આજે પપ્પાની ત્રીજી પુણ્યતિથિ ..
એવું લાગે કે આ પંચમી જાન્યુઆરી આવી જ ના હોત તો જીવનમાં ..
પણ જીવનચક્રનો એક બહુ મોટો ભાગ એટલે જ મૃત્યુ અને એનો સ્વીકાર જ હોય બીજું કશું કરી જ ના શકાય..
જો કે મૃત્યુ અને મૃત્યુ પછીના રીતરિવાજનો પેહલો સાક્ષાત્કાર પણ પપ્પાએ જ મને કરાવ્યો હતો ..
વાત એમ બની હતી કે અમારા પાડોશી દિલીપકાકા એલઆઈસીમાંથી રીટાયર્ડ થયા હતા, અને દિલીપકાકા પોતે આકાશવાણીના ગાયક એટલે એમણે એમના રિટાયર્ડમેન્ટની એક પાર્ટી ગોઠવી જેમાં આકાશવાણીના બધા સુગમસંગીતના એ સમયના દિગ્ગજ કલાકારોને નોતર્યા અને એક બહુ જ આલા દરજ્જાની બેઠક ગોઠવાઈ હતી ,
હું વાત કરી રહ્યો છું લગભગ સાલ ૧૯૮૯ની .. મારી ઉંમર ઓગણીસ વર્ષની ..
ખુબ જ સરસ ગુજરાતી સુગમસંગીત અમે બધાએ લગભગ ત્રણેક કલાક માણ્યું પછી ભોજનનો પણ સરસ આસ્વાદ લીધો, લગભગ સાડા બાર વાગ્યે બધું છુટું પડ્યું ..સવા બસ્સોથી ત્રણસો માણસ હતું ..!
અમે છોકરાઓ જમણવારનો સમેટો કરી અને એક વાગ્યે પોતપોતાના ઘરમાં ગયા ,
ત્યાં તો અચાનક એમના દીકરાઓ ની પપ્પાના નામની બુમાબુમ થઇ ..જલ્દી આવો જલ્દી આવો હર્ષદકાકા ..હર્ષદકાકા .. મુકતાકાકી ..મુકતાકાકી જલ્દી આવો ..
આખો ફ્લેટ એમની ચીસો અને બુમોથી ગાજી ઉઠયો અને ધડાધડ દરવાજા ખુલ્યા ..
પપ્પા મમ્મી પલંગમાંથી ઉઠી અને સિદ્ધાં દોડ્યા .. પાછળ હું એમની બેગ લઈને..
જોયું તો દિલીપકાકા એમના ઘરમાં બાથરૂમની બાહર જમીન ઉપર પડ્યા હતા, કાકી અને એમના સંતાનો એમની છાતી ઉપર બામ ઘસતા હતા ..
પપ્પાએ સ્થેટોસ્કોપ એમની છાતી ઉપર મુક્યું મમ્મીની સામે જોયું અને મમ્મીને સ્થેટો પકડાવ્યું , બંને જણાએ આંખોથી વાત કરી લીધી ..હ્રદય બંધ પડી ચુક્યું હતું , પપ્પા એ પમ્પીંગ ચાલુ કર્યું મમ્મીએ ઇન્જેક્શનથી વેઇન લેવાની કોશિશ ચાલુ કરી , ફ્લેટમાં રેહતા બીજા ડોક્ટર્સ પણ આવી ગયા હતા, બધા ટ્રીટમેન્ટમાં જોતરાઈ ગયા લગભગ અડધા કલાકની જદ્દોજેહાદ પછી બધા ડોક્ટર્સ એક જ નિષ્કર્ષ ઉપર આવ્યા કે રીવાઈવ નહિ થાય ,ડેથ એનાઉન્સ કરી દો ..!!
છેવટે એ કપરું કામ પપ્પાને માથે આવ્યું કે દિલીપભાઈ ગુજરી ગયા છે હવે કશું થઇ શકે તેમ નથી ..!! થોડીકવાર પછી એમના સ્વજનો પાસેથી અનુમતિ લઈને મૃતકની આંખોનું દાન એમણે જ લઇ લીધું અને આંખો ચક્ષુબેંકમાં મોકલી આપી ..!!
