દિલ્લી એરપોર્ટના ટી ૨ ટર્મિનલ બેઠો છું બહુ નાની વિઝીટ હતી મારી આજની ,એક જ મીટીંગ માટે દિલ્લી લાંબા થવું પડ્યું ,સવારે એરપોર્ટથી ઓખલા પોહચતા સુધીમાં ટેક્ષી ડ્રાઈવર માથું ખાઈ ગયો આ બધું તમારા ગુજરાતમાં શું ચાલે છે ? મને પૂછે પટેલ છો મેં ખોટી ખોટી હા પાડી અને ડ્રાઈવર ચાલુ પડી ગયો ..
આ તમે બધા પટેલો શું કરો છો ? કેટલું બધું નુકસાન કરો છે ? મોદીજી કો નીચા દિખાને કે લિયે કરતે હો ..એવું મોટું લાંબુ ભાષણ ચાલુ કરી નાખ્યું .. કલાક માં તો મારું મગજ ખરાબ થઇ ગયું …
પણ મગજને વિચારતું કરી દીધું , ફરી એકવાર વિચારો આવવા લાગ્યા કે ગુજરાત ક્યાંક વર્ગ વિગ્રહ તરફ તો નથી જતું રહ્યું ને .. બધા પટેલો એક જ વાત કરે છે હવ ઈલેક્શન આવવા દો ને અમે બતાડી દઈશું ..
બીજું એક ઉદાહરણ મગજ માં આવ્યું ..
પર્યુષણ મહાપર્વની શરૂઆત થઇ ,એક નાહક નો વિવાદ ચાલ્યો મહારાષ્ટ્ર ,રાજસ્થાન અને જમ્મુ કાશ્મીર આ બધા રાજ્યોમાં માંસાહારી ચીજો વેચવા પર ત્રણ દિવસ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને એના વિરોધમાં જેને જેમ ફાવે તેમ બધા બોલ્યા અને લખ્યું …
કદાચ તમને બધાને વોટ્સ એપ આવતા હશે કે અમે જૈનો આટલો ઇન્કમટેક્ષ ભરીએ છીએ અને પટેલો આટલો ,જૈનોના દેશમાં આટલા મોટા ઉદ્યોગપતિઓ છે અને પટેલ ના હાથમાં આટલા બધા ધંધા છે …
સામે જવાબમાં અમુક લોકો છેક ત્યાં સુધી પોહચી ગયા કે મુસલમાનો ને તો પાકિસ્તાન રાખશે તમ્મને કોણ રાખશે ..? અલ્યા શું છે આ બધું ..?
બસ આપણે એકલા એજ આ દેશમાં રેહવાનું છે ..? મહાવીર પારકા હતા ..? ભારતભૂમિ પર નોહતા જન્મ્યા .? રામ ના વંશજો પટેલ છો એ સ્વીકાર્યું પણ પછી નો બકવાસ ..!
સાથે રમીએ સાથે કરીએ સઘળા કામ એ બધું ક્યાં ખોવાયું ..?
અમે પટેલો રામ ભગવાનના વંશજ છીએ , હવેથી પટેલો એ કોઈ પગપાળા સંઘમાં પૈસા આપવા નહિ ..પટેલ છીએ અમે અમારી પાસે બહુ બધી તાકાત છે .
જૈન છીએ અમારી પાસે આટલી તાકાત છે અમે દેશ ના વિકાસમાં અમારો આટલું બધું યોગદાન આપીએ છીએ એવા વોટ્સ એપ ફરે છે …
નકરો વાણી વિલાસ ..
ત્રણ દિવસ માંસાહાર ના થાય તો શું ખાટુ મોળું થવાનું હતું ..? મને ક્યાંક આમાં જૈન સમાજ પ્રત્યેની છુપી ઈર્ષ્યા દેખાય છે , જુના જમાનામાં રાજા મહારાજા પણ પર્યુષણ પર્વ દરમ્યાન માંસાહાર પર પ્રતિબંધ રાખતા ,ત્યાં સુધી કે બ્રિટીશ રાજમાં પણ આ પરંપરા રહી તો આપણને શું પેટમાં દુખ્યું ..?
કોઈ જીવનભરનો પ્રતિબંધ તો નથી ,
શું આપણે સહિષ્ણુતા ગુમાવી ચુક્યા છીએ ? કોઈ બીજાના ધર્મ કે બીજી જ્ઞાતિ પ્રત્યેની આદર કરવાની ભાવના નથી રહી આપણામાં ? તો પછી તાલેબાન અને આપણા માં ફર્ક શું ..?
અહિંસા જેવું બીજું કોઈ મોટું હથિયાર નથી આ જગતમાં , અને હિંસા એ કોઈ સમસ્યાનું સમાધાન નથી .. આ બધું સદીઓથી આપણે જોતા આવ્યા છીએ છતાં પણ આવા બાલિશવેડા ..!!!
પટેલ અનામત આપવામાં કઈ ખોટું નથી , હકીકત એ છે કે અનામત એ અત્યારના જમાનામાં ખુબ ખોટી વ્યવસ્થા છે ..એને કોઈ પણ રીતે એક નિશ્ચિત નવું રૂપ આપવાની તાતી જરૂર છે મુદ્દો સો ટકા સાચો છે ..
મને સૌથી વધારે ગમતો ધર્મ એ જૈન ધર્મ છે , મનસા વાચા અને કર્મણા ક્યાય હિંસા ના થવી જોઈએ ,એક આદર્શ સમાજ નું નિર્માણ થાય જો આ રસ્તે આખો સમાજ ચાલે તો , પણ હકીકત અને વ્યહવારમાં આ વાત શક્ય નથી , પ્રયત્ન ચોક્કસ થાય અને એ પ્રયત્નમાં જ આખી જીંદગી જાય અને સારી રીતે જાય …
છેક મોક્ષ સુધીની વાતો ના કરીએ તો પણ ખાલી બને તેટલી અહિંસા ને આગળ રાખીએ તો પણ બહુ છે , હું કાંદા બટાકા વાળી વાત સાથે સહમત નથી અને બીજો સૃષ્ટિનો સનાતન નિયમ જીવો જીવસ્ય જીવનમ ને પણ એટલો જ સ્વીકારું છું
બીજી તરફ પટેલ સમાજ પ્રત્યે માન છે કે ખુબ મેહનત કરી અને છેલ્લા સો વર્ષ માં આગળ આવેલી કોમ છે પટેલ સમાજ ..એકદમ પ્રેક્ટીકલ .
મારા જીવનને ટકાવી રાખવા સિવાય , હું બને તેટલી અહિંસા ને વળગી રહીશ , બાકી જો જડતા પૂર્વક વળગી રહીએ અહિંસાને તો માંદા પડીએ ત્યારે એકપણ દવા ના ખવાય ..દવા ખાવથી હિંસા થાય પણ શરીરમાં રોગના જીવને વધવા ના દેવાય નહિ તો આપણે મરી જઈએ ..ત્યાં અહિંસા નકામી
અહિંસા ને અહિયા અટકાવવી પડે નહિ તો મરી જઈએ ..
એમ જ અત્યારે જે વોટ્સ એપ મેસેજો ફરી રહ્યા છે અને એકાદા ગ્રુપ માં એક પટેલ મેસેજ નાખે અને બીજા એકાદા એમણે સપોર્ટ કરે , એક જૈન નાખે અને બીજા એકાદ એને સપોર્ટ કરે ..
પણ આ બધા નો મતલબ શું ..?
શું આપણે એક સમાજ તરીકે નથી જીવતા .?
પટેલનો બનાવેલો વોશિંગ પાવડર શું પટેલ જ લેશે બીજા નહિ લે ..? જૈનની બનાવેલી દવા શું એકલો જૈન જ ખાશે ..?
હકીકત કહું તો જે મોટા લોકો ના નામે વોટ્સ એપ ફરે છે કે ફલાણા મોટા માણસ અમારા જૈન અને ફલાણા મોટા માણસ અમારા પટેલ ..
અને એ મોટા માણસના નામે જે સમાજના બીજા લોકો ને દાટી મારવાની વાત થાય છે એ મોટા લોકો ને ત્યાં એ વોટ્સ એપ ફેરવનારો જાય ને તો એ મોટા માણસ એમના બંગલાના ઝાંપે પણ એ વોટ્સ એપ ફેરવનારા ગધેડા ને ઉભો ના રેહવા દે ..
સાદું ઉદાહરણ આપું તો હું એવું લખું કે અમારી જ્ઞાતિમાં સૌથી મોટા માણસ મોહનદાસ કરમચંદ ગાંધી ..એટલે એમના નામે મારે જે લખવું હોય તે લખાય ..? અને બીજા મોટા માણસ ધીરજલાલ હીરાચંદ અંબાણી ..એટલે હું કઈ પણલખું ..?
અચ્છા જે વોટ્સ એપ ફરે છે એવો વોટ્સ એપ હું ફેરવું અને સામેવાળા ને તો એમ જ લાગે કે મુકેશ અંબાણીને મારે એકદમ અંગત , બસ આન્તાલીયામાં જાઉં અને કહું નીતા ભાભી જલ્દી થાળી પીરસો બહુ ભૂખ લાગી છે ..
બાપા ભઈલા દયા કરો અને બધા માપમાં રહી અને સૌ સૌ નું કામ કરો સરદાર પટેલ ને ૫૬૨ રજવાડા ભેગા કરતા બહુ મેહનત પડી હતી , જોડવું બહુ અઘરું છે તોડવું તો સાવ સેહલું છે …
આજે મિચ્છામી દુક્કડમ નથી કરતો ..
શૈશવ વોરા