ટીંડર મહારાજ..
રીઓ ઓલોમ્પિક બીજા કશા માટે યાદ રહે કે ના રહે પણ કદાચ પ્રપોઝ કરવા માટે વધારે યાદ રેહશે..કેટલા બધા પ્રપોઝ થયા..!
કોઈ ભાઈ એ ભાઈને પ્રપોઝ કર્યું તો કોઈ બેહને ભાઈને પ્રપોઝ કર્યું,
રોજ એક નવું ગતકડું આવે છે અને મારા જેવાને મસ્ત ચટપટી ખબરો વાંચવાની મજા આવે..
સૌથી વધારે મજા પેલી “ટીંડર”વાળી વાતમાં આવી, માઈકલ ફેલ્પ્સ ને હરાવી અને પેહલા નંબરે આવેલો પેલો નાનકડો પણ મીઠડો સિંગાપોરીયન છોકરડો જોસેફને “ટીંડર” પર ઠુકરાવનારી કન્યાએ જે પેટ ભરીને પસ્તાવો પ્રગટ કર્યો છે સોશિઅલ મીડિયા પર..
ઓ મમ્મી ઊહું ઊહું મેં આને “ટીંડર” પર ના પાડી હતી, અને હવે હું પેટ ભરીને પસ્તાવું છું,
અને એની મમ્મી પણ પાછી “હોશિયાર” સામે જવાબ આપ્યો તું પેહલેથી જ ડોબા જેવી છે, જવા દે ..! અને ખરેખરી એ ડોબીએ બધું સોશિઅલ મીડિયા ઉપર પોસ્ટ કર્યું પાછું..!
લોકો એ જે મજા લીધી છે..!
હવે હા મારી ઉમરના “ઘરડા” લોકોને ખબરના હોય કે આ “ટીંડર” શું છે?
તો જરાક વિસ્તારથી જણાવી દઉં કે “ટીંડર” એ એક ડેટિંગની એપ છે, અને ફેસબુક કે ગુગલ+થી એમા પેહલા સાઈન અપ થઇ અને પછી લોગ ઇન થવાય,
અત્યારે તો જો તમે ઈચ્છો તો જ તમારા ફોનમાં નાખેલી “ટીંડર” એપ ફેસબુક સાથે લીંક થાય, નહિ તો બધું છાનુછાપનું ચાલ્યા કરે..(પણ હા જો આપણે કોઈ જોખમ લેવું નહિ, ભરાઈ જવાના પુરા ચાન્સીસ ખરા,ભૂલ થી ટીંડર ફેસબુક જોડે લીંક અપ થઇ ગયું તો બધા વટાણા વેરાઈ જાય..)
હવે આ “ટીંડર” ચાલે કેમની..?તો પેહલા ટીંડરમાં તમારે તમારા ફોટા મુકવાના (ડેટિંગની વાત આવે એટલે સારા સારા ફોટા જ મુકો એવી મને ખબર છે) પછી તમારી ચોઈસ મુકવાની(કેટલા વર્ષની કે વર્ષનો અને બીજું બધું જે લખાય નહિ એવું) અને પછી ટીંડરને તમારું લોકેશન જાણવા દેવાનુ, અને તમારે એમાં કેહવાનું કે ૧૦૦ કિલોમીટર સુધીમાં મને બ્રોડકાસ્ટ કરો..
એટલે “ટીંડર” તમારી ૧૦૦ કિલોમીટરની આજુબાજુમાં તમારા જેવા “હડકાયા” લોકોની આગળ તમને બ્રોડકાસ્ટ કરે..!
અને તમારા ફોટા બધાને દેખાય,અને તમને બીજા બધાના..પછી એમાંથી ફોટા જોઇને તમને જો કોઈક “પસંદ” કરે અને જો તમે પણ એ માનુનીને “પસંદ” કરો તો પછી ચેટીંગ વિન્ડો ખુલે,
કરો હવે ચેટીંગ કરો અને પછી સેટિંગ પડે ..!
પણ મારા ૧૮થી ૨૨ વર્ષના મિત્રોનો અનુભવ કહે છે કે અરે લાઈક મારી મારીને થાકી જઈએ ત્યારે મહીને દા`ડે માંડ એકાદ બે ચેટ વિન્ડો ખુલે છે,શૈશવભાઈ સાલું આપણે ત્યાં અમદાવાદમાં તો ડેટિંગનું કલ્ચર જ નથી..અફસોસ..!
મુબઈ,બેંગ્લોર,પુના આવા મોટા સીટીમાં ઘણા ઓપ્શન મળે છે, આપડે અમદાવાદમાં તો યાર શૈશવભાઈ હજી ભાખરી પીઝા જ મળે છે…!