પપ્પાનું એ પ્રણ હતું .. જ્યાં પણ ડેથ કન્ફર્મ કરવા જાય ત્યાં ક્યારેય એકપણ રૂપિયો ચાર્જ કરવાનો નહિ પરંતુ થોડો સમય મૃતકના સ્વજનો પાસે રોકાઈને એમને સેટલ કરે પછી ચક્ષુદાન માટેની વાત કરે, આપવું હોય તો આંખોનું દાન આપો ..
અને જો અનુમતિ હોય તો પપ્પા અમારા ઘરે પાછા આવે, બધા સાધનો લઈને ફરી તે જગ્યાએ જાય અને મૃતદેહમાંથી આંખો ઇનોક્યુંલેટ કરે અને ચક્ષુબેંક સુધી પોહચતી કરે..!
જબ્બર સ્થિતપ્રજ્ઞતા એમણે કેળવી હતી ..!!
પણ મારા માટે એ પેહલો આઘાત હતો .. હજી જેમની પાર્ટીનું જમ્યા એ આપણા પેટમાંથી બાહર નથી નીકળ્યું એ માણસ હતો ન હતો થઇ ગયો ..??!!!
સવારે સ્મશાન જવાની વાત આવી એટલે પપ્પાએ શાંતિથી મને કીધું બેટા તારે સ્મશાન આવવાનું છે ..
શૈશવ માટે મોટા થવાનો સમય હતો.. મેં જીવનમાં સ્મશાન જોયું નોહતું ..પપ્પાના કમ્પાઉન્ડર મકવાણાભાઈને હું પૂછતો કે સ્મશાન કેવું હોય ત્યારે એકવાર મને તેમણે દધીચિનો આરો બાહરથી બતાવેલો પણ સ્મશાનની અંદર હું ક્યારેય ગયો નોહતો ..!!
મને જરાક કઠયું .. મેં કીધું પપ્પા નાં આવું તો ના ચાલે ?
એમણે બિલકુલ શાંતિથી કહ્યું.. એમના છોકરાઓ જોડે તમે રોજ ક્રિકેટ રમો છો તમારી જ ઉંમરના છે તો એ લોકો સ્મશાન નહિ આવે ?
મારી બોલતી બંધ.. પેહલીવાર વાડીલાલ સારાભાઈ હોસ્પિટલની સ્મશાનભૂમિના દર્શન કર્યા ..!
જીવનના અંતિમ સત્ય સાથે પપ્પાએ મુલાકાત કરાવી ,અને ત્યાં ડેથ સર્ટીફીકેટને સ્મશાનની ઓફીસમાં આપી અને બીજા કાગળિયાં કરાવી લેવાની જવાબદારી મને સોંપી, સ્પેલિંગ ખાસ ચેક કરી લેવાના એવી સુચના સાથે ..!!
આજ દિન સુધી એ કામ લગભગ મારે માથે જ આવે છે ..!!
એકવાર એક બહુ ઘરડાં મરણમાં ત્યાં જવાનું થયું તો મૃતદેહને ભઠ્ઠીમાં સમર્પિત કર્યા પછી અમે મિત્રો ટોળટપ્પા મારતા બેઠા હતા, ત્યારે નોંધણી કરવાવાળા ભાઈ ત્યાંથી પસાર થયા તો મને ઓળખી ગયા એટલે એમણે કીધું કેમ છો સાહેબ ? કોઈ નજીકનું ? મેં કીધું ના મિત્રના દાદી છે ..લીલીવાડી છે ..!
બધા જ મિત્રોની આંખો અચરજની પોહળી .. અલ્યા શૈશવ તને તો આ ભાઈ પણ ઓળખે ? એવી તે કેટલીવાર આવી ગયો તું અહિયાં ? અઘરો હોં બાકી ..
સારી એવી મારી પછી મિત્રોએ ખેંચી લીધી હતી ત્યાં સ્મશાનભૂમિ ઉપર જ ..!! પપ્પાએ વેહ્વારમાં ઉતારી દીધો હતો મને ખુજ સાહજીકતાથી અને મૃત્યુ-સત્યની નજીક લાવી મુક્યો..!
મૃત્યુને પપ્પાએ એમની ચક્ષુદાન સ્વીકારવાની જે ધગશ હતી તેને લીધે બિલકુલ સાહજિક રીતે સ્વીકારી લીધું હતું ..!!
અહિયાં “ધગશ” શબ્દ સભાનપૂર્વક વાપરી રહ્યો છું ..!
