ઠાઠડી..!!!
તમને એમ થશે કે આ શું લઇ ને બેઠા ભ`ઈ શૈશવ અષાઢી એકમ એ..?..!!
પણ આ રથયાત્રા આવી ને મને ઠાઠડી યાદ આવી ..!
મૂંઝાશો નહિ પણ બહુ ગજ્જબ નું કનેક્શન છે મારી જિંદગીમાં બંને નું..!
ઠાઠડી કેવી રીતે પરફેક્ટ બંધાય એ જ્ઞાન મેં લીધેલું સાલ ૧૯૮૫ ની અમદાવાદની રથજાત્રા પૂરી થઇ પછી થયેલા રમખાણોમાં ..!
બધું બહુ લખાઈ ચુક્યું છે અને બોલાઈ ચુક્યું છે , આજ ની પેઢી માટે લગભગ વાયકા જેવી બધી વાતો થઇ ગઈ છે એ જમાના ના રમખાણો અને તોફાનો ,
ને એમાં કશું ખોટું પણ નથી , ગઈકાલે જ ટીવી ઉપર ની એક ડીબેટમાં ક્યાંક એવો પોઈન્ટ આવ્યો હતો કે આજની પેઢી ને વિરોધ કરતા આવડતો જ નથી ..!
તદ્દન ખોટી વાત , આજ ની પેઢી ને વિરોધ કરતા વધારે સારી રીતે આવડે છે અને એના માટે એમને મળેલી સગવડો નો એ ભરપુર લાભ ઉઠાવે છે , મીડિયા અને સોશિઅલ મીડિયા મારફતે ગજ્જબ લાભ ઉઠાવ્યો છે વિરોધ માટે ..!!
પથરાબાજી કરી ને કે સરકારી મિલકતો ને નુકસાન કરી ને ,હુલ્લડો કરીએ તો જ વિરોધ કર્યો કેહવાય એ સાલ ૧૯૮૫ ની માનસિકતા ને લગભગ આજ ની પેઢી એ તિલાંજલિ આપી દીધી છે ..!
નવી પેઢી ને માટે વિરોધ કરવા માટે સીટી બસ રોકી અને તોડફોડ નથી કરાવી પડતી અને કરતી પણ નથી અને એનો અમારા જેવા નવા નવા વનમાં પેઠેલા ડોહા જુવાનીયા ને આનંદ પણ છે ..!
પણ એ જમાનો જુદો હતો ..!!
સાલ ૧૯૮૫માં અનામત વિરોધી આંદોલન એ ગુજરાતના રાજકારણના ઘણા ચિત્રો અને આયામો ફેરવી દીધા હતા ,
માધવસિંહ સોલંકી સરકાર નો વિરોધ પુરજોશમાં ચાલ્યો હતો ,એક એક અમદાવાદી કે ગુજરાતી મગજ બોઈલર બની ને ફાટ્યા હતા ..!
અનામત ના વિરોધ નું અંદોલન , કોમવાદી અને એમાંથી લગભગ સરકાર વિરોધી આંદોલન થઇ ચુક્યું હતું , એમાં પણ રથયાત્રા ઉર્ફે `રથજાતરા` ઉર્ફે `રથજાત્રા` પછી તો અમદાવાદ લગભગ દોજખ બની ચુક્યું હતું..!
એ સમયે મારી ઉંમર ૧૪ પુરા ને પંદરમું વર્ષ ચાલુ ..જીવનની પેહલી ઠાઠડી એકદમ નજીકથી બંધાતી જોઈ , મદદ કરી હતી સિંદરી ખેંચી ખેંચી બાંધવામાં ,
લઇ જતા જતા અધવચ્ચે પડી નાં જાય “મસાણે” પોહચાડતા સુધીમાં “મુઓ”..! 😉
ઠાઠડી બાંધવાની પ્રક્રિયા દરમ્યાન જે રમૂજ નું વાતાવરણ , પબ્લિક ખુલ્લા દિલથી એક્સ રેટેડ બિનસંસદીય પણ કોમા ફૂલસ્ટોપ તરીકે આરામથી વપરાતી બેફામ ગાળો કાઢે ને ઠાઠડી બાંધતી જાય..!!
