નરેન્દ્ર મોદીનું આજનું ભાષણ .. જોરદાર..જોરદાર..
મેહસાણીયુ અંગ્રેજી છેક અમેરિકન કોંગ્રેસમા ગાજ્યુ..
જો કે અમેરિકનો ટેવાયેલા છે આ ઇન્ગ્લીશથી એટલે ચાલે ..!!
પણ હરખની વાત એ છે કે જેટલુ ગાજ્યુ એટલુ જ અમેરિકનો સામુ વરસ્યા..!!
વારંવાર અમેરિકન સેનેટરો એ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યુ ..!!
ખુબ સરસ,એકદમ ગર્વ લેવા જેવી બાબત છે, દરેક એ દરેક ભારતીય માટે..!!
ભારતના પ્રધાનમંત્રી થયા અને પેહલું ભાષણ લાલકિલ્લાના બુરજ પરથી જયારે નરેન્દ્ર મોદી આપતા હતા ત્યારે ક્યાંક એવું લાગતું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી લાલકિલ્લેથી ભાષણ આપી રહ્યા છે,
ચાયનીઝ પ્રમુખ શી પીંગ રીવરફ્રન્ટ પર ઉતરી પડ્યા હતા ત્યારે પણ એવુ લાગ્યુ કે આનંદીબેન હજી મેહસુલ મંત્રી છે અને સાહેબ મુખ્યમંત્રી..!!
પેહલીવાર અમેરિકા ગયા અને બરાક ઓબામાને બરાક, બરાક કહીને બોલવતા હતા ત્યારે એવું લાગતુ કે બહોત નમે નાદાન તો નથી ને..? શંકા જતી હતી થોડી,
અરે છેક ગઈકાલે સાંજે જયારે હિન્દીમાં બોલ્યા “મેરે પરમમિત્ર બરાક” ત્યારે પણ સેહજ એવું લાગ્યુ કે કઈક વધારે પડતુ તો નથી ને ?
આજ સુધી એકપણ અમેરિકન પ્રમુખે ભારતીય વડાપ્રધાનને પરમ મિત્ર તરીકેનું સંબોધન નથી કર્યું..!
પણ એમાં ઇન્ટરપ્રિટર બેહને સાચવી લીધું હતુ પરમ મિત્રનુ અંગ્રેજી “માય ક્લોઝ ફ્રેન્ડ બરાક” કરી નાખ્યુ હતુ..!
પણ બાકી આજે તો અમેરિકન સંસદમાં છાકો પાડી દીધો, એકવાર તો આપણે ભૂલી જઈએ કે આ અમેરિકન સંસદ છે કે ભારતીય સંસદ..!
જે ચપળતા,તરવરાટ,વાક્પટુતા..ભારતીય સંસદમાં સાહેબ વાપરે છે એ જ બધું અમેરિકન સંસદમાં ધડલ્લાપૂર્વક વાપર્યું અને અમેરિકન સાંસદો જાણે ભાજપના જ સાંસદો હોય એમ તાળીઓ પાડી પાડીને વધાવતા હતા અને વારેવારે ઉભા થઇને માન આપતા હતા..!
સાહેબ સોળે કળાએ ખીલેલા હતા..!!
દાદ આપવી પડે નરેન્દ્ર મોદીની લોકોના દિલમાં વસવાની આવડતને ,ભાષણ પૂરું થયા પછી પણ દસેક મિનીટ સુધી દરેકને જગ્યા પર જઈ જઈને મળ્યા કોઈ કોઈ ઓટોગ્રાફ લેતા દેખાયા..!!
પાંચમા ભારતીય પ્રધાનમંત્રી છે જેમણે અમેરિકન કોંગ્રેસને સંબોધન કર્યું,બહુ સ-રસ રીતે આખું ભાષણ કર્યું..
ભારતના પશ્ચિમ કિનારાથી છેક આફ્રિકા સુધી આતંકવાદનો ઉલ્લેખ કર્યો, લશ્કરે તોયબા અને ISISને એક સરખા ગણાવ્યા અને પાકિસ્તાનને બરાબર કોથળામાં રાખીને પાંચશેરી ફટકારી..! ગુડ ટેરરીઝમ અને બેડ ટેરરીઝમ એવું કશું જ ના હોય આતંકવાદ એટલે આતંકવાદ બસ વાત ખતમ..!
અફઘાનિસ્તાનનો ઉલ્લેખ કર્યો અને સાથે સાથે જણાવી દીધું કે યુએનની પીસ કીપિંગ ફોર્સમાં સૌથી વધારે સૈનિકો ભારતના છે..સમજદારને ઈશારો કાફી છે, અફઘાનિસ્તાન આખું યુએનની પીસ કીપિંગ ફોર્સ પર જ અત્યારે નિર્ભર છે..!!
પણ સીધો સવાલ પૂછવાનું મન થાય ..અફઘાનિસ્તાનમાંથી અમેરિકા સદંતર નીકળી જાય તો એ બળતું ઘર ભારતે લેવું છે, એવું કઈ સેટિંગ તો નથી ગોઠવાતું ને ?
