મનુષ્ય નામનો જીવ ઉભયલિંગી હોત તો ..?
ઘણી બધી માથાકૂટ ઓછી થઇ જાત..!!
એક બેહન છે જેમને હું ફોલો કરું છું, મને એમનો `નાચ` જોવો બહુ જ ગમે છે પણ એમનામાં ક્યાંય સ્ત્રી મને નથી દેખાતી, એ જ રીતે એક ભાઈ છે જેમનો `નાચ` ખુબ સરસ હોય છે પણ મને એમનામાં પુરુષ નથી દેખાતો..!!
જરાક વિચિત્ર ભાસે સ્ત્રી પુરુષ થઇ જાય અને પુરુષ સ્ત્રી થઇ જાય ત્યારે..!
`નાચ` બંનેનો સુંદર હોય છે, પણ વ્યક્તિ તરીકે જોઈએ ત્યારે કૈક અજુગતું લાગે..!
પુરુષ થઇ ગયેલી સ્ત્રીને જયારે એકધારું જોઈને વાંચીએ ત્યારે એને પડેલા કષ્ટ અને પેકા સંજોગ દેખાય જયારે સ્ત્રી પુરુષમાં કન્વર્ટ થઇ હશે, તારણ એવું નીકળે કે *જીવનમાં વધારે પડતા સત્યોનો સામનો કરવાનો આવે ત્યારે સ્ત્રી પુરુષ અને પુરુષ સ્ત્રી થઇ જાય છે..!*
પચ્ચીસ વર્ષ પેહલા “બાલ્ય અવસ્થા”માં પણ અમે મિત્રો આવી પણ ચર્ચા કરતા કે સ્ત્રી અચનાક પુરુષ જેવી `હાડેતી` કેમ થઇ જાય છે ? નિષ્કર્ષ એક જ નીકળતો જીવન જોડે નો સંઘર્ષ અને એ પણ એકલપંડે..
અમારી સાથે ભણતી એક છોકરી જે તેની માતાના જીવનના ચાલીસમાં અને પિતાને જીવનના પીસ્તાલીસમાં વર્ષે જન્મેલી, એ એક ની એક દીકરી કોલેજના પગથીયે પગ મુકે એ પેહલા તો ઘરડી થઇ ગઈ હોય ..!
એને રોજે રોજ ડીલ કરવાનું આવતું હતું ઘડપણની સમસ્યાઓ જોડે ,જેમાં આર્થિક ,મેડીકલથી લઈને તમામ સમસ્યા શામિલ હતું ત્યાં એનાંમા કિશોરી ,કન્યા આ બધું ક્યાં જીવતું રહે..?
એ જ રીતે ચાર પાંચ બેહનો પછી ડીઝાઈન કરીને સ્પેશ્યલી વંશ આગળ વધારવા જન્માવેલા એકના એક પુત્ર રતન પુરુષત્વ શારીરિક રીતે પામી ગયેલો પણ બાકી બધું સ્ત્રી જેવું..!!
મિત્રોની `એલેક્સા` થઇ જાય તમે જે કહો તે કામ કરે ..!! સેહજ પણ સામો હુંકાર આવે નહિ..! એના ગળામાં ત્રાડ બચી જ નોહતી..!
કુદરતની સામે તો માણસ પડ્યો છે,પણ હવે પોતાની સામે પણ પડયો છે..!
ગઈકાલે એક નાનું બાળક શરીરે એકવીસ વર્ષનું ,પણ મનથી એકદમ નાનું બાળક , લાડકોડમાં પડીકા ફૂડ ખવડાવી ખવડાવીને મોટું કરેલું બાળક તદ્દન માસૂમ લાગે , જીવનના કોઈ જ સત્યો બિલકુલ એની સામે નાખવામાં નોહતા આવ્યા ,
એની લાઈફ જુવો તો એકદમ મજ્જાની ..કેરમ રમવાનું અને જ્યુસ પીવાનો અને રાણી તો પપ્પાની હવે એને પુરુષ ગણવાનો ? પડકાર ઝીલવાની વાત જ નહિ..!
મને તો સિંહ સિંહણની જિંદગી ગમે ..