આમ તો એ સમયે ઠાઠડી બંધાનારા ઘણા બધા એક્સપર્ટ લોકો ઘણા મળી રેહતા છતાં પણ સમસ્યા ત્યારે બહુ ગંભીર ઉભી થઇ હતી ..!!
પેહલા મડદું તૈયાર કરવાનું હતું અને પછી એની ઠાઠડી બાંધવાની હતી..!!!
એકેય એક્સપર્ટ ને મડદું તૈયાર કરતા આવડે નહિ ,ઠાઠડી બાંધવાના `ખાં` ગણાતા લોકો ને પણ મડદું બનાવવા નો કોઈ અનુભવ જ નહિ..!!
અરે હા હવે કહી દઉં કે એ સમયે રાજનેતાઓ નો વિરોધ કરવા માટે એમના પુતળા બનાવવામાં આવતા પછી એ પુતળા ઠાઠડીમાં બંધાતા અને જો પોલીસ નો “સહકાર” મળે તો એમના સંપૂર્ણ “પ્રજાકીય માનસન્માન” સાથે એમના “અંતિમ સંસ્કાર” પણ થતા..!!!!
ત્યારે સમસ્યા ગંભીર થઇ કે મડદું કેમનું બનાવવું ?
છેવટે ઘરડા ગાડાં વાળે એમ એક વયોવૃદ્ધે સલાહ આપી કે કોઈ નો જુનો સાડલો લઇ આવો અને પછી એમાં પાંચસાત પૂળા ઘાલો, મોઢા ની બદલે માટલું અને હાથપગ ની જગ્યાએ લાકડીઓ એટલે મડદું તૈયાર થઇ જશે ..!!
એ સમયના જુવાનીયાઓ ની સમજણમાં તરત આવી ગઈ મડદા ની ડીઝાઈન,
ફટાક દેતા બુમ પડી .. સાડલો લાવો લ્યા જુનો ..
પણ જેમ દરેક લગ્ન ને મરણ પ્રસંગમાં કોઈક નું કોઈક આડું પડે એમ એક જણાએ વિઘન નાખ્યું અરે ના હો એમ ના હેંડે .. બૈરા માણસ ને જ સાડલે બંધાય પુરુષ ને તો ધોતિયે બાંધો..!
ચારે બાજુ હસાહસ ..!
ધોતિયા ની શોધ ચાલી, છેવટે ધોતિયું હાથ લાગ્યું ,પૂળા ભરી ને મડદું “તૈયાર” કર્યું ,
ત્યાં એક ઘરડા કાકી એ બીજો વાંધો પાડ્યો કે આમ ખોટું ખોટું ના ચાલે,
સાંજખાપણ નો સામાન સોસાયટીમાં આવ્યો એટલે એમાં મડદું તો મેલવું રહ્યું નહિ તો સોસાયટીમાંથી કોઈ નો જીવ જાય..!!!
પત્તરફાડી ..!!
હસાહસી ને બદલે સન્નાટો એક મિનીટ માટે..!!
પછી એક ટીખળી બોલ્યો .. કાકી આમ તો કોઈ જાય એવું છે નહિ સોસાયટીમાં જોખમ તમારી ઉપર જ છે હવે તો ..!!
પબ્લિક ફૂઉઉ ઉ ઉ .. દઈ ને હસે .. કાકી ફૂંગરાયા .. મારા રોયા ,નખ્ખોદિયા મને લેવા એમ તારા કીધે જમડા ના આવે ..!!
સમસ્યા ઠેર ની ઠેર ..!!
પેલા ટીખળી એ કાકી ને પૂછ્યું .. કાકી તમારે નથી જવું તો પછી મડદું કોનું જોઈએ એ બોલો કાકી ? જાણે પોતે પ્રોફેશનલ કિલર ..!!
કાકી બોલે.. આમ તો ઠાઠડી એટલે માણસ જ જોઈએ પણ એ નાં હોય તો મરઘુ કે બકરું ચાલે ..!
