બિપરજોય ..
લગભગ છેલ્લા દસ દિવસથી આખા ગુજરાતને કાનમાં શૂળની જેમ આ શબ્દ ભોંકાઈ રહ્યો છે, અત્યારે સોળમી જૂન અને સવારના સવા છ વાગી ગયા છે,
ટીવી ખોલીને બેઠો છું પણ ન્યુઝરૂમ “જુના જુના” સમાચાર બતાવી રહ્યું છે..
પત્રકારોને પણ ઊંઘ તો હોય ને..
બાહર કોયલના ટહુકાર સંભળાય છે ને ચકલા એમના કેકારવ કરી રહ્યા છે,
એટલે લાગે છે આજે નગરી અમદાવાદે જેટલો ધાર્યો છે એટલો ભારે દિવસ નહિ નીકળે,
ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરીને ડિઝાસ્ટર મેનેજમેન્ટને ભયંકર મજબૂત કરી મુક્યું છે એટલે કદાચ જાની નુકશાન તો નહિ જોવા મળે પરંતુ માલનું નુકસાન બેહદ સામે આવશે એવું લાગે છે..
એક જમાનામાં કચ્છ વાગડ આ બધા ઇલાકામાં કશું ખાસ નોહતું પણ આજે બંદરો લગભગ જામપેક છે, જામનગર રીફાઇનરી અને કોસ્ટલ એરિયા ઉપર આવેલા સિમેન્ટ પ્લાન્ટો અને બીજા અનેકો અનેક ઉદ્યોગોને નાની મોટી ગજ્જબ મુશકેલીઓ આવશે..
પણ વાંધો નહિ…ગુજરાતી ભડ ભાદર ભાયડો લડી લેશે ..
વિટામીન બી-૧૨ કે ડી-૩ નું લેવલ શરીરમાં ગમ્મે તેટલું ઓછું હોય પણ આર્થિક નુકશાનને તો ભડ ભાદર ખમી ખાય, જરૂર પડ્યે ટેકો લઇ લ્યે પણ બેઠો થઇને દોડતો તો થઇ જ જાય ..
નગરી અમદાવાદની મધ્યેથી નીકળતી એક જમાનાની સાબરમતી ઉર્ફે ગટરમતી, આજની ઉધારના સિંદૂરે .. નર્મદાના ઉધારના પાણીએ સોહાગણ દિસતી નરેન્દ્રભાઈની લાડકી આજે વેળાસર ખાલી કરવી રહી ..
શેહરોની બાંધણી કરતા આપણને નથી આવડતી એ પણ કબૂલ કરવું રહ્યું ..
ટીપી સ્કીમો ઉર્ફે “ટીપા ખોલી” તો નખાય છે પણ એમાં કુદરતી પરિબળોને ધ્યાનમાં લઈને રોડ રસ્તા ગટરના પ્લાનિંગ વસ્તી વસી જાય પછી કરવામાં આવે છે..!!
એક પણ ટીપી એવી નથી કે જેમ પેહલા લાઈટ,પાણી ,ગટર ,વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા પેહલા ગોઠવાઈ હોય અને પછી વસ્તી વસાવવામાં આવી હોય ..!
અને એમાં પણ કોઈકે એવી બુદ્ધિ આપી છે કે એક કલાકમાં એક ઇંચ વરસાદ પડશે અને એટલા પાણીના નિકાલની ગણતરી મુકો અને એ પ્રમાણેના ભૂંગળા ઉતારો જમીનમાં..!
હવે છેલ્લા દસ વર્ષની પેટર્ન જોઈએ તો વરસાદ જ્યાં પડે છે ત્યાં રીતસર ખાબકે જ છે,
એવા સંજોગોમાં `ગટરમતી` ભરેલી હોય તો પછી નગરી અમદાવાદ લબાલબ..!!
જમીનમાં ઉતારેલા વરસાદી ગટરના ભૂંગળા જયારે મેઘો ખાબકે છે ત્યારે નાના પડે છે..!
વિકાસ હજી અટક્યો નથી તો કમ સે કમ જે નવું થઇ રહ્યું છે અને જે “ટીપા” ખોલવાના બાકી છે એટલીસ્ટ એમાં મૂળભૂત સુવિધાઓ પેહલા આપી અને પછી બીયુ અપાશે તો ઘણો ઉપકાર થશે , બિલ્ડરનો વેઇટિંગ પીરીયડ વધશે પણ જનતા જનાર્દનને સેહજ રાહત રેહશે..
અને હા પ્રજાને તો વાંસ ડૂબ્યા ભેગા સવા વાંસ .. એટલે ભૂંગળા ઘાલો જમીનમાં તો જરાક મોટા .. એટલે ખાબકે તો જળબંબાકાર ના થાય..!
તળાવો નગરી અમદાવાદમાં અત્યારનો વિસ્તાર છે એને ગણતરીમાં લઈએ તો આપણે પી ગયા ,ગોચર ચરી ગયા પણ કુદરત સમજતી નથી તો હવે એને સમજાવવી રહી ..
જુના નકશા ખોલી જ્યાં જ્યાં તળાવો-તલાવડી હતી ત્યાં ત્યાં પ્રોપર પરકોલેટીંગ વેલ બનાવવા રહ્યા અને જરૂર પડ્યે સેન્ડ ફિલ્ટર મોટા પ્રમાણમાં મૂકી અને બસ્સો ત્રણસો ફૂટના રીવર્સ બોરવેલ કરવા રહ્યા..!
નીચે પાણી હશે ધરતીમાં તો ઉપર લીલોતરી ઉગશે ,ટકશે ,રેહશે ..!!
દોહન છોડીને શોષણ કર્યું છે એટલે કર્યા ભોગવા રહ્યા ..!
આજે આટલું જ
સાચવજો
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*