જોડે રહીએ અને બંને શિકાર કરીને બાળકોને જમાડીને મોટા કરીએ, શરીરમાં તાકાત હોય ત્યાં સુધી જીવવાનું ,પછી ઉકલી જવાનું …!!
પશુમાંથી માણસ થયેલો પણ ત્યાર પછીના ઉચ્ચતમ જીવન મુલ્યો આવ્યા અને એ બધું પ્રસ્થાપિત કરવામાં પુરુષ સ્ત્રીને ખાઈ ગયો અને સ્ત્રી પુરુષને..!!
આજની સમાજ વ્યવસ્થામાં પુરુષ ઉપર ચડી વાગતી સ્ત્રીઓના ઢગલા છે સંસારમાં અને સ્ત્રી ઉપર ચડી વાગીને પોતાનો ઉલ્લુ સીધો કરતો પુરુષ ઠેર ઠેર દેખાય..!
પ્રાણી જગત એમની નર-માદાની મર્યાદાઓમાં રહ્યું છે જયારે આપણે ક્યારેક વધારે પડતા એકબીજાને સાચવવા જતા ગડબડ કરી નાખીએ છીએ..!
અત્યારે દુનિયામાં જ્ઞાનનો ઘણો મહિમા છે જ્ઞાન થકી ઘણા રૂપિયા સ્ત્રી પુરુષ બંને કમાઈ જાણે છે, પણ જ્યાં જ્ઞાન ઉર્ફે નોલેજનો અભાવ હોય સ્ત્રી પોતાનું સ્ત્રીપણું કે પુરુષ પોતાનું પુરુષપણું બતાડીને અર્થ ઉપાર્જનની કોશિશ કરતા હોય છે ,
તકલીફ અહિયાં આવે છે..!!!
ગ્લેમરની દુનિયામાં એક બેહનને એમના નામની પાછળ માનાર્થે બેહન લગાડીને સંબોધન કરતો હું ત્યારે એકવાર એમનાથી સહન ના થયું અંદરની સ્ત્રી જાગી ગઈ આ શું મને બેહન બેહન કરીને બોલાવો છો હું કઈ તમારી બેહન નથી ..!!!
અદ્દભુત ..!!
શું કેહવું મારે ?
જીવન છે , આવું બધું બનતું રહે..!
છતાંય ફરી એકવાર સિંહ અને સિંહણની જિંદગી ..! શિકાર કરવાનો જ સિંહણએ પણ અને છોકરાને પણ પગભર કરીને છુટ્ટા મૂકી દેવાના..!! છાતીએ બાંધીને ઝાલી નહિ રાખવાના..!!
પણ સિંહ પોતાનું રૂપ દેખાડીને બેઠા બેઠા કમાણી કરવા જાય તો સર્કસના રીંગ માસ્ટરની ચાબુક ખાવી પડે ,શિકાર કરવાની મેહનત ના પડે બેઠા બેઠા ખવડાવે પણ શો ચાલુ થાય એટલે કર્તવ દેખાડવા પડે..!!
શિકાર બંને એ કરવો જ જોઈએ ..!!!
હવે એક વાત જીવનની..!
ક્યારેક એવું બને કે મનના મૂંઝારા રાત લાંબી કરી મુકે ..!!
ઘડિયાળ તો ટક ટક કરતી એની ગતમાં ચાલતી રહે પણ આપણને એમ થઇ જાય કે આવું કેમ ? અને શા માટે ?
ઘટનાની ઘટમાળો ગોઠવાતી રહે અને શરીર ધ્રુજારી અનુભવી જાય..!!
થોડાક સમય પેહલા, આ થોડોક સમય એટલે ફૂટપટ્ટીથી માપેલો સમય નહિ પણ મનથી માપેલો સમય, જેમાં સમય ગમે તેટલો વહી ગયો હોય છતાં પણ તમને એમ જ લાગે કે બસ હજી તો હમણાં જ આ ઘટના ઘટી હતી ને …!!
બિલકુલ એવા જ `થોડાક સમય` પેહલા એક નિર્દોષ ભોળી ભલી સ્ત્રી જેનો સુખી પરિવાર હતો, મારે એને જીવનમાં ફક્ત એક જ વાર , પેહલી ને છેલ્લીવાર મળવાનું થયું, અને બે ત્રણ દિવસ પછી સમાચાર આવ્યા કે એ બાઈએ જીવન ટુંકાવ્યું..!!
