એલ આઈ સી ની એનપીએ ત્રીસ હજાર કરોડ ને પાર કરી ગઈ…!
છાપા લખે છે એનપીએ એક કે બે ટકામાં રમતી હતી એ વધી ને છ ટકાથી ઉપર ગઈ..!
આઝાદીથી લઈને આજ સુધીની સરકારો માટે એલઆઈસી ના ભંડોળ માખણ ની દોણી જેવા રહ્યા છે ,દરેક ની નજર એલઆઈસી ના ભંડોળ ઉપર રહી છે , એક માત્ર જાહેર ક્ષેત્રની કમ્પની કે જેના ઉપર પબ્લીકે આંધળો વિશ્વાસ મુક્યો છે અને પોતાના પેટ કાપી કાપી ને પ્રીમિયમો ભર્યા છે..!
ભારતભરમાં મધ્યમવર્ગના એવા અઢળક પરિવારો છે કે જે બે જોડ કપડા નહિ લ્યે પણ એલઆઈસીનું પ્રીમીયમ તો ચોક્કસ ભરી દેશે , ગમ્મે તે ખર્ચ ઉપર કાપ મૂકી દેશે પણ પ્રીમીયમ તો ખાતામાંથી જવું જ જોઈએ ..
વીમા વિશેની જાગરૂકતા ફેલવવા પાછળ એલઆઈસી ના ફેલાયેલા એજન્ટો અને એમના વિકાસ અધિકારીઓ એ જિંદગી ખર્ચી નાખી અરે ત્યાં સુધી કે અમુક લોકોની અટક પણ વીમાવાળા પડી ગઈ ..!
બહુ નાનપણમાં લગભગ ચાલીસેક વર્ષ પેહલા શૈશવ સાયકલ રોડ પર આડીઅવળી ચલાવતો ત્યારે એક સ્કુટરવાળા કાકા એ ખખડાવ્યો હતો ..તારા બાપાએ તારો વીમો લીધો હશે ,તારો વીમો પાસ થઇ જશે મારે વીમો નથી સીધો સીધો ચલાવ નહિ તો દાકતર ને કેહવું પડશે..!!
ત્યારે પેહલીવાર ઘેર જઈને પપ્પા ને પૂછ્યું હતું કે આ વીમો શું છે ? અને પાસ કેવી રીતે થાય..?
પપ્પા ને હરખ થઇ ગયો હતો કે છોકરો વીમા વિષે જાણવા આવ્યો ..પપ્પા એ સમજાવ્યું પણ ખરું અને પછી એમ કહી દીધું કે એવા ટકા બે ટકા લેવા ના જવાય એના કરતા રૂપિયા સીધા બજારમાં ઇન્વેસ્ટ કરાય..
એ પછી છાપાનું બીજું પાનું જોતા મને પાપા એ કરી દીધો હતો ..!!
પાપા પાસેથી થોડું જ્ઞાન ભેગું કર્યા પછી પપ્પા ના મિત્ર દાણીકાકા જોડે ગયો એમણે કીધું કે જે લોકો ને શેરબજારની ઉઠાપટક જોઇને ગભરામણ થાય કે પછી જીરવાય નહિ એના માટે એલઆઈસી સારી..!
ઓવરઓલ એટલી સમજ આવી ગઈ હતી એ ઉંમરે કે એલઆઈસીમાં રૂપિયા રોકવા એટલે આપણા રૂપિયાનો કારભારો બીજા ને સોંપવો..!!
એ પછી મ્યુચ્યુઅલ ફંડ આવ્યા ,એમાં પણ એ જ ધંધો તમારા ને મારા રૂપિયા ને બજારમાં એ લોકો રમાડે અને પછી તમને અને મને ટકા માં સમજાવી દે..!!
ઘણા બધા છોકરા છોકરીઓ ને મળ્યો છું આ પચાસ વર્ષની જિંદગીમાં અને અમુક છોકરા તો એવા કે જેમને એમની સંસ્થા રોજના બસ્સો થી ત્રણસો કરોડ રમવા આપે અને એણે અમુક યીલ્ડ આપવી પડે..!!
આજે એ છોકરાઓ એ નોકરી છોડી ને બીજે સ્થાયી થયા છે એટલે થોડુંઘણું બોલી જાય પણ ઓવરઓલ કથાસાર એવો જ આવે કે ટીપ્સ અને બીજા ચક્કરમાં પડાય નહિ સારી સ્ક્રીપ્ટ લઈને ઊંઘી જવું ..!!
પપ્પા હમેશા કેહતા કે ગામ બજારની બાહર જાય ત્યારે આપણે અંદર જવું અને ગામ બજારમાં આવે ત્યારે આપણે નીકળી જવું..!!
હર્ષદ મેહતા કે કેપી દરેક વખતે પણ એલઆઈસી માટે લોકો આઘાપાછા થઇ જતા , તો પણ એલઆઈસી આજ સુધી અડીખમ ઉભી રહી છે
માધુપુરા ઉઠી ત્યારે જે એક નવો શબ્દ ગુજરાતી આર્થિક જગતમાં આવ્યો “મરણમૂડી” લોકો ની એ મરણમૂડી ને એલઆઈસી એ ખરી રીતે પાછી આપેલી છે..
આજે પણ એલઆઈસી નો એજન્ટ પ્રાઈવેટ કંપનીની સરખામણીમાં એમ જ બોલે કે ..કલેઈમ વખતે નાટક થશે ..અને પચાસ ટકા બાજી પ્રાઈવેટ વીમાવાળા કરતા એલઆઈસી વાળો ત્યાં જ જીતી જાય..!!
