બકરી ઈદ … બકરાની કુરબાની આપી અને મનાવશે મુસ્લિમ સમાજ ,અને જૈન સમાજ અહિંસા કરીને ,કોઈ ચીજનો ત્યાગ કરીને કે કોઈ ઓળી કરશે કે પછી કોઈ બીજી કોઈ રીત અપનાવશે મૃત બકરા કે બીજા જીવો જે આજે મૃત્યુને ભેટશે એના આત્માની શાંતિની કાજે ..
કોણ સાચું અને કોણ ખોટું ?હિંસા કે અહિંસા ?
વર્ષોથી આ સવાલમાં અટવાયા કરું છું પણ જવાબ નથી મળતો ,મનથી જૈન બનવાની અદમ્ય ઈચ્છા થાય છે , મન વચન અને કર્મથી ક્યાય કોઈ હિંસા નહિ ,એક આદર્શ સૃષ્ટિની રચના થાય..
પણ શક્ય જ નથી સૃષ્ટિના કણ કણમાં હિંસા વ્યાપેલી છે , કયો ભાગ સૃષ્ટિનો અહિંસક છે ? નથી જવાબ
બ્રહ્મ ,જીવ, તત્વ ,સત્વ ,રજસ ,તમસ આવા બધા ભારે ભારે શબ્દોની પાછળ દોડી દોડી અને પાછો ઠેરનો ઠેર આવુ છું .થોડી શાંતિ અને સમજણ તો પછી મમ્મીની નાનપણમાં શીખવાડેલી એમ્બ્રીયોલોજી (ગર્ભ વિજ્ઞાન) આપે છે ..
બહુ નાનપણથી જ એક સવાલ મને હેરાન કરતો આવ્યો છે , માણસના શરીરમાં આત્મા ક્યાં રહે છે? એની ચોક્કસ જગ્યા કઈ? જે જીવઆત્મા મરી ગયા એના આત્માની શાંતિ માટે કોઈ કાર્ય કરવું એ સારી વાત છે પણ ફરી પાછો એનો એ જ સવાલ હેરાન કરે છે , આત્મા કે જીવ શરીરમાં કયા રહે છે ? સાબિત કરવો છે .. સાબિત થાય તો એની શાંતિ માટેના પ્રયત્ન લેખે ,બહુ મેહનત કરી ..
જેમ જેમ વાંચું છું એમ ક્યારેક કોઈ થોડી કલેરીટી પકડાય છે , આત્મા અને ચેતનાનો ક્યાંક સીધો સબંધ છે એવું માનવા પ્રેરાઉં છું , અને ચેતના ના જુદા જુદા લેવલ છે , હવે ચેતનાનો સ્વીકાર કરું એટલે વાત સીધી બુદ્ધિ પર આવીને અટકે અને બુદ્ધિનું કનેક્શન સીધું મગજ જોડે આવે ..
મગજ એટલે આખે આખી CNS સેન્ટ્રલ નર્વસ સીસ્ટમ , અને એ પાછી જોડાયેલી છે શરીરના બધા જ તંત્રો જોડે , બધે ફરી ફરીને પાછો શરીર પર …તો પછી આત્મા રહે છે ક્યાં શરીરમાં ..?
બેક ટુ એમ્બ્રિયો , જન્મની પ્રોસેસમાંથી કદાચ મળી જાય , મમ્મીએ એમ્બ્બ્રીયોલોજી શીખવાડવાની ચાલુ કરી હતી પુષ્પના પરાગ નયનથી , ..
