જિયો પોલિટિક્સ ઉફાન ઉપર છે , રોજ નવા નવા તોફાન આવે છે , ભારતના ઇતિહાસમાં આટલી ટૂંકી કોઈ દેશના વડાની વિઝિટ થઈ નથી ..!! યુએઇના વડા, સાહેબ સાથે પિસ્તાળીસ મિનિટની મુલાકાત કરી અને નીકળી ગયા ..!
શું રંધાયું ?
કોઈ જ “સૂત્રો” કોઈના પણ કામ કરી નથી રહ્યા , નકરી અટકળો જ અટકળો ચાલી રહી છે .. સત્ય હંમેશા કલ્પનાથી વધુ ભયાનક રહ્યું છે , મોટી મોટી સરકારો પાડી દેવાના દાવા કરતા લોકો હવે સોશિયલ મીડિયા ઉપર બે ચાર લીટી કામની અને બાકીનો વિચાર વિસ્તાર કરી અને છૂટી પડે છે..
બજારો ધીમે ધીમે ટાઇટ થતા જાય છે ,ગાળિયો કસાઈ રહ્યો છે ,જનસાધારણને થેક હજી લેતી નથી , દુનિયા આખીમાં ખાવા પીવાની વસ્તુઓના ભાવ કોવિડ પેહલા હતા એનાથી દોઢા કે ડબલ થયા છે , ક્રૂડ ઓઇલની રમતની પાછળ એક બીજાના પૂંછડા કાતરવા માટે કારસા ગોઠવાયા કરે છે , તું મને ખાંડ નહીં આપે તો હું તને ચા નહીં આપું, અને તું મને ચા આપીશ તો હું તને દૂધ આપીશ ..વિશ્વ આખું એક ગામ અને એક બજાર એવી પરિકલ્પનાનો ખો નીકળી ગયો છે , જેની પાસે જે “માલ” છે એ દબાવીને બેસી જાવ બીજી કોઈ વાત નથી દેખાતી ,
વિનાશના શસ્ત્રો અસ્ત્રો દુનિયાના સાતેય મહાસાગરોને ધમરોળી રહ્યા છે , દોસ્ત દુશ્મન ,દુશ્મન દોસ્ત કોણ કોનુ શું ?
દાવોસમાં ખાલી માબેનની ગાળો બોલાવવાની અને સાંભળવાની બાકી રહી ગઈ , એ સિવાયની અપાય એટલી ગાળો આપી દીધી એ પણ સાતેય પેઢી યાદ કરી અને પાણી પી પી અને કોસ્યા, તાકાત છે કોઈ હરફ ઉચ્ચારે …!!
આપણા ભૂખડીબારશ પાડોશીઓ મસ્કા મારવાની એક તક છોડવા તૈયાર નથી , બધાને એમ છે કે અત્યારે સાથ આપીશું તો આગળ લંકા લૂંટાય તો ભાગ મળશે..
નહીં થાય એવું .. જેટલા નજીક જાવ એટલા વેહલા તમારો સોદો થઈ જાય અને વધેરાઇ જાવ .. જગતમાં કોઈનું કોઈ નથી , બાપદાદા ઠોક બજાવીને કહી ગયા..હરણના બચ્ચાને વાઘ રમાડે તો પણ એનો ઉછેર ક્યારેય ના કરે , જેવો વાઘનો જઠરાગ્નિ પ્રજવલિત થયો કે હરણનું બચ્ચું એના પેટમાં ..
અત્યારે કોણ કોને વેચી મારે એની પણ કોઈને ખબર પડતી નથી અને ભૂખ્ખડોને તો વેચાયા પછી પણ ભાન નહીં પડે કે અમે વેચાઈ ગયા …!!
અર્વાચીન ભારતની રાજનીતિ કે. એમ. મુન્શી એ સેટ કરી હતી , ઘણા વખતે સોમનાથને કારણે ક.મા. મુન્શી નું નામ મેઈન સ્ટ્રીમ મીડિયામાં સાંભળવા મળ્યું ,
યવન , મ્લેચ્છ આવા શબ્દો હવે સંભળાઈ નથી રહ્યા, આતતાઈ પણ નથી સાંભળતું …
તો શું થશે ?
ગાઝાને ડેવલપ કરી અને ભવિષ્ય માટે આડખીલી ઇઝરાઇલ માટે ઊભી ને ઊભી રાખશે ?
ગાઝામાં ભોંયમાં ભંડારેલા શસ્ત્રો અને ભોંયરાના નાશ કરી અને હવે આકાશે આંબે એવા બિલ્ડિંગ ઊભા કરી અને પછી એની એ જ વસ્તીને ફરી ગાઝામાં વસાવી દેવાની ?
દુનિયાનો ઇતિહાસ કહે છે કે કોઈપણ “વાદ” સાત પેઢી સુધી ટક્યો એ પછી બહુ જ મોટા મહા, મહા , મહાવિનાશ પછીના આવતા આખા સમાજના ડિપ્રેશન પછી જ ધરતી ઉપરથી એક્સટીંગ થાય , એ સિવાય પેઢી દર પેઢી ચાલ્યા જ કરે ..
દોસ્તી એક ઘડીમાં ખતમ થઈ જાય , પણ દુશ્મની તો પેઢી દર પેઢી આગળ જાય, જાય અને જાય જ છે ..! પોતાની નિષ્ફળતા નો સાફો કોઈકને માથે થોપવા માથું તો જોઈએ અને એ પેઢી દર પેઢી આગળ જાય જ..
