અમિત શાહ ત્રણ વર્ષ માટે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષપદે ચૂંટાઈ આવ્યા..
કોને હાશ થઇ ?
હા સમજદારને ઈશારો કાફી છે , છેલ્લા પંદર દિવસના આપણા સળંગ ડાહ્યા ગુજરાતી સમાચાર પત્રોએ જે રીતે ઝુંબેશ ચલાવી હતી કે બેન આજે જાય છે કે કાલે ..
બસ કમુરતા ઉતરે એની જ રાહ જોવાય છે ..
મારું બેટુ ધનારક એ ય ગયું ,અને મહિનામાં તો મીનારકએ આવશે અને જશે, પણ બેન મજબુતીથી ગાંધીનગરની ગાદીને ચોંટી રહ્યા છે અને અમિત શાહ દિલ્લી..
જો કે જીલ્લા પંચાયતોની ચુંટણીના રીઝલ્ટ જોતા ગુજરાતના આવતા ઈલેક્શનમાં બેન માટે બહુ કપરા ચઢાણ છે,
ભારતની રાજનીતિમાં કોઈ જગ્યા ખાલી કરે અને,સત્તા નામનું પતાસું બગાસું ખાતા મળે એવો નેતા વર્ગ બહુ મોટો છે,
અને જયારે જયારે એવા નેતાઓ કે જે કોઈની ખાલી કરેલી જગ્યા પર આવે છે એના પોતાના ઈલેક્શનમાં બરાબર પીટાઈ જાય છે,
હા કોઈના મર્યા પછી સતા પર આવ્યા તો તો પછી જોરદાર બહુમતી નક્કી ..આમ પણ આપણે ત્યાં તો જીવતો લાખનો અને મરેલો સવા લાખનો છે..
બીજો ઓપ્શન જેમાં જે નેતા પોતે પોતાના દમ પર ચુંટણી લડીને સત્તા પર બેઠા છે અને સત્તા હાથ પર લીધી એ બહુ જ ઓછા નેતાઓ કરી શક્યા છે,અને એ નરેન્દ્ર મોદી કરી ગયા છે..
અત્યારની પરિસ્થિતિમાં તો આવનારા ઈલેક્શનમાં ગાંધીનગરની ગાદી ભાજપ માટે જોખમમાં છે અને દિલ્લીની ગાદી પણ, એટલે કામ તો આનંદીબેન અને અમિત શાહ બંનેને જોરદાર કરવું પડશે..
આપણે ત્યાં ઈલેક્શનમાં પક્ષપ્રમુખને હાર કે જીત બંને માટે સરખી રીતે જવાબદાર આપણું મીડિયા ઠેરવે છે,
જોકે કોંગ્રેસમાં તો જીત્યા તો રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી અને હારે તો પ્રદેશ પ્રમુખ ..!!
અને આવી ચમચાગીરી બિહારની ચુંટણી પછી ભાજપમાં પણ જોવા મળી, બિહારમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ હાર્યા એ હકીકત છે, પણ ત્યાં કોંગ્રેસ જેવી ચમચાગીરી થઇ ..!
આવનારા દિવસોમાં બંગાળ અને યુપી બે મેજર ઈલેક્શન છે , કદાચ બંગાળમાં સફળતા મળે એવા ચાન્સ ખરા પણ યુપી ના સ્થાનિક સ્વરાજના રીઝલ્ટ ફેવર નથી કરતા એટલે ત્યાં મજુરી વધારે કરાવી પડશે..
જોઈએ અમિત શાહ કેવા રંગ પૂરી શકે છે..!!
નરેન્દ્ર મોદી ઘણી વખત ઈશારા ઈશારામાં કહી ગયા છે કે એમનો ઈરાદો દિલ્લીની ગાદી પર પંદર વર્ષ સુધી રેહવાનો છે,એટલે અમિતભાઈ માટે ટાર્ગેટ સેટ છે આવનારા તેર વર્ષ માટે..!
મને થોડું વધારે પડતું લાગે છે આ ટાર્ગેટ, કેમકે અત્યારે પણ જોવા જઈએ તો નરેન્દ્ર મોદીની સરકાર એવું કશું જ કરી શકી નથી કે જેનાથી સામાન્ય માણસ એમ કહે કે ..જોરદાર બોસ..!
મોટી મોટી વાતો અને જમીનની હકીકત પર એનું ઈમ્પલીમેન્ટ એ અલગ વાત છે ,
દિલ્લીની કેજરીવાલની જીતનું કારણ એ જ હતું કે, બે પાંચ દિવસ કેજરીવાલની સરકારમાં પણ રોડ પર ટેબલ મુકીને હપ્તા ઉઘરાવતા લોકોને કાઢી મુક્યા હતા..અને એ દેખીતો અને સીધો ફર્ક દિલ્લીની જનતાએ નોધ્યો ..
