પણ શક્કરીયા બટાકામાં જ શિવરાત્રીને બાંધી એટલે પછી તો ક્રિસમસમાં પાર્ટી તો કરવાનો બકો મારો ..
આવું છે બકાને અને જીગાને..!
સાન્તા ક્લોઝ ઉપર એવો પ્રેમ નથી આવી ગયો અને નારદમુની ઉપર નફરત નથી થઇ ગઈ પણ મજા કોણ કરાવે તો કહે સાન્તા ક્લોઝ.!
તો પછી તું આવ સાન્તા ,નારદમુનીને ત્યાં વૈકુંઠમાં જ રેહવા દે અને નારાયણ નારાયણ કરવા દે એમને ..!
ચાલો સૌને મેરી ક્રિસમસ
શુભ રાત્રી
શૈશવ વોરા