જયારે પુષ્પમાં રહેલા સ્ત્રીકેસર પર પુ:કેસરમાંથી નીકળેલી પરાગરજ સ્થાપિત થાય છે ત્યારે પરાગનયનની ક્રિયા પૂર્ણ થાય છે અને પરાગરજ્નો સ્ત્રીકેસર સ્વીકાર કરે છે ત્યાર પછી બીજ ના બનવાની પ્રક્રિયા શરુ થાય છે ..સ્ત્રીકેસર હમેશા શશક્ત પુ:કેસરના પરાગરજનો સ્વીકાર કરે છે …
અહિયાં સ્વીકાર શબ્દ આવ્યો ,સ્વીકાર એટલે ઈચ્છા મરજી અને મરજી એટલે મન ..મન એટલે ચેતના અને ચેતના એટલે આત્મા.. તો શું વનસ્પતિમાં પણ આત્મા છે ? એક ને સ્વીકારી અને બીજા બધા ને ઇનકાર ..
ઇનકાર એટલે મૃત્યુ ..
તો શું મૃત્યુ જન્મની પેહલા જ અસ્તિત્વમાં આવે છે ?
બસ અટવાયા જ કરો ..
બકરાની કુરબાની કે પાડાનો બલી ..
કુરબાની કે બલી પ્રથા બહુ જૂની પ્રથાઓ છે ,પુરાતનકળમાં હેન્ડ ટુ હેન્ડ કે આમને સામને યુધ્ધો થતા ત્યારે લોહી જોઈને ડરી ના જાય સૈનિક એના માટેની ની અસ્તિત્વમાં આવેલી આ પ્રથા ..કેટલો વખત હજી ચાલુ રાખવી જોઈએ એ ચર્ચાનો વિષય ..
એક મધ્યમ માર્ગ છે શાંતિથી જીવવાનો ,બને એટલો પ્રયત્ન કરો અહિંસાને વળગી રેહવાનો અને બીજાને ફોર્સ ના કરો ,તમારે જે કરવું હોય તે તમે કરો ,પણ તમે હિંસા કરશો તો એને કાઉન્ટર કરવા હું મારી જાતને સંકટમાં મુકીશ કે હું આમ કરી અને ધરતી પર થનારા કે થયેલા પાપ ને હું બેલેન્સ કરીશ એવું કરવાની જરૂર નથી …
આદિ શંકરાચાર્યજીનું એક કથન જીવો જીવસ્ય જીવનમ્ બહુ જાણીતું છે , અને જીવનમાં પ્રેકટીકલ લાઈફ તરફનો એક સારો એપ્રોચ છે એમાં , વાઘ સિંહ શાકાહારી થવાના નથી અને હું કે ગાય માંસાહારી નહિ ..
દુનિયા છે બધું ચાલવાનું અને ચાલતું રેહવાનું , જેના માટે માંસાહાર એ જ ભોજન છે એને જીવ, આત્મા , હત્યા આ બધું બહુ ગૌણ છે ..
ખોટો કકળાટ અને મેસેજ ફેરવી અને હું અહિંસાનો પુજારી અને હું વેજીટેરીયન છું એટલે તારા કરતા હું વધારે સારો કે સાચો અને હું ઉંચો અને તું નીચો તુચ્છ એવું કરવાની કોઈ જરૂર નથી ..
મેં પરદેશમાં આપણા દોઢ ડાહ્યા રોમમાં રસ અને પેરીસમાં પાતરા ખાવાવાળા ગુજરાતીને બહુ જ ખરાબ રીતે જયારે કોઈ નોન વેજ ખાતો હોય તો એની સામે મોઢું બગાડતો જોયો છે .. પેલો નોનવેજ ખાનારો એવો ખાસિયાણો પડી જાય કે જાણે એણે કોઈ બહુ મોટો ગુન્હો કરી નાખ્યો છે કે શું .?
હું જે કરું તે સાચું અને બીજો ખોટો એ ગુજરાતી વૃત્તિ છોડવાની તાતી જરૂર છે ..
બીજા સાચા કે ખોટા એ આપણે નક્કી નથી કરવું ,
હા સાથે સાથે બીજા ને પણ ચોક્કસ નક્કી નથી કરવા દેવું કે હું સાચો કે ખોટો …!!
શુભ રાત્રી
શૈશવ વોરા