આજે પણ મોરારજી દેસાઈની સરકારના સમયના ખાંડ અને તેલ ના ભાવ લોકો યાદ કરે છે , સરકાર પાસે ઘણી બધી તકો છે પણ વપરાતી હોય એવું લાગતું નથી..
ફક્ત છ કે સાત કોલ બ્લોક વેચી અને રૂપિયાનો ઢગલો કર્યો એવી જાહેરાત કરી,
માન્યું કે એક મોટું એચીવમેન્ટ છે ,પણ તો પછી બીજા કોલ બ્લોકની હરાજી કરી અને જે રૂપિયા મળે એમાંથી કઈક એવા કામ કરો ને તાવડીના તેર વાના થોડા સસ્તા થાય અને તેરની બદલે ત્રેવીસ વાના જનતા જમે..!
અત્યારના સમયમાં એકએ એક જણ સ્વાર્થી છે , દરેકને પોતાને શું ફર્ક પડ્યો એ જ જોવું છે અને ગમે ત્યાંથી ગમે તે રીતે રૂપિયા કમાવા કે બચાવવા છે અને આ સાદું ગણિત અમિતભાઈને ખબરના હોય એવું હું માની શકું એમ નથી ..
દિલ્લીમાં અત્યારે ગુજરાતી બેઠા છે અને આપણી એક જાણીતી ઉક્તિ મારું શું ? અને મારે શું ? આ બે સવાલ ના જવાબ અમિતભાઈ જનતાને આપી દે તો નરેન્દ્રભાઈનું સપનું ચોક્કસ પૂરું થાય..!
એકલા વિપક્ષ કામ કરવા દેતા નથી એમ કરીને છટકી ના જવાય , ક્યારેક આપણે પણ વિપક્ષમાં હતા અને આપણે તો જે બોલ્યા.. જે બોલ્યા ..વાત ના પૂછો ..
અમિતભાઈ અને નરેન્દ્રભાઈ બંને ગુજરાતીના આવનારા ત્રણ વર્ષ ભારતવર્ષ ના ભવિષ્ય માટે દિશા નક્કી કરનારા હશે ..
ખાલી શબ્દોની રમત અને શબ્દોના અર્થઘટન ફાવે તે રીતે કરવા અને આપણે બોલેલા શબ્દો કે વાક્યોને મુહાવરા બતાડવા ,એનથી હવે ચુંટણી નહિ જીતાય..
કોંગ્રેસ ધોળા ધર્મે પણ નથી જોઈતી..આવું બોલનારો મોટો વર્ગ આ દેશમાં છે પણ એ પુરતું નથી,
કોંગ્રેસ નથી જોઈતી તો ભાજપ શા માટે ? એનો જવાબ એ વર્ગને સંતોષ થાય એ રીતે આપવો જરૂરી છે પણ એ જવાબ અપાતો નથી ..!
એ જ વર્ગ પછી ઈલેક્શનના દિવસે ઘરની બહાર નથી નીકળતો..! અને ત્યારે બપોરે ત્રણ વાગે બુથ પર બેઠેલા કાર્યકર્તાના શ્વાસ અધ્ધર થઇ જાય છે ..!
એક સનાતન હકીકત છે કે
દરેક માં એ ઘરડું થવું પડે ,અને દરેક બાપ એ મરવું પડે .. દુનિયામાં ઘરડી ના થાય એવી માં ને અને મરે નહિ એવો બાપ કોઈ ના સ્વીકારે..
અપવાદ રૂપે મહાભારતના પાત્રો છે ,પણ છેવટે એમને એકલતા જ મળે છે ..!
અને આ નિયમ રાજકારણમાં પણ લાગુ પડે છે એટલે
એવા જે રાજ્યો કે જેમાં દસ કે તેનાથી વધારે વર્ષોથી ભાજપ સત્તા પર રહ્યો છે ત્યાં કાર્યકર્તાની ત્રીજી પેઢી આવી છે અને એ ત્રીજી પેઢીને હવે સત્તાની મલાઈ ખાવી છે..!
સેન્ટરમાં તો પેહલી પેઢીને કિનારે મુકીને બીજી પેઢી સતા પર આવી પણ રાજ્યોમાં ત્રીજી પેઢીને સત્તા સંભાળવી છે, હા મારો ઈશારો ગાંધીનગર તરફ છે ,
ગાંધીનગરમાં સતા પરીવર્તન આવનારી વિધાનસભા પેહલા ખુબ જ જરૂરી છે, નહિ તો કાબે અર્જુન લૂંટીયો..વહી ધનુષ વહી બાણ ..! જેવો ઘાટ નક્કી છે.
હવે સળંગ ડાહ્યા મીડિયાથી ઉપર એવા દોઢ ડાહ્યા બ્લોગર શૈશવને એવું પૂછવાની ઈચ્છા થઇ છે કે ગાંધીનગરમાં બેન જાય તો પછી કોણ ? અમિતભાઈ તો હવે ત્રણ વર્ષ નહિ જ ને..!! તો પછી કોણ?
શુભ રાત્રી
શૈશવ વોરા