ગૃહકંકાસમાં ..!!
જે તે સમયે કાયદાએ કાયદાનું કામ કર્યું, પણ ઘટના આપણા મનમાં છરકો કરતી જાય અરરર ભગવાન સાવ આવું ? દોષ દેવા તો એકલો ભગવાન જ મળે ને ?
સમાચાર મળ્યા એવે સમયે જે તે વર્તુળમાં રહેલા તમામ લોકો સન્નાટામાં આવી ગયા ને ગધા પચ્ચીસીમાં હતા એ છોકરાઓ કે જેમને દૂર દૂર સુધી એ સ્ત્રી સાથે કોઈ જ નાહવા નિચોવાનો સબંધ નહિ,
પરંતુ એક સન્માનની લાગણી એ સ્ત્રી પ્રત્યે , એ બધા જુવાન છોકરાઓ તો રીતસર પોક મૂકીને રડ્યા કે આવી સીધી સાદી સ્ત્રી આવું કરે જ કેમ ?
સવાલનો જવાબ મારી પાસે પણ નોહતો, પણ છાના તો રાખવા રહ્યા છે ..!! ઉંમર નો તકાજો અને કૈક તો કેહવું ને ..!!
રડતા જાય અને બોલતા જાય ..“અરે શૈશવભાઈ તમને શું કહીએ ભાઈ એના બાર વર્ષના છોકરાને તો સમજણ જ નહિ કે એની માં મરી ચુકી છે, છોકરીને ખબર પડી એટલે એ રડતી હતી પણ છોકરો તો નીચે ફ્લેટમાં એના ભાઈબંધો જોડે રમતો હતો ..!”
આટલું બોલીને માંડ શાંત કરેલા ગધા પચ્ચીસીવાળા છોકરા ફરી રડે ..! બે આંસુડા મેં પણ પાડી લીધા, પછી બહુ જ પ્રેક્ટીકલ જ્ઞાન આપ્યું ..” બસ છોકરાઓ હવે રડવાનું બંધ કરો, કોઈ ને કશો ફર્ક નહિ પડે મરી એ એના બાળકોની માં મરી ,અને કોઈક માંબાપની દીકરી..! ખોટ વર્તાશે તો એના સંતાનોને, અને એના માંબાપને જે હવે સખે મરી પણ નહિ શકે..!! બાકી એનો ધણી હમણાં નવી લઇ આવશે અને બધું રંગેચંગે જીવશે..!!”
અને થયું પણ એવું જ બાર મહિના વીત્યાને “નવી” આવી ગઈ ને “હનીમૂન” ના ફોટા સોશિઅલ મીડિયા ઉપર ચડી ગયા..!!
બહુ જ સાદા સીધા, અતિ વાચાળ, અતિ હસમુખા, ખુબ સુખી દેખાતા ,
આવા લોકોને ક્યારેક સેહજ ઢંઢોળી જોવા જોઈએ ક્યારેક, ભીતરમાં ભંડારેલા દાવાનળ, વડવાનલ ફાટી જાય..!!
સ્ટીમ રીલીઝ થઇ જાય..!! અને એમાં પણ સ્ત્રીઓને ખાસ ..!
પુરુષ તો કમબખ્ત વ્યસન કરીને એના ધુમાડા ઓકી લે પણ સ્ત્રી ચાર દિવાલમાં ગૂંગળાઈ જતી હોય છે..!!
જુના જમાનામાં પુરુષો ખેતરે જતા તો સ્ત્રીઓ પણ બીજું કઈ નહિ તો લાકડા વીણવા ચોક્કસ બાહર જતી, આજે જરૂર હોય કે ના હોય પણ લાકડા વીણવા તો લાકડા વીણવા પણ ઘરની બાહર સ્ત્રીઓ જરૂર જવું જોઈએ..!
ચાર દિવાલને છોડીને બાહર ..!!
ભલે સ્ત્રી પુરુષ થતી, શિકાર કરો કે લાકડા વીણો પણ ઘરની બાહર ..!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*