PAGE:-33
હજી સાલ ૧૯૪૬ની ચાલી રહી હતી, ગગલદાસ મણીલાલ વાકાણી પોતના દીકરા મહાસુખને લઈને બેણપમાં ઉતરી પડ્યો બજારમાં વાત ફેલાઈ ગઈ કે ઉમરકોટથી (કાંઠા વિસ્તારમાં અમરકોટ ઉમરકોટથી ઓળખાતો ) ગગલદાસ શેઠ આવ્યા છે.. હવેલી શોધે છે..ગગલદાસએ પેહલુ કામ કર્યું વાવ ગામના ઠાકોર સાહેબને જઈને સલામ ભરી આવ્યો અને કાને વાત નાખી કે મારો દીકરો મહાસુખ તમારા શરણમાં મુકતો જાઉં છું, બેણપ ગામના એક સાધનસંપન્ન મુસ્લિમ પરિવારની મેડીબંધ હવેલી હતી, એમાં બે મકાનો હતા ,ગગલ્દાસે સામસામે હવાલો નાખ્યો મુસ્લિમ પરિવારને કરાંચીમાં ઘર આપવામાં આવ્યું અને મુસ્લિમ પરિવારની હવેલી ગગલદાસએ પોતે રાખી અને મહાસુખને આપી..મુસ્લિમ પરિવારને બેણપ છોડવાની એટલી ઉતાવળ હતી કે એમના ઢોરઢાંખર સુધ્ધા મૂકીને કરાંચી જતા રહ્યા પેહલો સોદો ગગલદાસને બહુ મોટો નફો આપીને ગયો..
ગગલદાસ એનો એકવીસ વર્ષનો મોટો દીકરો મહાસુખ અને ઘાસીરામ વોહેરાનો પાંત્રીસેક વર્ષની ઉંમરનો મોટો જમાઈ મોહનલાલ એ બંનેને બેણપ મૂકી અને ઉમરકોટ ગયો..
ગગલદાસએ થોડું જાણી કરીને મોહનલાલને બેણપ મુક્યો હતો મોહનલાલની ઘરવાળી અને ઘાસીરામ વોહેરાની સૌથી મોટી દીકરી બબીની નજર જ નહિ પણ અક્કલ પણ એના બાપ ઘાસીરામ ઉપર ગઈ હતી, આવનારા માણસના પગલાને બબી ઓળખી લેતી અને એની સરખામણીમાં મોહનલાલ એકદમ સાદો સીધો હતો..ગગલદાસ બેણપ ,વાવ ,થરાદ વાડિયા અને આજુબાજુના વિસ્તારોમાં ચાલતી સામાજિક રીતે સ્વીકારાયેલી વેશ્યાવૃત્તિની પ્રવૃત્તિને સારી પેઠે જાણતો હતો અને એટલે જ એણે ઘાસીરામ વોહેરા પાસે મોહનલાલનું નામ મુક્યું હતું બેણપ માટે..ગગલદાસ ઉમરકોટ પાછો ગયો અને સાંજ પડ્યે ઘાસીરામને મળ્યો ,ઘાસીરામ વોહેરા એ વાત શરુ કરી બોલો ગગલદાસ શું ખબર છે..? ગગલદાસ બોલ્યો ચારે બાજુ ભયનું જ વાતાવરણ છે કોઈ માણસને ખબર નથી કે એ હિન્દુસ્થાન માં જવાનો છે કે પાકિસ્તાનમાં, રૈયત ગભરાયેલી છે વાવના ઠાકોર સાહેબને મળ્યો એમણે તો સરદાર પટેલને હામી ભરી છે પણ એમને પણ એમની મિલકતની ફિકર છે પણ કાકા આપણું તો કામ થઈ ગયું હવેલી મફતના ભાવે મળી છે, કાકા હવે બધો માલ જલ્દી ફૂંકી મારો, લોકોને હવે રાણી છાપ રૂપિયા કરતા સોનામાં વધારે વિશ્વાસ પડી રહ્યો છે, ઘાસીરામ આંખો ઝીણી કરી ને બોલ્યા તારી વાત સાચી છે ગગલદાસ નગરપારકરના પણ એજ હાલ છે આપણા જૈનના જેટલા ઘર છે એ બધા એક પછી એક પાટણ અને રાધનપુર અને હારીજ જાય છે.. ઘરના ઘર ખાલી થાય છે..! CONT..34
થાર થી છોર/શૈશવ વોરા /page-33 www.shaishavvora.com