આપણે પડખે ચારેય બાજુ શૂળ ઘાલી દીધા છે , ગમ ખાઈને હસતે મોઢે રોજ સવારે આવતી નવી નવી ચેલેન્જ ને સ્વીકારી અને દોડાભાગી ભારત દેશ કરી લ્યે છે ..
મંદિર તરફનો સાંસ્કૃતિક ઝુકાવ દુનિયાને સમજણમાં નથી આવી રહ્યો કે આ શું ચાલી રહ્યું છે , કેમ મંદિર મંદિર છેલ્લા બાર વર્ષથી રમાઈ રહ્યું છે .. ?
પણ કે. એમ. મુન્શી અહીંયા જ છે , એક વખત મંદિરો સરખા કરી અને એમાં ઘણા બધાને સમાવી લ્યો જેમ આદિ શંકરાચાર્યજી એ અષ્ટાવતારને દશાવતારમાં બદલ્યા અને બુધ્ધ, મહાવીરને સમાવી લીધા એમ જગતમાં રહેલા બીજા બે ઈશ્વર જેનો સ્વીકાર કરી અને સંબંધ પ્રસ્થાપિત કરી નાખો, ઘણો કકળાટ ઓછો થઈ જાય અને પછી ફક્ત પ્યૉર રૂપિયાની લડાઈ રહે …
ઇલોન મસ્કને ક્યાંક બોલતા સાંભળ્યા હતા કે ભવિષ્યમાં ખાવાનું ખાવા માટે કમાવાની જરૂર નહીં રહે .. એને હિન્ટ ગણીએ તો ભવિષ્યમાં શું મોંઘું થશે ?
મોજ મજાની તમામ વસ્તુઓ પુષ્કળ મોંઘી અને એ સિવાય બધું જ સસ્તું ..
રેર અર્થની વાર્તા દરેકને મોઢે થઈ ગઈ છે પણ રેર અર્થ માટે આટલી બધી ધમાલ કેમ ???
પેહલા પણ લખી ચૂક્યો છું અને ફરી એકવાર ..
જગતમાં ઈલેક્ટ્રીસીટી સ્ટોર થઈ શકતી નથી , ઇલેક્ટ્રિકસીટી સ્ટોર કરવી હોય તો કોઈને કોઈ પ્રકારની બેટરી જોઈએ જોઈએ ને જોઈએ જ.. જે રેર અર્થ સિવાય શક્ય નથી..!! અને ઇલેક્ટ્રિકસીટી સ્ટોર થાય તો આ ક્રૂડ ઓઈલની પળોજણમાંથી છુટકારો થાય…દુનિયાની ક્રૂડ ઓઈલની ગુલામી છૂટે…
આપણે માટે તો સારું જ છે , જ્યાં સુધી મૂંગા મરીએ અને ચૂપચાપ વિકાસ વિકાસનું ગાણું ગાયા કરવાનું , છેલ્લે જે પહેલો થાકશે એ રેસમાંથી બહાર અને બાકીના બીજી તરફ ઢળી જશે એટલે આપણે ત્યારે મોકો જોઈને ચોક્કો મારવા જવાય ..મૂંગા મરવું જ પડે ..
જ્યારે જીભાજોડીનો ઝગડો જામે ત્યારે મૌન બહુ મોટી તાકાત પુરવાર થાય ,
ગ્રીનલેન્ડમાં કબ્જે કરવા લોહી નહીં રેડાય એવી બાંહેધરી જેવું કશુંક સંભળાયું ..જગતમાં આજે પણ કબજો બળવાન ..!!
તો કેવા પ્રકારનો ખેલ થશે ? આપણે ગલવાન ઘાટીમાં જેમ બથ્થમ બથ્થા આવી જઈએ એમ આવી જવાશે ????? શક્ય છે પણ કબજો લેવાશે એમ ખોંખારો ખાઈને બોલાયું ..
તો હવે આગળ શું ???
દબાણ કોણ કેટલું સહન કરી જાય છે એ ઉપર બધું જશે, દબાણ વધારે પડતું લાગ્યું અને પ્રેશર કૂકરની સીટી ઉર્ફે મહાવિનાશનું એકપણ શસ્ત્ર વપરાયું તો જગતે ના જોયાનું જોયું થશે.. એ પછી નવી વર્લ્ડ ઓર્ડર ગોઠવાશે.. એ સમયે દોણી સંતાડવા જવાય નહીં ..
સાવધાની એટલી રાખવી પડે કે હિમાલય રણભૂમિ ક્યારેય ના બની જાય ..
જ્યોતિષનો આધાર લઈએ તો દેવગુરુ બૃહસ્પતિ અતિચારી છે છેક ૨૦૩૦ સુધી છે , લેફ્ટ , રાઈટ અને સેન્ટર બધુંય એક થશે .. મા ના સાત પેઢીએ ભેગા કરેલા ઘરેણા વેચી અને રૂપિયા ફના ફાતિયા કંઈક લોકોના થઈ જશે …!!
જાગતા રહેજો અને જાળવતા રહેજો ,
એક કાનાફૂસી શૈશવના કાનમાં પડી હતી બે સ્ત્રીઓ ની … સવા લાખ રૂપિયાનો મોબાઇલ લાવી આપશે પણ ઘરેણું કહીએ તો પચ્ચીસ હજાર ખરચતાં જોર આવે એમને ..
બસ આ વૃત્તિથી બચવું પડશે .. !!
ઓછામાં ચલાવો ,ઈમ્પોર્ટ ઘટાડો અને આગળ નીકળો..!
તા. ક. : અબુધાબીમાં ચાલી રહેલી મંત્રણા, બે કલાક માટેની વિઝીટ કઈ લેવાદેવા ખરું ?
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*