ખરું ભરોસાનું પ્રતિક રહ્યું છે એલઆઈસી ..!!
આજના સમાચાર પછી દરેકના મનમાં રમતો થઇ ગયો છે અને એ છે શું થશે ? શંકાની સોય મંડાણી છે એ સાચી કે ખોટી ?
મારો અંતરઆત્મા એવું કહે છે કે કઈ નહિ થાય ..
પણ હવે ફરી એકવાર એલઆઈસી આવનારા વર્ષોમાં પણ અડીખમ ઉભી રહે એના માટેના કરેક્ટીવ મેઝર્સ તો લેવા જ રહ્યા..!
આપણે જનસાધારણ તરીકે માનીએ છીએ કે એલઆઈસી ધિરાણ કરે છે તો એ પોલીસીની સામે જ કરી રહી છે બેંકો ની જેમ આંધળું ધિરાણ એલઆઈસી નું ના હોય ,અને એ જ માન્યતા આપણને એમ માનવા પ્રેરી રહી છે કે કઈ નહિ થાય..
હવે વાત કરીએ એનપીએની તો બહુ ઊંડા રોકેટ સાયન્સમાં ના ઉતરીએ ,જો કે રોકેટ સાયન્સ પણ એટલું અઘરું ખરેખર નથી પણ ..જવા દો એ ફરી ક્યારેક..
મોટેભાગે નવા સાહસોમાંથી દસે એક જ સકસેસ થાય છે બાકી નવના કોઈને કોઈ રીતે મરણ થતા હોય છે અને આ મરેલા એનપીએ જ ઉભી કરતા હોય છે,
સીધો હિસાબ એવો છે કે કોઇપણ એનપીએ થઇ છે અને એ જો ખરેખર હાર્ડકોર પ્રોડક્ટ બનાવતી કંપની હતી અને એમાં થઇ છે તો સરકારે પોતે એના ડેબે ભોગવી લેવી જોઈએ પણ કોઇપણ પ્રકારની સટ્ટાકીય પ્રવૃત્તિ દેખાય ત્યાં પછી લાલ આંખ કરી ને કોઇપણ ભોગે કઢાવી લેવી પડે ..!!
અત્યારે જે કોઈ ધિરાણો થઇ રહ્યા છે એમાં સરકાર ગમે તેટલા બણગા ફૂંકે પણ એનપીએ નો રેશિયો વધતો જ રેહવાનો અને એનું મોટું કારણ એ છે કે નક્કર પ્રોડક્ટ નવી બજારમાં આવી જ રહી નથી..
જેમ ભૂતકાળમાં ફોર્ડ નામની કંપની કે કોકાકોલા ,પેપ્સી એ અમેરિકાને ઓળખાણ આપી , આજે હ્યુવાઈ ભલે વિવાદો સાથે પણ ચીનને ઓળખાણ આપી રહ્યું છે સેમસંગ અને એલજી દક્ષીણ કોરિયા ને ઓળખાણ આપી રહ્યું છે એમ ભારત પાસે “વાતો ના વડા” સિવાય બીજું કઈ જ નથી..!!
એક તો હાર્ડકોર પ્રોડક્ટ એવી હોવી જ જોઈએ દરેક દેશ પાસે કે વિશ્વના અડધા વિસ્તાર અને માનવો ને વાપરવા મજબુર કરે અને ભારત જેવા દેશ જોડે તો એક નહિ એકવીસ પ્રોડક્ટ જોઈએ કે જે વિશ્વની અડધી વસ્તી ઉપર છવાઈ જવી જોઈએ ..
વિશ્વ ગુરુ થવાના ધખારા છોડી અને હાર્ડકોર હાથમાં પકડી શકાય અને માનવ જીવનને વધુ બેહતર બનાવી શકાય એવી નવી પ્રોડક્ટ બનાવવા તરફ યુથ ને વાળવા ની જરૂર છે ..
વિશ્વ સ્તરે વેચાતી પ્રોડક્ટ્સ ઘણી મોટી રોજગારી ઉભી કરતી હોય છે અને રૂપિયાનું ચકરડું ફેરવવામાં ખુબ સરળતા આપતું હોય છે કોઇપણ સરકારો ને..
બેક ટુ એલઆઈસી..
તો સહુ નું થશે એ વહુ નું થશે ..
વેલ્યુ એડીશન થઇ ને પ્રોડક્ટ્સ જ્યાં સુધી જહાજોમાં નહિ લાદવામાં આવે ત્યાં સુધી બધું નક્કામું છે , આજે ખાલી જહાજો માલ ભરવા હોંગકોંગ અને શાંઘાઈ ના બારા ની તરફ દોટ મૂકી રહ્યા છે એમ જ ખાલી જહાજો કંડલા મુંદ્રા આવે અને ભરાઈ ભરાઈ ને પાછા જાય ત્યારે ઉદ્ધાર થાય ..
અત્યારે તો સીન બિલકુલ ઉંધો છે માલ ભરેલા જહાજ આવે છે અને ખાલી જહાજ પાછા જાય છે..એક્સપોર્ટ વિના નહિ જ ચાલે…!
એનપીએ એ જ ઉભી થશે આવું નહિ બને ત્યાં સુધી..!!
મરણમૂડી લુંટાતી રેહશે , સટ્ટો ખેલાતો રેહશે..
સરકાર કોઇપણ હોય..
એકસો ત્રીસ કરોડની વસ્તી આજે ઉધઈ નું રૂપ ધારણ કરી ચુકી છે જે નાખો એ ખાઈ જાય છે..
વસ્તી મધમાખી થવી જોઈએ ઉધઈ નહિ..!!!
દા.ત. ચીન દેશ
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા