ઘણા સમયથી એક સવાલ મૂંઝવતો એટલે આજે થયું કે લાવ મનોમંથન કરી જ લઉં…
આ સારામાં સારા વાદકોને ગાવાના ચસકા કેમ થતા હશે …???
એક ઘટના ,સપ્તકની એક રાત , ઠંડી કહે મારું કામ ..ભારતના એક પ્રખ્યાત સારંગી વાદકને સાંભળવા મારી જેવા કાનસેનોથી ખચાખચ ભરેલો હોલ , ઓડિયન્સમાં આગલી હરોળમાં પદ્મ પુરસ્કારોથી સન્માનિત એવા બાર પંદર થી વધારે કલાકારો ..
બધા રાહ જોવે કે ક્યારે મરેલા બકરાની આંતરડીનો બનેલો ગજ સારંગીના લોઢા જોડે ઘસાય અને ઉસ્તાદજીની આંગળીઓ એની ઉપર રમે અને સારંગીના સૂર રેલાય…!!
સારંગી એક માત્ર એવું વાદ્ય કે જે ખરેખર ગાતું હોય એવું લાગે ,એની મીંડકારી અને ઘસીટ.. વાહ વાહ..!!
ઉસ્તાદજી મંચ ઉપર આસિન થયા , માઇક સેટ કરતા હતા… અને માઇક સેહજ એમના મોઢા સુધી સેટ કર્યું અને એ વેળાએ તબલા સમ્રાટ પંડિત કિશન મહારાજજી ઓડિયન્સમાંથી ઊભા થઈ ગયા અને એમના પહાડી અવાજે એમણે આદેશ કર્યો … એય સુલતાન ગાના નહીં , સિર્ફ બજાઓ…!! ઉસ્તાદજી એ નત મસ્તકે આદેશ માથે ચડાવ્યો અને લગભગ અઢી કલાક સારંગી રેલાવી…!!!
અત્યારે આવું કહેવાવાળા અને કહીએ તો માનવાવાળા નથી રહ્યા…!!!
તબલા ,સિતાર, સારંગી ,વાયોલિન અરે કોઈપણ વાદ્ય વગાડતા વગાડતા કલાકારો ગાવા માંડે છે…!!
મારા તમારા જેવો તાણે તો ઠીક મારા ભાઈ,
પણ તમે તો કલાકાર છો , સૂરને સમજો છો ,જાણો છો, અને એનાથી વધારે તમારું અર્થઉપાર્જન તમારી કલાથી છે , જરાક તો સૂર ને સ્વરને માન આપો ..
ઓટો ટ્યુનર આવી ગયા છે પણ એનો મતલબ એવો કે હથોડા માર્યા જ કરવાના ? જે સાઝને સાધ્યું છે એને આમ કેમ છેહ આપો ? જે સાઝ તમને આટલી ઊંચાઈ સુધી લાવ્યું એને બાજુ ઉપર કેમ મુકાય ? પારંગત થવામાં વર્ષોની સાધના કરી છે , જો ગાવું હતું તો ગળું તૈયાર કરવું હતું ને ..!! સાઝનો શું વાંક ???
કે ગાવાના ધખારા કરવા જાવ છો ???
મારા જેવો ઘણીવાર ત્રાહિમામ્ પોકારી જાય..
કાન ચોખ્ખા કરવા ગયા હોઈએ ત્યાં સાઝ બાજુ ઉપર મૂકી અને ભેંકડો જોડે …
બાપલીયા આવું અમે પણ ભરડી લઈએ એ ચાલે તમે નહી.. !!
સુખડી ઘેર ઘેર બને પણ મહુડીના પ્રસાદની સુખડી ઘેર બને …??? આ એવી વાત છે..
અમે તો પ્રસાદ લેવા આવીએ છીએ અને તમે ભળતું પકડાવો છો…
હમણાં હમણાં એક તરાનો બહુ ચાલ્યો છે , સિતારવાળા સિતાર મૂકી અને ગાય છે .. જન સાધારણ માટે ઠીક છે, પણ અમારા જેવા એમ કહે કે ભઈ શું કરવા ? ગાવું જ છે તો પકડ તાનપુરો અને સ્વર ભરવાના ચાલુ કરો , થોડાક અલંકારો , તાન, પલટા કરશો તો આવી જવાશે , સિતાર ઉપર તો મહારથ છે જ એટલે કાન તો પાક્કા હોય જ ખાલી ગળાની મેહનત કરવાની છે તો કરી લ્યો ને , બે ચાર વર્ષ તો સરસ્વતી તમારે હાથેથી આવીને કંઠે વસશે …!!
પણ ના…
હવે સ્ટેજ અને પબ્લિસિટી મૂકીને ક્યાં જાઉં … !!!
કેટલા બધા છે આવા બાપરે… અને નવા નવા ગિટાર લઈને ગાતી પ્રજા જે ઊભી બજારે નીકળી છે… ઓ માડી રે..!!
એટલું ભયાનક સોફ્ટ સોફ્ટ ગાય , ઉપરથી કામક્રીડાની ફિલ્લમમાં નીકળતા અવાજો કાઢતા હોય ને એવા અવાજો વચ્ચે વચ્ચે કાઢે , કારણ વિના રોતલ ગાવા જાય અને મરિયલ થઈ જાય…
જેને જેમ ફાવે તેમ મચડે છે સંગીતને.. જૂના ગીતોના રીમિક્સ … અરર.. ર…
મારા રોયા… ગળામાંથી ગાય , પેટમાંથી ગાય કે નાભિ માંથી ગાય કે પછી કીડની ,લીવર , રેક્ટમ, ચેસ્ટ ક્યાંથી અવાજ આવે એ ધરાર નક્કી ના થાય…
અમારા ગુરુજી કહેતા કે કળા કરતો મોર બહુ સુંદર લાગે પણ જો ઊંધો ફરે ને તો નાગો દેખાય એટલે કળા દેખાડવી હોય તો ખાસ ધ્યાન રાખવું , ઊંધા નહીં થવાનું …
આ તો પેહલા માઇક મોઢા સુધી લઈ જઈને લલકારે પછી પીંછા ખોલે … થઈ રહ્યું ..!!!
હવે એવી દલીલ આવે છે કે સામાન્ય શ્રોતાને કોઈ ચીજ સમજણમાં ના આવે એટલે સેહજ ગાઈ લઈએ છીએ , ઓડિયન્સ સાથે વાતો કરી લઈ અને કનેક્ટ થઈ જઈએ છીએ..
ભ’ઈ ,બેન, એમાં કથ્થકવાળા જેવું કરાય .. સંગતમાં ગાવાવાળાને બેસાડાય , ભલે તમારી પાછળ બેસાડો …એમાં શું વાંધો છે..?
હમણાં એક જૂની ક્લિપ આવી ફરતી ફરતી , એમાં આશાજી કહે છે જ્યાં ભગવાન પણ પગ મૂકતા ડરે છે એવી જગ્યાએ મૂરખ ચાલીને જતો રહે છે, લતાજીના અમુક ગીતો એવા એવા છે કે જેને ગાતા ભગવાન પણ ડરે , પણ અત્યારે જે ચાલ્યું છે એ પ્રમાણે ગમ્મે તે લતાજીના કોઇપણ ગીતને મારી મચડી અને ગાઈ કાઢે છે …
સાચી વાત છે , ફકત મૂરખ જ આવું કરી શકે…
ગઈકાલે અમદાવાદ નગરી એ સિતાર વાદકનો કાર્યક્રમ ગોઠવાઈ ગયો , ટિકિટ શો હતો …
હું ધરાર નોહતો ગયો મને બસ્સો ટકા ખાતરી હતી કે વાદક ભાઈ એમના મોઢા સુધી માઇક લઈ ગયા વિના રહેવાના જ નથી..!!
મારા કાન એ ” દુઃખ ” સહન નહીં કરી શકે …!!
કાળી વાદળીની એક રૂપેરી કોર પણ છે ,
મારા ઘરમાં પ્રવેશ કરતા સામે જ મેં મારો તાનપુરો મૂક્યો છે , નવ્વાણું ટકા આવનારા એમ પૂછે કે આ સિતાર તમે વગાડો છો ..?
આ સિતાર ગાયક (વાદક) ભાઈને કારણે એવું થયું કે લોકો ને એટલી સમજણ આવી કે તાનપુરો એ સિતાર નથી , સિતારમાં ઘણા બધા તાર હોય છે ..!!
આનંદ એટલો ખરો કે પબ્લિક બે કલાક સિતારના નામે જલસામાં ટિકિટ ખરીદીને જતી થઈ …પછી ત્યાં જે પીરસાયું એને અદ્દભૂત ગણી અને ઘેર પાછી આવી જાય..
સાત સૂરોનો દરિયો … માતા સરસ્વતી એમ કહે કે આ દરિયામાં હું મારી વીણાના તુંબડાને સહારે તરી રહી છું ત્યાં કાળા માથાના માનવીની શું વાત ?
જરાક તમારા બાળકને સંગીત શીખવશો અને જાતે પણ શીખશો તો જીવનમાં ઠેહરાવ આવશે , સંગીતમાં જીવવું કઠિન છે પણ સંગીત સાથે જીવન બહુ જ આસાન થઈ જાય છે…
દૈવી અનુભવોમાંથી સંગીતના જોરે સાક્ષી ભાવે પણ પસાર થઈ ચૂક્યો છું , ક્યારેક સંગીતે એવી એવી ક્ષણો જીવનમાં આપી છે કે જેને સાદી ભાષામાં અલૌકિક કહી શકાય એવી ક્ષણો આપી છે ,
આ સંગીત એ..
ભારતીય શાસ્ત્રીય સંગીત , મંદિરોનું સંગીત છે એમ ડૂબ્યા તો તરી જવાય અને તરવા ગયા તો ડૂબી જવાય..!!
અગાધ…
અનંતની કલ્પના કરી શકાય પણ સંગીતને સાધો તો પામી શકાય..!!
લક્ષ્ય વિના કોઈપણ કામ આગળ ના વધે , પણ ફકત લક્ષ્યને નજર સામે રાખો તો સ્ટ્રેસ આવે , ભારતીય શાસ્ત્રીય સંગીત શીખવામાં જર્ની સફરનો પણ આનંદ છે , અને એક લક્ષ્યની નજીક જાવ એટલે બીજા અનેક લક્ષ્ય દેખાય સંગીતમાં દોડતા રહેવાની મજા પણ છે…
જીવનના છપ્પનમાં વર્ષે એમ થાય છે કે તબલા શીખવાના રહી ગયા , હાર્મોનિયમ પોલ નું ઘરમાં પડ્યું છે પણ આંગળીઓ ફરતી બંધ થઈ ગઈ છે , આ યુટ્યુબ અને બીજા મીડિયાએ સંગીતની દુકાનોમાં જઈ જઈને રેકર્ડ અને કેસેટ શોધવાની “મજૂરી” કરવાની મજા ગાયબ કરી નાખી..
બદલાતા સમયની તાસીર છે .. મોર પીંછાથી શોભે .. ગાયક કે વાદક ના પીંછા એટલે એમના સાજીંદાઓ , પણ હવે એમ્બિયન્સનો જમાનો છે , જેટલા.મોટ્ટા સ્ક્રીન મૂકો અને એમાં ગ્રાફિક્સ વધારે મૂકો એટલે જનતા કાનેથી સૂર ના રસપાન ભૂલી અને આંખેથી સંગીત જોવાનું ચાલુ કરી દે…ગાયક વાદક પણ એક્ટિંગ ચાલુ કરી દે એમની કલાકારી બાજુ ઉપર મૂકી અને બીજી કલાકારી કરે…!!!
જય હો…
સંગીતના જલસામાં અમે બેઠા હોઈએ અને પાછળથી કોઈ કહે કે જરાક ખસો ને અમને દેખાતું નથી ત્યારે અમે સમજી જઈને કે ભગવાને બિચારાને કાન નથી આપ્યા એટલે આંખોથી સંગીત જોવા આવ્યો છે…
દયા ને પાત્ર છે એવા લોકો કે જે સંગીતને જોવા જાય છે…!!
આજે પણ ભારતવર્ષમાં એવા એવા કલાકારો છે જેમણે પોતાના દેખાવને ક્યારેય મહત્વ નથી આપ્યું પણ ઉચ્ચ કોટી નું સંગીત પીરસ્યું છે , નત નવા સિલ્કના ઝભ્ભા, ઘરેણા પેહરી અને બેસૂરા અવાજે ગાવું એના કરતા નીતરતા પરસેવાથી લથબથ કોટનના મેલાઘેલા ઝભ્ભામાંથી નીકળતા પાક્કા સૂરો લાખ ગણા બેહતર છે..
કોઈ એમ ન પૂછતા કે શૈશવ તું કેમ દેખાયો નહીં સિતારવાદનના કાર્યક્રમમાં ,
મોઢા સુધી માઇક લઈ જતા વાદકો શૈશવથી સહન નથી થતા ,
એ પછી સિતાર, ગિટાર ,વાયોલિન ,સરોદ , કે તબલા ..!!
શું કરવા તમારી બનાવેલી સોનાની થાળીમાં લોઢાની મેખ મારો છો ..??
પબ્લિસિટી કુત્તી ચીજ છે.. !!
ઠીક છે ,
શૈશવ તો એના સૂર શોધી લેશે ગમે ત્યાંથી, પણ તમારો માંહ્યલો ક્યારેક જાગશે તો …???? ત્યારે અરીસામાં જોઈ શકશો ???
ભૈરવનો સમય થઈ ગયો છે…
भैरव थाट रे ध कोमल, धैवत ॠषभ सम्वाद।
प्रात: समय गुनी जन गावत, भैरव पूरण राग।।
રિષભ અને ધૈવતને આંદોલિત કરીને ધીર ગંભીર રીતે ગવાતો રાગ.. અમદાવાદમાં હો અને એક સેકન્ડમાં નાથદ્વારાના કમળ ચોકમાં તમને ઊભા કરી દે ..
स्थायी:
धन धन मरत कृष्ण मुरारी सुलच्छन गिरिधारी छबि सुंदर लागे अति प्यारी
अंतरा :
बंसी धर मन मोहन सुहावे बलि बलि जाऊँ मोरे मन भावे सब रंग ज्ञान विचारी
आज के आनंद की जय
शैशव वोरा
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*