હવે મોટા મેટ્રોમાં જ્યાં પબ હોય અને ડિસ્ક હોય ત્યાં ટીંડર બહુ કામનું છે..
જો કે ત્યાં પણ ચેટ વિન્ડો ખુલે અને પછી થોડી લાંબી લાંબી ચેટીંગ ચાલે, અને પછી કન્યાને લાગે કે પાર્ટીમાં થોડો દમ છે તો જ વાત આગળ વધે..એટલે ધીરજ તો રાખવી જ પડે..!
અને બીજી છેલ્લી એક સંભાવના ટીંડરમાં છે..બંને બાજુનું ફ્રસ્ટ્રેશન એકદમ પીક પર આવી ગયું હોય,
નજીકના ભૂતકાળમાં કોઈ ડીચ કરી ગયું હોય ક્યાં તો બેસ્ટ ફ્રેન્ડ કોઈની જોડે..બસ આવા ફ્રસ્ટ્રેશન જેને આપને ટોટલ ફ્રસ્ટ્રેશન કહીએ, એવા બે જો ભેગા થાય “ટીંડર” પર તો પછી સેટિંગ પાક્કું..!
અમદાવાદમાં ટીંડર પર કરેલી મેહનતનું ફળ જો કોઈને દેખાય અને પછી એ ફળ ચાખવું હોય તો જનતા આજકાલ ડ્રાઈવ ઇનમાં જાય છે..!
મેં એક ટીંડર ફળનો આનંદ લીધેલા ને પૂછ્યું અલ્યા આ સીઝનમાં તો ડ્રાઈવ ઇન માં મચ્છરા તોડી ખાય..!
તો મારી સામે એવી રીતે એણે જોયું કે મેં એની પાસે ..જવા દો નથી વર્ણન કરતો..પછી બોલ્યો ત્યાં ગાડીના કાચ ના ઉતારવાના હોય શૈશવભાઈ..!
બરસાત મેં તુમ સે મિલે હમ સજન તુમસે મિલે હમ બરસાત મેં.. ના હો ત્યારે મચ્છરા ના કરડે..!
અને પછી જે ઝડપે ભેગા થયા હોય એ જ ઝડપે છુટા પડે એનું નામ “ટીંડર”..
એટલે મારા વ્હાલા મિત્રો ટીંડરના આટલા જ્ઞાનથી અટક્જો..પારખું કરવા ગયા અને ઝલાયા તો પછી ખાયા પીયા કુછ નહિ ગિલાસ ફોડા બાર આના જેવો ઘાટ થશે..!
પણ સાચું કહું પેલી જે પેહલા વાત કરીને સિંગાપોરીઅન છોકરો જોસેફને ઠુકરાવનારી ની એવી ડફોળ અને ડફોળો આ દુનિયામાં ઘણી બધી અને ઘણા બધા હોય છે..!
મને એક બહુ જુના ફ્રસ્ટ્રેશનવાળા માજી એકવાર કહે, મારું તો અં** ને ત્યાંથી માગું આયુ તું પણ મારા નસીબમાં આ તારા કાકા લખ્યા હતા..!
હવે છેક સિત્તેર વર્ષે માજી બોલે છે મારું તો અં** ને ત્યાથી માગુ આયુ તું..એમના ટીંડર પૌત્રને એ માજી કરતા વધારે અફસોસ છે..!
બા તમે ત્યાં પરણ્યા હોત તો અમે અત્યરે ક્યાં હોત..!
જો કે ઘણી વાર એરેન્જ મેરેજમાં પણ બે ફ્રસ્ટ્રેશનવાળા ભેગા થઇ જતા હોય છે અને પછી જિંદગી આખી સમાધાનો કરીને ચાલે..
લાકડે માકડું વળગ્યું કે પછી
ભઈને કોઈ દેતું નોતું અને બાઈને કોઈ લેતું નો
તું
અને એરેન્જ મેરેજમાં વચેટિયા એટલે “ટીંડર”,પેહલા ફોટા દેખાડે અને પછી ચેટીંગ વિન્ડો ખોલી આપે..
સેટિંગ થયું તો પછી ટીંડર બાબા કી જે..!
શુભ રાત્રી
શૈશવ વોરા
તા.ક. હજી કહું છું હો આ વાંચીને ટીંડર ડાઉનલોડ ના કરતા ભરાઈ જશો, ફેસબુક જોડે લીંક થઇ ગયુંને ભૂલમાં તો ગામ આખાને ખબર પડી જશે અને આખી જિંદગી સંભાળું પડશે, મેં તો વીસ વર્ષના ટેણીયાની જોડે ડાઉનલોડ કરાવ્યું અને જ્ઞાન લીધું છે..દરેક વખતે પરણવું જરૂરી નથી જાનમાં જ જવાય ભઈ.!!!!!