હજ્જારો મૃતદેહમાંથી એમણે આંખો કાઢી (ઇનોક્યુંલેટ) અને ચક્ષુબેંક સુધી પોહચાડી ..
ક્યારેક અતિશય સાદગી અને બિલકુલ સંન્યાસી જેવી વાત કરતા ત્યારે મારે ખુબ જ ઉગ્રતાપૂર્વક ઝઘડો પણ થતો એમની સાથે ..
રોજ ના તમારે એકાદ બે મૃતદેહ જોવાના હોય અને એની આંખો લેવાની હોય , મૃત્યુ થયું હોય તે ઘરમાં જવાનું હોય તો પછી શું થાય ? માણસ બાવો જ બની જાય ને ..
ભૌતિક જગતમાં તો રસ જ ના રહે ..!
એ સમયે હું ખૂબ જ સામો પડ્યો એમની , મારે રોજના ઝઘડા થતા પપ્પા સાથે .. મારા મનમાં ગ્રંથી ઘર કરી ગઈ હતી કે એમની આ અતિશય સાદગી ભરી જિંદગી અને રૂપિયા સાથેની “દુશ્મની” માટે જવાબદાર એ એમનું આઇબેન્ક સાથેનું કનેક્શન છે ..!
પપ્પા કન્સલ્ટેશન ફી ક્યારેય નોહતા લેતા , મમ્મી આજે પણ નથી લેતા .. પ્રિસ્ક્રીપ્શન મફતમાં લખી આપવાનું રીપોર્ટસ મફતમાં જોવાના અને સલાહ પણ મફતમાં આપવાની , જો દવા આપે તો જ દવાના રૂપિયા લેવાના .. હવે આટલા બધા રૂપિયાને પોતાનાથી દૂર રાખ્યા હોય તો પેલા કમીશનના કવરને તો અડવાની પણ વાત નાં આવે ..!!
મારી “ગરીબાઈ” માટે મને હંમેશા પપ્પા-મમ્મી જવાબદાર લાગતા ..
પપ્પા હંમેશા કેહતા કે સમાજે આપણે ઘણું આપ્યું છે અને અમે તે પાછું વાળી રહ્યા છીએ .. મારી દલીલ રેહતી કે આ રોજ સવાર પડ્યે અને રાત પડ્યે જે આંખો લેવા દોડી જાવ છો આખા અમદાવાદમાં ઘરના પેટ્રોલ બાળીને તો પેટ્રોલના રૂપિયા તો જરાક આઇબેન્ક પાસેથી લ્યો ..!
પણ એ કેહતા કે “જ્યાં આપવું જોઈએ ત્યાંથી લેવાય કેવી રીતે ..!!??!!”
એમની દરેક વાત પાછળ પણ વિચાર સમાયેલો હતો ..!!
ગયા વર્ષે છાપાંમાં પપ્પાની શ્રદ્ધાંજલિની જાહેરાત આપી ,
મમ્મીએ કીધું એમની આપણા કરતા પણ વહાલી આઇબેન્કનું નામ લખાવજે.. આઇબેન્કનું નામ લખાવ્યું એટલે ગૌતમકાકાનો ફોન આવ્યો આઈબેંકમાંથી .. જાહેરાતનું બીલ મોકલો પેમેન્ટ કરાવવું છે ..!!!
મારો જવાબ હતો “જ્યાં આપવું જોઈએ ત્યાંથી લેવાય કેવી રીતે ..!!??!!”
સ્વજનો ક્યાંય જતા નથી આપણામાં જ રહે છે, હું પણ પપ્પા થઇ થઇ ગયો છું , ક્યારેક રૂપિયા જોડે દુશ્મની કરી લઉં છું ..!!
સારથી આવી ચડ્યા છે, વિજળીથી ચાલતા અમારા રથના છેડા છૂટી ચુક્યા છે, જીવનના રણમધ્યે રણ ખેલવા રથ ઉપર સવાર શૈશવ હર્ષદરાય તલકશી કેશવજી લવજી ચાંપસી ભવાન ભુટ્ટા વાઘજી …..વોરા તૈયાર ..!!!
પુનરપિ જ્નનમ ,પુનરપિ મરણમ , પુનરપિ જનની જઠરે શયનમ ..
ભજ ગોવિન્દમ ..ભજ ગોવિન્દમ …
મૂઢમતે ..!
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*