એ ધંધો શ્રીલંકામાં આપણે કરી ચુક્યા છીએ ,પારકી પંચાતમાં પડવાથી આપણા રૂપિયા અને એનાથી પણ વધારે કીમતી આપણા જવાનોના જીવ જાય છે..
એટલે પાકિસ્તાન અને ચીનને ખાળવા તમે અફઘાનિસ્તાનમાં જાવ અને એમ કરીને અમેરિકા અફઘાનિસ્તાન નામનુ ગલકુ આપણા ગળામાં ભરાવી દે તો લોચો પડી જાય..!
ભાઈ આ તો સાહેબ છે..ના હોય ત્યાં લાખો ટન ગેસ પેદા કરી દે ( કૃષ્ના ગોદાવરી બેસીન GSPC ) ક્યાંક મુડમાં આવી જઈને ખેલ થઇ જાય તો..?
આમ તો પોલીટીકલ સાયન્સના સ્ટુડન્ટ છે અને લગભગ આજ સુધી ક્યાય મા`ત નથી ખાધી, પણ ક્યારેક થોડીઘણી શંકા થાય..!
અમેરીકા અને ભારતના સબંધો હમેશા કાણીયા વિના ચાલે નહિ અને કાણીયો દીઠો ગમે નહિ એવા રહ્યા છે..
અમેરિકાના દરેક પ્રમુખને ભારતના કોલ સેન્ટરો ખુંચે અને ભારતને અમેરિકા પાકિસ્તાનને મદદ કરે એ ખુંચે છે..!
જો કે ભલું થાજો ઓસામા બિન લાદેનને પાકિસ્તાનની ધરતી પર સંતાડનારાનું, જે કામ સાહીઠ વર્ષમાં ભારતના દસ પ્રધાનમંત્રી ના કરી શક્યા એ પાકિસ્તાનની એક ભૂલે કરી આપ્યુ..!
એબેટાબાદ કાંડ થયો પછી એશી ટકા અમેરિકનોના મનમાંથી પાકિસ્તાન પ્રત્યેનો મોહ ઉતરતો જાય છે રાધર ઉતરી ગયો છે ,એટલે હવે તો બીજી એકાદી “ભૂલ” પાકિસ્તાન કરે એટલે આપણે ઘણી શાંતિ થઇ જાય..!
અમેરિકા અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પની પાછળ ઘેલુ થયુ છે,હિલેરી ક્લીન્ટન તો આજે ઓફિશિયલી ઉમેદવાર જાહેર થઇ ગયા છે,
મોદી સાહેબની જૂની તીસ્તા સેતલવાડ આણી કંપનીએ ઉભી કરેલી મુસ્લિમ વિરોધી છાપ સાવ ભુલાઈ ગઈ છે એવુ માની લેવાની જરૂર નથી.. ગુગલ દેવતા પાસે બધું જ સાહિત્ય અવેલેબલ છે અને ચતર સુજાણ સેનેટરો બધી જ નવી જૂની જાણકારી રાખતા જ હોય..!
આજ ના આ સંબોધનને મળેલા અભૂતપૂર્વ આવકાર એ કદાચ અમેરિકાની બદલાતી માનસિકતા દેખાડે છે..!
એક બીજી પણ શંકા કરવાનું મન થાય, કે જો રીપબ્લીકન ઓવલ ઓફિસમાં બેઠા તો પછી આદત સે મજબુર રિપબ્લિકન પ્રમુખ ફરી પાછુ એકાદુ મોટું યુદ્ધ દુનિયાને માથે નહિ ઠોકી દે ને ..?
અત્યારના સંજોગોમાં સાહેબ બે ચાર દિવસ વધારે અમેરિકામાં રોકાઈ અને ડાયરેક્ટ અમેરિકન જનતા સાથે રેપો ઉભો કરીને આવ્યા હોત તો એ વધારે સારુ રેહત..
રાહુલ ગાંધી તો અહિયાં બબડ્યા કરે હવે ,બે ચાર વર્ષમાં હવે કપિલ શર્મા કે શેખર સુમનની જેમ એમનો પણ આખો કોમેડી શો આવશે..
ખરેખર ખુબ સુંદર સંબોધન રહ્યું આજ નું, કાલે સાહેબ મેક્સિકોમાં અને આપણે ગાંધીનગરમાં..!
રાત જામી છે બફારો વધ્યો છે,કેરળમાં ચોમાસા એ દસ્તક આપી દીધી છે અને એક ગીતની કડી યાદ આવે છે
આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે..
દેશ રાગ નો સમય થયો છે , જેઠ મહિનો આખો બાકી પડ્યો છે..
અષાઢી બીજ આમ તો અમદાવાદમાં ચોમાસાના આગમનની તિથી કેહવાય..
જોઈએ હવે પ્રભુ જગન્નાથ શું કરે છે
શુભ રાત્રી
શૈશવ વોરા