અહિંસકો થી ઘેરાયેલી સોસાયટીમાં બુમાબુમ , એ માંડી વાળો માંડી વાળો ..!
કાકી એ જક લીધી કે હવે ઠાઠડી સોસાયટીમાં આવી એટલે એક જીવ તો સોસાયટીમાં મારી ને ઠાઠડીમાં મુકવો જ પડે..!!
બધાય માથે હાથ દઈને બેઠા..
આપણી ઉંમર ઘણી નાની ,પણ અક્કલ તો પેહલેથી જ સડેલી ..!
પેલા ટીખળી ને બોલાવ્યો આપણે સુમડીમાં .. ભ`ઈ એક વંદો મારી ને મુકો દો ને એટલે કાકી નું વેન પૂરું..!!
ટીખળી ના દિમાગમાં ઉતરી ગયું ને કાકી આગળ પોહ્ચ્યો .. જુવો કાકી જીવ તો જીવ હોય નાનો કે મોટો સાચું કે ખોટું કાકી બોલ્યા.. હા એ તો ખરું ..
ટીખળી કહે તો પછી ઉભા રહો .. એણે ફટાક કરતુ બાજુ ની ચોકડી ની ગટરનું ઢાંકણું ખોલ્યું ..અને એ ભેગા વંદા આખી ચોકડીમાં ઉભરાયા ..!!
ટીખળી એ પોતાના પગમાંથી સ્લીપર કાઢયું ને એક વંદા સમ્મ્મ કરતુ સ્લીપર મારી ને પરધામ પોહચાડી દીધો પછી એ મરેલા વંદા ને તૈયાર કરેલી ઠાઠડીમાં મુક્યો ને બુમ મારી ..રામ બોલો ..રામ..!
આગળ દોણી પણ નીકળી ને પાછળ પ્રોપર ઠાઠડી..રાજનેતાના નામ ના છાજીયા પણ લેવાયા , બે ચાર સોસાયટીમાં ઠાઠડી ફરી , જૂતાના હારતોરા પણ “મૃતક” ના થયા ,
છેવટે ચાર રસ્તે ઠાઠડી મૂકી ને લોકો એ પ્રેમથી ફરી જૂતા માર્યા અને પેલા ટીખળી એ સો બસ્સો ના ટોળા વચ્ચે દોણીમાંથી આગ કાઢી ને ઠાઠડી ઉપર નાખી..!!!
કોઈ ક ઢોલ લઇ ને આવ્યો હતો , પ્રજા એ આસુરી નૃત્ય કર્યું..!!
પણ જ્ઞાન મળ્યું કે ઠાઠડી બાંધવા સાંજ ખાપણમાં જોડે આવેલી સિંદરી ને પેહલા સરખી પલાળવી પડે અને પછી છેડા સામ સામે ખેંચવા પડે ..!!
એ દિવસો હતા કોટ વિસ્તારના ..!
નક્કી કરે કે સરકાર પાડવી તો પછી પાડે જ છૂટકો થતો ,ગાંધીનગર ની ગાદી નો રસ્તો કોટ વિસ્તાર કરતો , ઓરીજીનલ સાબરમતી ના પાણી પીધેલા લોકો કરતા ..!!
ખૈર , ગાંધીનગર તો છોડો અંગ્રેજ સરકારના પાયા આ સાબરમતી ના પાણી એ હલ્વ્યા છે..!!
હું હંમેશા કહું છું કે અમદાવાદની રથયાત્રા એ દરેક મુખ્યમંત્રી ની એન્યુઅલ એક્ઝામ છે , ગયા વર્ષે તો ફુલ્લી ફેઈલ હોવા છતાં માસ પ્રોમોશનમાં લઇ ને પાસ થઇ ગયા,
પ્રભુ જગન્નાથ આવતીકાલે એમને ફુલ્લી પાસ કરે એ પણ સારામાં સારા માર્કે એવી પ્રભુ ને વિનવણી ..!!
જય જન્ન્નાથ
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*