
PAGE:-8
હિમતસિંગ સાંઢણી પલાણો આજે રાતે, તમે સીધા કુળદેવી જાવ,ફકત તમે અને શાસ્ત્રી(પુજારી) બે જ જણાએ કુળદેવીમાં રેહવાનુ છે,બાકીના બધાને સો સાંઢણી માલ જોડે અમરકોટ મોકલો, મુકાદમ તું અને બીજા જાખરીયા કુળદેવીથી બસ્સો સાંઢણી ઉપર માલ ભરો અને કોઈપણ ભોગે સો સાંઢણી માલ બેણપ લાવો તમને પાકિસ્તાની રેન્જર્સ છેક બેણપ લગણ મુકવા આવશે.. મોહનલાલ તમારે અને મહાસુખે મારી જીપમાં..મુકાદમ બીજી પાંચસો સાંઢણી નગરપારકરથી છુટ્ટી મુકો અને કાટીયું માથે આવે (મધરાતે) એટલે અડધે થારમાં અમને મળો..ત્યાં મેહફીલ ચાલતી હશે અને ત્યાં જ આઈજી અને કલેકટર ને ખાડામાં નાખી દેજો..બને તેટલા માણસો ઓછા અને સાંઢણી વધારે..મહાસુખ બોલ્યો બબીબોન જમાલભાઈને મળવું જરૂરી ..બબીબેન બોલી મુકાદમ તારી જોડે થારમાં વચ્ચે જમાલભાઈને લેતો આવજે, ભોંભાખળીયે(વેહલી સવારે) એ પાછા જતા રે`શે..બબીબેન હિમતસિંગની સામે જોઇને બોલી પાણી પીવડાવો હિમતસિંગ તમારી સાંઢણીને, હિંમતસિંગ એકદમ સ્ફૂર્તિથી બબીબેન અને મહાસુખને પગે લાગીને ઉભો થયો, બોલ્યો જી હજૂર.. પછી સલામ ભરી ને એ ઉતાવળે પગે એની ઊંટડીને પાણી પીવડાવવા દોડ્યો.. બબીબેન બોલી જાખરીયા તને જુદું કેહવાનું..? જાખારીયો તરત જ દોડ્યો..બબીબેન મોહનલાલની તરફ જોઈને બોલી તમારે જેવા કલેકટર અને આઈજી આવે એટલે એમની જીપમાં એમના અંગરક્ષકો સાથે બેસી જવાનું છે, અને એમને બધાને મોહનલાલ તમે ત્યાં કુળદેવી લઇ જઈ ને ખાડામાં પૂરી દેજો..તમને મદદમાં હિમતસિંગ અને બીજા જાખરીયા હશે,જાવ મોહનલાલ તમે હવે આરામ કરો.. મોહનલાલ એની પત્નીનો આદેશ માથે ચડાવીને ઉભો થઇ ગયો..મહાસુખ બોલ્યો બબીબોન કલેકટર અને આઈ.જી આવે છે, એક જ જીપડું જોડે હશે એમ કેમ માનો છો..? બબીબેન બોલી કાળાકામા કરવા ના હોય ને તો માણહ બને એટલા ઓછા જણ લઈને આવે મહાસુખ, અને જો એમની નિયતમાં ખોટ હશે તો બે ચાર જીપડા ભરીને આવશે મહાસુખ બોલ્યો તો તો સમરાંગણ થઇ જશે થારમાં.. બબીબેન બોલી સમરાંગણ કરવાવું પડશે,મને પણ એ જ બીક છે શું કરશું.? ગમે તે રીતે કુળદેવીએ પાકિસ્તાની રેન્જર્સને ચાર પાંચ ગાડી ભરીને તૈયાર રાખવો,એટલે ધોખો થાય તો પછી ત્યાં જ ભરી પીવાય, બબીબેન બોલી હા વાત તો તારી સાચી છે મહાસુખ, કલેકટર એકલો હોત તો ભરી પીવાત,પણ જોડે આઈજી છે ,જાડેજા જાતનો દરબાર છે, કઈ કેહવાય નહિ..! બબીબેને મોટેથી બુમ મારી હિમત.. સાંઢણીને પાણી પીવડાવતો હિંમત દોડતો પાછો આવ્યો અને બબીબેન બોલ્યા જમાલભાઈ ને કેહ્જે કે રેન્જર્સની પાંચ ગાડીઓ સાથે સાથે કુળદેવીએ તૈયાર રાખે, CONT..9
થાર થી છોર/શૈશવ વોરા /page-8 www.shaishavvora.com

